ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં

અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Forest Department

ઇમેજ કૅપ્શન, અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આપણા સાહિત્ય જગતમાં કુંજની જોડીના પ્રેમનાં ગુણગાન ગવાયાં છે, પરંતુ ચિલોત્રાની તો વાત જ અલગ છે. પ્રજનન ઋતુ આવે એટલે ચિલોત્રાનું જોડું માળો કરી શકાય તેવા વૃક્ષની શોધ ચાલુ કરી દે. તેને જોઈએ એવું વૃક્ષ કે જેનાં જાડાં થડ કે ડાળીમાં બખોલ જેવું પોલાણ હોય.

સંવનન બાદ ઈંડાં મૂકવાનો સમય થાય એટલે માદા આવા પોલાણની અંદર પ્રવેશે. પછી નર તેને ભીની માટી લઈ આપે. નરે આપેલી ભીની માટી અને પોતાના ચરકથી કાગડા જેવડી માદા તે પોલાણને છાંદીને બંધ કરવા લાગે. નર તેની ચાંચ વડે ચણ આપી શકે તેટલી જ જગ્યા માદા તે પોલાણમાં રાખે છે.

પછી બે મહિના સુધી માદા તે સીલ કરી દેવાયેલા માળામાં પોતાની જાતને કેદ કરી રાખે. તે દરમિયાન તે બેથી પાંચ ઈંડાં મૂકે, તેને ત્રણેક અઠવાડિયાં સુધી સેવે અને ત્યાર બાદ દોઢેક મહિના સુધી બચ્ચાંની કાળજી રાખે.

આ સુવાવડ દરમિયાન ખોરાક અને રક્ષણ માટે તે સંપૂર્ણ પણે તેના પતિ પર નિર્ભર રહે. ચિલોત્રો તેની પત્ની અને બચ્ચાં માટે ફળ, કીટકો, નાના સરીસૃપો, ઉંદર વગેરે શોધી લાવે તેમજ બાજ, સાપ વગેરે જેવા શિકારીઓથી માળાનું રક્ષણ કરતો રહે.

બચ્ચાં થોડાં મોટાં થાય પછી માદા માટી અને ચરકના પોડાને તોડીને બહાર આવે. ત્યાર બાદ માતાપિતા બંને સાથે મળીને બચ્ચાંને ઉછેરે.

ચિલોત્રો અને ચિલોત્રી આજીવન આ ક્રમ નિભાવ્યા કરે. પોતાની પત્નીની આટલી કાળજી રાખતા ચિલોત્રાને કેટલાક લોકો 'વહુઘેલો' પણ કહે છે. હવે તમે ગીરના જંગલમાં જાવ તો ચિલોત્રાના આ રોમાંચક જીવનની ઝાંખી મળી જવાની શક્યતા છે. કારણ? અત્યાર સુધી માત્ર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ એટલે કે ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતના વન વિભાગના પ્રયત્નોથી ગીરના જંગલમાં લગભગ છ દાયકા બાદ પાછા ફર્યાં છે અને માળા બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે.

ચિલોત્રાને ગીરના જંગલમાં ક્યાંથી અને કઈ રીતે લવાયાં?

અરવલ્લી ફોરેસ્ટ ડિવિઝનમાં એક ચિલોત્રાની લેવાયેલી તસવીર. આ પક્ષીઓ તેની ચાંચના ઉપરના ભાગમાં શિંગડાના આકારના શિરસ્ત્રાણને કારણે અન્ય પક્ષીઓથી અલગ તરી આવે છે અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Forest Department

ઇમેજ કૅપ્શન, અરવલ્લી ફોરેસ્ટ ડિવિઝનમાં એક ચિલોત્રાની લેવાયેલી તસવીર. આ પક્ષીઓ તેની ચાંચના ઉપરના ભાગમાં શિંગડાના આકારના શિરસ્ત્રાણને કારણે અન્ય પક્ષીઓથી અલગ તરી આવે છે

રાજ્ય સરકારે 14 જુલાઈ, 2026ના રોજ એક અખબારી યાદીમાં જણાવ્યું કે રાખોડી ચિલોત્રાને પાંચ વર્ષ અગાઉ ગીરના જંગલમાં છોડાયાં હતાં અને આ ફળાહારી પક્ષોઓ હવે ગીરમાં સ્થાયી થઈ ગયાં છે.

અખબારી યાદીમાં 24 ઑક્ટોબર, 2025ના રોજ એક સામયિકમાં પ્રકાશિત થયેલા એક સંશોધનનો હવાલો ટાંકવામાં આવ્યો છે. આ લેખ સાસણ વન્ય જીવ વિભાગના તત્કાલીન નાયબ વનસંરક્ષક ડૉ. મોહન રામ, ધ કોર્બેટ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દેવેશ ગઢવી તેમજ અન્ય સંશોધકોએ લખ્યો હતો. તેમાં રાખોડી ચિલોત્રાને ગીરના જંગલમાં ફરી વાર પ્રસ્થાપિત કરવાના ગુજરાત સરકારના પ્રોજેક્ટની માહિતી આપી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તે લેખ મુજબ પક્ષીઓને ફસાવવાના કામમાં નિપુણતા ધરાવતા લોકો, પક્ષીજગતના નિષ્ણાતો અને વન વિભાગના અધિકારીઓની ટીમે ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી ફૉરેસ્ટ ડિવિઝનમાંથી ઑક્ટોબર 2021, ફેબ્રુઆરી 2022 અને માર્ચ 2022 એમ ત્રણ પ્રયાસોમાં કુલ 28 રાખોડી ચિલોત્રાઓને પકડ્યાં. તેમાંથી પાંચ નર ચિલોત્રાની પીઠ પર સેટેલાઇટ ટેગ કે મોબાઇલ ફોન સર્વિસના ટાવરના સિગ્નલથી કામ કરતા ટેગ લગાડી દીધા, જેથી કરીને તે પક્ષીઓ પર દૂરથી નજર રાખી શકાય.

જે તે દિવસે પકડ્યાં બાદ 24 કલાકની અંદર જ આ 28 ચિલોત્રાઓને ગીરના જંગલમાં છોડી દીધાં. ત્યાર બાદ ડિસેમ્બર 2023માં આ ટીમે અરવલ્લીમાંથી વધારે 12 ચિલોત્રા પકડ્યાં. તેમાંથી છ નરની પીઠ પર ટેગ લગાડવામાં આવ્યા અને 24 કલાકની અંદર ગીરના જંગલમાં છોડી મુકાયાં. લેખમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ 40 ચિલોત્રા પક્ષીઓમાંથી 21 નર અને બાકીનાં 19 માદા હતાં.

બીબીસી સાથે વાત કરતાં ડૉ. મોહન રામે કહ્યું કે અરવલ્લીમાંથી લવાયાં બાદ ટીમ કેટલાંક ચિલોત્રાને ગીરમાં આવેલા કમલેશ્વર ડૅમની પાછળના ભાગમાં સવારના સમયે છોડવા જઈ રહી હતી ત્યારે કમલેશ્વર ડૅમની પાળ ઉપર તેમના વાહન આગળ એક સિંહણ આવી ચડેલી. "જાણે અમને રસ્તો દેખાડતી હોય અને ચિલોત્રાઓનું સ્વાગત કરતી હોય તેમ તે સિંહણ અમારે ડૅમની પાછળ જે જગ્યાએ ચિલોત્રાઓને છોડવા જવાનું હતું ત્યાં સુધી અમારી આગળ આગળ ચાલી."

ગીરના જંગલમાંથી ચિલોત્રા કઈ રીતે લુપ્ત થઈ ગયાં હતાં?

ચિલોત્રા ઉમરા તેમજ વડ અને પીપળના ટેટા ખાતા વધારે નજરે ચડે છે તેમ નિષ્ણાતો કહે છે અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Forest Department

ઇમેજ કૅપ્શન, ચિલોત્રા ઉમરા તેમજ વડ અને પીપળના ટેટા ખાતા વધારે નજરે ચડે છે તેમ નિષ્ણાતો કહે છે

ભારતમાં ચિલોત્રાની નવ પ્રજાતિ જોવા મળે છે. તેમાંથી રાખોડી ચિલોત્રા ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે.

ગુજરાતમાં રાખોડી ચિલોત્રા સિવાય અન્ય હોઈ પ્રજાતિનાં ચિલોત્રા જોવા મળતાં નથી તેમ પક્ષીવિદો કહે છે, પરંતુ સંશોધકોએ ભાવનગરના રાજપરિવારના ધર્મકુમારસિંહ દ્વારા લેખાયેલા અને 1950માં પ્રકાશિત થયેલા 'બર્ડ્ઝ ઑફ સૌરાષ્ટ્ર' એટલે કે 'સૌરાષ્ટ્રનાં પક્ષીઓ' નામના પુસ્તકનો સંદર્ભ ટાંકીને તેમના લેખમાં જણાવ્યું છે કે 1950થી 1960ના દાયકા દરમિયાન ગીરમાંથી ચિલોત્રા લુપ્ત થઈ ગયાં.

ધર્મકુમારસિંહે તેમના પુસ્તકના પાના નંબર 269 પર નોંધ્યું છે કે 1936 સુધી ગીરમાં તેમણે આ પક્ષીઓને જોયાં હતાં, પરંતુ પછી તેની સંખ્યા ઘટવા માંડી. તેમણે નોંધ્યું છે કે છેલ્લું પક્ષી 1950માં ગીરના કનકાઈ વિસ્તારમાં દેખાયું હતું.

બીબીસી સાથે વાત કરતાં વાંકાનેરના રાજપરિવારના સભ્ય અને નિવૃત્ત આઇએએસ અધિકારી મહારાજકુમાર રણજિતસિંહ ઝાલાએ કહ્યું કે તેમણે પણ ગીરમાં રાખોડી ચિલોત્રાને જોયાં છે. તેમણે કહ્યું, "હું 12 વર્ષનો હતો ત્યારે 1950માં હાથ ધરાયેલી સિંહ વસ્તીગણતરી દરમિયાન સાસણ ગયો હતો. ધર્મકુમારસિંહજી પણ તે વસ્તી ગણતરીમાં જોડાયા હતા. એ વસ્તીગણતરી દરમિયાન મેં ગીરમાં ચિલોત્રા જોયાં હતાં. પણ આડેધડ શિકાર અને માનવીય પ્રવૃત્તિઓને કારણે વન્ય જીવોના રહેઠાણ તરીકે ગીરના જંગલની થયેલી અધોગતિને કારણે તે ગીરમાંથી નામશેષ થઈ ગયાં. ચિલોત્રાના માંસમાં ઔષધીય ગુણો છે એવી ગેરમાન્યતાને કારણે લોકોએ તેમને મારી ખાધાં."

ભારતના વન્ય જીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 ઘડવાનો યશ રણજિતસિંહને અપાય છે. તેમણે ઉમેર્યું, "જેમ ચિત્તા ભારતમાંથી વિલુપ્ત થઈ જતા તેમને ફરી વાર પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમ ચિલોત્રા પહેલાં જે જંગલમાં રહેતા ત્યાં પુનઃસ્થાપિત કરવાનું પગલું પ્રશંસાને લાયક છે."

સિંહોના ઘરમાં ચિલોત્રાને પાછા કેમ લવાયાં?

શીમળાના વૃક્ષના ફૂલ ખાઈ રહેલો રાખોડી ચિલોત્રો અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Forest Department

ઇમેજ કૅપ્શન, શીમળાના વૃક્ષના ફૂલ ખાઈ રહેલો રાખોડી ચિલોત્રો

ગીરનું જંગલ એશિયાઈ સિંહોના ઘર તરીકે વધારે જાણીતું છે. બીબીસીએ જ્યારે પૂછ્યું કે ચિલોત્રાને ગીરમાં પુનઃસ્થાપિત કરવાના પ્રોજેક્ટનો હેતુ શું છે? આ વિશે ડૉ. મોહન રામે કહ્યું કે ગીર ઇકૉસિસ્ટમ એટલે કે નિવસનતંત્રમાં ચિલોત્રાની એક મહત્ત્વની ભૂમિકા હોવાથી તેને આ જંગલમાં પુનઃસ્થાપિત કરાયાં છે.

તેમણે કહ્યું, "કોઈ ઇકૉસિસ્ટમમાંથી જો કોઈ પ્રજાતિ લુપ્ત થઈ જાય તો તે ઇકૉસિસ્ટમને તંદુરસ્ત રાખવા તે પ્રજાતિને પુનઃસ્થાપિત કરવી જોઈએ. પૂર્વશરત એ છે કે જે કારણસર તે પ્રજાતિ લુપ્ત થઈ હોય તે કારણોનું નિરાકરણ કરવામાં આવ્યું હોય. 1965માં ગીર જંગલના 1,153 વર્ગ કિલોમીટર વિસ્તારને એક વન્ય જીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગીરની વનસૃષ્ટિ અને જીવસૃષ્ટિને રક્ષણ મળ્યું છે.

તેઓ કહે છે, "અભયારણ્યના 1153 વર્ગ કિલોમીટરમાંથી 258 વર્ગ કિલોમીટરને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાતા તે રક્ષણ અને સંરક્ષણ વધારે સુદૃઢ થયા. વન્ય જીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972નો અમલ થતા વન્ય જીવોના શિકાર પર પ્રતિબંધ આવી ગયો છે. વળી, અમે ગીરના જંગલનો સર્વે કરી તેની અરવલ્લી સાથે સરખામણી કરતા તે બંનેમાં ઘણી સમાનતા જણાઈ. તેથી, રાખોડી ચિલોત્રાને ગીરમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે."

ડૉ. રામે ઉમેર્યું કે ગીરના જંગલમાં લગભગ 338 પ્રજાતિના પક્ષીઓ નોંધાયાં છે, "પરંતુ ઇકૉસિસ્ટમમાં ચિલોત્રાની વિશિષ્ટ ભૂમિકા છે. તે ફળાહારી હોવાથી વૃક્ષોનાં બીજને ફેલાવે છે અને તેને અંકુરિત થવામાં મદદ કરે છે. વળી, આહાર શૃંખલામાં પણ તે એક મહત્ત્વની કડી છે. ચિલોત્રા ખાસ કરીને બચ્ચાંને ઉછેરતી વખતે કીટકો, નાના સરીસૃપો વગેરેનો શિકાર કરે છે. પરંતુ ચિલોત્રા પોતે ક્યારેક મોટાં શિકારી પક્ષીઓનો ખોરાક બની જાય છે. ચિલોત્રા આવવાથી પોપટ, મેના વગેરે પક્ષીઓ સાથે વૃક્ષોનાં થડ-ડાળીઓ પોલાણમાં માળા બાંધવા માટે હરીફાઈ ઊભી થશે. પરિણામે, એકંદરે આખી ઇકૉસિસ્ટમ વધારે તંદુરસ્ત બનશે."

ગીરના જંગલમાં પોતાના માળા પર એક ચિલોત્રો અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Information Department

ઇમેજ કૅપ્શન, ગીરના જંગલમાં પોતાના માળા પર એક ચિલોત્રો

ગીરમાં ફરજ બજાવી ચૂકેલા અને ગુજરાતના વન વિભાગમાંથી 2019માં મુખ્ય વનસંરક્ષક તરીકે નિવૃત્ત થયેલા ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી અને અગ્રણી પક્ષીનિરીક્ષક ઉદય વોરાએ પણ ગીરમાં ચિલોત્રાઓને પાછા લાવવાના પ્રોજેક્ટનું સમર્થન કર્યું.

તેમણે બીબીસીને જણાવ્યું, "શિકાર, વૃક્ષોનું છેદન અને વન્ય જીવનાં રહેઠાણ તરીકે ગીરની પડતી થતા રાખોડી ચિલોત્રા ગીરમાંથી લુપ્ત થઈ ગયાં હતાં, પરંતુ ચિલોત્રા ગીરમાં એક સમયે હતા એટલે તેમને ત્યાં પાછા લાવવા જોઈએ. તેથી, તે દિશામાં સમયાંતરે પ્રયાસો થતા રહ્યા છે. 1979માં 20થી 30 ચિલોત્રાઓને અન્ય જગ્યાએથી લાવીને ગીરમાં છોડવામાં આવ્યાં હતાં. પરંતુ તે પ્રયાસ સફળ રહ્યો ન હતો."

ડૉ. મોહન રામે ઉમેર્યું કે "ચિલોત્રાઓને 2021થી 2023 દરમિયાન ગીરમાં લવાયાં ત્યારથી ચારેય વર્ષ દરમિયાન ગીરના જંગલમાં ઈંડાં મૂકી સફળતાપૂર્વક બચ્ચાં ઉછેર્યાં છે. આ વરસે બહેડા અને કડાયાના ઝાડમાં તેમણે માળા બનાવ્યા છે. ગીરમાં હાલ કેટલાં ચિલોત્રા છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વન વિભાગના સ્ટાફ, ગીરમાં આવતા ટૂરિસ્ટ અને સ્થાનિક લોકોને તે દેખાયા કરે છે. તેથી, એમ કહી શકાય કે ચિલોત્રાને ગીરમાં પુનઃસ્થાપિત કરવામાં હવે સફળતા મળી છે."

ગુજરાતમાં ચિલોત્રાઓની શું સ્થિતિ છે?

ઝાડની ડાળી પર બેસેલા એક ભારતીય રાખોડી ચિલોત્રો. આ પક્ષી તેની મોટી વિશિષ્ટ ચાંચને કારણે અન્ય પક્ષીઓથી અલગ તરી આવે છે અરડુસીના ઝાડની ડાળી પર બેસેલ ભારતીય રાખોડી ચિલોત્રા ગુજરાતનાં એ 'રોમાંચક' પક્ષી, જે 60 વર્ષ બાદ ગીર જંગલમાં પાછા આવ્યાં બીબીસી ગુજરાતી ગીર જંગલ ગુજરાત સમાચાર સૌરાષ્ટ્ર ગીર અભયારણ્ય

ઇમેજ સ્રોત, Gujarat State Information Department

ઇમેજ કૅપ્શન, ઝાડની ડાળી પર બેસેલા એક ભારતીય રાખોડી ચિલોત્રો. આ પક્ષી તેની મોટી વિશિષ્ટ ચાંચને કારણે અન્ય પક્ષીઓથી અલગ તરી આવે છે

બર્ડ કૉન્ઝર્વેશન સોસાયટી, ગુજરાત નામની સંસ્થા ગુજરાતમાં પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમજ પક્ષીઓ અને તેમના મહત્ત્વ વિષે લોકજાગૃતિ ફેલાવવાની પ્રવૃત્તિ કરે છે.

આ સોસાયટીના પ્રમુખ ડૉ. બકુલ ત્રિવેદી કહે છે કે આશરે ચાર દાયકા પહેલાં રાખોડી ચિલોત્રા ગુજરાતમાં જવલ્લે જ દેખાતાં હતાં.

બીબીસી સાથે વાત કરતાં ડૉ. ત્રિવેદીએ કહ્યું કે અગાઉ આ પક્ષી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો ફૉરેસ્ટમાં જોવા મળતાં હતાં.

"1990ના દાયકા સુધી ચિલોત્રા ગુજરાતમાં જવલ્લે જ દેખાતાં. એ દાયકા દરમિયાન એક વાર લાલસિંહ રાઓલ (ગુજરાતના જાણીતા પક્ષીવિદ), હું અને પીયૂષ ઠક્કર પોળો ફૉરેસ્ટમાં ચિલોત્રા છે કે નહીં તેની ખાતરી કરવા જરૂરી પરવાનગી લઈને પોળો ફૉરેસ્ટ ગયા. આખા દિવસ શોધખોળ કરી પણ કોઈ ચિલોત્રા દેખાયાં નહીં. છેવટે છેક સાંજના સમયે લાલસિંહભાઈને એક પક્ષી ઊડીને પસાર થતું દેખાયું અને તેમણે અમને કહ્યું કે એક ચિલોત્રો હતો. જોકે હું કે પીયૂષ ઠક્કર તેને જોઈ શક્યા ન હતા."

"પરંતુ છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન આ પક્ષીએ ગુજરાતમાં તેની રેન્જનો ઘણો વિસ્તાર કર્યો છે. અમદાવાદથી હિંમતનગર, ઇડર વગેરે શહેરો વચ્ચે આવ-જા કરતા લોકોને પછી તે મુસાફરી દરમિયાન દેખાવા લાગ્યાં અને આવા નિરીક્ષણોની નોંધ હું વિહંગ સામયિકમાં પ્રકાશિત કરતો હતો (આ સામયિક 1998થી 2012 સુધી પ્રકાશિત થતું રહેલું). હવે તો આ પક્ષી ગાંધીનગર અને અમદાવાદ જેવાં શહેરોમાં નિયમિત દેખાય છે."

તેઓ વધુમાં કહે છે, "અમદાવાદમાં હું જે વિસ્તારમાં રહું છું ત્યાં પણ દેખાય છે. તે હવે ખેડા, વડોદરા જેવા મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ફેલાઈ ગયાં છે. વનોમાં, ખેતીવાડી વિસ્તારો અને શહેરોમાં પણ અનુકૂલન સાધી સ્થાયી થઈ જવાની આ પક્ષી પાસે ઘણી સારી ક્ષમતા છે. ગીરમાં તેનું પુનઃસ્થાપન થતા તેની રેન્જમાં વધારો થયો છે તે આનંદના સમાચાર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન