અમેરિકામાં 10 'ગુજરાતી' ડ્રગ્સના ટ્રાફિકિંગ અને પૈસાની હેરફેરના કેસમાં પકડાયા, અત્યાર સુધી શું સામે આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકાના પેન્સિલવેનિયાના ઍટર્ની જનરલની ઑફિસે 14 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, ઍટર્ની જનરલ ડેવ સનડે સંઘીય, રાજ્ય અને સ્થાનિક તંત્ર સાથે મળીને કુલ 12 લોકો સામે પેન્સિલવેનિયાના વિવિધ સ્ટોર્સમાં ભારે શક્તિશાળી ટેટ્રાહાઇડ્રોકેનબાઇનોલ પ્રોડક્ટ્સ (ટીએચસી - ભાંગના છોડમાં રહેલું તત્ત્વ) અને ગાંજા પહોંચાડવાના આરોપ જાહેર કર્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ 12 પૈકી દસ આરોપી 'ગુજરાતી' છે.
પ્રેસ રિલીઝ અનુસાર, આ તમામ આરોપીઓ જુદાં જુદાં ગોડાઉનોમાંથી સ્ટોર્સ સુધી હાઇ લેવલ ટીએચસી પ્રોડક્ટ્સ અને ગાંજો ગેરકાયદેસર રીતે પહોંચાડતી 'ગુનાહિત ગૅંગનો એક ભાગ હતા.'
આ ગ્રૂપના ઘણા સભ્યો પર ગેરકાયદેસર રીતે મેળવેલા નફાના લાખો ડૉલર્સ સગેવગે કર્યાનો પણ આરોપ છે, જે માટે પ્રાથમિક રીતે આ લોકો ખોટા એલએલસીના (લિમિટેડ લાયેબિલિટી કંપની) દેખાડાનો ઉપયોગ કરતા, જેથી આવકનો સ્રોત છુપાવી શકાય. તપાસકર્તા આ મામલા સાથે સંકળાયેલા 18.7 મિલિયન અમેરિકન ડૉલરના નફાનાં ચિહ્નો શોધી શક્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, આ મામલામાં પકડાયેલા દસ લોકો 'ગુજરાતી' છે. અહેવાલ પ્રમાણે આ સમગ્ર મામલાની તપાસ વર્ષ 2024માં શરૂ થઈ હતી.
પ્રેસ રિલીઝ પ્રમાણે આ કેસમાં તમામ 12 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.
અમેરિકામાં આ 'ગુજરાતીઓ' પર કેવા કેવા આરોપ લાગ્યા?

ઇમેજ સ્રોત, https://pacast.com/m?p=29996
ઍટર્ની જનરલ સનડેએ કહ્યું કે, "આ ગેરકાયદેસર જૂથે સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના સપ્લાય માટેનાં અને એ બાદ આ કામમાંથી નફારૂપે મેળવેલા કરોડો ડૉલરને છુપાવવાનાં પગલાં જાણીજોઈને લીધાં હતાં."
"સમગ્ર તપાસના ગાળા દરમિયાન જપ્ત કરાયેલા પ્રોડક્ટ્સ પૈકી ઘણા ફ્લેવર્ડ હતા, જેથી બાળકોને આકર્ષી શકે. કાયદાનો અમલ કરનારા પાર્ટનર્સ સાથે મળીને આ વ્યવસ્થિત રીતે ચાલતા નેટવર્ક સામે ખૂબ જ ગંભીર ગુના નોંધી કાર્યવાહી કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍટર્ની જનરલની કચેરીને આ તપાસમાં ઘણી એજન્સીઓ અને રાજ્યવ્યાપી તપાસકર્તા ગ્રાન્ડ જુરીની મદદ મળી છે, જેણે ગયા મહિને આ જૂથ પર ગુનાહિત આરોપોની ભલામણ કરી હતી.
આ તપાસ દરમિયાન ત્રણ જુદી જુદી જગ્યાએ ચાલતાં પ્રાથમિક વહેંચણી કેન્દ્રો જેવાં ગોડાઉનોમાંથી આશરે દોઢ લાખ જેટલી આઇટમો જપ્ત કરાઈ છે.
તપાસકર્તાઓએ આ મામલામાં જુદા જુદા સ્ટોર્સ અને સ્મોક શૉપ્સને પણ સર્ચ વૉરંટ આપ્યા હતા.
આ મામલામાં દત્તકુમાર પટેલ, ધર્મેશકુમાર પટેલ, માધવ પટેલ, નીરવ પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, કેતનકુમાર પટેલ, રોશનીબહેન પટેલ, અનિલકુમાર પટેલ, મીતુલ પટેલ, નીરવકુમાર વોરા અને અલ્બીનાકુમર પર આરોપ મુકાયા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, સ્મોક શૉપ્સમાંથી આ પ્રોડક્ટ્સ ગ્રાહકો સુધી પહોંચાડાતી, જેમાં શાળાએ જતાં બાળકો પણ સામેલ હતાં.
અહેવાલ પ્રમાણે, સ્થાનિક તંત્રને એ વાતની પણ શંકા છે કે આ નેટવર્ક બિનઆધિકારિક રસ્તા મારફતે લાખો ડૉલર્સ સગેવગે કરી રહ્યું હતું, હવે તપાસકર્તાઓ હવાલા ટ્રાન્ઝેક્શન અને રોકડની મૂવમેન્ટ ટ્ર્રૅક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોર્ટના દસ્તાવેજો પ્રમાણે તપાસકર્તાઓએ આ દરમિયાન ગોડાઉનમાંથી અંડરકવર ઑપરેશન થકી માલની ખરીદી પણ કરી હતી. તપાસકર્તાઓએ ઇશારો કરતાં જણાવ્યું કે ગોડાઉન ચલાવવા માટે કેટલાક ચોક્કસ લોકો કામ કરતા હતા, જ્યારે માલની હેરફેર માટે ઘણાં વાહનો અને માણસો રાખવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર ગ્રાન્ડ જુરીમાં એક મહિલાએ જણાવ્યું હતું કે તેમની ચાર વર્ષની દીકરીને ટીએચસી લાગેલી ચૉકલેટ ખાવાથી દાખલ કરવી પડી હતી, આ ચૉકલેટ સ્થાનિક સ્મોક શૉપમાંથી ખરીદાઈ હતી.
ધરપકડ બાદ માધવ, નીરવ, અંકિત, પલક અને દિવ્યેશને વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી જેલ મોકલી અપાયા હતા, કારણ કે તેઓ એકથી પાંચ લાખ ડૉલર સુધીના જામીન બૉન્ડ નહોતા રજૂ કરી શક્યા. જોકે, બીજી બાજુ અલબીના, કેતન, ધર્મેશ અને રોશનીને અનસિક્યૉર્ડ બૉન્ડને આધારે જામીન પર મુક્ત કરાયા હતા. 23 સપ્ટેમ્બરના રોજ આ મામલાની પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.
પ્રેસ રિલીઝ પ્રમાણે, આ મામલામાં સરકાર પક્ષે ખટલાની આગેવાની સિનિયર ડેપ્યુટી ઍટર્ની જનરલ રેચલ વ્હીલર કરશે.
પ્રેસ રિલીઝમાં આગળ નોંધવામાં આવ્યું છે કે તમામ આરોપો અને એ અંગેની તમામ ચર્ચા હાલ માત્ર આરોપ છે, અને તમામ આરોપી જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ મનાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























