તાજમહલ : પ્રેમના આ પ્રતીકમાં છુપાયેલી છે મુમતાઝ મહલની આ દુઃખભરી દાસ્તાન

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને સંશોધક
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

17 જૂન, 1636ના રોજ દખ્ખણ (દક્ષિણ ભારત)માં મુગલોના મુખ્ય મથક બુરહાનપુરની આગઝરતી ગરમીમાં પાંચમા મુગલ શહેનશાહ શાહજહાંનાં મહબૂબ મલિકા મુમતાઝ મહલ ચૌદમી વખત પ્રસવપીડા સહન કરી રહ્યાં હતાં.

આ શાહી દંપતીનાં 19 વર્ષના સાથમાં ત્યાં સુધીમાં તેર બાળકો જન્મી ચૂક્યાં હતાં, જેમાંથી સાતનું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

જીવિત રહેલાં છ બાળકોમાં સૌથી મોટાં જહાંઆરા હતાં. તેમની ઉંમર તે સમયે 17 વર્ષ હતી અને તેઓ ડિલિવરી દરમિયાન પોતાની માતાની પાસે હાજર હતાં.

શાહી હકીમ અને પ્રસવમાં મદદ કરનારાં દાયણો પણ ત્યાં હાજર હતાં. 17 વર્ષનાં જહાંઆરા આની પહેલાં પણ પોતાની માતાના ઘણા પ્રસવોમાં તેમની મદદ કરી ચૂક્યાં હતાં.

પરંતુ, આ વખતે એટલે કે ચૌદમા બાળકના જન્મ પ્રસંગે થોડીક ગરબડ હતી.

સુપ્રિયા ગાંધી તેમના પુસ્તક 'ધ એમ્પેરર હૂ નેવર વૉઝ: દારા શિકોહ ઇન મુગલ ઇન્ડિયા'માં લખે છે કે પ્રખ્યાત યુનાની ચિકિત્સક જાલીનૂસ (ગૅલેન)ના વિચારોથી પ્રભાવિત મુગલ હકીમ માનવશરીરને ચાર દૃવ્યો કે તત્ત્વોનું મિશ્રણ માનતા હતા અને તેમના અનુસાર સ્વાસ્થ્ય આ તત્ત્વોના પારસ્પરિક સંતુલન પર નિર્ભર હતું.

આ દૃષ્ટિએ મુમતાઝ મહલના શરીરમાં આ સંતુલન ઝડપથી બગડી રહ્યું હતું.

30 કલાક લાંબી પ્રસવપીડા પછી મુમતાઝ મહલે એક બાળકીને જન્મ આપ્યો, પરંતુ ત્યાર બાદ ખૂબ ઝડપથી બ્લીડિંગ થવા લગ્યું અને તેમની સ્થિતિ ઝડપથી બગડવા લાગી.

કદાચ તેઓ એ જટિલતાનો શિકાર થયાં હતાં જેને મૉડર્ન મેડિસિનમાં 'પોસ્ટપાર્ટમ હૅમરેજ' એટલે કે પ્રસવ પછી ખૂબ જ વધારે લોહી નીકળી જવું કહેવામાં આવે છે.

પીડાથી તરફડતાં મુમતાઝ મહલે જહાંઆરાને કહ્યું કે તેઓ તેમના પિતા એટલે કે શાહજહાંને બોલાવે.

ચિંતાગ્રસ્ત બાદશાહ તરત જ આવ્યા અને મુમતાઝ મહલની પાસે બેસી ગયા. તેમનાં બાકીનાં બાળકોને તેમની પાસે પહોંચવાની તક ન મળી શકી, પરંતુ મુમતાઝ મહલે બાદશાહને કહ્યું કે તેઓ પોતાનાં બાળકો અને પોતાની માતાને તેમની દેખરેખમાં સોંપે છે. ત્યાર બાદ મુમતાઝ મહલ 38 વર્ષની ઉંમરે આ મુશ્કેલીના કારણે દુનિયા છોડીને ચાલી નીકળ્યાં.

શાહજહાં અને મુમતાઝ મહલ વચ્ચે પ્રેમભર્યું જીવન

શાહજહાં અને મુમતાઝ મહલની શાદી ઈ.સ. 1612માં થઈ હતી. ત્યારે શાહજહાં શહેજાદા ખુર્રમના નામે ઓળખાતા હતા અને મમુતાઝ મહલનું નામ હતું 'અર્જુમંદ બાનો બેગમ'.

શાદીના થોડાક જ સમય પછી શહેજાદા ખુર્રમે અર્જુમંદ બાનો બેગમને 'મુમતાઝ મહલ'ની ઉપાધિ આપી, જેનો અર્થ છે 'મહેલની સૌથી ગમતી મહિલા'.

ઇતિહાસકારો અનુસાર, મુમતાઝ મહલ અને શાહજહાંનું દામ્પત્યજીવન પ્રેમ અને પારસ્પરિક લગાવથી ભરપૂર હતું.

ઈ.સ. 1628માં ગાદી પર બેઠા પછી શાહજહાંએ મુમતાઝ મહલને 'પાદશાહ બેગમ', 'મલિકા-એ-જહાં', 'મલિકા-એ-ઝમાની' અને 'મલિકા-એ-હિંદુસ્તાન'ની ઉપાધિઓ આપી અને દરેક પ્રકારનાં સુખ-સુવિધા આપ્યાં.

ઍલિસન બૅંક્સ ફાઇંડલીના પુસ્તક 'નૂરજહાં : એમ્પ્રેસ ઑફ મુગલ ઇન્ડિયા'માંથી જાણવા મળે છે કે શાહજહાંએ બીજી બે શાદી કરી હતી. એક અર્જુમંદ બાનો સાથે શાદી કર્યા પહેલાં અને એક પછીથી. દરબારના ઇતિહાસકારો અનુસાર, પહેલી અને ત્રીજી શાદીનો ઉદ્દેશ રાજકીય ગઠબંધન હતો અને આ શાદીઓથી એક-એક બાળક પણ હતાં.

"પરંતુ કોઈ પણ બીજી મલિકાનો મહેલ એવો શાનદાર નહોતો જેવો મુમતાઝ મહલનો 'ખાસ મહલ' હતો. અહીં મુમતાઝ મહલ શાહજહાંની સાથે રહેતાં હતાં. શુદ્ધ સોના અને કીમતી પથ્થરોથી સજાવેલા આ મહેલમાં ગુલાબજળના ફુવારા હતા."

"મુગલ સમ્રાટનાં દરેક પત્નીને દર મહિને વઝીફા (ભથ્થું) આપવામાં આવતું હતું. સૌથી વધુ રકમ વાર્ષિક 10 લાખ રૂપિયા હતી, જે શાહજહાંએ મુમતાઝ મહલને આપી હતી. આ ઉપરાંત તેમને ઘણી ખૂબ જ ફાયદાકારક જમીન-જાયદાદ પણ આપવામાં આવી હતી."

સરકાર ચલાવવા અને અંગત, બંને બાબતોમાં મુમતાઝ મહલ શાહજહાંની નિકટનાં વિશ્વાસુ અને વિશ્વાસપાત્ર સલાહકાર હતાં.

વાલ્ડીમાર હૅનસેન તેમના પુસ્તક 'ધ પીકૉક થ્રોન'માં લખે છે કે પોતાનાં ફોઈ અને પૂર્વવર્તી નૂરજહાંની જેમ મુમતાઝ મહલ પણ અંગત દરબાર અને આમ દરબારમાં સમ્રાટની સાથે રહેતાં હતાં.

"તેઓ એક પરદાની પાછળ રહેતાં હતાં. જો કોઈ વાતમાં તેમનો અભિપ્રાય જુદો હોય, તો દેખાય નહીં તે રીતે પોતાનો હાથ બાદશાહની પીઠ પર મૂકી દેતાં હતાં. તેમની ભલામણથી તેઓ દુશ્મનોને માફ કરી દેતા હતા અથવા મૃત્યુની સજાને ઘટાડી દેતા હતા."

ઇતિહાસકારો અનુસાર, શાહજહાંએ તેમને શાહી મહોર આપી રાખી હતી, જે શાહી આદેશોની ચકાસણી (વેરિફિકેશન) માટે ઉપયોગમાં આવતી હતી. તેમની મંજૂરી વિના કોઈ નિર્ણય નહોતો થઈ શકતો.

મુમતાઝ મહલને રાજકીય સત્તાની કોઈ ઇચ્છા નહોતી પરંતુ તેઓ પોતાના અસાધારણ પ્રભાવનો ઉપયોગ ઘણી વાર ગરીબો અને અસહાય લોકોની મદદ માટે કરતાં હતાં.

ઇતિહાસકાર સુપ્રિયા ગાંધી અનુસાર, આજે પણ એક હુક્મનામા (ફરમાન) ઉપલબ્ધ છે, જેના પર મુમતાઝ મહલની મહોર લાગેલી છે. તેમાં તેઓ એરંડોલ (ખાનદેશનો એક મરાઠીભાષી જિલ્લો)ના અધિકારીઓને હુકમ આપી રહ્યાં છે.

"તેઓ નવા દેશમુખ (સરદાર) કાનોજીના પદની પુષ્ટિ કરે છે અને તેમને સૂચના આપે છે કે રૈયત (પ્રજા)ના કલ્યાણનું ધ્યાન રાખે, જેથી તેઓ બાદશાહના આભારી રહે. આ હુકમ કદાચ એ અસંખ્ય સરકારી ફરમાનોમાંનો એક હતો જે મલિકા બહાર પાડતાં હતાં. તેમનાં વિશ્વાસુ સહાયક સતી-ઉલ-નિસાને તેમની મુહરબરદાર (સીલ-વાહક) બનાવવામાં આવ્યાં હતાં."

"સતી-ઉલ-નિસા મહિલાઓની અરજીઓ સંભાળતાં હતાં અને તેમાંથી હકદારોની પસંદગી કરતાં હતાં અને મુમતાઝ મહલ તેમને બાદશાહના ધ્યાનમાં લાવતાં હતાં. મલિકા સજા-એ-મૌતના મામલામાં પણ ભલામણ કરતાં હતાં અને ઘણી વાર શાહજહાં પાસેથી માફી અપાવતાં હતાં."

શાહી ઇતિહાસકારોએ તેમના લગાવ અને પારસ્પરિક સંબંધોને એટલા અસામાન્ય માન્યા કે તેમણે શાહી યુગલો વિશે સામાન્ય રીતે રાખવામાં આવતી સાવધાનીને અવગણીને બંને વચ્ચેના ઊંડા ભાવનાત્મક અને દામ્પત્ય સંબંધોની પણ વિસ્તારથી માહિતી આપી છે.

મુમતાઝ મહલ શાહજહાંનાં શરૂઆતનાં લશ્કરી અભિયાનો અને પછીથી તેમના પિતા જહાંગીરની વિરુદ્ધ બળવા દરમિયાન પણ તેમની સાથે રહ્યાં.

બુરહાનપુરમાં પણ મલિકાનો શાનદાર અને સાજસજાવટભર્યો તંબુ એ જગ્યાએથી વધારે દૂર લગાવવામાં નહોતો આવ્યો જ્યાં બાદશાહ એક વિદ્રોહને કચડી નાખવા માટે હાજર હતા.

મુમતાઝ મહલના મૃત્યુનો આઘાત

મુમતાઝ મહલ ચૌદમા પ્રસવ દરમ્યાન મૃત્યુ પામ્યાં, પરંતુ જન્મેલી બાળકી જીવિત રહી. એ બાળકીનું નામ ગૌહરઆરા રાખવામાં આવ્યું, જેનો અર્થ છે, 'આભૂષણોથી સજાવેલી'.

શાહજહાંના ઇતિહાસકારોએ બાદશાહનાં દુઃખો વિશે વિસ્તૃત માહિતી આપી છે. જોકે તેમનાં બાળકોએ પણ ખૂબ વધારે દુઃખ સહન કર્યું હશે.

શાહજહાંના દરબારી ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહૌરીએ 'પાદશાહનામા'માં લખ્યું છે, "આહો (નિસાસા)ની ગરમી અને આંસુઓના ભેજથી સૂર્ય સમાન બાદશાહના દિલનું દર્પણ, જેણે ક્યારેય અંધારાનો ચહેરો નહોતો જોયો, કાટ ખાઈ ગયું અને ધૂંધળું થઈ ગયું."

મુમતાઝ મહલના મૃત્યુ પછી બાદશાહે સફેદ કપડાં પહેરી લીધાં. બધા શહેજાદા, દરબારી અને સેવકે પણ શોકનાં વસ્ત્રો પહેરી લીધાં.

એક અઠવાડિયા સુધી શાહજહાં ઝરૂખામાં દેખાયા નહીં અને રાજકાજ પણ સંભાળ્યું નહીં. પત્નીના મૃત્યુ પહેલાં તેમના માથા પર ભાગ્યે જ 20 સફેદ વાળ હતા, પરંતુ ટૂંક જ સમયમાં તેની સંખ્યા ખૂબ વધી ગઈ. ઘણા સમય સુધી તેઓ પોતાનાં આંસુ પર કાબુ ન રાખી શક્યા.

16 વર્ષના દારા શિકોહે પોતાની માતા મુમતાઝ મહલને ઝૈનાબાદના બાગોમાં, તાપ્તી નદીના કિનારે દફનાવાતાં જોયાં. શાહજહાં દર શુક્રવારે આ કબરની ઝિયારત કરતા હતા અને કદાચ દારા શિકોહ અને તેમના કેટલાક ભાઈ પણ તેમની સાથે જતા હતા.

શાયર કલીમે બાદશાહના દુઃખને કંઈક આ રીતે વર્ણવ્યું છે : "જેસે હી ઉનકી પરછાઈ ઉસ કબ્ર પર પડતી, ઉનકે રોને કી નમી કફન તક પહુંચ જાતી (જેવો તેમનો પડછાયો એ કબર પર પડતો, તેમના રોણાની ભીનાશ કફન સુધી પહોંચી જતી)."

પરંતુ ઇતિહાસકાર સુપ્રિયા ગાંધી અનુસાર, શાહજહાંનો ઇરાદો બિલકુલ એવો નહોતો કે બુરહાનપુર મુમતાઝ મહલનું અંતિમ વિશ્રામસ્થળ બને. તેમની નજર આગરામાં યમુના નદીના કિનારે એક સુંદર જગ્યા પર હતી.

"શાહજહાંએ શાહી અધિકારનો ઉપયોગ કરીને રાજા જયસિંહ પાસેથી આ જમીન લઈ લીધી હતી અને તેના બદલામાં શાહી સંપત્તિઓમાંથી ચાર આલીશાન ઇમારતો આપી હતી."

ડિસેમ્બર 1631માં મુમતાઝ મહલના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પુત્ર શુજા તેમની શબપેટીની સાથે આગરા રવાના થયા. સતી-ઉલ-નિસા પણ તેમની સાથે હતાં.

સુપ્રિયા ગાંધી લખે છે કે રસ્તામાં જનાજાના જુલૂસે લોકોમાં સિક્કા અને ભોજન વહેંચ્યું. આગરા પહોંચ્યા પછી કબર પર એક નાનો ગુંબજ બનાવવામાં આવ્યો, જેથી અજાણી નજરોથી તેને સુરક્ષિત રાખી શકાય.

દુઃખી શાહજહાં ત્યાર પછી એક મોટો મકબરો બનાવવાની યોજનામાં વ્યસ્ત થઈ ગયા જેનું નામ 'તાજમહલ' પડ્યું. શાહજહાંને યુવાનીથી આર્કિટેક્ચરમાં ખૂબ જ રસ હતો.

ફ્રેન્ચ રત્ન વેપારી જ્યાં-બૅપ્ટિસ્ટ ટૅવર્નિયરના પ્રવાસવર્ણન અનુસાર આ પ્રોજેક્ટમાં 20,000 કરતાં વધારે શ્રમિકો અને 1,000 હાથીને કામે લગાડવામાં આવ્યા હતા.

તાજમહલનું કામ 22 વર્ષ સુધી ચાલતું રહ્યું અને તે સમયે તેનો ખર્ચ 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો, જેનાથી મુગલ ખજાનો લગભગ ખાલી થઈ ગયો.

ઇવા ફર્નાન્ડિઝ ડેલ કામ્પોએ લખ્યું છે કે શાહજહાં તાજમહલ બનાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે સલ્તનતની બીજી બાબતો નજરઅંદાજ થવા લાગી હતી.

ઈ.સ. 1658માં ઔરંગઝેબે પોતાના પિતા (શાહજહાં) પાસેથી સત્તા છીનવી લીધી અને પોતાના જ ત્રણ ભાઈઓને મારી નાખ્યા. શાહજહાંને આગરાના કિલ્લામાં કેદ કરી દેવાયા, જ્યાં તેઓ 1666માં તેમના મૃત્યુ સુધી કેદ રહ્યા.

કાળો તાજમહલ : કદાચ ના !

કહેવાય છે કે શાહજહાંએ પોતાના માટે પણ એક એવો મકબરો બનાવવાની યોજના બનાવી હતી જે તેમના શોકને દર્શાવતા કાળા પથ્થરનો હોત અને નદીના પુલથી તાજમહલ સાથે જોડાયેલો હોત.

આ વિચારની પહેલી ચર્ચા ફ્રેન્ચ મુસાફર જ્યાં-બૅપ્ટિસ્ટ ટૅવર્નિયરે ઈ.સ. 1665માં તેમના લેખોમાં કરી હતી. તેમાં કહેવાયું હતું કે શાહજહાંએ પોતાનો મકબરો બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેમના પુત્ર ઔરંગઝેબે તેને હટાવી દીધો હતો, તે કારણે તે પૂરો ન થઈ શક્યો.

જોકે ઘણા બધા આધુનિક પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો આને એક કિંવદંતી માને છે.

તાજમહલમાં શાહજહાંની કબર મુમતાઝ મહલની કબરની જેમ બરાબર કેન્દ્રમાં નથી, બલકે તેની બાજુમાં બનેલી છે.

આ અસંગત વ્યવસ્થાથી કેટલાક લોકોએ એવું તારણ કાઢ્યું છે કે કદાચ શાહજહાંનો મકબરો કોઈ બીજી જગ્યાએ બનવાનો હતો.

જોકે તાજમહલ માત્ર મુમતાઝ મહલ માટે બનાવવામાં આવ્યો હતો, જ્યારે શાહજહાંને તેમના મૃત્યુ પછી તેમની સાથે દફનાવવામાં આવ્યા, તેથી તેમની કબર કેન્દ્રથી થોડી દૂર છે.

આર. નાથ તેમના એક લેખમાં લખે છે કે તાજમહલ 1648માં પૂરો બની ચૂક્યો હતો; અને, "જો કોઈ બીજી યોજના હોત, તો તેના નક્કર પુરાવા હોત અને સમકાલીન ફારસી ઇતિહાસકારોએ તેનો ઉલ્લેખ જરૂર કર્યો હોત, પરંતુ તેઓ ચૂપ છે."

તાજમહલ અને પ્રસવ

'મદ્રાસ કુરિયર' અનુસાર, તાજમહલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે મૅટરનિટી હેલ્થ (માતૃ સ્વાસ્થ્ય)ના મહત્ત્વની યાદ અપાવનાર હોવો જોઈએ.

"મુમતાઝ મહલ શાહજહાંને તેમનાં બધાં જ પત્નીઓમાં સૌથી પ્રિય હતાં. વ્યાવહારિક રીતે આનો અર્થ એ હતો કે તેમણે શાહજહાં માટે 14 વાર ગર્ભધારણનું દુઃખ સહન કર્યું. મુમતાઝ મહલ પોતાની શાદીના લગભગ દરેક વર્ષે ગર્ભવતી રહ્યાં. ચૌદ વખતના ગર્ભમાંથી માત્ર સાત બાળક (ત્રણ પુત્રી અને ચાર પુત્ર) જ જીવિત રહી શક્યાં અને ચૌદમા બાળકનો જન્મ જ મુમતાઝ મહલના મૃત્યુનું કારણ બન્યો."

"મુમતાઝ મહલનું મૃત્યુ એ બીમારીઓના કારણે થયું જે પ્રસવપીડા સાથે સંકળાયેલી હતી."

અનંતકુમાર તેમના લેખ 'મૉન્યુમેન્ટ ઑફ લવ ઍન્ડ સિમ્બલ ઑફ મૅટરનલ ડેથ'માં લખે છે કે મુમતાઝ મહલના સતત અને ખૂબ વધારે ગર્ભાધાને તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડ્યું અને અંતે આ જ વારંવારના ગર્ભાધાનના પરિણામસ્વરૂપ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

"બીજી બાજુ, 17મી સદીમાં સ્વીડનમાં રાણી ઉલરિકા એલિનોરાએ પ્રસવ દરમિયાન થનારાં મૃત્યુની સમસ્યાના નિવારણ માટે દુનિયાને ઘણા ઉપાય આપ્યા. તેમણે દાયણના કામની ટ્રેનિંગ (મિડવાઇફરી)ની પહેલી સ્કૂલ બનાવી અને એ નીતિ લાગુ કરી કે દરેક ગામમાં એક કે બે મહિલાઓને દાયણના કામની તાલીમ આપવામાં આવે."

"સ્વીડનમાં સામુદાયિક દાયણ-તાલીમની આ જ રણનીતિથી 1900 સુધી ત્યાં માતૃ મૃત્યુદર, એટલે કે પ્રતિ એક લાખ જીવિત બાળકોના જન્મ પર પ્રસવસંબંધી મૃત્યુની સંખ્યા, ઘટીને 230 થઈ ગયો. નોંધવું જોઈએ કે એ સમયે સામાન્ય સર્જિકલ ડિલિવરી, બ્લડ ટ્રાન્સફ્યૂઝન (લોહી ચડાવવું) અને ઍન્ટીબાયૉટિક્સ હજુ સામાન્ય નહોતાં થયાં."

17મી સદીના મુગલ સામ્રાજ્યમાં પ્રસવ પછી ખૂબ વધારે લોહી વહી જવાના કેસોના કોઈ ચોક્કસ આંકડા નથી મળતા, પરંતુ ચિકિત્સા ઇતિહાસકાર એ વાતે સંમત છે કે એ જમાનામાં પ્રસૂતિ દરમિયાન કે પ્રસૂતિ પછી મહિલાઓનો મૃત્યુદર અસામાન્ય રીતે ઘણો વધારે હતો અને અતિશય રક્તસ્રાવ તેનું એક નોંધપાત્ર કારણ હતું.

મુગલકાળમાં સામાન્ય સારવાર અને સર્જરી ખૂબ સારી હતી. યુરોપિયન મુસાફર અને ઇતિહાસકાર પણ આની ચર્ચા કરે છે.

'મદ્રાસ કુરિયર' અનુસાર, "ભલે ભારતનું સૌથી પ્રખ્યાત સ્મારક, મુમતાઝ મહલ માટે શાહજહાંના પ્રેમની નિશાની તરીકે બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી પણ મોટો વારસો વધુ સારી મૅટરનિટી કૅર (માતૃત્વ અને બાળસંભાળ)ને પ્રોત્સાહન આપવા તરીકે થઈ શક્યો હોત."

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે જો તાજમહલ પર ખર્ચવામાં આવેલી અપાર સંપત્તિનો એક નાનકડો ભાગ પણ પ્રસૂતિ અને બાળસંભાળ માટે એક હૉસ્પિટલ બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યો હોત, તો તે માત્ર પ્રેમનું પ્રતીક ન બન્યો હોત, બલકે પ્રેમ નિભાવનાર અસંખ્ય સામાન્ય મુમતાઝ મહલોનું જીવન પણ બચાવતો. એ મહિલાઓની જિંદગી જે સદીઓથી પ્રસવ સાથે સંકળાયેલી જટિલતાઓના કારણે નાની ઉંમરે જ મૃત્યુનો ભોગ બનતી રહી છે.

એટલે કે, તાજમહલ પ્રેમનું અમર પ્રતીક તો રહેત જ, સાથે જ મહિલાઓના જીવનનું પણ પ્રતીક બની જતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન