બાળકનો જન્મ થયો અને માતાની યાદશક્તિ જતી રહી, પુત્ર અને પતિ પારકા બની ગયા

ઇમેજ સ્રોત, Samina Ali
"બહારથી જોતાં મારી ગર્ભાવસ્થામાં કોઈ જ સમસ્યા દેખાતી નહોતી. ત્યારે મારી ઉંમર પણ ઘણી ઓછી હતી. શારીરિક રીતે પણ હું સંપૂર્ણ સ્વસ્થ હતી, છતાં શરૂઆતથી જ મને સતત એવી અજબ લાગણી થતી હતી કે કંઈક તો બરાબર નથી. એ શંકા મારો પીછો જ છોડતી નહોતી."
કંઈક ખોટું થવાનું છે એવી લાગણી લેખિકા સમીના અલીને બાળપણથી જ સતાવતી હતી.
એક શ્રદ્ધાળુ મુસ્લિમ પરિવારમાં જન્મેલાં સમીનાએ તેમનું બાળપણ કેટલોક સમય ભારતમાં અને બાકીનો સમય અમેરિકામાં વિતાવ્યો હતો.
તેમનાં માતા-પિતાની એવી માન્યતા હતી કે સમીનાનો જન્મ અશુભ દિવસે થયો હોવાથી દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ તેમનો પીછો કરશે; એવી તેમને સતત ભીતિ રહેતી. આ જ કારણે તેમણે સમીનાને ચાંદીનાં તાવીજ પહેરાવ્યાં હતાં અને પોતાની શક્તિ મુજબ તેમને દરેક અનિષ્ટથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ 1999માં જ્યારે સમીના પહેલી વાર ગર્ભવતી બન્યાં, ત્યારે ડૉક્ટરોને કોઈ પ્રકારની ચિંતા જણાઈ નહોતી. ગર્ભમાં રહેલા બાળકના સ્કેનમાં બધું સામાન્ય દેખાતું હતું અને તેના ધબકારા પણ સ્વસ્થ હતા. તેથી ડૉક્ટરો સંપૂર્ણપણે નિશ્ચિંત હતા.
સમીનાએ બીબીસી વર્લ્ડ સર્વિસના 'આઉટલુક' કાર્યક્રમમાં જણાવ્યું કે, "ત્યાં બીજું કંઈ જ નહોતું, ફક્ત હૃદયના ધબકારાનો અવાજ સંભળાતો હતો, જે દોડતા ઘોડાના ખરી જેવા અવાજ સમાન હતો."
"બાળકના હૃદયના ધબકારા આખા રૂમમાં ગુંજી રહ્યા હતા. એ સાંભળીને મને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ હું જ નકામી ચિંતા કરી રહી છું. પરંતુ ગર્ભાવસ્થાનો સાતમો મહિનો શરૂ થયો ત્યારે લક્ષણો દેખાવા લાગ્યાં. મારા આખા શરીરમાં ભારે સોજો આવી ગયો. કમ્પ્યુટર પર ટાઇપ કરતી વખતે આંગળીઓ એકબીજા સાથે ઘસાતી હોય એવું લાગતું. સતત ઊલટીઓ થતી અને ધીમે ધીમે નજર પણ ઝાંખી થવા લાગી."
છતાં ડૉક્ટરો કહેતા રહ્યા, "તમે યુવાન છો... તમે સ્વસ્થ છો... તમને કોઈ જ સમસ્યા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Samina Ali
પ્રી-એક્લેમ્પસિયા શું છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે સમયે આજની જેમ ઇન્ટરનેટ પર પળવારમાં વિગતવાર માહિતી શોધી શકાતી નહોતી. તેથી સમીના અને તેમના પતિ સ્કોટ—જે પોતે પણ એક લેખક છે—તેમણે પોતાના માટે સૌથી વિશ્વસનીય રસ્તો પસંદ કર્યો — પુસ્તકોનો.
સમીનાએ બીબીસી વર્લ્ડ સર્વિસના 'આઉટલુક' કાર્યક્રમમાં જણાવ્યું, "અમે પુસ્તકો તરફ વળ્યાં. 'વ્હૉટ ટુ ઍક્સપેક્ટ વ્હેન યુ આર ઍક્સપેક્ટિંગ' નામનું પુસ્તક વાંચ્યું. તેના અંતમાં પ્રી-એક્લેમ્પસિયા વિશે એક પાનું હતું. તેમાં આપેલાં લક્ષણોની યાદી જોઈ તો સમજાયું કે એમાંથી ઘણાં લક્ષણો મારામાં પણ હતાં."
પ્રી-એક્લેમ્પસિયા ગર્ભાવસ્થા દરમિયાન થતી એક ગંભીર તબીબી સ્થિતિ છે. તેની શરૂઆત સામાન્ય રીતે પ્લેસેન્ટામાં ઊભી થતી સમસ્યાઓથી થાય છે. આ સ્થિતિ શા માટે સર્જાય છે તે અંગે ડૉક્ટરોને હજુ સુધી સંપૂર્ણ જાણકારી નથી. પરંતુ જો તે ગંભીર સ્વરૂપ ધારણ કરે તો મગજ સહિત શરીરના અનેક અંગોને અસર પહોંચાડી શકે છે.
અશ્વેત (કાળી) અને દક્ષિણ એશિયાઈ મહિલાઓમાં આ સમસ્યાનું જોખમ તુલનાત્મક રીતે વધુ હોય છે. હાઈ બ્લડ પ્રેશર, અસહ્ય માથાનો દુખાવો, પેશાબમાં પ્રોટીન અને ઝાંખી દૃષ્ટિ જેવાં લક્ષણો તેનાં મુખ્ય સંકેતો માનવામાં આવે છે.
ચિંતા વધતાં સમીના અને સ્કોટે ફરી એક વખત ડૉક્ટરોનો સંપર્ક કર્યો.
સમીનાએ જણાવ્યું, "મારી પ્રસૂતિને હજુ એક અઠવાડિયું બાકી હતું. આ વખતે હું મારા પતિને પણ સાથે લઈ ગઈ. તેઓ વ્હાઇટ છે અને પુરુષ પણ છે. મને લાગ્યું કે કદાચ તેઓ કહેશે તો ડૉક્ટરો મારી વાતને ગંભીરતાથી લેશે."
જોકે તેમની સારવાર કરી રહેલા પ્રસૂતિનિષ્ણાતે એટલું જ કહ્યું, "બધું બરાબર છે. ઘરે જાઓ અને આરામ કરો."

ઇમેજ સ્રોત, Marissa Leshnov for The Washington Post via Getty Images
તે પેટનો દુખાવો નથી.
સમીનાનું સાચું દુઃસ્વપ્ન ત્યારે શરૂ થયું જ્યારે તેમને પેટમાં દુખાવો શરૂ થયો.
તેમણે જણાવ્યું, "મને અસહ્ય પીડા થવા લાગી. એ સામાન્ય પ્રસૂતિની પીડા નહોતી. મારી છાતીમાં... મારા માથામાં... એવું લાગતું હતું કે જાણે કોઈ પણ ક્ષણે માથું ફાટશે. આખું શરીર તૂટી રહ્યું હોય એવી અસહ્ય યાતના થતી હતી."
"મારી પ્રસૂતિની દેખરેખ રાખતા ડૉક્ટર મારા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવા માટે નર્સોની પાછળ ઊભા રહી જતાં. મારું બ્લડ પ્રેશર અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું હતું. હું વારંવાર બેભાન થઈ જતી અને ફરી ભાનમાં આવતી. નર્સો મને ધક્કો મારીને બાળકને બહાર ધકેલવા કહેતી. મને સમજાતું જ નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. એ દરમિયાન મારા મગજમાં સ્ટ્રોક આવવા લાગ્યા હતા. છાતીમાં થતી અસહ્ય પીડા પાછળથી હાર્ટ ઍટેક હોવાનું બહાર આવ્યું."
ત્યારબાદ શું બન્યું તેની સમીનાને બહુ ઓછી યાદ છે. નવજાત બાળકની ઝાંખી ઝલક અને અસહ્ય પીડાની કેટલીક ક્ષણો જ તેમની સ્મૃતિમાં બચી રહી.
બીબીસી વર્લ્ડ સર્વિસના 'આઉટલુક' કાર્યક્રમમાં તેમણે જણાવ્યું, "મને એટલું જ યાદ છે કે મારા દીકરાનો જન્મ થયો હતો. નર્સો તેને નવડાવવા લઈ જઈ રહી હતી અને હું હૉસ્પિટલના પલંગ પર એક આંખ ખુલ્લી રાખીને તેને જોવાનો પ્રયત્ન કરી રહી હતી."
"મારા દીકરાના જન્મની વીસેક મિનિટ પછી મને તીવ્ર આંચકી આવી. તે કુદરતી ઍનેસ્થેટિક જેવું લાગ્યું, જે મારા આખા શરીરમાં ફેલાઈ ગયું. તે ક્ષણથી મને કોઈ દુખાવો થયો નહીં. તે પછી શું થયું તે મને જરાય યાદ નથી."
ત્યારબાદ સમીના અને તેમના પુત્ર ઇસ્માઇલને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા. કુપોષિત ઇસ્માઇલને પ્રસૂતિ વોર્ડમાં રાખવામાં આવ્યો, જ્યારે મગજને નુકસાન થવાને કારણે કોમામાં સરી પડેલાં સમીનાને ન્યુરોલોજી વિભાગમાં મશીનોની મદદથી જીવંત રાખવામાં આવ્યાં હતાં.
પાંચ દિવસ પછી, જેમને સારવાર આપતા ન્યુરોલોજિસ્ટ "અદ્ભુત યુવતી" કહીને સંબોધતા હતા, એવી સમીનાને ભાન આવ્યું. તેઓ બાળપણની યાદોના આધારે પોતાનાં માતા-પિતા અને ભાઈ-બહેનોને ઓળખી શક્યાં. પોતાની માતૃભાષા ઉર્દૂ પણ બોલી શકતાં હતાં, પરંતુ અંગ્રેજી બોલવામાં તેમને ભારે મુશ્કેલી પડી રહી હતી. તેઓ પોતાના પતિને પણ ઓળખી શક્યાં નહોતાં. એટલું જ નહીં, પોતે બાળકને જન્મ આપ્યો હતો એ વાત પણ તેમની સ્મૃતિમાંથી ભૂંસાઈ ગઈ હતી.
સમીનાએ જણાવ્યું, "ન્યુરોલોજિસ્ટને લાગ્યું કે કદાચ હું મારા દીકરાને મળીશ તો મારી યાદશક્તિ પાછી મેળવવામાં મદદ મળશે."
"એટલે તેને ઇન્ક્યુબેટરમાંથી બહાર લાવવામાં આવ્યો. મારા પરિવારના સભ્યોની પ્રતિક્રિયા જોઈને મને સમજાયું કે આ કોઈ ખૂબ જ મહત્ત્વની ક્ષણ હતી. પરંતુ તે સમયે મારું મગજ એટલું ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યું હતું કે હું કલ્પના પણ કરી શકતી નહોતી કે મારી આસપાસ શું ચાલી રહ્યું છે. મને માત્ર એટલું જ લાગતું હતું કે કંઈક અસાધારણ બની રહ્યું છે, પરંતુ એ શું છે તેની મને કોઈ સમજ નહોતી."
સામાન્ય રીતે માતા પ્રથમ વખત નવજાત બાળકને હૃદયસરસું ચાંપે એ ક્ષણ જીવનભરની સૌથી સુંદર યાદ બની રહે છે. પરંતુ સમીનાના જીવનની આ ક્ષણ એક કરુણ દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ.
તેમણે જણાવ્યું, "નર્સોએ મારા દીકરાને મારા શરીર પર લાગેલા વાયર અને નળીઓ ઉપર જ સુવડાવ્યો. પહેલેથી જ એ તબીબી સાધનોનો ભાર સહન કરવો મુશ્કેલ હતો, તેના પર લગભગ 2.7 કિલો વજનનું બાળક રાખવામાં આવતાં અસહ્ય પીડા થવા લાગી."
"મને ખબર જ નહોતી કે એ મારો દીકરો છે. મને માત્ર એટલું જ સમજાતું હતું કે હું અસહ્ય પીડામાં છું. હું નર્સને કહેવા માગતી હતી કે બાળકને મારા શરીર પરથી હટાવી લો, પરંતુ હું બોલી શકતી નહોતી. મારા મોંમાંથી માત્ર અસ્પષ્ટ અવાજો નીકળતા હતા. અંતે બાળક મારા હાથમાંથી સરકી ગયું. એક ક્ષણ પહેલાં સુધી જે આનંદ હતો, તે પળવારમાં ભયમાં ફેરવાઈ ગયો. અમારી પ્રથમ મુલાકાત અત્યંત કરુણ રીતે પૂર્ણ થઈ."
એ ક્ષણ કેટલી હૃદયદ્રાવક હતી તે સમજવાની સ્થિતિમાં સમીના ત્યારે નહોતી.

ઇમેજ સ્રોત, Samina Ali
'હું મારા પતિને મારી નજીક પણ આવવા દેતી નહોતી'
તો પછી તેમના પતિ સ્કોટની સ્થિતિ કેવી હતી?
સમીનાએ જણાવ્યું, "હું ખૂબ આક્રમક બની ગઈ હતી. તેઓ મારી નજીક આવે એટલે હું તેમને દૂર ધકેલી દેતી."
"જ્યારે પણ તેઓ મારી પાસે આવતા ત્યારે હું ડરી જતી."
ધીમે ધીમે સમીનાને ફરી અંગ્રેજી ભાષા યાદ આવવા લાગી. હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ, પરંતુ તેમનું મન અને યાદશક્તિ હજુ સંપૂર્ણપણે સાજાં થયાં નહોતાં.
તેમણે કહ્યું, "એવું લાગ્યું કે જાણે મારું મગજ ફાડી નાખવામાં આવ્યું છે."
"એ બધા ટુકડાઓને ફરી જોડવાની જવાબદારી મારી જ હતી. પરંતુ એ કેટલું મુશ્કેલ કામ છે, તેનો અંદાજ માત્ર એમાંથી પસાર થયેલી વ્યક્તિ જ લગાવી શકે. ફરી ઊભાં રહેતાં શીખવું... ચાલતાં શીખવું... બોલતાં શીખવું... આસપાસની દુનિયાને સમજતાં શીખવું... મારે આ બધું ફરી શરૂઆતથી શીખવું પડ્યું."
સમીનાએ કહ્યું કે, તે સમયે તેમની સ્થિતિ પણ તેમના નવજાત પુત્ર જેવી જ બની ગઈ હતી. તેઓ પણ દરેક બાબતમાં બીજાઓ પર નિર્ભર થઈ ગયાં હતાં.
"હું જાણે એક નાનકડા બાળકમાં ફેરવાઈ ગઈ હતી. એ ખૂબ જ ભયાનક અનુભવ હતો. હું અક્ષરશઃ બધું જ ફરીથી શીખી રહી હતી. મારી ઉંમર 30 વર્ષની હતી, છતાં મારો દીકરો જે શીખી રહ્યો હતો, એ જ હું પણ શીખી રહી હતી."
પરિણામે તેમની માતાના સમય અને ધ્યાન માટે તેમના અને ઇસ્માઇલ વચ્ચે એક વિચિત્ર પ્રકારની હરીફાઈ શરૂ થઈ ગઈ.
"મને અસહ્ય ગુસ્સો આવતો હતો." સમીનાએ જણાવ્યું.
"મારે જીવવું હતું અને એ માટે મારી માતાનો સાથ અનિવાર્ય હતો. જ્યારે તેઓ મારી મદદ ન કરી શકતાં, ત્યારે હું મારો કાબૂ ગુમાવી બેસતી. ક્યારેક તો કોઈ જંગલી પ્રાણી જેવું વર્તન કરતી."
સમીનાની સારવાર કરનાર ન્યુરોલોજિસ્ટને આશા હતી કે તેઓ હોસ્પિટલમાંથી ઘરે પાછાં ફરશે, તો પરિચિત વાતાવરણ જોતાં તેમની યાદો ધીમે ધીમે પાછી આવી જશે. પરંતુ તેના બદલે, તેમનું પોતાનું ઘર તેમને અજાણ્યું લાગતું હતું.
તેમણે જણાવ્યું, "મારી આસપાસ સંભળાતો દરેક અવાજ અર્થહીન ઘોંઘાટ જેવો લાગતો. એવું લાગતું જાણે આખી દુનિયા એકાએક ખાલીપાથી ભરાઈ ગઈ છે."

ઇમેજ સ્રોત, Samina Ali
લડીને... ફરી ઊભાં થયાં...
"ડૉક્ટરોએ મને કહ્યું હતું કે મારું મગજ ફરી સામાન્ય સ્થિતિમાં આવવામાં એક વર્ષથી પણ વધુ સમય લાગી શકે. ત્યાં સુધી હું અસહ્ય માથાના દુખાવાથી પીડાતી રહી. થોડો સમય પણ કોઈ કામ કરવાની શક્તિ નહોતી. કોઈ વાત બરાબર સમજાતી નહોતી. મને લાગતું હતું જાણે મારું આખું મગજ સાવ નિષ્ક્રિય થઈ ગયું છે. હું જે શરીરમાં રહેતી હતી, એ પણ મારું પોતાનું ન હોય એવું લાગતું."
છ અઠવાડિયાં પછી સમીનાનું મગજ આખરે એક એવા બિંદુએ પહોંચ્યું જ્યાં તેઓ સમજી શક્યાં કે તેમની સાથે શું થયું છે અને આ ઘટનામાં તેમણે શું ગુમાવ્યું છે.
જે લગ્નની તસવીર તેઓ અનેક વખત જોઈ ચૂક્યાં હતાં છતાં ઓળખી શક્યાં નહોતાં, એ જ તસવીર એક દિવસ અચાનક બધું યાદ અપાવી ગઈ.
તેમણે કહ્યું, "એક જ ક્ષણમાં બધું પાછું યાદ આવી ગયું."
"આખરે મારું જીવન... મારું ઘર... બધું જ ફરી યાદ આવી ગયું. મને ખૂબ રાહત થઈ. પરંતુ એ જ ક્ષણે એ પણ સમજાયું કે મેં કેટલું બધું ગુમાવી દીધું છે. મને મારા પોતાના શરીર પર ગુસ્સો આવ્યો. એવું લાગ્યું કે તેણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે."
પરંતુ આ ભયાનક ઘટના પહેલાંના જીવનમાં પાછાં ફરવું લગભગ અશક્ય બની ગયું હતું; ખાસ કરીને તેમના દામ્પત્ય જીવનમાં.
સમીનાએ જણાવ્યું, "મને એવું લાગતું હતું કે જાણે મારો ફરી જન્મ થયો હોય."
"હું જેમ જેમ સાજી થતી ગઈ, તેમ તેમ સ્કોટને સમજાવા લાગ્યું કે મારી આ સફર ધીમે ધીમે તેમને મારાથી દૂર લઈ જઈ રહી છે."
તે સમયે સમીના એક નવલકથા પણ લખી રહ્યાં હતાં.
તેમના ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાંથી લેખન અટક્યું હતું, ત્યાંથી ફરી શરૂ કરવું લગભગ અશક્ય હશે.
દરરોજ સવારે તેઓ કમ્પ્યુટર સામે બેસતાં. પોતાનાં લખેલાં વાક્યો વાંચતાં, પરંતુ તેનો અર્થ પણ સમજાતો નહોતો. એવું લાગતું જાણે તેમનું જ મગજ તેમની સાથે દગો કરી રહ્યું છે. છતાં સમીનાએ હાર માની નહીં.
તેમણે કહ્યું, "મેં લખવાનું છોડ્યું નહીં, કારણ કે એ જ પ્રવૃત્તિ મને જીવંત રાખતી હતી."
"હિંમત એટલે શું તેની મને ત્યારે સાચી સમજ પડી. જીવન આપણને ધરાશાયી કરી દે છે, આપણે જમીન પર પડી જઈએ છીએ; પરંતુ ફરી ઊભા થવું કે નહીં, એ નિર્ણય પણ આખરે આપણો જ હોય છે."
પાંચ વર્ષ પછી સમીનાએ તેમની પુરસ્કાર વિજેતા નવલકથા 'મદ્રાસ ઓન રેની ડેઝ' પ્રકાશિત કરી.
પુસ્તકનું પ્રકાશન તેમની સ્વસ્થતાની સફરમાં સીમાચિહ્નરૂપ સાબિત થયું હતું. સાથે જ પુત્ર ઇસ્માઇલ સાથેના સંબંધને તેમણે એક નવી રીતે સમજવાનું શરૂ કર્યું.
તેમણે કહ્યું, "મારા જીવનની યાદો પાછી આવી ગયા પછી તેની સાથે મને ખૂબ જ મજબૂત જોડાણનો અનુભવ થયો."
"જ્યારે તે નાનકડો હતો અને બોલવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે મને સમજાતું હતું કે એ કેટલું અઘરું છે. જ્યારે ચાલતાં શીખતો શીખતો પડી જતો હતો, ત્યારે એ પીડા પણ હું અનુભવી શકતી હતી. એક સમય એવો હતો જ્યારે મને તેના પ્રત્યે અણગમો થતો હતો, પરંતુ ધીમે ધીમે એ જ લાગણી અત્યંત ઊંડા સ્નેહમાં બદલાઈ ગઈ. આજે પણ અમારા બંને વચ્ચે એ જ આત્મીયતા અખંડ છે."
આ ઘટનાને આજે લગભગ ત્રણ દાયકા વીતી ગયા છે. ઇસ્માઇલના જન્મના દસ વર્ષ પછી સમીનાએ એક પુત્રીને પણ જન્મ આપ્યો. આજે જ્યારે પાછળ વળીને જુએ છે, ત્યારે સ્પષ્ટ દેખાય છે કે તેઓ માત્ર ફરી ઊભાં જ નહોતાં થયાં, પરંતુ એ હિંમતને જીવનભર જાળવી પણ રાખી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















