30 વર્ષથી ઍવરેસ્ટ પર થીજી ગયેલો ભારતીય સૈનિકનો મૃતદેહ, કેવી રીતે પાછો લવાશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Supplied

ઇમેજ કૅપ્શન, 30 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા, લીલા રંગના પર્વતારોહણ માટેના બૂટ પહેરલા એક ભારતીય પર્વતારોહકનો મૃતદેહ એવરેસ્ટના શિખર તરફ જવાના માર્ગ પર ઘણા પર્વતારોહકો માટે એક ભયાનક નિશાની બની ગયો છે
    • લેેખક, જહાંગીર અલી,
    • પદ, સ્કર્બચેન,લદાખ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

'ગ્રીન બૂટ્સ' તરીકે ઓળખાતો એક મૃતદેહ 30 વર્ષથી બરફમાં પડેલો છે. ઍવરેસ્ટના શિખરથી બહુ દૂર નહીં એવા એક બહાર નીકળેલા ખડકની નીચે સુરક્ષિત રીતે દટાયેલો છે.

1996માં મૃત્યુ પામેલા આ ભારતીય પર્વતારોહકના ચમકદાર રંગના પર્વતારોહણ બૂટ, ત્યારથી દુનિયાના સૌથી ઊંચા શિખર તરફ આગળ વધતા અનેક પર્વતારોહકો માટે એક ભયાનક માર્ગચિહ્ન બની ગયા છે.

હવે ભારત ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાંથી મૃતદેહ બહાર કાઢવામાં નિપુણ એવી એક વિશેષ ટીમની શોધમાં છે. આ ટીમ એક જટિલ અને જોખમી અભિયાન હાથ ધરીને, પર્વત પર દટાયેલા સેંકડો લોકોમાં કદાચ સૌથી વધુ જાણીતા એવા દોર્જે મોરુપનો મૃતદેહ પાછો લાવશે.

તેમને આશા છે કે હવે તેઓ તેના અવશેષોને તેના મિત્રો અને પરિવારજનો સુધી પાછા પહોંચાડવામાં સફળ થશે, જેમણે કદી આશા છોડી નહોતી કે તે એક દિવસ ઘરે પાછો ફરશે.

મોરુપની પત્નીએ બીબીસીને કહ્યું, "કેટલીય વાર હું સૂવા જતી ત્યારે વિચારતી કે આજે રાત્રે દરવાજા પર કોઈ ટકોરા મારશે અને હું દરવાજો ખોલીશ ત્યારે તે મારી સામે ઊભો હશે."

તે ઘરે આવશે, ત્યારે હું પૂછીશ: 'આટલાં વર્ષો સુધી ક્યાં હતા?'

ઊતરતી વખતે દુર્ઘટના સર્જાઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Family handout

ઇમેજ કૅપ્શન, દોરજે મોરુપ એક ઉત્સાહી પર્વતારોહક હતા અને તેઓ ઘણાં શિખર સર કરી ચૂક્યા હતા, જેમાં લદ્દાખ પર્વતમાળાનો સૌથી ઊંચું શિખર સ્ટૉક કાંગરી પણ સામેલ છે

હિમાચ્છાદીત શિખર પર રક્ષણાત્મક કપડાંં પહેરેલો એક માણસ લીલા રંગનો ધ્વજ પકડીને ઊભો છે, જેની ઉપર એક નાનકડો ભારતીય ધ્વજ પણ દેખાઈ રહ્યો છે.

ઍવરેસ્ટ પરનાં ઐતિહાસિક ભારતીય અભિયાનનો હિસ્સો બનવા માટે નીકળવાની આગલી રાત્રે, મોરુપ લદાખમાં પોતાના ઘરે પત્ની સાથે બેઠા હતા. લદાખ ભારત પ્રશાસિત કાશ્મીર વિસ્તારમાં આવેલું છે.

તેમણે પત્નીને વચન આપ્યું હતું કે તેઓ એક હીરો બનીને પાછા ફરશે અને પોતાના દેશનું ગૌરવ વધારશે.

કોંચોક યાંગસ્કિતે પોતાના ઘરે બીબીસીને જણાવ્યું, "તેમણે મને બાળકોની સંભાળ રાખવા અને તેઓ પાછા ફરે ત્યારે ઍરપૉર્ટ પર તેમને આવકારવા આવવાનું કહ્યું હતું."

ભારત-ચીનની સરહદના મોટા ભાગની સુરક્ષા કરતા દળ ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (ITBP)માં લાન્સ નાયક (લાન્સ કોર્પોરલ) તરીકે કાર્યરત મોરુપ 48 વર્ષના હતા. હિમાલયમાં ટ્રેકિંગ તેમના માટે નવું નહોતું.

પણ યાંગસ્કિત કહે છે કે એ રાત્રે પોતાને એક વિચિત્ર અશુભ સંકેતનો અનુભવ થયો હતો:

"મને થયું કે શું હું તેમને ફરી ક્યારેય જોઈ શકીશ ખરી?"

ઍવરેસ્ટના શિખર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા સત્તાવાર ITBP અભિયાનમાં સામેલ છ પર્વતારોહકોમાંના એક મોરુપ હતા. નેપાળ અને ચીનના નિયંત્રણ હેઠળના તિબેટ વિસ્તારની સરહદ પર ઍવરેસ્ટ આવેલું છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, મોરુપનાં કેટલાંક તસવીરો અને સામાન તેમની યાદને જીવિત રાખવામાં પરિવારને મદદરૂપ નીવડ્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોટાભાગના પર્વતારોહકો નેપાળ તરફથી ઍવરેસ્ટ પર ચઢવાનું પસંદ કરે છે, પણ મોરુપની ટીમ ઇચ્છતી હતી કે તેઓ જોખમી તિબેટ-ચીન તરફથી ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય અભિયાન તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવે.

મોરુપનાં પત્ની યાંગસ્કિતે કાળા રંગની સુલમા પહેરી હતી, જે પરંપરાગત લદાખી પોશાક છે.

તેમણે રંગીન ગૂંથેલી માથાની ટોપી અને ગળામાં પરંપરાગત આભૂષણો પહેર્યાં હતાં, જે લદ્દાખની વારસાગત સંસ્કૃતિ અને બૌદ્ધ આધ્યાત્મિકતાનું પ્રતીક છે.

આ સાહસ અભિયાનના છ સભ્યોમાંથી ત્રણ જણા બરફના તોફાનને કારણે પાછા ફરી ગયા, પણ મોરુપ અને અન્ય બે સાથીદારો—ત્સેવાંગ સ્માનલા અને ત્સેવાંગ પાલજોર—શિખર સુધી પહોંચવા માટે આગળ ધપતા રહ્યા.

પણ ઊતરતી વખતે બ્લિઝાર્ડ-એક ભયંકર બર્ફીલા તોફાને ત્રણેયનો ભોગ લીધો.

છેલ્લી એક સદી દરમિયાન એવરેસ્ટ વિસ્તારમાં મૃત્યુ પામેલા 300થી વધુ લોકોની જેમ જ તેમના મૃતદેહો પણ આજે પર્વત પર જ છે.

તેમાંથી બે મૃતદેહો ક્યારેય મળી શક્યા નથી, પણ 'ગ્રીન બૂટ્સ' તરીકે ઓળખાતો ત્રીજો મૃતદેહ છેલ્લા ત્રણ દાયકાથી 8,500 મીટરની ઊંચાઈએ બરફમાં જામી ગયેલી સ્થિતિમાં પડેલો છે.

ઘણાં વર્ષો સુધી મનાતું રહ્યું કે 'ગ્રીન બૂટ્સ' આ અભિયાનના બીજા સભ્ય ત્સેવાંગ પાલજોરનો મૃતદેહ હતો.

પણ 1996ના આરોહણ અભિયાનમાંથી બચી ગયેલા સભ્યો અને પર્વતારોહકો સાથે થયેલા છેલ્લા રેડિયો સંપર્કનું સ્થાન—આ બંને આધારોને કારણે હવે અધિકારીઓ માનવા લાગ્યા છે કે આ અવશેષો મોરુપના છે.

મીડિયા સાથે વાત કરવાની પરવાનગી ન હોવાને કારણે, પોતાનું નામ જાહેર ન કરવાની શરતે એક આઈ.ટી.બી.પી. અધિકારીએ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું કે, તાજેતરનાં વર્ષોમાં મોરુપના કપડાં અને ટ્રેકિંગ ઉપકરણોની મદદથી અધિકારીઓએ મૃતદેહની ઓળખ કરવામાં સફળતા મેળવી હતી.

ત્યારથી તેઓ પોતાના સાથીને ઘરે પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે, જેથી ડી.એન.એ. પરીક્ષણ દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકાય અને તેમના પરિવારને માનસિક શાંતિનો અનુભવ કરાવી શકાય.

આઈ.ટી.બી.પી.અધિકારીએ કહ્યું, "અમે તેમને ક્યારેય ભૂલ્યા નથી. એ કેવળ સમયની વાત હતી."

કેટલું મુશ્કેલ હશે મૃતદેહને પાછો લાવવાનું કામ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, મોરુપના સૌથી મોટા પુત્ર પુંચોક દોરજઈ તેમના પિતાની ફ્રેમ કરેલી તસવીર સામે જોઈ રહ્યા છે

પર્વત પર મૃત્યુ પામેલા લોકોને નીચે લાવવાનું કામ ખૂબ જ જોખમી અને અત્યંત કઠિન હોય છે. છેલ્લા દાયકા સુધી તો આવું ભાગ્યે જ બનતું હતું.

મોરુપના મૃતદેહની જેમ ઘણા મૃતદેહો એ વિસ્તારમાં છે, જેને પર્વતારોહકો એવરેસ્ટનો 'ડેથ ઝોન' કહે છે. અહીં તાપમાન ઘટીને -40°C સુધી પહોંચી શકે છે અને ઑક્સિજનનું પ્રમાણ સમુદ્રની સપાટી કરતાં લગભગ એક તૃતીયાંશ જેટલું જ હોય છે.

અગાઉના કેટલાક મૃતદેહ પુનઃપ્રાપ્તિ અભિયાનોમાં ભાગ લેનાર નેપાળના જાણીતા પર્વતારોહક ત્શિરિંગ જાંબુ શેરપા કહે છે: "હવામાન અને બરફની પરિસ્થિતિ સૌથી મહત્ત્વપૂર્ણ રહેશે."

તેમણે બીબીસી હિન્દીને જણાવ્યું, "ઉત્તર ભાગમાં હિમફાટ (ક્રેવાસ) ઓછી છે, પણ તે વધુ જોખમી છે. નેપાળ બાજુથી કોઈ મુશ્કેલી ઊભી થાય તો હેલિકૉપ્ટર દ્વારા ઝડપથી બચાવ કરી શકાય. પણ ચીન તરફથી આવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી."

મોરુપનો મૃતદેહ આવેલો છે એ, શિખરનો તિબેટ-ચીન તરફનો ભાગ વધુ ઢાળવાળો છે અને તેમાં દક્ષિણ ઢોળાવ જેટલી સહાયવ્યવસ્થા ઉપલબ્ધ નથી. બીબીસી ન્યૂઝ નેપાળીને શેરપા સૂત્રોએ જણાવ્યું કે આ પણ એક મોટો પડકાર છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Family handout

ઇમેજ કૅપ્શન, મોરુપના પરિવારજનો ચીનની સરકારે તેમના સફર એવરેસ્ટ આરોહણની પુષ્ટિ કરવા માટે જાહેર કરેલા સર્ટિફિકેટને બતાવતા ગૌરવ અનુભવે છે

પેમ્બા ઓંગચુ શેરપાએ કહ્યું,"લોકપ્રિય મનાતી વસંત ઋતુમાં પણ આ મૃતદેહને નીચે લાવવો ખૂબ જ મુશ્કેલ છે, તો પછી અનિશ્ચિત હવામાન ધરાવતી શરદ ઋતુમાં એ વધુ મુશ્કેલ બની જાય. તે આટલાં વર્ષોથી ત્યાં પડ્યો છે એનું સીધુંસાદું કારણ આટલું છે."

તેમણે વધુમાં કહ્યું, "એ સ્થળ સુધી પહોંચવા માટે જરૂરી દોરડાં (સપોર્ટ રોપ્સ) લગાવવા માટે જ એવા 10 થી 12 પર્વતારોહકોની જરૂર પડશે, જે ઍવરેસ્ટનું શિખર સર કરવાની ક્ષમતા ધરાવતા હોય."

મોરુપના મૃતદેહને પણ ઊંચકીને એવી ઊંચાઈ સુધી લાવવો પડશે જ્યાં તેને હેલિકૉપ્ટર અથવા કદાચ યાક દ્વારા લઈ જઈ શકાય અને ત્યાર પછી ઍરપૉર્ટ સુધી પહોંચાડી શકાય—અને આ કામ માટે પણ વિશાળ માનવબળની જરૂર પડશે.

શેરપાઓ કહે છે કે બરફથી ઢંકાયેલા પર્વતારોહણનાં સાધનોમાં લપેટાયેલા મૃતદેહોનું વજન ઘણીવાર સૈંકડો કિલોગ્રામ જેટલું થઈ જાય છે અને તેઓ ઘણી વખત અઘરી તથા વિચિત્ર સ્થિતિમાં બરફમાં જામી જાય છે. તેથી મુશ્કેલ ભૂપૃષ્ઠ પરથી તેમને નીચે લાવવાનું કામ વધુ જોખમી બની જાય છે. મોરુપના અવશેષો પણ ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં પહોંચશે ત્યારે પીગળવા અને સડી જવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

ભારતીય પર્વતારોહક કુંતલ જોશીએ બીબીસી નેપાળીને જણાવ્યું કે મૃતદેહ સાથે નીચે ઉતરવાની શરૂઆતનો ભાગ સૌથી વધુ મુશ્કેલ હશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, મોરુપના પરિવારજનો પાછા લવાઈ રહેલો મૃતદેહ તેમના માટે શું હશે એ અંગે થોડા સાવચેત છે

તેમણે કહ્યું, "આ ખૂબ જ જોખમી પ્રયાસ બની રહેવાનો છે. અહીંનો વિસ્તાર ખૂબ જ સીધો છે અને તેમાં ઘણા ખડકો છે. વ્યવહારિક રીતે જોઈએ તો આ પહેલો 1000 મીટરનો ભાગ એક મોટો પડકાર સાબિત થશે."

"સૌથી મહત્ત્વની વાત એ કે એક મૃતદેહ માટે શેરપાઓનાં જીવને જોખમમાં ન મૂકવાં જોઈએ."

આ તમામ કારણોને લઈને આ પુનઃપ્રાપ્તિ અભિયાન ખૂબ ખર્ચાળ બની રહેશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સૌથી સરળ અભિયાનનો ખર્ચ પણ આશરે 40,000 થી 80,000 અમેરિકન ડૉલર વચ્ચે થાય છે, જે મોટા ભાગના પરિવારો માટે શક્ય નથી.

સ્થાનિક ટીમો દ્વારા પર્વત પર મૃત્યુ પામેલા લોકોને વધુ એકાંત અંતિમ મુકામે પહોંચાડવાનું વધુ સામાન્ય છે. જેમ કે પર્વતારોહક ફ્રાન્સિસ આર્સેન્ટિએવ, જેમને 'ઍવરેસ્ટની સ્લીપિંગ બ્યુટી' તરીકે ઓળખવામાં આવતા હતા.

2007માં, તેમના મૃત્યુના લગભગ એક દાયકાથી વધુ સમય પછી, તેમને ઍવરેસ્ટ પર યોગ્ય અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

આ મૃતદેહ પાછો લાવવાના અભિયાનનો ખર્ચ ઉઠાવનાર આઈ.ટી.બી.પી. ઇચ્છે છે કે મોરુપનો મૃતદેહ સપ્ટેમ્બર સુધીમાં પરત લાવવામાં આવે.

આ માટે તે પર્વતીય બચાવકાર્યમાં નિષ્ણાત એવાં શેરપા જૂથોની શોધ કરી રહ્યું છે, જે આ કામ કરી શકે.

ભારત પરત લાવ્યા પછી મૃતદેહનું ડી.એન.એ.પરીક્ષણ કરવામાં આવશે અને તે મોરુપનો જ હોવાનું પ્રમાણિત થશે, તો તેમના અવશેષો તેમના પરિવારને સોંપવામાં આવશે.

'મારું હૈયું માનવા તૈયાર નહોતું કે તેમનું મૃત્યુ થયું છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, મોરુપનાં પત્ની યાંગસ્કિત કહે છે કે તેમણે તેમનો મૃતદેહ ક્યારેય જોયો ન હોઈ મોરુપ ગુજરી ગયા છે એ વાત પર વિશ્વાસ કરવામાં તેમને મુશ્કેલી પડી હતી

લદાખમાં રહેલા મોરુપના પરિવાર માટે, વર્ષોથી તેમના ગુમ થવાની ઘટના સ્વીકારતાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

હવે લગભગ 75 વર્ષની થઈ ગયેલી યાંગસ્કિતને પોતાના લગ્નનો દિવસ પણ યાદ કરવામાં મુશ્કેલી પડે છે. પરંતુ દુર્ઘટના પછીના દિવસો હજી તેમની સ્મૃતિમાં ઊંડે સુધી અંકિત છે.

વહેતાં આંસુ સાથે તેઓ કહે છે, "મને એટલી જ ખબર હતી કે પર્વત પર તોફાન આવ્યું હતું. ઘરે અમે અંતિમ સંસ્કાર માટે પ્રાર્થનાઓ પણ કરી હતી, પણ મારું હૈયું માનવા તૈયાર નહોતું કે તેમનું મૃત્યુ થયું છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, સ્કુરબુચાન ગામ એક દુર્ગમ વિસ્તારમાં આવેલું છે, જે કારગિલથી સડક માર્ગે ચાર કલાકના અંતરે છે

"મેં તેમનો મૃતદેહ જોયો નહોતો, તેથી મારા માટે આ વાત પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતો."

આજે મોરુપની સ્મૃતિરૂપે તેમની પાસે માત્ર તેમના મેડલ અને ટ્રૉફીઓ, પર્વતારોહણનાં સાહસોની કેટલીક જૂની તસવીરો અને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવું ચીન સરકાર દ્વારા આપવામાં આવેલું એક પ્રમાણપત્ર છે. તેમાં લખેલું છે કે 10 મે 1996ના રોજ સાંજે 17:30 વાગ્યે મોરુપ ઍવરેસ્ટના શિખર પર પહોંચ્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,
ઇમેજ કૅપ્શન, મોરુપના ભાઈ તાશી સોનમ કહે છે કે વર્ષો સુધી તેમના ભાઈ તેમના સ્વપ્નમાં આવતા રહ્યા

"આ મૃતદેહ પરત લાવવાનું અભિયાન સફળ થાય તો" મોરુપના પુત્ર પંચોક દોર્જાઈએ બીબીસીને જણાવ્યું, "પરિવાર લદાખની રાજધાની લેહમાં આવેલ માર્ટર્સ પાર્ક નજીક તેમના માટે અંતિમ સંસ્કાર કરશે."

દોર્જાઈએ કહ્યું: "મારા પિતાએ દેશ માટે પોતાનું જીવન અર્પ્યું હતું અને તેમને એક શહીદ તરીકે યાદ કરવા જોઈએ."

તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના જે પણ સાથીદારો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, તેમને પણ આ જ સન્માનનો હક છે. તેમણે કહ્યું કે પરિવાર મોરુપની યાદ અને વારસાનું એક પ્રતીક તેમના ઘરે ગૌરવપૂર્વક સાચવી રાખશે, જે તેમના ઍવરેસ્ટ શિખર સર કરવાના પ્રમાણપત્રની સાથે રહેશે:

"અમે ગ્રીન બૂટ્સને સાચવીને રાખવાનું આયોજન કરી રહ્યા છીએ."

વિશેષ અહેવાલ: પ્રદીપ બશ્યાલ, બીબીસી ન્યૂઝ નેપાળી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન