મોરબી : જેતપર ગામે નરેન્દ્ર મોદી, અમિત શાહનાં પૂતળાં બાળવામાં આવતા પોલીસ ફરિયાદ, આંદોલનકારી ખેડૂતોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ખેડૂત આંદોલન મોરબી વીજ થાંભલા જેતપર પોલીસ ફરિયાદ નરેન્દ્ર મોદી પૂતળા દહન અમિત શાહ પીએમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ અદાણીનો વિરોધ પાઇલપાઇન વીજળીના થાંભલાનો વિરોધ ખેતી ખેતર મોરબી જેતપર સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA/BBC

ઇમેજ કૅપ્શન, મોરબીના જેતપર ગામે સત્યાગ્રહ છાવણી નજીક પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં પૂતળાં બાળીને 'નારાબાજી' પણ કરવામાં આવી હતી, જે મામલે ગુનો નોંધાયો છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ થાંભલાનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં પૂતળાં બાળીને 'અપમાનજનક નારા' લગાવવાનો આરોપ લાગ્યો છે.

આ મામલે હવે પૂતળાં બાળનારા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જેતપર ગામે કેટલાય મહિનાથી વીજ થાંભલાના વળતર મામલે આંદોલન ચાલુ છે. બે દિવસ અગાઉ ખેડૂતોની આંદોલન છાવણી પાસે પીએમ અને ગૃહમંત્રીનાં પૂતળાં સળગાવવામાં આવ્યાં હતાં, તેવું પોલીસનું કહેવું છે.

આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા 21 લોકો સામે નામ જોગ તથા તપાસમાં જેનાં નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

અહીં સત્યાગ્રહ છાવણી નજીક પૂતળાં બાળીને 'નારાબાજી' પણ કરવામાં આવી હતી, જે મામલે ગુનો નોંધાયો છે.

બીબીસી ગુજરાતી ખેડૂત આંદોલન મોરબી વીજ થાંભલા જેતપર પોલીસ ફરિયાદ નરેન્દ્ર મોદી પૂતળા દહન અમિત શાહ પીએમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ અદાણીનો વિરોધ પાઇલપાઇન વીજળીના થાંભલાનો વિરોધ ખેતી ખેતર મોરબી જેતપર સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA/BBC

ઇમેજ કૅપ્શન, જૂન માસથી મોરબીના જેતપર ખાતે ખેડૂતો ખેતરમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે.

આ મામલે પોલીસે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયા સહિત કુલ 21 ખેડૂતો સામે ગુનો નોંધ્યો છે. જેમાં અમુક મહિલાઓનાં નામ પણ છે. બીબીસીના સહયોગી રાજેશ આંબિલિયાના જણાવ્યા મુજબ, પોલીસે આરોપીઓને પકડવાની પ્રક્રિયા હાથ ધરી છે.

એફઆઈઆરમાં નેહુલ અમૃતિયા ઉપરાંત હર્ષદ અઘારા, રાજુભાઈ કંડિયા, દીપક ઝાકાસણિયા, લાલજી ઝાકાસણિયા સહિત 21 લોકોનાં નામ છે. તેમાં મિતલબહેન કંડિયા, જ્યોતિબહેન પંચાસર, દર્શનાબહેન અઘારા, ખુશાંગીબહેન અઘારા જેવાં મહિલાઓનાં નામ પણ સામેલ છે.

જેતપરના આંદોલનકારીઓ સામેની પોલીસ એફઆઈઆરમાં શું છે?

બીબીસી ગુજરાતી ખેડૂત આંદોલન મોરબી વીજ થાંભલા જેતપર પોલીસ ફરિયાદ નરેન્દ્ર મોદી પૂતળા દહન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, જેતપરમાં ઉપવાસ છાવણી (ફાઇલ ફોટો)

મોરબી ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર નીલેશ ઘેટિયાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે "આરોપીઓએ 17 સપ્ટેમ્બરે સરકારની કોઈપણ મંજૂરી લીધા વગર ગેકકાયદે ડૉમ પાસે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરીને લાકડાના ધોકા સાથે ગેરકાયદે મંડળી બનાવી, જાહેર માર્ગ પર અપરોધ પેદા કરીને, પૂતળાં પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું."

તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે "આરોપીઓએ જાહેર શાંતિનો ભંગ થાય તેવી રીતે બીજાને ઉશ્કેરવાનું અને વડા પ્રધાન તથા ગૃહમંત્રીનાં પુતળાંનું દહન કરી, પૂતળાંને ધોકા માર્યા, નારેબાજી કરી અને તેમનું ઇરાદાપૂર્વક અપમાન કરીને જિલ્લા મૅજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો છે."

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે "17 સપ્ટેમ્બરની રાતે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે વૉટ્સઍપથી એક વીડિયો મળ્યો હતો જેમાં આ પુતળાંનું દહન અને નારાબાજી જોવા મળી હતી."

ખેડૂત આગેવાને શું કહ્યું?

બીબીસી ગુજરાતી ખેડૂત આંદોલન મોરબી વીજ થાંભલા જેતપર પોલીસ ફરિયાદ નરેન્દ્ર મોદી પૂતળા દહન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, મોરબીમાં જેતપર ગામે કેટલાય મહિનાથી ખેડૂતો જમીનના વળતર મામલે આંદોલન ચલાવે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એફઆઈઆરમાં જેનું નામ છે તે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "હજુ પોલીસ દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નથી તેથી આગળની કાર્યવાહી શું હશે તે કહી શકાય નહીં."

તેમણે કહ્યું કે "હજુ બધા ખેડૂતો સત્યાગ્રહ છાવણી પર હાજર છે અને સંગઠીત છે. પોલીસ તરફથી કોઈ કાર્યવાહી થવાની છે તેના વિશે અમને ફોનથી કે લેખિતમાં હજુ સુધી કંઈ જણાવવામાં આવ્યું નથી."

તેમણે જણાવ્યું કે "અમારું આંદોલન ચાલુ છે અને લોકો સતત બેઠા રહે છે. ખેડૂતોને વળતર મામલે તેમણે કહ્યું કે, ચોથી જુલાઈ 2026નો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે તે કોઈ પણ ખેડૂતને માન્ય નથી. માત્ર મોરબી જિલ્લા કે જેતપર જ નહીં પણ ગુજરાતના તમામ ખેડૂતો આ મામલે સંગઠીત છે."

નેહુલ અમૃતિયાએ દાવો કર્યો કે "સંબંધિત એફઆઈઆર દ્વારા પોલીસે તેમને કોઈ પણ રીતે જાણકારી આપી નથી. અમને પોલીસ ફરિયાદ મળે અને અમે તેનો અભ્યાસ કરીએ ત્યાર પછી અમે પ્રતિભાવ આપી શકીશું."

કોઈ નેતાઓ છાવણીમાં ખેડૂતોને મળવા આવે છે કે નહીં તે વિશે તેમણે કહ્યું કે "કોઈ પણ પક્ષમાં પદ ધરાવતા લોકોને અહીં આવવાની મનાઈ છે. ખેડૂતોની સાથે હોવ તો પદ છોડીને પછી જ આવવા દેવાશે."

ખેડૂતોના આંદોલનનો શું મુદ્દો છે?

બીબીસી ગુજરાતી ખેડૂત આંદોલન મોરબી વીજ થાંભલા જેતપર પોલીસ ફરિયાદ નરેન્દ્ર મોદી પૂતળા દહન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, જેતપરમાં ખેડૂત આંદોલનના સ્થળ પર લગાવાયેલું એક બૅનર.

પાછલા જૂન માસથી મોરબીના જેતપર ખાતે ખેડૂતો ખેતરમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે.

આ મામલે થોડા દિવસો પહેલાં રાજ્ય સરકારે વર્તમાન જમીનના બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાની તેમજ આખું વળતર એકસામટું ચૂકવવાની જાહેરાત કરી હતી. જોકે, સરકારની આ જાહેરાત બાદ હજુ પણ ખેડૂત આંદોલન યથાવત્ છે.

જેતપર ખેડૂત આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં રહેલા નેહુલ અમૃતિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આંદોલનની માંગો વિશે કહેલું કે, "સરકારે આંદોલનનો નીવેડો લાવવા માટે જાહેર કરેલો પરિપત્ર અમને મંજૂર નથી. અમારી માંગ છે કે આ મુદ્દે સરકાર અમારી સાથે મસલત કરે, અમને વિશ્વાસમાં લે અને અમારી માંગો મુજબ પરિપત્ર કરે. આવું નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન