ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદી માહોલ, હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ કયા વિસ્તારમાં આવી શકે છે, કયા જિલ્લામાં આગાહી?

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં આવેલા વરસાદે ખેડૂતોને આંશિક રાહત આપી છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો હતો ત્યાં વરસાદ થતા ખેડૂતોને રાહત થઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે અને પરિસ્થિતિ પણ એવી દેખાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં આ વખતે સૌથી વધુ વરસાદ પડ્યો છે. હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈએ એટલે વરસાદ પડ્યો નથી.

ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના કેટલાક તાલુકામાં હજુ પણ વરસાદની ઘટ છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સમયાંતરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયાં છે.

ભાવનગરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત મોડી સાંજથી હળવાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તો મોડાસામાં પણ વરસાદ પડી રહ્યો છે.

તો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

ગુજરાત પાસે નવી વરસાદી સિસ્ટમ સર્જાઈ

હાલમાં સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર એક લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, હાલમાં સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર એક લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે

હવામાન વિભાગ અનુસાર, 19 સપ્ટેમ્બર, 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

જોકે હાલમાં સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાયેલો ગઈ કાલનો લૉ-પ્રેશર એરિયા 17 સપ્ટેમ્બર, 2026ના રોજ પણ તે જ વિસ્તારમાં યથાવત્ છે.

તેમજ તેની સાથે સંકળાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમેલું છે.

સમુદ્ર સપાટી પરનું ચોમાસાની ટ્રફ રેખા હવે સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરના લૉ-પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી, તેમજ બિકાનેર, રોહતક, બરેલી, બસ્તી, દેહરી, રાંચી અને દીઘા થઈને ત્યાંથી દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે.

જો પરિસ્થિતિ અનુકૂળ રહે તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી?

આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

18 સપ્ટેમ્બરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા કેટલાંક સ્થળોએ અને અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ વરસાદની આગાહી છે.

તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે સુરત, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ અને દીવમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

19 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ અને બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ કેટલાંક સ્થળોએ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં કેટલાંક સ્થળોએ અને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, મોરબી અને કચ્છ છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

20 સપ્ટેમ્બરે પણ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ વરસાદની શક્યતા છે.

તો બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી કેટલાંક સ્થળોએ અને દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ સુરત, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ સિવાય આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. એટલે કે આગામી હજુ બે-ત્રણ દિવસ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ

અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાંના પણ સમાચાર છે.

વેજલપુર સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકી પડી રહી હતી.

સાણંદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

ખેડા, નવસારી, વલસાડમાં પણ વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અરવલ્લીના મોડાસામાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

અમદાવાદના વેજલપુરમાં વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ કૅપ્શન, અમદાવાદના વેજલપુરમાં વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ મોરબીના માળિયામાં સૌથી વધુ 131 મિમી, બનાસકાંઠાના દાંતામાં 91 મિમી, પાટણના શંખેશ્વરમાં 85 મિમી, દ્વારકામાં 71 મિમી, મહેસાણાના બેચરાજીમાં 65 મિમી, અરવલ્લીના મોડાસામાં 58 મિમી, ગાંધીનગરના દહેગામમાં 58 મિમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

છેલ્લા કેટલાક સમયમાં ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું છે.

જ્યારે 18 સપ્ટેમ્બરે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 65 મિમી, મોડાસામાં 53 મિમી, મોરબીના વાંકાનેરમાં 50 મિમી, મહીસાગરના ખાનપુરમાં 49 મિમી, સાબરકાંઠાના તલોદમાં 48 મિમી, મહેસાણાના ખેરાલુમાં 38 મિમી, ગાંધીનગરના માણસામાં 38 મિમી વરસાદ પડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન