એક કીડીની કિંમત 21 હજાર રૂપિયા, નાનું એવું જંતુ કેમ ખાસ છે?

કૅન્યામાં જોવા મળેલી વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓ વિશ્વભરના શોખીન સંગ્રહકર્તાઓમાં લોકપ્રિય છે

ઇમેજ સ્રોત, Dino Martins

ઇમેજ કૅપ્શન, કેન્યામાં જોવા મળેલી વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓ વિશ્વભરના શોખીન સંગ્રહકર્તાઓમાં લોકપ્રિય છે
    • લેેખક, વાઇક્લિફ મુઈયા
    • પદ, નૈરોબી
  • વાંચવાનો સમય: 8 મિનિટ

કેન્યામાં અત્યારે ઊડતી કીડીઓની ભરમાર છે.

ચોમાસાની આ ઋતુ દરમિયાન કેન્યાની રિફ્ટ વૅલીના શાંત અને ખેતી ઉપર નભતા નગર ગિલગિલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા હજારો રાફડામાંથી કીડીઓનાં ઝુંડ બહાર નીકળતાં જોઈ શકાય છે. આ નગર હવે વેગ પકડી રહેલા ગેરકાયદે વેપારના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.

પ્રજનની પ્રક્રિયામાં પાંખો ધરાવતી નર કીડીઓ રાણી કીડીઓને ગર્ભધારણ કરાવવા માટે તેમના દર છોડીને ઊડે છે, આ તરફ રાણી કીડીઓ પણ તે સમયે ઊડતી હોય છે. તેના કારણે દાણચોરો માટે રાણી કીડીનો પીછો કરવાનો આ એકદમ યોગ્ય સમય છે. આ દાણચોરો કીડી રાખવાના વધી રહેલા વૈશ્વિક 'પેટ ક્રેઝ'ને કારણે ઉદ્ભવેલા કાળા બજારનો ભાગ છે.

લોકો પારદર્શક પેટીઓમાં કીડીઓને રાખે છે અને તેમની વસાહતો કેવી રીતે બને છે, તે જોતા હોય છે.

આંતરરાષ્ટ્રીય સંગ્રહકારોમાં જાયન્ટ આફ્રિકન હાર્વેસ્ટર ઍન્ટની રાણી કીડીના સૌથી વધુ દામ ઉપજતા હોય છે. આ કીડી કદમાં મોટી અને લાલ રંગની હોય છે અને એક કીડીની કિંમત 170 પાઉન્ડ (220 ડૉલર) કરતાં વધારે હોઈ શકે છે.

એક જ ફલિત રાણી આખી વસાહત ઊભી કરવા સક્ષમ હોય છે અને તે દાયકાઓ સુધી જીવિત રહી શકે છે. વળી, સ્કૅનર્સ ઑર્ગેનિક પદાર્થો (જૈવિક પદાર્થો)ને પારખી ન શકતાં હોવાથી તેને કુરિયર મારફત સરળતાથી પહોંચાડી શકાય છે.

આ કીડીઓ આકર્ષણનું કેન્દ્ર કેમ છે?

આ કીડીઓ સામાન્ય રીતે આવા રાફડામાં જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ કીડીઓ સામાન્ય રીતે આવા રાફડામાં જોવા મળે છે

બીબીસી સાથે વાત કરતાં એક ભૂતપૂર્વ દલાલે ઓળખ છતી ન કરતાં જણાવ્યું હતું, "શરૂઆતમાં મને ખબર નહોતી કે, આ કામ ગેરકાયદે છે." તે વ્યક્તિ વિદેશી ખરીદકર્તાઓનો સ્થાનિક સંગ્રહકર્તા નેટવર્ક સાથે સંપર્ક કરાવી આપતો હતો.

મેસર સેફાલોટ્સ તરીકે પણ ઓળખાતી આ કીડીઓ મૂળ પૂર્વ આફ્રિકાની વતની છે અને બિયારણ એકઠું કરવાની તેની આગવી વર્તણૂક તેને સંગ્રહકારોમાં લોકપ્રિય બનાવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભૂતપૂર્વ દલાલે જણાવ્યા પ્રમાણે, "એક મિત્રે મને કહ્યું કે, એક વિદેશી નાગરિક અહીં મોટા પાયે જોવા મળતી મોટી લાલ રાણી કીડીઓ માટે ઊંચા દામ ચૂકવવા તૈયાર હતો."

"ખુલ્લાં ખેતરોની આસપાસ સવાર-સવારમાં, મોટા ભાગે ગરમી શરૂ થાય તે પહેલાં કીડીઓના રાફડા શોધવામાં આવે છે. વિદેશીઓ જાતે કદી ખેતરોમાં આવતા નથી, તેઓ શહેરમાં ગેસ્ટ હાઉસ કે કારમાં રાહ જોતા હોય છે અને અમે તેમણે આપેલી નાની નળીઓ કે પછી સિરિન્જોમાં કીડીઓ ભરીને તેમની પાસે લઈ જતા હતા."

આખરે, ગયા વર્ષે પ્રવાસીઓમાં લોકપ્રિય તળાવ કિનારે વસેલા નૈવાશા નામના શહેરના એક ગેસ્ટ હાઉસમાંથી - મુખ્યત્વે ગિલગિલની આસપાસથી મેળવવામાં આવેલી 5,000 જાયન્ટ હાર્વેસ્ટર ઍન્ટ ક્વીન્સ (રાણી કીડીઓ) જીવિત મળી આવી, ત્યારે કેન્યામાં ચાલી રહેલા ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ થયો હતો.

કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ (કેડબલ્યુએસ)ના જણાવ્યા પ્રમાણે, બેલ્જિયમ, વિયેતનામ અને કેન્યાના શકમંદોએ ટેસ્ટ ટ્યૂબ અને સિરિન્જોમાં ભીનું રૂ ભરી દીધું હતું, જેથી દરેક કીડી બે મહિના સુધી જીવિત રહી શકે.

આ રીતે તેમને યુરોપ અને એશિયામાં લઈ જઈને વેચી દેવાનો પ્લાન હતો.

'હું કીડીઓના વેપારનો વ્યાપ જોઈને અચંબિત થયો'

ડિનો માર્ટિન્સનું કહેવું છે કે જે કીડીઓનો વેપાર થઈ રહ્યો છે તે ઘણો મોટો હોઈ શકે છે
ઇમેજ કૅપ્શન, ડિનો માર્ટિન્સનું કહેવું છે કે જે કીડીઓનો વેપાર થઈ રહ્યો છે તે ઘણો મોટો હોઈ શકે છે

કીડીઓના આ વેપારથી વિજ્ઞાનીઓ અને અધિકારીઓને આંચકો લાગ્યો હતો.

પૂર્વ આફ્રિકાનો આ દેશ આમ પણ હાથીદાંત અને ગેંડાનાં શીંગડાં સહિત વન્ય જીવોને લગતા હાઈ-પ્રોફાઇલ અપરાધોથી સારી પેઠે વાકેફ છે.

બ્રિટનસ્થિત ઍન્ટ્સ આરઅસ રિટેલર જાયન્ટ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓને "ઘણા લોકોની સપનાની પ્રજાતિ" ગણાવે છે. જોકે, હાલ આ કીડીઓ આઉટ ઑફ સ્ટૉક થઈ ગઈ છે અને રિટેલરની વેબસાઇટ જણાવે છે કે સ્વયં રિટેલરો માટે તે કીડીઓ મેળવવી મુશ્કેલ છે.

કીડીઓની આશરે 600 જેટલી પ્રજાતિ જ્યાં વસે છે. કેન્યાના જીવવિજ્ઞાની ડિનો માર્ટિન્સે બીબીસીને જણાવ્યું હતું, "જીવવિજ્ઞાની હોવાના નાતે હું પણ આ વેપારનો વ્યાપ જોઈને અચંબિત થઈ ગયો છું."

જોકે, પૂર્વ આફ્રિકાની હાર્વેસ્ટર કીડી પ્રત્યેનું લોકોનું આકર્ષણ તેઓ સમજી શકે છે, કારણ કે 25 મિમી (0.98 ઇંચ) જેટલું કદ ધરાવતી અને જીવનભર ઈંડાં આપતી "મુખ્ય રાણી" કૉલોનીનું સર્જન કરતી હોય છે.

"તેની ગણના કીડીઓની સૌથી રહસ્યમય પ્રજાતિઓમાં થાય છે. આ કીડીઓ મોટી વસાહતો બનાવે છે, તેની વર્તણૂક રસપ્રદ હોય છે અને તેને સરળતાથી પાળી શકાય છે."

તેઓ કહે છે કે, રાણી કીડી અનેક નર કીડીઓ સાથે પ્રજનન કરે છે.

જીવવિજ્ઞાનીના જણાવ્યા પ્રમાણે, "તે પછી નર કીડીઓનું કામ પૂરું થઈ જાય છે. મોટા ભાગની નર કીડીઓ શિકારીઓનો કોળિયો બની જાય છે કે પછી મોતને ભેટે છે." તે પછી રાણી કીડી સલામત જગ્યાએ જઈને નાનો દર ખોદીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા માટે ઈંડાં મૂકવાનું શરૂ કરે છે.

તેના કામદારો અને સૈનિક કીડીઓ રહેઠાણનું રક્ષણ કરે છે. તે તમામ માદા કીડી હોય છે. સમય જતાં તેમની સંખ્યા હજારો સુધી પહોંચી શકે છે.

માર્ટિન્સ કહે છે, "આ રાફડા 50 વર્ષ કરતાં વધુ સમય, કદાચ 70 વર્ષ સુધી ટકી રહે છે. નૈરોબી પાસેના કેટલાક રાફડા 40 વર્ષ જૂના છે, કારણ કે હું એટલા લાંબા સમયથી તે રાફડા જોતો આવ્યો છું."

તાજેતરમાં જ કીડીઓની દાણચોરી પકડાઈ હતી

આ મહિને જ નૈરોબીના જોમો કૅન્યાટા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી 2000 કીડીઓની દાણચોરી પકડાઈ હતી

ઇમેજ સ્રોત, KWS

ઇમેજ કૅપ્શન, આ મહિને જ નૈરોબીના જોમો કૅન્યાટા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી 2000 કીડીઓની દાણચોરી પકડાઈ હતી

તેનો અર્થ એ કે રાણીઓ સ્વયં પણ એટલું લાંબું આયુષ્ય ભોગવે છે, કારણ કે રાણી કીડી મરે તે સાથે વસાહત ધ્વસ્ત થઈ જાય છે અને બાકી બચેલી કામદાર કીડીઓ બીજા રાફડાની શોધમાં જતી રહે છે.

આ કીડીઓ જેમના પાક ઉપર હુમલો કરે છે કે જેમનાં ઘરોમાં પગપેસારો કરવા માંડે છે, તેવા કેન્યાના લોકો આ બાબત જાણે છે અને આથી જ તેઓ રાફડાથી છુટકારો મેળવવા માટે રાણી કીડીને શોધે છે, જે મોટા ભાગે રાફડાની કોઈ ટનલમાં કે ચેમ્બરમાં છુપાયેલી હોય છે.

ભૂતપૂર્વ બ્રોકરે કહ્યું હતું કે, રાફડાને હળવેકથી છંછેડતાં કીડીઓ બહાર નીકળી આવે છે અને જ્યારે તે બહાર આવીને નાસવા લાગે, ત્યારે તેને પકડી શકાય છે.

તેમણે કહ્યું હતું, "જ્યારે મેં ધરપકડના સમાચાર જોયા, ત્યારે મને આ કામ ગેરકાયદેસર હોવાની જાણ થઈ અને મેં તરત જ આ કામ છોડી દીધું."

ધરપકડ કરાયેલા લોકો ઉપર બાયોપાયરસીના આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને દંડ ભરવાની કે પછી 12 મહિનાનો જેલવાસ ભોગવવાની સજા ફટકારવામાં આવી હતી. કેદને બદલે તેમણે 7,700 ડૉલરનો દંડ ભરવાનું પસંદ કર્યું અને તે પછી વિદેશી નાગરિકો દેશ છોડીને જતા રહ્યા.

બે અઠવાડિયા પહેલાં ચીનના એક નાગરિકની નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ (જેકેઆઇએ) પરથી ટેસ્ટ ટ્યૂબ અને ટિસ્યૂ રોલમાં છુપાવેલી 2,000 રાણી કીડીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ચાઇનીઝ નાગરિક ગયા વર્ષના દાણચોરીના રૅકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે બીજો પાસપૉર્ટ વાપરીને છટકી ગયો હોવાનું મનાય છે.

2023માં ચીનને કેન્દ્રમાં રાખીને કીડીના વેપાર ઉપર એક અહેવાલ પ્રકાશિત કરનારા સંશોધકોની ટીમનો હિસ્સો બનેલા ઝેંગયાંગ વાંગના મતે, આ ચિંતાનો વિષય છે. તેઓ કહે છે કે, આ પ્રવૃત્તિ સ્થાનિક ઇકૉસિસ્ટમમાં "ભારે વિનાશ" સર્જી શકે છે.

સિચુઆન યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર વાંગે બીબીસીને જણાવ્યું હતું, "અમને જ્યારે જાણવા મળ્યું કે, ઘણા લોકો કીડીઓ પાળી રહ્યા છે, ત્યારે શરૂઆતમાં તો અમને રોમાંચ થયો હતો."

"પાલતુ કીડીઓની વસાહતને મહદંશે ફોર્મિકેરિયમમાં રાખવામાં આવે છે, જે મુખ્યત્વે પ્લાસ્ટિકનું પારદર્શક બૉક્સ હોય છે, જેથી કીડી પાળનારા લોકો કીડીઓને કામ કરતી, ટનલ બનાવતી, ખોરાકનો સંગ્રહ કરતી અને તેની રાણીનું રક્ષણ કરતી જોઈ શકે. આ રસપ્રદ બાબત છે અને... જંતુઓ અને તેના વર્તન વિશે લોકોને શિક્ષણ આપવાનો આ સારો માર્ગ બની શકે છે.

કીડીઓના સંરક્ષણની માગણી

"પણ પછી અમને ભાન થયું. એક મિનિટ... શું આક્રમક પ્રજાતિઓને રાખવી અત્યંત જોખમી નથી?"

ચીનમાં છ મહિના કરતાં વધુ સમયમાં 58,000 કરતાં વધુ વસાહતોનાં ઑનલાઇન વેચાણો પર નજર રાખતાં સંશોધકોને જાણવા મળ્યું કે વેચવામાં આવેલી ચોથા ભાગની પ્રજાતિઓ (તેની આયાત કરવી ગેરકાયદેસર હોવા છતાં) ચીનની મૂળ વતની નહોતી.

વાંગે કહ્યું હતું, "જો આક્રમક કીડીઓનો વેપાર વધવાનું આ જ રીતે ચાલુ રહ્યું, તો એ સમય દૂર નથી, જ્યારે આ પૈકીની કેટલીક કીડીઓ પારદર્શક બૉક્સમાંથી બહાર નીકળીને જંગલોમાં ફેલાઈ જશે," એમ વાંગે જણાવ્યું હતું.

તેમણે જે અભ્યાસ ઉપર કામ કર્યું, તે બાયોલૉજિકલ કન્વર્ઝેશન નામની જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું. તેમાં ચીનમાં સૌથી વધુ વેચાતી પ્રજાતિઓમાં સ્થાન ધરાવતી જાયન્ટ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓના કિસ્સામાં કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, તેનું વર્ણન કર્યું છેઃ "જેમ કે, પૂર્વ આફ્રિકાની વતની મેસર સેફાલોટ્સ કીડીઓ વિશ્વની સૌથી મોટી બીજ હાર્વેસ્ટરમાંની એક છે અને તે સંભવતઃ દક્ષિણ-પૂર્વીય ચીનમાં અનાજ આધારિત ખેતીને નુકસાન પહોંચાડી શકે છે."

કેન્યામાં પર્યાવરણીય પરિણામો પણ ચિંતાનો વિષય છે.

માર્ટિન્સે કહ્યું હતું, "હાર્વેસ્ટર કીડીઓ પાયાગત પ્રજાતિ પણ છે અને ઇકૉસિસ્ટમ એન્જિનિયરો પણ છે. તેઓ ઘાસ અને અન્ય વનસ્પતિનાં બીજ એકઠાં કરે છે અને આમ કરતી વખતે તેઓ બીજના પ્રસરણમાં પણ મદદ કરે છે. આ જંતુ વધુ તંદુરસ્ત તથા ગતિશીલ ઘાસનાં મેદાનોનું નિર્માણ કરે છે."

કેન્યાની વાઇલ્ડલાઇફ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિજ્ઞાની મુકોની વતાઈ ભય વ્યક્ત કરે છે, "બેફામ લણણી અને ખાસ કરીને રાણી કીડીઓને દૂર કરવાથી વસાહત ધરાશાયી થઈ જાય છે, ઇકૉસિસ્ટમમાં વિક્ષેપ ઊભો થઈ શકે છે અને તેના પરિણામે જૈવિક વિવિધતા સામે ખતરો ઊભો થાય છે."

કેન્યામાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંધિઓને પગલે ખાસ પરવાનગી સાથે કાનૂની રીતે કીડીઓ એકત્રિત કરવી શક્ય છે. જોકે, તે પરવાનગી માટે ખરીદકારોએ સંબંધિત સ્થાનિક સમુદાય સાથે લાભની વહેંચણીના કરાર પર હસ્તાક્ષર કરવાના રહે છે.

સંગ્રહકર્તા પારદર્શક બોક્સ (ફોર્મેકેરિયમ) થકી કીડીઓની વસાહત જોઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંગ્રહકર્તા પારદર્શક બોક્સ (ફોર્મેકેરિયમ) થકી કીડીઓની વસાહત જોઈ શકે છે.

પરંતુ કેડબલ્યુએસના જણાવ્યા પ્રમાણે, હજી સુધી આ માટે કોઈએ અરજી કરી નથી. વળી, તેના પેપરવર્કમાં કેટલી કીડીઓ એકત્રિત કરવામાં આવી, ક્યાં મોકલાઈ રહી છે, વગેરે વિગતો પૂરી પાડવાની રહે છે.

કેટલાક સંરક્ષણવાદીઓ હવે વૈશ્વિક વન્ય જીવ વેપાર સંધિ - કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પિશીઝ (સાઇટ્સ) અંતર્ગત કીડીની તમામ પ્રજાતિઓના વ્યાપાર સંરક્ષણની માગણી કરી રહ્યા છે.

કીડીના વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલા સંશોધક સર્જીયો હેન્રિકેસે બીબીસીને જણાવ્યું હતું, "વાસ્તવિકતા એ છે કે સાઇટ્સ (કન્વેન્શન) હેઠળ અત્યારે કીડીની કોઈ પણ પ્રજાતિ સૂચિબદ્ધ નથી."

તેમણે કહ્યું હતું, "આ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતી આંતરરાષ્ટ્રીય સંધિઓ વિના આ વેપારના વ્યાપની જાણકારી નીતિ નિર્ધારકો સુધી અને વૈશ્વિક સમુદાય સુધી મોટા ભાગે પહોંચી શકતી નથી."

પરંતુ કેડબલ્યુએસ માટે વાસ્તવિક સમસ્યા વધુ તાકીદની છે, જંતુઓના "ઓછા રિપોર્ટ કરાયેલા" દાણચોરી પર નજર કેવી રીતે રાખવી અને તેના પર સકંજો કેવી રીતે કસવો? જે માટે એજન્સી ઍરપૉર્ટ્સ તથા અન્ય બૉર્ડર પૉઇન્ટ્સ ઉપર ઉત્તમ દેખરેખનાં ઉપકરણો ગોઠવવાનું સૂચન કરે છે.

માર્ટિન્સ પણ આ વાત સાથે સંમત થતાં કહે છેઃ "કીડીઓના થઈ રહેલા વેપારનો ઘણો ઓછો ભાગ જ પકડાય છે, આના ઉપરથી સમજી શકાય છે કે, આ વેપારનો વ્યાપ કેટલો મોટો છે."

પત્રકાર ચાર્લ્સ ઓનયાંગો-ઓબ્બો એવી દલીલ કરે છે કે કેન્યા વૈશ્વિક આવકની એક નોંધપાત્ર તકની ઉપેક્ષા કરી રહ્યું છે.

"કીડીઓ સોના કે હીરા જેવી મર્યાદિત જથ્થાની વસ્તુઓ નથી. તે જૈવિક સંપત્તિ છે, જેનું પ્રજનન અને પાલન-પોષણ થઈ શકે છે અને તેમનું ઉત્પાદન રોજના હજારોની સંખ્યામાં વધારી શકાય છે. તેમ છતાં, આપણે તે જાણે ચોરીની કળાકૃતિઓ જેવો વ્યવહાર કરીએ છીએ," એમ તેમણે તાજેતરમાં જ કેન્યાના ડેઇલી નેશન અખબારમાં લખ્યું હતું.

વાસ્તવમાં કેન્યાની કૅબિનેટે ગયા વર્ષે કીડીઓના વેપાર સહિત વન્ય જીવ અર્થવ્યવસ્થાના વેપારીકરણનો આશય ધરાવી નીતિગત માર્ગદર્શિકાને મંજૂરી આપી હતી.

વતાઈએ જણાવ્યું હતું, "આ માર્ગદર્શિકાનો હેતુ સમગ્ર દેશોમાં નોકરીઓ, સંપત્તિ અને સમુદાયો માટે આજીવિકાનું સર્જન કરવા માટે કીડીઓ જેવી વન્ય પ્રજાતિઓના સાતત્યપૂર્ણ ઉપયોગને વેગ આપવાનો છે."

કાળજીપૂર્વકની દેખરેખ વ્યવસ્થા લાગુ કરવાથી બની શકે કે, ગિલગિલની આસપાસના ભાવિ ખેડૂતો પાસે તેમની પોતાની જગ્યા પર વિશિષ્ટ ફોર્મિકેરિયા (કીડી-ઘર) હશે, જેનાથી તેમનાં ખેતરો અને બગીચાઓમાં શાકભાજી અને ફળોની ઊપજ વધશે.

પરંતુ વિશ્વના જુદા-જદા ભાગોમાં શોખીન સંગ્રહકર્તાઓ સુધી કીડીઓ પહોંચાડવાનાં જોખમોને લગતો વિવાદ હજુ સુધી ઉકેલાયો નથી.

ઍડિશનલ રિપોર્ટિંગ: સિંગાપોરથી ઓસ્મંડ ચિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન