ભારત પર 100 ટકા ટેરિફની જોગવાઈ સાથેનું બિલ અમેરિકામાં પસાર - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન પ્રતિનિધિ સભાએ રશિયા પર પ્રતિબંધ લગાવતા એક બિલને 262 વિરુદ્ધ 159 મતથી પસાર કરી દીધું છે.
આ બિલ ટ્રમ્પ સરકારને રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા સૌથી મોટા પાંચ દેશો પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો અધિકાર આપે છે.
તેમાં ભારત પણ સામેલ છે. સત્તાવાર રીતે આ બિલને 'લિન્ડસે ગ્રાહમ સેંક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2006' નામે ઓળખવામાં આવે છે.
તેના હેઠળ ભારત ઉપરાંત ચીન,સ્લોવેકિયા, હંગેરી અને અઝરબૈઝાન જેવા દેશો પણ નિશાન બની શકે છે. આ બિલ પહેલેથી સેનેટમાં બહુમતથી પસાર થઈ ગયો છે. હવે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સહી માટે મોકલવામાં આવશે.
જોકે, રશિયા પર પ્રતિબંધ લગાવતો આ ખરડો રાષ્ટ્રપતિને રશિયા પાસેથી તેલ અને ગૅસ ખરીદતા દેશો પર ટેરિફ લગાવવાની ફરજ નથી પાડતો. તેમા અમેરિકાના યુરોપિયન સહયોગીઓને મહત્ત્વની છૂટ આપતી જોગવાઈ પણ છે. તેનો આધાર એ છે કે કેટલાક દેશોએ રશિયા પાસેથી ઍનર્જીની ખરીદી ઘટાડવાના પ્રયાસ કર્યા છે.
ભારતીય નૌકાદળની કાર્યવાહી સામે પાકિસ્તાને કેમ વિરોધ નોંધાવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે તેના 'સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનમાં ભારતીય નેવીની કાર્યવાહી ઉશ્કેરણીજનક' છે. પાકિસ્તાને તેના પર આકરો વિરોધ નોંધાવ્યો છે.
આ મામલે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદસ્થિત ભારતીય હાઇકમિશનના પ્રભારી રાજદૂતને બોલાવ્યા હતા અને મંગળવારે ભારતીય નેવીના યુદ્ધજહાજ સાથે ટકરાવ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાની નેવી પોતાનો દ્વિવાર્ષિક સીપાર્ક-26 અભ્યાસ કરતી હતી, ત્યારે ભારતીય જહાજે પાકિસ્તાની નેવીના જહાજની એકદમ નજીક આવીને આક્રમક રીતે યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ત્યાર પછી બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી.
આ ઘટના આંતરરાષ્ટ્રીય કાયદા અને યુદ્ધ અભ્યાસ તથા સૈનિકોની અવરજવરની પૂર્વ માહિતી આપવાના 1991ના દ્વિપક્ષીય સમજૂતીનું ગંભીર ઉલ્લંઘન કરે છે. તેનાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો પેદા થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























