તમિલનાડુઃ મુખ્યમંત્રી વિજયે બાળકોને સોનાની વીંટી આપવાની યોજના શરૂ કરી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
તમિલનાડુ સરકારે નવજાત બાળકો માટે 'મામાની સોનાની વીંટી યોજના' શરૂ કરવાની તારીખ જાહેર કરી છે.
મુખ્યમંત્રી સી જોસેફ વિજય 28 સપ્ટેમ્બર 2026થી આ યોજના શરૂ કરશે. યોજના હેઠળ સરકારી હૉસ્પિટલોમાં જન્મ લેતા બાળકોને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સરકારના હવાલે જણાવ્યું કે યોજના હેઠળ પ્રથમ તબક્કામાં વિતરણ માટે 1.28 લાખ સોનાની વીંટીઓ ખરીદવામાં આવી છે. દરેક વીંટી પર એક સીરિયલ નંબર રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે નવજાત શિશુનાં માતા તમિલનાડુમાં સ્થાયી નિવાસ કરતાં હોવા જરૂરી છે. આ ઉપરાંત માતાના પીઆઈસીએમઈ અને આરસીએચ ઓળખપત્રો રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. રજિસ્ટ્રેશન પછી સંબંધિત ઓળખપત્ર જારી કરવામાંં આવે છે.
સરકારે જણાવ્યું કે આ યોજના હેઠળ 22 જૂન (મુખ્યમંત્રીના જન્મદિવસ)થી 28 સપ્ટેમ્બર સુધી સરકારી હૉસ્પિટલોમાં જન્મેલાં બાળકોને પણ આનો લાભ આપવામાં આવશે. તેના માટે રાજ્યભરમાં 107 વિતરણ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પર રોજ 100 બાળકોને સોનાની વીંટી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમેરિકાના 100 ટકા ટેરિફના બિલ વિશે ભારતે કેવી પ્રતિક્રિયા આપી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન સંસદે રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરિફ નાખવા માટેનું બિલ પસાર કર્યા પછી ભારતે બહુ સંતુલિત પ્રતિક્રિયા આપી છે.
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ઊર્જા સુરક્ષાના મામલે ભારતના લોકોની પ્રાથમિકતા સૌથી ઉપર છે.
રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા ટોચના દેશોમાં ભારત અને ચીન સૌથી આગળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્વાત્રાએ ઍક્સ પર પોસ્ટ કરી કે "ભારતના લોકો માટે ઊર્જા સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે."
તેમણે કહ્યું કે "અમારા નિર્ણયો ઉપલબ્ધતા, કિફાયત, બજારની સ્થિતિ અને વ્યાવસાયિક વ્યવહારુતાથી નક્કી થાય છે. ભારતે પોતાની ક્રૂડ ઑઇલનો 85 ટકાથી વધુ જથ્થો અને નૅચરલ ગૅસના લગભગ અડધા જથ્થાની આયાત કરવી પડે છે."
"હાલના સંઘર્ષના કારણે વૈશ્વિક સપ્લાય પર દબાણ આવ્યું ત્યારે ભારતે પોતાના લોકોને ભાવમાં અચાનક વધારાથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લીધાં. તેનાથી વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર રાખવામાં અને એક મોટા સંકટને રોકવામાં પણ મદદ મળી."
ભારત સહિત અન્ય દેશો પર 100 ટકા ટેરિફની જોગવાઈ કરતા બિલ પર ટ્રમ્પના હસ્તાક્ષર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રશિયા પર પ્રતિબંધોને લગતા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે.
નવા કાયદા પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિને રશિયા પાસેથી ઑઇલ અને કુદરતી ગૅસ ખરીદતા પાંચ સૌથી મોટા ખરીદદાર દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર મળી ગયો છે. તેમાં રશિયાના મુખ્ય ગ્રાહકો ભારત અને ચીન પણ સામેલ છે.
આ બિલ ભારત અથવા ચીન પર સીધે સીધા 100 ટકા ટેરિફ લાગુ નહીં કરે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિને આમ કરવાનો અધિકાર આપે છે. અમેરિકન સંસદમાં આ બિલ પહેલેથી પસાર થઈ ચૂક્યું છે.
બિલનું સત્તાવાર નામ "લિંડ્સે ઓ ગ્રૅહમ સેંક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026" છે. તે દિવંગત રિપબ્લિકન સેનેટર લિંડ્સે ગ્રૅહમના નામથી છે.
11 જુલાઈ 2026ના રોજ ગ્રૅહમનું મૃત્યુ થયું હતું. તેઓ યુક્રેનના સમર્થક હતા અને રશિયા પર આકરા પ્રતિબંધોની હિમાયત કરતા હતા.
48 પેજના આ ખરડામાં એવા દેશોને છૂટ અપાઈ છે, જેઓ રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના 15 ટકા કરતાં ઓછા નૅચરલ ગૅસની આયાત કરે છે અને રશિયા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે કામ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























