'હું 15 વર્ષથી મારા પતિ સાથે રહેતી નથી, છતાં અમારું લગ્નજીવન સુખી છે'

ઇમેજ સ્રોત, Margaret Murphy
- લેેખક, એમિલી હોલ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
માર્ગારેટ છેલ્લાં 15 વર્ષથી લંડનમાં રહે છે. તેઓ તેમના પતિ સાથે રહી શકતાં નથી. તેમના પતિ પીટર ઑસ્ટ્રેલિયામાં રહે છે.
બંને બે અલગ ખંડોમાં રહેતાં હોવાથી તેઓ વર્ષે ફક્ત એક વખત જ અથવા ક્યારેક તો દર 18 મહિને એકબીજાંને મળે છે.
માર્ગારેટ કહે છે કે, બંને વચ્ચે લાંબું અંતર હોવા છતાં અને એકમેક સાથે ઘણો ઓછો સમય પસાર કરવા મળતો હોવા છતાં તેઓ તેમનાં લગ્નજીવનથી ખુશ છે.
બીબીસી રેડિયો 4ના 'વુમન્સ અવર' કાર્યક્રમમાં વાત કરતાં તેમણે કહ્યું હતું, "મેં ઘણા નવા મિત્રો બનાવ્યા છે."
"હું લંડનમાં મારા આરામદાયક ઘરમાં એકલી રહું છું. પરિણીત હોવા છતાં હું એકલી રહું છું, તે એક અદ્ભુત અનુભવ રહ્યો છે."
અલબત્ત, યુગલો અલગ-અલગ ઘરોમાં વસવાટ કરે, તે સાવ અસામાન્ય બાબત નથી. આ પ્રકારના સંબંધને 'લિવિંગ અપાર્ટ ટુગેધર' અથવા તો એલએટી તરીકે ઓળખવામાં આવે છે.
માર્ગારેટનું માનવું છે કે, તેઓ એક ઘરમાં ન રહેતાં હોવા છતાં દાંપત્યજીવન આનંદપ્રદ અને સંતોષકારક હોઈ શકે છે.
ઘણાં પ્રસિદ્ધ યુગલોએ અલગ રહેવાની તેમની પસંદગી વિશે ખુલ્લેઆમ વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
અભિનેત્રી ગ્વિનેથ પાલ્ટ્રો અને તેમના પતિ, લેખક તથા દિગ્દર્શક બ્રૅડ ફાલ્ચુક તેમનાં લગ્નની શરૂઆતમાં જુદા-જુદા ઘરમાં રહેતાં હતાં, જેના લીધે તેમના સંબંધને તાજો રાખવામાં મદદ મળી હોવાનું પાલ્ટ્રોએ જણાવ્યું હતું.
મોડેલ ઍશ્લી ગ્રેહામ તથા તેમના પતિ જસ્ટિન અર્વિન લાંબા અંતરનું લગ્નજીવન ધરાવતાં હતાં અને તેઓ ઘણાં વર્ષો સુધી અલગ રહ્યાં હતાં.
અભિનેત્રી હેલેના બૉનહામ કાર્ટર તથા દિગ્દર્શક ટિમ બર્ટન તેમના 13 વર્ષના સંબંધના સમગ્ર ગાળા દરમિયાન અલગ જ રહ્યાં હતાં.
તાજેતરમાં જ 'ઍબોટ ઍલિમેન્ટરી' સિરીઝનાં અભિનેત્રી શેરિલ લી રાલ્ફે જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પતિ લગભગ 20 વર્ષોથી અમેરિકાના જુદા-જુદા છેડે રહે છે.
તેમના કામને કારણે તેમણે હોલિવૂડમાં રહેવું પડે છે, જ્યારે તેમના પતિ પેન્સિલ્વેનિયાના સેનેટર હોવાથી તેમણે ફિલાડેલ્ફિયા રહેવું પડે છે.

ઇમેજ સ્રોત, Margaret Murphy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માર્ગારેટની વાત તરફ પાછાં ફરીએ તો, 15 વર્ષ પહેલાં માર્ગારેટ ઑસ્ટ્રેલિયામાં રહેતાં હતાં, ત્યારે તેમનું જીવન ઘણું જુદું હતું.
તેઓ ઘરની બહાર કામ નહોતાં કરતાં. તેઓ તેમનાં ચાર બાળકોની કાળજી લેવા પર જ ધ્યાન આપતાં હતાં, જ્યારે તેમના પતિ પીટર ડૉક્ટર તરીકે ફુલ-ટાઇમ કામ કરતા હતા અને પરિવારની નાણાંકીય આવશ્યકતાઓ સંભાળતા હતા.
જ્યારે માર્ગારેટ 57 વર્ષનાં થયાં, ત્યારે તેઓ ફરી યુનિવર્સિટીમાં પરત ફર્યાં અને ઍપ્લાઇડ લિંગ્વિસ્ટિક્સમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી.
માર્ગારેટે અભ્યાસ પૂરો કર્યો પછી અને બાળકો ઘર છોડી ગયાં હોવાથી માર્ગારેટને લાગ્યું કે, હવે કશુંક નવું કરવાનો સમય આવી ગયો છે, આથી તેમણે લંડન સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો.
આ વિશે વાત કરતાં માર્ગારેટે જણાવ્યું હતું, "એ તો સ્પષ્ટ હતું કે, અમારા જીવનના તે તબક્કે પીટર અને મારા ધ્યેયો અલગ હતા."
"તેઓ અમારા પારિવારિક ઘરમાં રહેવા માગતા હતા અને તેમની તબીબી કારકિર્દી ચાલુ રાખવા ઇચ્છતા હતા, પણ મને તેમાં નવો અવસર દેખાયો."
અત્યારે તેઓ રૉયલ કૉલેજ ઑફ સર્જન્સમાં ઍજ્યુકેશન ઑફિસર તરીકે કામ કરે છે.
માર્ગારેટ જણાવે છે, "મેં એ ઉંમરે મારી કારકિર્દી શરૂ કરી, જે સમયે ઘણા લોકો નિવૃત્તિ વિશે વિચારી રહ્યા હોય છે."
માર્ગારેટે કહ્યું હતું કે, "હા, જો તમે ઇચ્છો, તો 60 વર્ષની વયે પણ તમને ફુલ-ટાઇમ જૉબ મળી શકે છે, તમે બીજા દેશમાં જઈ શકો છો અને ઘણી રોમાંચક બાબતો કરી શકો છો. કેમ નહીં, બીજા ખંડમાં પણ સ્થળાંતર કરી શકો છો."
જોકે, તેઓ જણાવે છે કે, અલગ રહેવું તેમના બંને માટે કદીયે સરળ નહોતું રહ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે જણાવ્યા પ્રમાણે, "વ્યક્તિગત રીતે જણાવું તો, પીટર હજુયે બ્રિસ્બેનમાં આવેલા તે જ પારિવારિક ઘરમાં એકલા રહે છે. તેમને એકલતા સાલતી હશે, કારણ કે, તેઓ એકલા હોય, ત્યારે બીજા લોકો સાથે ખાસ વાતચીત કરતા નથી. જ્યારે, મારી સમસ્યા સંગાથના અભાવને લગતી છે. તેમના વિના મને એ સાથ નથી મળતો."
માર્ગારેટે નોંધ્યું હતું કે, સતત વાતચીતને કારણે તેમને તેમનો સંબંધ જાળવી રાખવામાં મદદ મળી છે.
તેઓ કહે છે કે, "હું દરેકે-દરેક વિગત વિશે પીટર સાથે વાત કરું છું - લંડનમાં મારું જીવન, મારું કામ, મારાં નવાં મિત્રો, મારા પ્રવાસો."
માર્ગારેટે તેમના પતિ વિશે કહ્યું હતું કે, "તેનાથી પીટરને જીવનમાં નવી દિશા મળી છે. મને પણ એવો જ અનુભવ થયો છે. તેઓ લંડન આવે, ત્યારે તેમને આ જગ્યા ગમે છે."
વુમન્સ અવર શોનાં પ્રશંસક કેરીએ પણ કહ્યું હતું કે તેઓ અને તેમના પાર્ટનર છેલ્લાં ત્રણ વર્ષોથી રોમેન્ટિક રિલેશનશિપમાં છે અને બંનેએ શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે, તેઓ કદી સાથે નહીં રહે, કારણ કે, તેઓ તેમની "આઝાદી તથા વ્યક્તિગત ઓળખ" જાળવી રાખવા માગતાં હતાં.
કેરીએ કહ્યું હતું કે, "અમે બાજુ-બાજુમાં જ ઘર ખરીદ્યાં છે હોમ લોનના હપ્તા ચૂકવવામાં મદદ મળે, તે માટે અન્ય લોકોને પણ અમારી સાથે રાખ્યાં છે."
કેરી અને તેમના બૉયફ્રેન્ડ હાલમાં લગ્ન કરવાની યોજના કરી રહ્યાં છે, પણ કેરી કહે છે કે, તેમની રહેવાની વ્યવસ્થામાં ફેરફાર કરવાનો બંનેમાંથી કોઈનો ઇરાદો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું હતું, "આ અમને એકદમ માફક આવી ગયું છે. અમને લાગે છે કે, જાણે તેના પરિણામે અમારો સંબંધ મજબૂત થયો હોય."
'રિલેટ ઇન ફેમિલી ઍક્શન' ખાતે ક્લિનિકલ ક્વૉલિટીનાં ડિરેક્ટર અમાન્ડા મેજર કહે છે કે, અલગ રહેવું એ બધાં યુગલો માટે ઉચિત નથી.
જોકે, તેમણે કહ્યું હતું કે, આ વ્યવસ્થા પસંદ કરનારાં પરિણીત યુગલોને તેના કારણે કેટલાક લાભ થઈ શકે છે.
તેમણે સમજાવ્યું હતું કે, "તેનાથી એવી જગ્યા મળે છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની રુચિઓને તેમજ તેમની પોતાની ઓળખનું સંવર્ધન કરી શકે છે અને આ એક એવી જગ્યા પણ છે, જ્યાંથી તેઓ એકમેક પાસે પાછાં ફરી શકે છે."
કેરીએ જણાવ્યું હતું, "એ સમજવા માટે આ એક મદદરૂપ ઉપાય હોઈ શકે છે કે, હું પરિણીત હોવા છતાં મારી પણ મારી પોતાની સ્પેસ અને મારી રુચિઓ છે અને જ્યારે બંનેને યોગ્ય લાગે, ત્યારે જ હું મારા પાર્ટનર સાથે જોડાઉં છું."
પતિ-પત્ની અલગ થઈ ગયાં હોવા છતાં તેઓ સાથે કેવી રીતે રહી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
અલગ રહેવાનો નિર્ણય લેનારાં દંપતીઓએ પહેલાં એ ખાતરી કરવી જોઈએ કે, બંને પક્ષો આ વ્યવસ્થા ઇચ્છે છે કે કેમ. એક વ્યક્તિની સુવિધાને ખાતર બીજાએ પણ આ વ્યવસ્થા સ્વીકારી લેવાનું દબાણ ન અનુભવવું જોઈએ.
નિર્ણય લેતાં પહેલાં તેમણે સ્પષ્ટ નિયમો અંગે ચર્ચા કરીને તે નિયમો પર સંમત થવું જોઈએ.
આ વ્યવસ્થા બંને માટે યોગ્ય છે, તેની ખાતરી કરવા માટે તેમણે નિયમિતપણે એકમેકની સલાહ લેવી જોઈએ.
આ ચર્ચા દરમિયાન, તેમણે એ વિશે નિર્ણય લેવો જોઈએ કે, તેઓ કેટલા દિવસ સાથે વીતાવશે, તેઓ તેમના જાતીય સંબંધનું વ્યવસ્થાપન કેવી રીતે કરશે અને જો તેમને બાળકો હોય, તો તેઓ બાળકોની કાળજી કેવી રીતે રાખશે.
પતિ-પત્ની વચ્ચે હંમેશાં સ્પષ્ટ અને પ્રામાણિક વાતચીત થાય, તે અત્યંત જરૂરી છે.
આ સલાહ સંબંધો માટે કાઉન્સેલિંગની સેવા પૂરી પાડતી સંસ્થા 'રિલેટ'ના ડિરેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























