હેલિકૉપ્ટર સીધું જ્વાળામુખીમાં પડ્યું, ઊકળતા લાવા પર એક રાત કેવી રીતે ગુજારી?

છઠ્ઠી જાન્યુઆરી, 2023; કિલાઉઆ જ્વાળામુખીના હલીમાઉમાઉ ક્રેટરમાંથી થતો લાવાનો પ્રચંડ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છઠ્ઠી જાન્યુઆરી, 2023; કિલાઉઆ જ્વાળામુખીના હલીમાઉમાઉ ક્રેટરમાંથી થતો લાવાનો પ્રચંડ વિસ્ફોટ
    • લેેખક, એશિયા ફોક્સ અને જૂન ક્રિસ્ટી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

એક વિમાન કે હેલિકૉપ્ટર હવામાં ઉડાન ભરે અને ઊકળતા જ્વાળામુખીમાં ક્રૅશ થઈ જાય એ અત્યંત હૃદયદ્રાવક ઘટના છે, પણ જરા કલ્પના કરી જુઓ, તેમાં સવાર લોકો સાથે આના કરતાં પણ વધુ ભયાનક કશું બની શકે?

હા, બિલકુલ બની શકે છે!

ધગધગતો લાવા તમારા પગની નીચે ઊકળી રહ્યો હોય અને તે આખી રાત જ્વાળામુખીના તે મુખ પાસે પસાર કરવી પડે, એ ઘટના અકસ્માત કરતાં પણ વધુ ડરામણી છે.

આ ઘટના નવેમ્બર, 1992ની છે. 'ટાઇટેનિક' અને 'ટર્મિનેટર 2' જેવી સુપરહિટ ફિલ્મોની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) ટીમમાં કામ કરી ચૂકેલા ક્રિસ ડટી હોલિવૂડની એક નવી ફિલ્મના શૂટિંગ માટે અમેરિકાના હવાઈના 'બિગ આઇલૅન્ડ' પર હેલિકૉપ્ટરમાં ઊડી રહ્યા હતા.

પાઇલટ ગ્રેગ હોસ્કિંગ અને કૅમેરા આસિસ્ટન્ટ માઇક બેન્સન પણ તેમની સાથે હેલિકૉપ્ટરમાં સવાર હતા.

તેઓ વરાળના ગાઢ ધુમ્મસમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કમનસીબે તેમનું હેલિકૉપ્ટર એક ખડક સાથે ટકરાયું. બીજી જ ક્ષણે એન્જિન ખોટકાઈ ગયું અને હેલિકૉપ્ટર કાબૂ ગુમાવીને સીધું જ્વાળામુખીના આગ ઓકતા ખાડામાં જઈ પડ્યું.

'અમે હેલિકૉપ્ટરમાંથી 'સિલ્વર' ફિલ્મનો ક્લાઇમેક્સ શૂટ કરી રહ્યા હતા. તે દૃશ્ય અદ્ભુત હતું. કિલાઉઆ જ્વાળામુખીમાંથી નીકળી રહેલો ધગધગતો લાવા સીધો દરિયાના પાણીમાં ભળી રહ્યો હતો, જેના કારણે આકાશમાં સફેદ ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા.'

તે ક્ષણે મેં મનમાં વિચાર્યું, "મને માન્યામાં નથી આવતું કે, મને આટલા અદ્ભુત કામના પૈસા મળે છે. આ દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"તે શનિવારની સવારનો સમય હતો. એક મોટું વાવાઝોડું આવી રહ્યું હતું. આથી, અમારી પાસે બહાર જઈને શૂટ કરવા માટે માત્ર બેથી ત્રણ કલાકનો સમય હતો."

ફિલ્મનું દૃશ્ય એવું હતું કે, મુખ્ય કલાકારો જ્વાળામુખી ઉપરથી ઊડતી વખતે ધીમે-ધીમે અદૃશ્ય થઈ જાય. કૅમેરામાં રેકૉર્ડ થયેલો શૉટ સ્ક્રીન પર જોઈને માઇકે કહ્યું, "આપણે આના કરતાં વધુ સારું દૃશ્ય શૂટ કરી શકીએ છીએ." અને તે જ ક્ષણે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી.

અમે જ્વાળામુખી તરફ પાછા ફર્યા, ત્યારે તેમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા હતા. અમે જેમ-જેમ આગળ વધતા ગયા, તેમ-તેમ ધુમાડો એટલો ગાઢ થઈ ગયો કે, અમને આગળનું કશું દેખાતું ન હતું. અચાનક જ હેલિકૉપ્ટરનો પાછલો ભાગ ધ્રૂજવા માંડ્યો.

"હે ભગવાન!" પાઇલટ ગ્રેગ હોસ્કિંગના મોઢેથી ભયના માર્યા ચીસ નીકળી.

મેં જ્યારે ઉપર જોયું, ત્યારે મને બધું સફેદ જ દેખાતું હતું, જાણે કે હું વાદળોના પેટાળમાં હોઉં. "આપણે પડવાના છીએ!" ગ્રેગે ફરી ચીસ પાડી.

"હેલિકૉપ્ટરના પાંખિયા એક ખડક સાથે અથડાઈને વેરવિખેર થઈ ગયા. તેના લીધે હેલિકૉપ્ટરે કાબૂ ગુમાવી દીધો અને તે સીધું નીચે ખાબક્યું."

આ જોરદાર આંચકાથી ગ્રેગ અને માઇક બંને એટલા જોરથી ફેંકાયા કે એક ક્ષણ માટે તો હું તેમને માંડ જોઈ શકતો હતો.

હેલિકૉપ્ટરની ટક્કરથી બંને બહાર ફંગોળાઈ ગયા. ગ્રેગના માથા પર ગંભીર ઈજા થઈ હતી અને આંખો પાસે થયેલા ઊંડા ઘામાંથી લોહી વહી રહ્યું હતું.

અમે હેલિકૉપ્ટરમાંથી બહાર કૂદી પડ્યા અને આજુબાજુ નજર દોડાવી. પંખાના પાંખિયા ગાયબ હતા અને પાછલો ભાગ તૂટીને જમીન પર પડ્યો હતો.

ત્યાં ઝેરી ગૅસનું પ્રમાણ એટલું બધું હતું કે, શ્વાસ લેવામાં પણ ખૂબ તકલીફ પડી રહી હતી. સલ્ફરના ધુમાડાને કારણે છાતી જકડાઈ ગઈ હતી અને આંખો બળતી હતી.

આ આઘાતમાંથી કળ વળતાં મેં બહાર નજર દોડાવીને તેમને પૂછ્યું, "શું આપણે જ્વાળામુખીની અંદર ફસાઈ ગયા છીએ?"

ગ્રેગે કહ્યું, 'હા'.

'શું કોઈને ખબર છે કે આપણો અકસ્માત થયો છે?'

જ્વાળામુખી

ઇમેજ સ્રોત, Getty Images

જ્વાળામુખીનું મુખ અર્થાત્, જ્વાળામુખીની અંદરનો ઊંડો ખાડો ફૂટબૉલના મેદાન કરતાં અનેકગણો વિશાળ હતો.

અમે જ્વાળામુખીના એકદમ ઉપરના ભાગથી આશરે 100 મીટર નીચે ફસાયેલા હતા. અમારે કોઈક રીતે બહાર નીકળવાનો માર્ગ શોધવો જ પડે. અમે ઉપર ચઢવાનું શરૂ કર્યું, પણ તે ઘણું મુશ્કેલ હતું.

જે લાવા પીગળ્યા પછી ઠંડો થઈ ગયો હતો, તેના પથ્થરો અડવામાત્રથી બટકીને નીચે પડી જતા હતા. તે ચાકુની ધાર જેવા તીક્ષ્ણ હતા. તેમની ઉપરથી આગળ વધવું એ તૂટેલા કાચના ટુકડાઓ પર ઘસડાઈને જવા બરાબર હતું.

હું લગભગ અડધે સુધી ઉપર ગયો, પણ ત્યાંથી આગળ ચઢાણ કરવું અશક્ય લાગતું હતું.

મેં નીચે રહેલા માઇક અને ગ્રેગને જોરથી બૂમ પાડીને કહ્યું, "મારે અહીં જ રોકાવું પડશે, હું હવે વધારે આગળ જઈ શકીશ નહીં, તે ઘણું જોખમભર્યું છે."

હું જેમ-તેમ કરીને પથ્થરની માંડ એકાદ મીટર પહોળી નાની ધાર પર અટક્યો.

"ધીરજ રાખો, આપણે પહેલાં પ્લાન બનાવવો પડશે," ગ્રેગે કહ્યું.

મેં તેમને પૂછ્યું, "શું કોઈને ખબર છે ખરી કે આપણો અકસ્માત થયો છે? શું એવી શક્યતા છે, કે કોઈને અત્યાર સુધીમાં તેની જાણ થઈ ગઈ હોય?"

તેમણે જવાબ આપ્યો કે, "બિલકુલ નહીં, કોઈને ખબર સુદ્ધાં નહીં હોય."

ગ્રેગે કહ્યું, "ચાલો, થોડો આરામ કરી લઈએ. પછી આપણે અહીંથી બહાર નીકળવાનો પ્લાન બનાવવો પડશે."

ગ્રેગે હેલિકૉપ્ટર પાસે પાછા જવાનું, રેડિયો સરખો કરવાનું અને મદદ માટે સંપર્ક કરવાનું નક્કી કર્યું.

રેડિયો ચાલુ કરીને તેઓ તાકીદે મદદ માટે બૂમો પાડવા લાગ્યા, "મે-ડે! મે-ડે! મે-ડે!"

ટૂંક સમયમાં જ તેમને ભારે ઉધરસ ચઢી. "હું શ્વાસ નથી લઈ શકતો... હું બિલકુલ શ્વાસ નથી લઈ શકતો..." એમ કહીને તે ઊલટી કરવા માંડ્યા અને તેમને ભયંકર ખાંસી ચઢી. તેમની હાલત એટલી બગડી ગઈ કે, તે બેભાન થઈને ઢળી પડવાની તૈયારીમાં હતા.

જ્વાળામુખીની આસપાસ કેટલાંક હેલિકૉપ્ટર ચક્કર લગાવી રહ્યાં હતાં. તેમાંથી એક હેલિકૉપ્ટરનો અવાજ અમે ખૂબ નજીકથી સાંભળી શકતા હતા.

પણ તે હેલિકૉપ્ટરો જતાં રહ્યાં. અમે ગ્રેગને સાદ દીધો, પણ તેમણે કોઈ પ્રતિસાદ ન આપતાં અમને કશુંક અઘટિત બન્યાની શંકા ગઈ.

100 મીટર ઊંડી ખીણ

ક્રિસ ડટી તેમનાં પત્ની, અભિનેત્રી અને ગાયિકા જોલી ફિશર અને પુત્રી કાયલર સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ ડટી તેમનાં પત્ની, અભિનેત્રી અને ગાયિકા જોલી ફિશર અને પુત્રી કાયલર સાથે

તે ક્ષણે બચવાની આશા લગભગ નહિવત્ થઈ ગઈ હતી. તે અનુભવ મોતના મુખમાંથી પાછા ફરવા જેવો હતો.

પણ હજુંયે માઇક અને મારામાં આશાનું એક કિરણ બચ્યું હતું, કારણ કે, રેસ્ક્યૂ ટીમ એ બરાબર જાણતી હતી કે અમે ક્યાંથી આવ્યા છીએ.

જમીન પરથી સર્ચ ઑપરેશન કરી રહેલી એક રેસ્ક્યૂ ટીમ થોડી જ વારમાં જ્વાળામુખીની ઉપરની ધાર સુધી પહોંચી ગઈ અને ઉપરથી અમારી દિશામાં મોટેથી બૂમ પાડી, "અમે તમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ!"

અમારા હૃદયમાં આશાનું નાનું કિરણ પ્રગટ્યું.

તેમણે બૂમ પાડી કે,"અમે તમારી તરફ નીચે દોરડું ફેંકવાની કોશિશ કરી રહ્યા છીએ."

દોરડું પવન સાથે નીચે ઝૂલી રહ્યું હતું, પણ તે અમારાથી ઘણે દૂર પડ્યું.

"તેને છ મીટર જમણે ફેંકો!" મેં તેમને બૂમ પાડીને કહ્યું. દોરડું ખેંચીને કેટલીય વાર ઉપર-નીચે કરવામાં આવ્યું. દર વખતે તે અમારી તરફ આવતું હતું, પણ તેના સુધી પહોંચી શકાય, એટલું નજીક નહોતું આવતું.

તેને પકડવા માટે મારે હવામાં કૂદકો મારવો પડે, પણ મારી બરાબર નીચે 100 મીટર ઊંડી ખાઈ મારી રાહ જોતી હતી!

ત્યાં જ ઘાટાં વાદળો જ્વાળામુખીના મુખમાં પ્રવેશવા માંડ્યાં અને વરસાદ ચાલુ થઈ ગયો. મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. દોરડું દેખાતું બંધ થઈ ગયું. એ પછી તેમણે ફરી દોરડું નીચે ન નાખ્યું.

અડધો કલાક થયો, કલાક થયો, પણ ઉપરથી કોઈ અવાજ કે જવાબ આવ્યો નહીં.

ત્યાં શું ચાલી રહ્યું હતું, તેનાથી અમે સાવ અજાણ હતા.

આજુબાજુ અંધારું ઘેરાવા માંડ્યું હતું. બીજો એક કલાક વીત્યો અને તે સાથે મારા મનમાં બીક પેસવા માંડી.

હું ગણગણ્યો કે, "હે ભગવાન, આવું ન થઈ શકે. કંઈક ખોટું થઈ રહ્યું છે."

ત્યાં તો ઉપરથી અવાજ આવ્યો... "અમે આવતીકાલ સવાર સુધી રેસ્ક્યૂ ઑપરેશન બંધ કરી રહ્યા છીએ. ચિંતા ન કરશો, અમે સવારે આવીને તમને બહાર કાઢીશું."

"શું? આખી રાત અમારે આ ભભૂકતા જ્વાળામુખીના પેટાળમાં રોકાવાનું હતું?"

તે લોકો ઉપર તંબૂ લગાવવા માંડ્યા. તેમણે કહ્યું કે, તેઓ કલાકે-કલાકે અમારી પરિસ્થિતિ તપાસશે.

તેઓ સીટી વગાડશે અને વળતા જવાબરૂપે અમારે સીટી વગાડવાની રહેશે, જેથી તેમને જાણ થાય કે અમે જીવીએ છીએ.

જ્વાળામુખી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્વાળામુખી

માઇક અને હું ત્યાં બેઠા. મેં સ્વેટર અને બેઝબોલ કૅપ પહેરી હતી. મેં સ્વેટર માથા પર ઊંચું કરીને તંબૂ જેવું નાનું આવરણ બનાવ્યું... હું ધીમે-ધીમે ઉચ્છવાસ કાઢીને શક્ય તેટલો સમય આંખો બંધ રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

હું જે નાના ખડકની ધાર પર બેઠો હતો, તે ક્યાંક તૂટીને મને લઈને નીચે ન પડી જાય, તેની પ્રાર્થના કરતાં-કરતાં રાહ જોયા વિના છૂટકો નહોતો.

અહીં અમે બીજા 12 કલાક કેવી રીતે વિતાવીશું? ત્યાં તાજી હવા નહોતી આવી રહી અને અમે જે સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસમાં ભરતા હતા, તેના કારણે અમારી આંખોમાં ભયંકર બળતરા થઈ રહી હતી.

"બસ, પત્યું હવે! આ રીતે મારા જીવનનો અંત આવવાનો છે," આ વિચારે મારા હૃદયને ગમગીનીથી ભરી દીધું.

માઇકે મને ધરપત આપી. તેમણે મને એમ કહીને આશ્વાસન આપ્યું કે, તેઓ મારી સાથે હતા અને "ચાલો, એકબીજા સાથે વાતો કરીએ અને એકબીજાને હિંમત આપીએ."

તે કાળી ભમ્મર રાત હતી. વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો હતો. હું સાવ ભીંજાઈ ગયો હતો. કડકડતી ઠંડીમાં મારું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું.

હું કેમેય કરીને શાંતિથી બેસી શકતો ન હતો. ક્યાંક ઝોકું આવી ગયું, તો હું સીધો તે ઊંડી ખીણમાં ગબડી પડીશ, એ બીકે મેં આખી રાત મટકું નહોતું માર્યું.

મેં મનમાંને મનમાં મારા પરિવાર સાથે વાત કરી અને દરેકને અલવિદા કહી. મને નહોતું લાગતું કે, આ ભયાનક રાતમાં હું બચી શકીશ.

ધુમાડા અને વરાળનાં વાદળોમાં સળગતા લાવાના રંગો લાલ, કેસરી અને પીળા રંગમાં બદલાઈ રહ્યા હતા.

હું નહોતો જાણતો કે તે શું હતું, પણ મને એક વિચિત્ર અવાજ સંભળાતો હતો. જાણે કોઈ પ્રાચીન ટેરોડેક્ટિલ પક્ષી તેની ચાંચ પછાડી રહ્યું હોય. તે અવાજ જ્વાળામુખીના પેટાળમાંથી આવી રહ્યો હતો. એ જ અવાજ ફરી-ફરીને સંભળાતો હતો અને ભારે ડરામણો હતો.

મારી આજુબાજુ ખડકોના મોટા-મોટા ટુકડા પડી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે શું કરવું. મેં ડરના માર્યા મારા બેય હાથ ભીંસી દીધા હતા... મારે બસ કોઈક રીતે મારો જીવ બચાવવો હતો અને આ નિર્ધાર સાથે મેં આખી રાત ધ્રૂજતાં-ધ્રૂજતાં એક જ જગ્યાએ બેસીને વીતાવી હતી.

રેસ્ક્યૂ ટીમ સવારે પાછી આવી, પણ વરસાદનું જોર વધી ગયું હતું અને ધુમ્મસને લીધે આગળ કશું જોઈ શકાતું નહોતું.

બપોર થવા છતાં અમે હજુ પણ ત્યાંના ત્યાં જ હતા. અમને ઉપર હેલિકૉપ્ટર ઊડી રહ્યું હોવાના અને નીચે સર્ચ ટીમના અવાજો સંભળાતા હતા, પણ ખડકની ધાર ઉપર મોટી તિરાડ હોવાથી તેઓ આગળ ન વધ્યા. તેમને ડર હતો કે, જો તેઓ ઉપર ચઢશે, તો માટી ધસી પડશે.

ક્રિસ ડટી તેમના પરિવાર સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ ડટી તેમના પરિવાર સાથે

મારું ગળું સોજી ગયું હતું. હું થૂંક પણ ગળી શકતો નહોતો. મારી આંખો બળતી હતી... છતાં હું ઊભો થયો અને ઉપર જવાનો રસ્તો શોધવા લાગ્યો.

"જો સારો રસ્તો મળશે, તો હું જાતે જ ઉપર જતો રહીશ. હું વધુ એક રાત અહીં નહી રહી શકું," એમ મેં ત્યાંથી નીકળતાં કહ્યું, પણ માઇકે મને શાંત પાડતાં કહ્યું, "ના, ના, ઉપર ન જશો, તે લોકો આપણને બહાર કાઢી મૂકશે."

અચાનક જ વાદળો હટી ગયાં અને સૂરજનો પ્રકાશ તે સીધા ખડક પર પડ્યો. મને બહાર નીકળવાનો રસ્તો દેખાયો. મેં ઉપર ચઢવાનું શરૂ કર્યું... પણ હું જ્યારે ટોચ પર પહોંચ્યો, ત્યારે પકડવા માટે કશું નહોતું. છેલ્લો દોઢ મીટરનો ભાગ સાવ સપાટ, ઝીણી કાંકરી અને રેતીનો બનેલો હતો.

મેં નીચે જોયું, વળી ઉપર જોયું... "હે ભગવાન! હવે હું શું કરું?" હું મૂંઝાયો.

મને સમજાતું નહોતું કે શું કરું અને હવે ફરી પાછો નીચે પણ ઊતરી શકું તેમ નહોતો.

મને ખબર નહોતી કે હું હજી જીવું છું કે મરી ગયો છું.

જ્યારે મેં તે સીધા ખડકની ધારને પકડી રાખી હતી, ત્યારે મને સમજાયું કે, ઉપર જવા માટે મારે પથ્થરોને મજબૂત રીતે પકડવા પડશે અને મારા હાથ અંદર ખૂંપાવવા પડશે. પણ તે તૂટેલા કાચના ઢગલામાં હાથ નાખવા જેટલું જ ભયાનક હતું.

મેં મારો જમણો હાથ કોણી સુધી અંદર જવા દીધો, એ પછી મેં મારો ડાબો હાથ પણ અંદર નાખ્યો અને ત્રણ સુધી ગણતરી કરી.

મને એ નહોતું સમજાતું કે હું તે કેવી રીતે કરી શક્યો, પણ મેં અનુભવ્યું કે હું ગોળ-ગોળ ફરીને જમીન પર પડી રહ્યો હતો. હું થોડી ક્ષણો માટે ત્યાં પડ્યો રહ્યો અને વિચારવા લાગ્યો, "હું હજી જીવું છું કે મરી ગયો છું?"

વીડિયો જુઓ
વીડિયો કૅપ્શન, જ્યારે સક્રિય જ્વાળામુખી પર સર્જાયો વંટોળ

હું બરાબર શ્વાસ પણ નહોતો લઈ શકતો. મારી આંખોમાં અસહ્ય બળતરા થતી હતી, પણ આખરે હું તેમાંથી બહાર નીકળી ગયો.

હું જ્વાળામુખીની પાછળની તરફ ભાગ્યો અને ત્યાં મને દોરડું દેખાયું. મારામાં હવે માઇકને ઉપર ખેંચવાની તાકાત નહોતી, આથી તેઓ નીચે છે, એ તેમને જણાવવા માટે સંકેતરૂપે દોરડું ત્યાં જ છોડી દીધું.

મને રેસ્ક્યૂ કૅમ્પ મળી ગયો. ત્યાં થોડા તંબૂ, પાણીની બૉટલ્સ અને ઑક્સિજન સિલિન્ડરો હતાં, પણ કોઈ માણસ નહોતો.

મેં જ્યાં સુધી કોઈ મળી ન જાય કે મને શોધી ન કાઢે, ત્યાં સુધી ચાલતા રહેવાનું નક્કી કર્યું. આથી મેં ચાલ્યે રાખ્યું.

હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાં હેલિકૉપ્ટર ઊડતું જોયું અને તેમની નજર પણ મારા ઉપર પડી.

તેઓ મારી તરફ દોડી આવ્યા. તેમાંથી એક માણસે મારા હાથને સ્પર્શ કર્યો અને એ જ ક્ષણે મારું આખું શરીર સુન્ન થઈ ગયું.

જાણે હું જૅલી ભરેલો કોથળો હોઉં એમ જમીન પર ફસડાઈ પડ્યો. મારા શરીરમાં ઍડ્રેનલિન (રોમાંચ અને તણાવ આપતું રસાયણ) એકાએક ઘટી ગયું હતું.

તેઓ મને સલામત રીતે હેલિકૉપ્ટરમાં બેસાડીને બેઝ કૅમ્પ લઈ ગયા. ત્યાં એક વ્યક્તિએ મારી પીઠ થાબડી, પણ એ પછી હું મારી જાત પર નિયંત્રણ ન રાખી શક્યો અને રડવા લાગ્યો.

"તમે હવે સલામત છો. તમે આમાંથી જીવતા બહાર નીકળી આવ્યા છો."

હેલિકૉપ્ટર તરફ દોડી આવનાર પ્રથમ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ અમારા પાઇલટ 'ગ્રેગ' હતા.

"ગ્રેગ, તમે જીવતા છો! અમને લાગ્યું કે તમે હવે નથી રહ્યા."

ગ્રેગ માંડ-માંડ બચ્યા હતા. જ્વાળામુખીના બેઝ નજીક તેઓ જ્યાં છૂપાયા હતા, ત્યાં આવી પહોંચનારા એક હેલિકૉપ્ટરમાં બેસીને તેઓ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.

એક દિવસ પછી માઇકને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

જ્યારે રેસ્ક્યૂ ટીમ પહોંચી, ત્યારે માઇક એક પથ્થર પર તેમનાં પત્ની માટે "આઇ લવ યૂ"નો સંદેશો કોતરી રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન