બ્રિજભૂષણ શરણસિંહને મહિલા કુસ્તીબાજોના યૌન ઉત્પીડનના કેસમાં કોર્ટે દોષમુક્ત કર્યા

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહને દિલ્હીની એક કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન ઉત્પીડનના કેસમાંથી દોષમુક્ત જાહેર કર્યા છે.
લાઈવ લૉ અનુસાર, રાઉઝ એવન્યુ કોર્ટે આ ચુકાદો આપ્યો. બ્રિજભૂષણ શરણસિંહ પર છ મહિલા કુસ્તીબાજોએ યૌન ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો.
બ્રિજભૂષણ શરણસિંહે કોર્ટના નિર્ણય પર કહ્યું, "કોર્ટે કહ્યું કે 'બ્રિજભૂષણસિંહ અને વિનોદ તોમર, તમે બંને સન્માનપૂર્વક નિર્દોષ છૂટ્યા છો. પહેલા જ દિવસે મેં કહ્યું હતું કે જો મારી વિરુદ્ધ નિર્ણય આવશે અથવા કોઈ આરોપ સાબિત થશે, તો હું મારી જાતને ફાંસી લગાવી દઈશ."
તેમણે કહ્યું, "મને પૂરો વિશ્વાસ હતો કે મારી સાથે ન્યાય થશે. હું ગુનેગાર છું તેવું અનુભવ્યું નથી. અમે તે જુનિયર ખેલાડીઓ માટે લડ્યા, જેમના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. મને ખુશી છે કે અમે તે લડાઈ પણ જીતી ગયા અને મને વિશ્વાસ છે કે તે (જુનિયર) ખેલાડીઓ ભવિષ્યમાં કુસ્તીમાં દેશનો ધ્વજ લહેરાવશે."
વીનેશ ફોગાટના વકીલ રેબેકા જૉને કહ્યું છે કે આ નિર્ણય ખૂબ જ નિરાશ કરનારો છે.
જ્યારે બ્રિજભૂષણ શરણસિંહને કુસ્તીબાજ વીનેશ ફોગાટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "કોઈનું નામ લેવાની જરૂર નથી. પ્રિયંકાજી કુસ્તીબાજો સાથે જંતર-મંતર પર આવ્યાં હતાં. આમ આદમી પાર્ટીએ ખાવા-પીવાની બધી વ્યવસ્થા કરી રહી હતી. શું લેફ્ટ કે રાઇટ કોઈ બાકી હતું? મને ફાંસી આપવાની માગ થઈ રહી હતી. હવે તેમણે પોતાની અંદર જોવું જોઈએ."
કોર્ટના નિર્ણય પછી કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, "આજનો નિર્ણય સ્પષ્ટ કરે છે કે તેમની બધી શક્તિ પાસે છે, તેમની પાસે બધું છે. તેમણે સાક્ષીઓને તોડી નાખ્યા. અમે હવે કોર્ટના વિગતવાર આદેશને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને સમજાતું નથી કે તેમને કયા આધારે નિર્દોષ જાહેર કરાયા છે."
બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા કુસ્તીબાજોનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવતાં સાક્ષી મલિક, વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત અનેક ખેલાડીઓએ દિલ્હીના જંતર-મંતર પર ઘણાં અઠવાડિયાં સુધી વિરોધપ્રદર્શન કર્યું હતું અને તેમની ધરપકડની માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીનેશ ફોગાટના વકીલ રેબેકા જૉને કહ્યું, "આ નિર્ણય અત્યંત નિરાશાજનક છે. આ કેસમાં ફરિયાદ કરનાર ચાર મહિલાઓએ કોર્ટમાં પ્રામાણિકપણે જુબાની આપી હતી. પૂછપરછ દરમિયાન પણ તેમનાં નિવેદનો બદલાયાં નથી."

એપ્રિલ 2023માં મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણસિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.
વિનોદ તોમર ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ સેક્રેટરી હતા.
એફઆઇઆરમાં મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનની અનેક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
મે 2024માં કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહ અને વિનોદ તોમર સામે આરોપો ઘડ્યા. અહેવાલો અનુસાર, બ્રિજભૂષણ શરણસિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (મહિલાની લાજ-શરમ ભંગ કરવી) અને 354A (યૌન ઉત્પીડન) હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા.
છ મહિલા કુસ્તીબાજોમાંથી પાંચની ફરિયાદોના આધારે આ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. એક મહિલા કુસ્તીની ફરિયાદના આધારે કોર્ટે બ્રિજભૂષણને મુક્ત કર્યા.
આ ઉપરાંત વિનોદ તોમર સામે 'ગુનાહિત ધાકધમકી'ની કલમો પણ લગાડવામાં આવી હતી.
જોકે, બ્રિજભૂષણ શરણસિંહ તેમના પરના આરોપોને નકારતા રહ્યા છે.
ઑગસ્ટ 2023થી તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા. તપાસ એજન્સીએ આ કેસમાં તેમની ધરપકડ કરી ન હતી. વધુમાં કોર્ટમાં તેમની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો નહોતો.
જ્યારે કુસ્તીબાજો રસ્તા પર ઊતર્યાં

ઇમેજ સ્રોત, @BAJRANGPUNIA
બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના આરોપો પહેલી વાર જાન્યુઆરી 2023માં સામે આવ્યા હતા, જ્યારે વીનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કર્યો હતો.
વિરોધના થોડા મહિના પછી મહિલા કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો કે તેમણે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે એફઆઇઆર નોંધી ન હતી.
આ પછી વીનેશ ફોગાટ સહિત ઘણાં મહિલા કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માગ કરી હતી.
ત્યાર બાદ થયેલી સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે તે આ મામલે એફઆઇઆર નોંધી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















