ટેનિસની સૌથી મોટી ટુર્નામેન્ટ વિમ્બલ્ડન દરમિયાન ભારતીય આઇસ-ક્રીમ કેમ પીરસાય છે, બોલીવૂડનાં ગાયનો કેમ વાગે છે?

ઇમેજ સ્રોત, KUReMAL'S
- લેેખક, નિખિલ ઈનામદાર
- પદ, મુંબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રમત-ગમત ક્ષેત્રે વિમ્બલડન કરતાં વધુ પવિત્ર હોય, એવી બાબતો ઘણી ઓછી છે.
ખેલાડીઓ માટેનો તેનો સંપૂર્ણ સફેદ ડ્રેસ કોડ, કોર્ટની આજુબાજુ અલ્પતમ જાહેરાતો અને સ્ટ્રૉબેરી તથા ક્રીમ સાથેનું જોડાણ - આ તમામ પરંપરાઓનું આજે પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
તેમ છતાં, વિશ્વની આ સૌથી જૂની ગ્રાન્ડ સ્લૅમના આયોજકોએ આ વર્ષે ક્રિકેટનું ઘેલું ધરાવનારા ભારત પર પકડ જમાવવાનું નક્કી કર્યું, ત્યારે વિમ્બલ્ડને ટેનિસ હજુયે જ્યાં એક વિશિષ્ટ રમત ગણાય છે, એ દેશમાં દર્શકોને આકર્ષવા માટે પોતાની કેટલીક ટ્રેડમાર્ક મર્યાદાઓ જતી કરવી પડી હતી.
વિમ્બલ્ડને ઐતિહાસિક દિલ્હી કુલ્ફી (આઇસક્રીમ)ના ઉત્પાદક સાથે ભાગીદારી કર્યા પછી સ્ટ્રૉબેરી અને ક્રીમને ભારતીય સ્વરૂપ મળ્યું હતું.
તેની ઇન્સ્ટાગ્રામ ચૅનલે રોજર ફેડરર તથા અન્ય સ્ટાર્સને 1990ના દાયકાનાં બોલીવૂડનાં લોકપ્રિય ગીતો પર રમત રમતા દર્શાવતી રીલ્સ શેર કરી હતી.
આ ચૅમ્પિયનશિપે તેની અપીલ વધારવા માટે સેલિબ્રિટી ક્રિકેટરો તથા ભારતના ઇન્ફ્લુએન્સર્સને પણ રૉયલ બૉક્સમાં આમંત્રિત કર્યા હતા.
વિમ્બલડને ભારતની વિવિધ ભાષાઓમાં ડિજિટલ કન્ટેન્ટ વહેંચીને તેના માર્કેટિંગના પ્રયત્નોને પ્રાદેશિક સ્તર પર પણ મજબૂત બનાવ્યા હતા.
આ પ્રયત્નો સફળ રહ્યા હોય, એમ જણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુરુષોની ફાઇનલ મૅચ સ્થાનિક સમય પ્રમાણે મધરાત પછી રમાઈ હોવા છતાં ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે જૅનિક સિનરના તે વિજયે આશરે 27 લાખ લાઇવસ્ટ્રીમ દર્શકોને આકર્ષિત કર્યા હતા.
અને સ્થાનિક મીડિયા પ્રમાણે, આ વર્ષે ભારતમાં ટુર્નામેન્ટ જોવા માટે સરેરાશ 8,53,000 લોકો જોડાયા હતા, જે પ્રમાણ ગયા વર્ષ કરતાં 18 ટકા ઊંચું રહ્યું હતું. મૅચો માટે એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગના હક્કો ધરાવતા પ્લૅટફોર્મ જિયોસ્ટારે તેનો સત્તાવાર ડેટા બીબીસી સાથે શેર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
'આ અકસ્માત નહીં, વ્યૂહાત્મક પ્રયાસ છે'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્પોર્ટ્સ બ્રાન્ડિંગ નિષ્ણાત દર્શના ભલ્લાએ બીબીસીને જણાવ્યું હતું કે, ભારત સુધી પહોંચવાનો વિમ્બલ્ડનનો પ્રયાસ વ્યૂહાત્મક છે, અકસ્માત નથી.
વ્યાપની દૃષ્ટિએ ભારત પહેલેથી જ વિમ્બલ્ડનનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ઑડિયન્સ છે અને અર્ણવ પાપરકર 36 વર્ષમાં અન્ડર-18 બૉય્ઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ્સમાં પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે, તે દૃષ્ટિએ ખાસ કરીને 2026નું વર્ષ મહત્ત્વનું બન્યું છે.
ભલ્લા જણાવે છે, "ભારતમાં લગભગ એક દાયકામાં પહેલી વખત એટીપી અને આઇટીએફ, બંને સર્કિટ્સમાં યુવા પ્રતિભાઓનો મજબૂત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પ્રિમિયમ શહેરી સ્પોર્ટ્સનો વપરાશ ક્રિકેટથી આગળ વધીને ઝડપથી વિસ્તરી રહ્યો છે તથા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ વિશિષ્ટ પ્રેક્ષકોને વ્યાપક સ્તર પર ટાર્ગેટ બનાવવા માટે સક્ષમ છે."
આ રમતના આયોજકો આ ફેરફારોનો લાભ લઈ રહ્યા છે.
વિમ્બલ્ડનની વહીવટકર્તા સંસ્થા ઓલ ઇંગ્લૅન્ડ લોન ટેનિસ ક્લબના ચીફ ઍક્ઝિક્યુટિવ સૅલી બોલ્ટને અગાઉ ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, ગ્રાન્ડ સ્લૅમનું ઑડિયન્સ વધારવા માટે અમેરિકાની સાથે-સાથે ભારત પણ અમારું "મેઇન ફોકસ" બન્યું છે.
પરંતુ, આવનારાં વર્ષોમાં ભારત સ્પોર્ટ્સ માટેનું વિશ્વનું સૌથી મહત્વનું બજાર બને, એવી શક્યતા છે - કેપીએમજીના જણાવ્યા પ્રમાણે આ ક્ષેત્ર 2030 સુધી વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ બેવડા અર્થાત્ 12થી 14 ટકાના દરે વૃદ્ધિ સાધે તેવો અંદાજ છે - એ જોતાં વિમ્બલ્ડન જેવી ટુર્નામેન્ટોએ ભારતીય પ્રેક્ષકોને સામેલ કરવા માટે સાંસ્કૃતિક રીતે વધુ વિશિષ્ટ બનવું પડશે.

ઇમેજ સ્રોત, KUReMAL'S
ભલ્લા કહે છે, "વિમ્બલ્ડન વૈશ્વિક માર્કેટિંગમાં આવેલા સૌથી મોટા ફેરફારો પૈકીના એકને સમજી ગયું છે. દાયકાઓથી, પ્રિમીયમ બ્રાન્ડ્ઝ એવું માનતી હતી કે, અંતર જાળવી રાખવાથી વિશિષ્ટતા આવે છે. પણ આજકાલ તેઓ સમજી ગયા છે કે, વિશિષ્ટતા પોતીકાપણાની લાગણીમાંથી આવે છે."
"તેમણે જે બદલ્યો છે, તે છે એન્ટ્રી પોઇન્ટ, યુવાન ભારતીયોને પહેલાં વિમ્બલ્ડન સમજવાનું જણાવવાને બદલે હવે તેઓ ભારતીયોને પરિચિત સાંસ્કૃતિક સંકેતો થકી વિમ્બલ્ડન વિશે જાણકારી મેળવવાની છૂટ આપી રહ્યા છે. જેમકે, કુલ્ફી સાથે જોડાણ, પંજાબી, બોલિવૂડ તથા તામિલ મ્યુઝિકનો સમન્વય અને ભારતીય ક્રિએટર્સ."
તેઓ આગળ કહે છે કે, આ બસ સોશ્યલ મીડિયા પરની વ્યૂહાત્મક સામેલગીરી નથી, પણ હાલમાં ક્રિકેટ પર ધ્યાન આપી રહેલા એક વિશાળ સંભવિત ઓડિયન્સ માટે સાંસ્કૃતિક સેતુનું નિર્માણ છે.
જાજાબોર બ્રાન્ડ કન્સલ્ટન્સીનાં સ્થાપક ઉપાસના ડૅશે બીબીસીને જણાવ્યું હતું કે, જેમના માટે વિમ્બલ્ડન આકાંક્ષા સમાન હોવા છતાં દૂરસ્થ લાગતું હોય, એવા ઘણા યુવાન ભારતીયો માટે આ સાંસ્કૃતિક અંતર ઘટાડવું જરૂરી છે.
સોશિયલ મીડિયા પ્રેરિત માર્કેટિંગ પરનું તેનું ફોકસ પણ લોકો વર્તમાન સમયમાં વિવિધ ઇવેન્ટ્સ વિશે કેવી રીતે જાણે છે, તેના મૂળ સાથે જોડાયેલું છે, એમ તેઓ ઉમેરે છે.
"યુવાન ઑડિયન્સ ઘણી વખત કોઈ ઇવેન્ટ સાથે જોડાય, તે પહેલાં સોશિયલ મીડિયા મારફત તે વૈશ્વિક ઇવેન્ટના પરિચયમાં આવે છે. ગ્રાહકોને વિમ્બલ્ડનના વિશ્વમાં પ્રવેશ કરવા માટે જણાવવાને બદલે કૅમ્પેન જ થોડા સમય માટે ગ્રાહકોની દુનિયામાં પ્રવેશે છે."
જિયોસ્ટાર જેવાં સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ માટે પણ ટુર્નામેન્ટ કૅલેન્ડર ઇવેન્ટ્સ તૈયાર કરવાની અને એક જ રમત પર ધ્યાન આપવાથી દૂર જવાની તક પૂરી પાડે છે.
વ્યાપક સ્તરે એવા અહેવાલ પ્રગટ થયા હતા કે, જિયોસ્ટાર નાણાંકીય નુકસાનને કારણે 2024-2027 માટેના તેના ત્રણ અબજ ડૉલરના પ્રસારણ હક્કોના કરાર પર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે પુનઃ વાટાઘાટો કરવા માગતું હતું.
નિષ્ણાતો જણાવે છે કે આ ભાગીદારી હજુયે અમલી છે, પણ અનિશ્ચિતતાની આવી સ્થિતિમાં ટેનિસમાં રોકાણ વધારવું એ વ્યૂહાત્મક રીતે યોગ્ય પગલું છે.
ભલ્લા કહે છે, "જિયોસ્ટાર માટે, ટેનિસ ઍંગેજમેન્ટ કૅલેન્ડરને વિસ્તારે છે, સમૃદ્ધ શહેરી ઑડિયન્સને આકર્ષિત કરે છે તેમજ ક્રિકેટ સિવાયની ઍડવર્ટાઇઝર કૅટેગરીને વૈવિધ્યીકૃત કરે છે."
"ભારતમાં, ક્રિકેટ વ્યાપ આપે છે, તો ટેનિસ પ્રિમિયમ ઑડિયન્સ પૂરું પાડે છે... વિમ્બલ્ડન કંઈક એવું લાવે છે, જે ક્રિકેટ લાવી શકતું નથી - એક પ્રિમિયમ, સમૃદ્ધ, અંગ્રેજી બોલતું શહેરી ઑડિયન્સ જેને લક્ઝરી, ઑટોમોટિવ, બૅંકિંગ, ફિનટૅક, ટ્રાવેલ તથા પ્રિમિયમ કન્ઝ્યુમર ગૂડ્ઝની બ્રાન્ડ્ઝ સતત શોધતી હોય છે."
'બધાની નજર વિમ્બલડનના પ્રયોગ પર' કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમ છતાં, બ્રાન્ડિંગને કારણે ટુર્નામેન્ટને લઈને જે જાગૃતિ ફેલાઈ છે, તેને રમત સાથેના લાંબા ગાળાના સાતત્યપૂર્ણ જોડાણમાં બદલવા માટે વિમ્બલ્ડને ટુર્નામેન્ટ પૂરી થઈ ગયા પછી પણ તેની પ્રાસંગિકતા ઊભી કરવી પડશે, એવો અભિપ્રાય દિલ્હી સ્થિત સોશિયલ મીડિયા એજન્સી બિંજ લૅબ્ઝના સહ-સ્થાપક આર્યન અનુરાગે વ્યક્ત કર્યો હતો.
"જો આ ક્ષણોને ટુર્નામેન્ટ ફરતેની માત્ર એક વખતની કૅમ્પેન પ્રયુક્તિ તરીકે જોવામાં આવશે, તો તેની અસર ટૂંકા ગાળાની રહેવાની શક્યતા છે."
ડૅશ ઉમેરે છે કે, ઉત્સુકતાને વાસ્તવિક પ્રશંસકોમાં ફેરવવા માટે ક્ષેત્રીય સ્તર પર વધુ જોડાણ અને બજારમાં સતત રોકાણની જરૂર પડશે.
ભલ્લાએ કહ્યું હતું કે, પણ હાલના તબક્કે, દરેક મહત્ત્વની વૈશ્વિક સ્પોર્ટ્સ પ્રૉપર્ટી વિમ્બલ્ડનના આ પ્રયોગને ધ્યાનથી જોઈ રહી છે.
"જો આ પ્રયોગ એ પુરવાર કરી દેશે કે, સાંસ્કૃતિક સંદર્ભ સાથે વાર્તા કહેવાની શૈલી ભારતમાં જોડાણ વધારી શકે છે, તો એફ-1, એનબીએ, એનએફએલ, યુએફસી, લા લિગા તથા પ્રિમિયર લીગ પણ ભારત-કેન્દ્રિત કન્ટેન્ટ રણનીતિઓ મજબૂત બનાવે, તેવી અપેક્ષા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























