ગુજરાતમાં એનાલૉગ પનીર સહિત ચીઝ, બટર પર પ્રતિબંધ, ભેળસેળવાળા પદાર્થો કિડની, હૃદય સહિત કયાં અંગોને નુકસાન કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં મિલાવટની ફરિયાદ મળતી હતી અને ફૂડ સેફ્ટી મુદ્દે કેટલાક સવાલો પણ થયા હતા.
ખાસ કરીને એનાલૉગ પનીરનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું વિષય રહ્યો છે.
ત્યારે હવે ગુજરાતમાં 'ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય માટે હાનિકારક ગણાવી'ને આવા કેટલાક ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મીડિયાને માહિતી આપી કે "ગુજરાતમાં એનાલૉગ પનીર, એનાલૉગ ચીઝ અને એનાલૉગ બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનાં વેચાણ, પ્રોડક્શન અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."
તેનું કારણ આપતા તેમણે કહ્યું કે "ગુજરાતમાં છેલ્લા ચાર મહિનાથી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સીધી સૂચનાથી અમારી ટીમ દિવસરાત એનાલૉગ પનીર અને અન્ય ચીજવસ્તુઓ પર સતત રેડ કરી રહી છે અને એ પછી જાણવા મળ્યું છે કે આ એનાલૉગ પનીર એ શુદ્ધ પનીર નથી."
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અમદાવાદ, મહેસાણા અને સુરત સહિત અલગ-અલગ શહેરોમાં રેડ દરમિયાન એનાલૉગ પનીરનો જથ્થો પકડાયો હતો.
પનીર તથા એનાલૉગ પનીર કેવી રીતે અલગ છે, તેમજ જો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવે અને ભેળસેળમુક્ત પદાર્થોને ભોજનમાં સામેલ કરવામાં આવે તો શરીર ઉપર કેવી અસર થાય તથા તે શરીરનાં કયાં-કયાં અંગોને કેવી રીતે નુકસાન કરી શકે છે... આ તમામ બાબતો જાણવા માટે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
ગુજરાતમાં એનાલૉગ પનીરનો વિવાદ
વર્ષ 2023-24 દરમિયાન યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા હતા, ત્યારે તપાસ કરતાં એવું કારણ જાણવા મળ્યું હતું કે કેટલાંક રેસ્ટોરાં તથા કેટરર્સવાળા વધુ નફો મેળવવા માટે સસ્તું પનીર વાપરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાંક દ્વારા મિલ્ક પનીરના બદલે એનાલૉગ પનીર વાપરવામાં આવતું હતું, તો કેટલાંક દ્વારા નકલી પનીરની વાનગીઓ વેચવામાં આવતી હતી.
આથી, ઉત્પાદકે પનીરના પૅકેટ ઉપર 'મિલ્ક પનીર' તથા 'એનાલૉગ પનીર' એવી સ્પષ્ટતા કરવી તેવો નિર્દેશ આપતો પરિપત્ર કાઢવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ફૂડ ટેસ્ટિંગ માટેની પબ્લિક હેલ્થ લૅબોરેટરીના ભૂતપૂર્વ ઇનચાર્જ ડૉ. અતુલ સોનીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું, "આવું પનીર ચાવવામાં સૉફ્ટ નથી હોતું. એનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા તો રહે જ છે, સાથે જ તે શરીરના વાઇટલ ઑર્ગન્સને ડૅમેજ કરી શકે છે. આવું પનીર મોટા ભાગે પૅકિંગમાં નથી હોતું અને લૂઝ વેચાય છે. પનીરની સાથે મસાલા નાખવાને કારણે લોકો તેનો સ્વાદ પારખી નથી શકતા."
તો હૃદયરોગના નિષ્ણાત ડૉ. તેજસ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "એનાલૉગ પનીરમાં મિલ્કફેટ કાઢીને વનસ્પતિની ફેટ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા પદાર્થોથી લોહી જાડું થાય છે, જેથી લાંબા ગાળે હૃદયને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરી બ્લોક થઈ જાય છે. એટલે એનાલૉગ પનીરથી દૂર રહેવું જોઈએ."
નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે કે આરોગ્યને ભવિષ્યમાં નુકસાન થઈ શકે તેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ.
ભેળસેળવાળી ચીજ ખાવાથી શરીરમાં કેવો ફેરફાર દેખાવા લાગે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ ખાદ્ય પદાર્થોમાં જો ભેળસેળ કરવામાં આવે તો તેનાથી શરીરમાં કેવા ફેરફાર થઈ શકે અને શરીરને કેવું નુકસાન થઈ શકે એ માટે નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી હતી.
ડૉક્ટરોને કહેવા પ્રમાણે ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોની બધી અસરો તરત જ દેખાતી નથી. ઘણી વાર શરીરમાં પ્રવેશતા ઝેરી તત્ત્વો વર્ષો સુધી શાંતિથી નુકસાન પહોંચાડતા રહે છે.
શરીરમાં પ્રવેશતા રસાયણો, જેમ કે કૃત્રિમ રંગો, ભારે ધાતુઓ, જંતુનાશકોના અંશો અથવા કેટલાક ઔદ્યોગિક રસાયણો, તેમની નાની માત્રાને શરીરમાંથી બહાર કાઢવાનું મુખ્ય કાર્ય યકૃત (લિવર) અને કિડની (મૂત્રપિંડ) કરે છે. આવા પદાર્થોના લાંબા ગાળાના સંપર્કને કારણે આ અંગો પર વધારાનો ભાર પડી શકે છે.
આ ઉપરાંત, કેટલાક ઝેરી પદાર્થો કોષોની સામાન્ય કાર્યપ્રણાલીમાં અવરોધ ઊભો કરી શકે છે, જેના કારણે શરીરમાં સૂક્ષ્મ સ્તરની સોજા (ઇન્ફ્લેમેશન) થઈ શકે છે, હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે અથવા પાચનતંત્રમાં રહેલા લાભદાયી બેક્ટેરિયા પ્રભાવિત થઈ શકે છે.
નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ પહેલેથી જ લીવર, કિડની અથવા અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોને વધુ જોખમ હોઈ શકે છે. તેથી ખોરાકની સુરક્ષા માત્ર તાત્કાલિક બીમારીઓથી બચવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ભેળસેળવાળા ખોરાકથી શરીરનાં કયાં અંગોને સૌથી વધુ નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા ઓમકાર કરંબેલકરે નવી મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના ગેસ્ટ્રોઍન્ટેરોલૉજી, હેપેટોલૉજી, ઇન્ટરવેન્શનલ ઍન્ડોસ્કોપી અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના સલાહકાર ડૉ. દીપક ભંગાલે સાથે વાત કરી અને ભેળસેળથી શરીરનાં અંગો અને આંતરિક પ્રક્રિયાઓ પર થતી અસર વિશે જાણવાનો પ્રયાસ કર્યો.
ડૉ. દીપક ભંગાલે કહે છે, "ભેળસેળવાળા ખોરાકની તાત્કાલિક અસર ભેળસેળના પ્રકાર અને લેવાયેલી માત્રા પર આધાર રાખે છે. સામાન્ય લક્ષણોમાં ઊબકાં આવવાં, ઊલટી, ઝાડા, પેટમાં દુખાવો, પેટ ફૂલવું, માથાનો દુખાવો અને ચક્કર આવવાનું સમાવેશ થાય છે. કેટલાક લોકોને ઍલર્જી, ત્વચા પર ચકામાં અથવા શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં ઝેરી પદાર્થો લીવર, કિડની અથવા નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે, જેના પરિણામે શરીરમાં પાણીની ઊણપ (ડિહાઇડ્રેશન), આંચકી, અથવા અન્ય તબીબી ઇમરજન્સી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો સૌથી વધુ જોખમ હેઠળ હોય છે."
બીબીસીએ ડૉ. ભંગાલેને પૂછ્યું કે ભેળસેળયુક્ત અને સામાન્ય રીતે નીચી ગુણવત્તાવાળા ખોરાકથી શરીરનાં કયાં અંગો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેમણે તેના વિશે વિગતવાર જવાબ આપ્યા.
પ્રશ્ન: ભેળસેળયુક્ત ખોરાકના સતત સેવનથી કયાં અંગોને સૌથી વધુ જોખમ રહે?
ડૉ. ભંગાલે: આનાથી લીવર (યકૃત) અને કિડની (મૂત્રપિંડ) સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે, કારણ કે શરીરમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવાનું મુખ્ય કામ આ અંગો કરે છે. લાંબા સમય સુધી ઝેરી તત્ત્વોના સંપર્કમાં રહેવાથી આ અંગો પર સતત દબાણ રહે છે, જેના પરિણામે તેના તંતુઓને નુકસાન થાય છે અને અંતે અંગો કાર્ય કરવાનું બંધ પણ કરી શકે છે.
જઠર (પેટ) અને આંતરડાંને પણ નુકસાન પહોંચે છે, જેના કારણે સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. સીસું અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ શરીરમાં એકત્ર થતી જાય છે અને હૃદય, રક્તવાહિનીઓ તથા નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.
પ્રશ્ન: ભેળસેળયુક્ત ખોરાક લીવરને કેવી રીતે અસર કરે છે?
ડૉ. ભંગાલે: લીવર શરીરનું મુખ્ય રાસાયણિક ફિલ્ટર છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં કૃત્રિમ રંગો, ફોર્માલિન જેવા પ્રિઝર્વેટિવ્સ અથવા ફૂગનાશક રસાયણો હોય છે, ત્યારે લીવરને તેમને તોડવા અને શરીરમાંથી દૂર કરવા સતત કામ કરવું પડે છે.
આ પ્રક્રિયા દરમિયાન 'ફ્રી રેડિકલ્સ' નામના હાનિકારક અણુઓ ઉત્પન્ન થાય છે, જે લીવરની કોષોને નુકસાન પહોંચાડે છે.
તેના પરિણામે લીવરમાં સોજો, ચરબીનું જમાવટ (ફેટી લીવર) અને ફાઇબ્રોસિસ જેવી સ્થિતિઓ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી આવા ઝેરી પદાર્થોના સંપર્કમાં રહેવાથી ફેટી લીવર, લીવર સિરોસિસ અને લીવર કૅન્સરનું જોખમ વધી જાય છે.
પ્રશ્ન: શું ભેળસેળ પાચનતંત્ર અને આંતરડાંમાં રહેલા સૂક્ષ્મજીવોનું સંતુલન બગાડી શકે છે?
ડૉ. ભંગાલે: હા, ચોક્કસ.
રાસાયણિક ભેળસેળ, ઔદ્યોગિક રંગો અને ડિટર્જન્ટના અવશેષો પેટ અને આંતરડાંની રક્ષણાત્મક શ્લેષ્મ (મ્યુકસ) પડને નુકસાન પહોંચાડે છે. આ સીધી બળતરાના કારણે પેટમાં અલ્સર, એસિડિટી અને લાંબા ગાળાનો આંતરડાનો સોજો થઈ શકે છે.
આ ઉપરાંત, આવા ઝેરી પદાર્થો પાચનમાં મદદરૂપ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા લાખો ફાયદાકારક બૅક્ટેરિયાનો નાશ કરી નાખે છે.
આવી સ્થિતિમાં ઝેરી પદાર્થો સીધા જ રક્તપ્રવાહમાં પ્રવેશી શકે છે, જેના કારણે સમગ્ર શરીરમાં સોજો, પેટ ફૂલવું, પોષકતત્ત્વોનું યોગ્ય શોષણ ન થવું અને લાંબા ગાળાની પાચન સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
પ્રશ્ન: શું તેની હૃદય અથવા રક્તવાહિનીઓ પર કોઈ અસર થાય?
ડૉ. ભંગાલે: હા, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
તેનું જાણીતું ઉદાહરણ છે સરસવના તેલમાં ઝેરી આર્ગેમોન તેલની ભેળસેળ.
આવા ઝેરી પદાર્થો રક્તવાહિનીઓને નબળી બનાવે છે, શરીરમાં અતિશય પ્રવાહી સંગ્રહ અને સોજો પેદા કરે છે તથા હૃદયની કાર્યક્ષમતાને અસર પહોંચાડે છે, જેના કારણે હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી શકે છે.
સીસું અને કેડમિયમ જેવી ભારે ધાતુઓ કેટલાક ગેરકાયદેસર ખાદ્ય રંગોમાં મળી આવે છે, રક્તવાહિનીઓમાં જમા થઈ શકે છે.
પરિણામે રક્તવાહિનીઓ કઠોર અને સાંકડી બનવા લાગે છે. તેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હૃદયરોગનું જોખમ પણ વધે છે.
હોર્મોન્સને કઈ કઈ વસ્તુઓ અસર કરે છે?
ભેળસેળયુક્ત ખોરાકમાં જોવા મળતાં કેટલાંક રસાયણો, જેમ કે બિસ્ફેનોલ (બીપીએ, બીપીએસ), થેલેટ્સ (ડીઇએચપી, ડીબીપી, ડીઇપી), પીએફએએસ (પીએફઓએ, પીએફઓએસ), ઑર્ગેનોક્લોરીન જંતુનાશકો (ડીડીટી/ડીડીઇ), પીસીબી, પીબીડીઇ તેમજ સીસું, કેડમિયમ અને આર્સેનિક જેવી ભારે ધાતુઓ શરીરની હોર્મોનલ પ્રણાલીમાં અવરોધ ઊભો કરી શકે છે.
આવા પદાર્થોના ક્યારેક થતા સંપર્કથી સામાન્ય રીતે તરત કોઈ ગંભીર સમસ્યા થવાની સંભાવના ઓછી હોય છે, પરંતુ લાંબા સમય સુધી તેમના સંપર્કમાં રહેવાથી હોર્મોનનાં ઉત્પાદન, પરિવહન અને કાર્યક્ષમતા પર અસર પડી શકે છે.
કિડનીના સ્વાસ્થ્યને શું અસર કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ સેન્ટ્રલસ્થિત વોકહાર્ટ હૉસ્પિટલ્સના ઍન્ડોક્રિનોલૉજિસ્ટ અને ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રણવ ઘોડી બીબીસી સંવાદદાતા ઓમકાર કરંબેલકર સાથે વાત કરતા કહે છે, "મૂત્રપિંડ (કિડની) લોહીમાંથી હાનિકારક રસાયણો અને કચરારૂપ પદાર્થોને ગાળી શરીરની બહાર કાઢવાનું અત્યંત મહત્ત્વનું કાર્ય કરે છે.
ભેળસેળવાળા ખોરાકમાં રહેલા પ્રદૂષિત પદાર્થોના વારંવાર સંપર્કમાં આવવાથી કિડની પર વધારાનો ભાર પડે છે, જેના કારણે સોજો, ગાળવાની ક્ષમતામાં ઘટાડો અથવા કેટલાક લોકોમાં લાંબા ગાળાનું નુકસાન થવાનું જોખમ વધી શકે છે."
"કેડમિયમ અને સીસું જેવી ભારે ધાતુઓ લાંબા સમય સુધી કિડનીના તંતુઓમાં જમા થઈ શકે છે, જેના કારણે લોહીને ગાળવાની કિડનીની ક્ષમતા ઘટી શકે છે."
ડૉક્ટરો સલાહ આપે છે કે...
- વિશ્વસનીય સ્રોતો પાસેથી ખાદ્ય પદાર્થ ખરીદવા જોઈએ
- ફળો અને શાકભાજીને સારી રીતે ધોવાં જોઈએ
- સંદિગ્ધ રંગ કે આકર્ષક ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ
- જો તમને ખાદ્ય પદાર્થોમાં મિલાવટની શંકા હોય તો સંબંધિત અધિકારીઓ પાસે ફરિયાદ કરવી જોઈએ
- સંતુલિત અને વિવિધ આહાર લેવાથી શરીરમાં થનારાં સંભવિત જોખમને ઓછું કરી શકાય છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























