સુરત: ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને પહોંચી વળવા આર્મીની બે ટીમો ઉતારાઈ, શાળા-કૉલેજો બે દિવસ માટે બંધ

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ખાસ કરીને અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી અને ડાંગમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું અનુમાન છે.
તો જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં કેટલાંક સ્થળોએ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે સંબંધિત જિલ્લામાં શાળાઓમાં રજા અપાઈ છે. તેમજ વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે.
સંબંધિત જિલ્લા અધિકારીએ લોકોને કારણ વિના બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે.
ગુજરાતના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર હાઈ ઍલર્ટ પર છે. રાજ્યના 13 જિલ્લામાં 'રેડ ઍલર્ટ' અને 7 જિલ્લામાં 'ઑરેન્જ ઍલર્ટ' અપાયું છે.
બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 સહિત કુલ 50 ટીમો તહેનાત કરાઈ છે.
સુરતમાં ભારે વરસાદ, ખાડીઓમાં પાણીની આવક

ઇમેજ સ્રોત, hardik
સુરતમાં આજથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે બે દિવસ માટે શાળા અને કૉલેજોની સાથે સાથે ડાયમંડ યુનિટો, કારખાનાં અને કાપડ માર્કેટમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કહ્યું છે કે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.
સુરતની તાપી નદી પરના ઉકાઇ ડૅમમાં પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે. 31 જુલાઈએ બપોરના બે વાગ્યે ઉકાઈની સપાટી 317.40 ફૂટ હતી. ઉકાઈના જળસ્તરમાં છેલ્લા એક દિવસમાં એક ફૂટ કરતાં વધુ વધારો થયો છે.
હાલમાં ડૅમમાં 1.96 લાખ ક્યુસેક પાણીની આવક છે જ્યારે 800 ક્યુસેકની જાવક છે.
નોંધનીય છે કે સુરતમાં સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમિયાન સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 58 ઇંચ વરસાદ પડી ગયો છે.
સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીઓમાંથી ઉધના ઝોનની ભેદવાડ ખાડી છલકાઈ ગઈ છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યાં છે.
બાકીની ચાર ખાડીનાં પાણી જોખમી સપાટીથી નીચે વહી રહ્યાં છે.
દરમિયાન ભારે વરસાદ પડવાથી કેટલાક મહત્ત્વના રોડ બંધ કરવામાં આવ્યા છે. તે મુજબ અંકલેશ્વરથી હાંસોટનો નૅશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આજે રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઑરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 33 સહિત કુલ 50 ટીમે તહેનાત છે.
અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હોવાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જયા-પાર્વતી વ્રત માટે વિશેષ રાત્રીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.
સુરતમાં ડુમસ અને સુવાલી બીચ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નવસારીમાં દાંડી, ઉભરાટ અને ઓંજલના બીચને આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે.
લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડીમાં જળસ્તર વધતાં અહીં લાઉડ સ્પીકર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા સૂચના આપવામાં આવી છે. બીઆરટીએસના રૂટ પણ આજે મર્યાદિત પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદની આગાહી અને સતત વરસાદને પગલે સુરતમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો સુરત પહોંચી છે.
આ ટુકડીઓ જરૂરી રેસ્ક્યૂ વાહનો અને સાધનો સાથે આવી પહોંચી છે.
નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે તંત્ર સાથે મળીને આર્મીની ટીમો કામ કરશે.
હાલ મળી રહેલી માહિતી મુજબ આ ટીમોને લિંબાયત વિસ્તારમાં તહેનાત કરાશે
નડિયાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

ઇમેજ સ્રોત, Nachiket mehta
રાજ્યભરમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ વચ્ચે નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.
સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે.
શહેરના શારદા મંદિર સ્કૂલ, નીલકંઠ મહાદેવ, નાના કુંભનાથ રોડ, સિવિલ હૉસ્પિટલ રોડ, વાણિયાવાડ સર્કલ, મહાગુજરાત હૉસ્પિટલ વિસ્તાર, શૈશવ હૉસ્પિટલ રોડ, સંતરામ મંદિર રોડ, સલુણ બજાર, શ્રેયસ-ખોડીયાર ગરનાળા અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા છે.
રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનાં ઘરો સુધી વરસાદી પાણી પહોંચતાં સ્થાનિકોમાં ચિંતા પેઠી છે.
કેટલીક જગ્યાએ ટ્રાફિક ધીમો પડી ગયો છે અને લોકો જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની ફરજ પડી રહી છે.
વડોદરામાં વરસાદી માહોલ છવાયેલો છે
હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદને પગલે શિનોર–સુરાશામળ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તો ઉપરવાસમાં વરસાદને લીધે ઓરસંગ નદી સિઝનમાં પહેલી વાર બે કાંઠે વહી રહી છે. ડભોઈના ચણવાડા નજીક ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી.
છોટા ઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા એનાં પાણી ઓરસંગમાં ભળી ગયાં છે.
વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં વ્યાપક વધારો થયો છે.
નર્મદા કાંઠાના તીલકવાડા અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી મેણ નદીનો પ્રવાહ પર નર્મદા નદીમાં ભળ્યો છે.
ચાલુ સિઝનમાં પ્રથમ વાર વ્યાપક પાણીના પ્રવાહ સાથે નર્મદા નદી ચાંદોદ પાસેથી વહેતી જોવા મળી હતી.
ચાંદોદના મલ્હાર રાવ ઘાટ નજીક લોકો નદીનો રમનીય નજારો જોવા ઊમટી પડ્યા હતા. જોકે તંત્ર દ્વારા લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચના આપી હતી.
નવસારીના ગણદેવીમાં ત્રણ મજૂરોનાં મોત
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત થયાં છે.
ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે "ગણદેવી તાલુકાના ગણદેવા ગામના નહેર ફળિયાના લોકો ટેમ્પામાં બેસીને મજૂરી માટે જતા હતા અને એ દરમિયાન ટેમ્પામાં કરન્ટ લાગવાથી ત્રણ લોકોનાં મોત થયાં છે અને આગળની કાર્યવાહી ચાલુ છે."
મળતી માહિતી પ્રમાણે નીચે નમેલો વીજતાર ટેમ્પાને અડી જતા આ ઘટના ઘટી હતી.
આ ઘટના બનતા કૅબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
ધોળકાના ગામે વરસાદ બાદની તારાજી

ઇમેજ સ્રોત, sachin pithwa
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા પાંચ દિવસથી પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને હાલ પાણી ઊતરતા તારાજીનાં દૃશ્યો સામે આવ્યાં છે.
ભેટાવડા ગામે 300થી વધુ ઘરોમાં પાણી હતાં અને 60થી વધુ મકાનો ધરાશાયી થયાં હોવાનું જાણવા મળ્યું છે.
ગામના અંદાજે 300થી વધુ ઘરોમાં વરસાદી અને ઉપરવાસનું પાણી ઘૂસી જતાં પરિવારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
જ્યારે 60થી વધુ મકાનો ધરાશાયી થઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા છે.
ઘરોમાં રહેલું અનાજ, ખાદ્યસામગ્રી, કપડાં, ઘરવખરી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પાણીમાં ડૂબી જતાં સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.
સરકારી શાળા, ગ્રામપંચાયત કચેરી અને સરકારી અનાજની દુકાનમાં પણ ભારે નુકસાન થયું છે.
ગ્રામપંચાયતના મહત્ત્વના દસ્તાવેજો અને રેકૉર્ડ પણ પાણીમાં પલળી ગયાં હોવાનું સામે આવ્યું છે.
પૂરના કારણે અનાજ અને ખાવા-પીવાની તમામ વસ્તુઓ બગડી જતાં અનેક પરિવારો પાસે ભોજનની પણ તંગી સર્જાઈ છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગામના નાના વિસ્તારોમાં હજુ સુધી સરકારી તંત્ર પહોંચ્યું નથી અને પૂરતી રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























