મકાન મળવામાં મોડું થાય તો 'ગ્રાહક પઝેશન લીધા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર માગવાનો હકદાર', સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના ચુકાદામાં કહ્યું છે કે ઘર ખરીદનાર ફ્લૅટનું પઝેશન મેળવ્યા પછી પણ તેની ડિલિવરીમાં વિલંબ થયો હોય તો તે વળતર માટે દાવો કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે, નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)ના 2016ના આદેશને રદ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફ્લૅટના પઝેશનમાં વિલંબને કારણે સેવામાં ખામીનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કરતી વખતે ફરિયાદી ગ્રાહક નહોતા, કારણ કે તેમણે કોઈ પણ વિરોધ વિના તેનો કબજો પહેલેથી જ લઈ લીધો હતો.

એટલે કે નૅશનલ કમિશને એવું કહીને કેસ ફગાવી દીધો હતો કે ગ્રાહકે હવે ફ્લૅટનો કબ્જો લઈ લીધો હોવાથી તે 'ગ્રાહક' રહેતા નથી.

સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દેતા કહ્યું કે, ફ્લૅટ મોડો મળવાને કારણે જે નુકસાન થયું છે, તેનું વળતર મેળવવાનો ગ્રાહકને પૂરો હક છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને વી મોહનાની બૅન્ચે જાન્યુઆરી 2003માં દિલ્હીમાં એક કોઑપરેટિવ ગ્રૂપ હાઉસિંગ સોસાયટીના સભ્યને ફાળવવામાં આવેલા ફ્લૅટ માલિકની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.

જેમાં તેમણે એનસીડીઆરસીના આદેશને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે પઝેશનમાં વિલંબ માટે વળતરનો દાવો યોગ્ય એટલા માટે છે કે ખરેખરમાં તો પઝેશનમાં વિલંબ પઝેશનની વાસ્તવિક સોંપણી પહેલાંના સમયગાળાથી ગણાય છે.

"પાછળથી પઝેશન મળવાથી, જે કથિત વિલંબ માટે વળતરનો દાવો મેળવવાનો અધિકાર ખતમ નથી થઈ જતો" સુપ્રીમની બૅન્ચે ચાર જૂનના તેના આદેશમાં જણાવ્યું હતું.

આ મામલે શું-શું થયું અને કેમ 21 વર્ષ સુધી આ કેસ લંબાવાયો? વકીલો શું કહે છે

આ મામલો છે શું?

ટી.કે.એ. પદ્મનાભન જાન્યુઆરી 2003માં દિલ્હીની એક કોઑપરેટિવ ગ્રૂપ હાઉસિંગ સોસાયટી લિમિટેડ'ના સભ્ય હતા ત્યારે તેમણે સોસાયટીમાં એક ફ્લૅટ મેળવવા માટે પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી.

ફેબ્રુઆરી 2004માં બંને પક્ષો વચ્ચે કરાર થયો હતો. પરંતુ, ફ્લૅટનો કબજો સોંપવામાં વિલંબ થતાં પદ્મનાભને વર્ષ 2005માં દિલ્હીના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમમાં સોસાયટી વિરુદ્ધ વળતર માટે ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ આ વિવાદ આગળ ચાલતો ગયો.

2016માં નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી) તો ત્યાં સુધી કહી દીધું કે પદ્મનાભનને ફ્લૅટનો કબજો મળી ગયો હોવાથી હવે તેઓ 'ગ્રાહક' જ નથી રહેતા અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ વી. મોહનાની બૅન્ચે આ મામલે ગ્રાહકોના પક્ષમાં કેટલીક બાબતો કહી હતી.

એનસીડીઆરસીની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રાહકે ફ્લૅટનો કબજો લઈ લીધો હોવા માત્રથી તેનો વળતર મેળવવાનો હક નાબૂદ થઈ જતો નથી.

"ફ્લૅટ મોડો મળવાને કારણે જે નુકસાન થયું છે, તેના વળતરનો દાવો સંપૂર્ણપણે યોગ્ય છે."

સુપ્રીમ કોર્ટે ડિસ્ટ્રિક્ટ ફોરમ, સ્ટેટ કમિશન અને નૅશનલ કમિશનના જૂના ઑર્ડર રદ કરી દીધા છે.

કોર્ટે આ કેસને ફરીથી જીવંત કરીને દિલ્હીના દ્વારકા ખાતેના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમમાં મોકલી આપ્યો છે.

આ કેસ વર્ષ 2005થી ચાલી રહ્યો હોવાથી, સુપ્રીમ કોર્ટે ગ્રાહક અદાલતને આદેશ આપ્યો છે કે બંને પક્ષોને સાંભળીને આગામી એક વર્ષની અંદર આ કેસનો નિકાલ કરવામાં આવે.

આ મામલાને વકીલ કેવી રીતે જોવે છે?

રિયલ ઍસ્ટેસ બાબતોના જાણકાર વકીલ પરેશ મોદી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, સુપ્રીમ કોર્ટનું જે ઑબ્ઝર્વેશન છે તેમાં એવું છે કે ખરીદનારને પઝેશન મોડું આપ્યું હોય તેવા કિસ્સામાં ખરીદનાર દાવો કરે તો તેનો હક છે તે તેને યોગ્ય વળતર આપવું પડે.

ઉદાહરણ આપતા પરેશ મોદી સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માલ કે સેવા પ્રોવાઇડ કરતી હોય ત્યારે જો તેમાં કોઈ ખામી હોય તો યોગ્ય વળતર મળી શકે. જેમ કે તમે કોઈ પ્રૉડક્ટ ખરીદી અને ખામી હોય અને વેચનારે તે સ્વીકારી તો માત્ર સ્વીકારવા પૂરતું તે મામલો ખતમ થઈ ન શકે જો ખરીદનાર ઇચ્છે તો તેના વળતર માટે દાવો કરી શેક છે.

અન્ય ઉદાહરણ આપતા તેઓ કહે છે, તમે કોઈ પણ વસ્તુ ખરીદી અને જો તેની વૉરંટી હોય છે તેમાં વળતર મળી શકે તે જ રીતે બિલ્ડરની પણ કેટલીક જવાબદારી હોય છે.

"જેમાં બિલ્ડરે પણ ભલે મિલકત વેચી નાખી અને પઝેશન આપી દીધું હોય પણ જો તે મોડું આપ્યું હોય તો ખરીદનાર માંગે તો બિલ્ડરે વળતર આપવું પડશે."

"જો કોઈ બિલ્ડર પઝેશનનું કહીને લાંબા સમય સુધી પઝેશન ન આપે તો એ ખરીદનાર વ્યક્તિ જોડે એક પ્રકારનો ગેરકાયદેસર એપ્રોચ થયો કહેવાય."

"જો કોઈ વ્યક્તિ પઝેશન નથી આપતી તેની પાછળ ઘણીવાર પ્રૉપર્ટીની કિંમતમાં વધારો લેવા માટે પઝેશન ન આપે કે તેવા કિસ્સા પણ હોય છે."

"સુપ્રીમ કોર્ટે કહ્યું સેવામાં ખામી હોય તેની ભરપાઈમાં વ્યાજ આપવું પડે, ત્યારે કન્ઝ્યુમર કોર્ટ પણ મોડું પઝેશન હોય તો તેને સ્પષ્ટપણે માને છે કે ગ્રાહકોના અધિકારોનું હનન છે."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન