દિલ્હી: SIR હેઠળ અડવાણી, કેજરીવાલ સહિત અનેક હસ્તીઓને નોટિસ, જાણો શું છે કારણ?

ડાબેથી લાલકૃષ્ણ અડવાણી, એસ જયશંકર, અરવિંદ કેજરીવાલ અને જગદીપ ધનખડને ચૂંટણીપંચે નોટિસ આપી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, (ડાબેથી) લાલકૃષ્ણ અડવાણી, એસ જયશંકર, અરવિંદ કેજરીવાલ અને જગદીપ ધનખડને ચૂંટણીપંચે નોટિસ આપી છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દિલ્હીમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ઘણી જાણીતી વ્યક્તિઓના નામ એ યાદીમાં સામેલ છે જેમને ચૂંટણીપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે.

આમાં પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વિદેશ મંત્રી એસ. જયશંકર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા, રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને વિદેશ સચિવ વિક્રમ મિસરીનો સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દિલ્હીમાં લગભગ 33.13 લાખ મતદારોને નોટિસ માટે ચિન્હિત કરવામાં આવ્યા છે.

આમાંના મોટાભાગના કિસ્સાઓ એવા છે જેમાં 2002ની એસઆઈઆર યાદી સાથે મેપિંગ થઈ શક્યું નથી અથવા તો વિગતોમાં વિસંગતતા છે.

જોકે,ચૂંટણીપંચે એ સ્પષ્ટતા કરી છે કે નોટિસ મળવાનો અર્થ મતદાર યાદીમાંથી નામ દૂર થયું હોય એ નથી. પંચના જણાવ્યા મુજબ, સંબંધિત મતદાર તેમનો જવાબ અને જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે છે. સુનાવણી તથા આદેશ વિના કોઈનું નામ દૂર કરી શકાતું નથી.

આ અહેવાલમાં એ જાણીએ કે કઈ અગ્રણી હસ્તીઓને નોટિસ મળી છે અને તેનું કારણ શું છે.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, લાલકૃષ્ણ અડવાણી

પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, તેમનાં પુત્રી પ્રતિભા અડવાણી અને પુત્રવધૂ ગીતિકા અડવાણીને નોટિસ જાહેર કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ત્રણેય લોકોના નામ 2002 ની પાછલી એસઆઈઆર યાદી સાથે મેપ થઈ શક્યા નહોતા.

આ મેપિંગ પ્રક્રિયા દરમિયાન અડવાણીના પુત્ર જયંત અડવાણીના રેકૉર્ડની ચકાસણી કરવામાં આવી હતી જેનું મેપિંગ થઈ ગયું હતું. અડવાણી પરિવારના બધા સભ્યો નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના મતદારો છે.

એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમનાં પત્ની ક્યોકો જયશંકરને પણ નોટિસ મળી છે.

તેમના બંનેના રેકૉર્ડને 'અનમેપ્ડ વિથ લાસ્ટ SIR' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે તેમના વર્તમાન મતદાર રેકૉર્ડને અગાઉના એસઆઈઆરની મતદારયાદી સાથે લિંક કરી શકાયા નથી.

તેઓ બંને પણ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના સુનહરી બાગ વિસ્તારના મતદારો છે.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને પણ નોટિસ મળી છે.

પીટીઆઈ અનુસાર, કેજરીવાલ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના નામ અગાઉના એસઆઈઆર સાથે મેપ થઈ શક્યા નહોતા. આ નોટિસ મેળવનારાઓમાં તેમનાં પત્ની સુનિતા કેજરીવાલ, તેમના પુત્ર પુલકિત અને તેમનાં માતાપિતા પણ સામેલ છે.

અધિકારીઓના મતે તેમના ઍન્યુમરેશન ફૉર્મમાં અગાઉની મતદારયાદી સાથે જોડાણ સ્થાપિત થઈ શકે તે અંગે પૂરતી માહિતી નહોતી.

રેખા ગુપ્તા

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાને તેમની વિગતોમાં ઉંમર સંબંધિત વિસંગતતાઓને કારણે નોટિસ મળી હતી.

જોકે, ચૂંટણીપંચે પાછળથી માહિતી આપી હતી કે તેમના દસ્તાવેજો અને માહિતીની ચકાસણી કર્યા પછી તેમની વિગતો સાચી હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેમને તેમનું નામ શાલીમાર બાગ વિધાનસભાની અંતિમ મતદારયાદીમાં રાખવામાં આવશે જેને 4 નવેમ્બર, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી.

કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કપિલ સિબ્બલ અને તેમનાં પત્નીને પણ નોટિસ અપાઈ છે

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ અને તેમનાં પત્ની પ્રેમિલા સિબ્બલને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે .

પીટીઆઈ અનુસાર, તેમનાં બંનેનાં નામ 'અનમેપ્ડ વિથ લાસ્ટ એસઆઈઆર' શ્રેણીમાં છે.

તેનો અર્થ એ કે તેમનો વર્તમાન રેકૉર્ડ અગાઉના SIR ની મતદારયાદી સાથે લિંક કરી શકાયો નથી.

જગદીપ ધનખડ

જગદીપ ધનખડ

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં પત્ની સુદેશ ધનખડને પણ નોટિસ મળી છે.

પીટીઆઈ અનુસાર , તેમના મતદાર રેકૉર્ડમાં નોંધાયેલી માહિતીને અગાઉના એસઆઈઆરની મતદાર યાદી સાથે જોડવામાં વિસંગતતા જોવા મળી હતી. ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનનું સરનામું તેમના હાલના રેકૉર્ડમાં નોંધાયેલું છે.

વિક્રમ મિસરી

નોટિસ મેળવનારા અગ્રણી લોકોમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીનું નામ પણ સામેલ છે.

પીટીઆઈ અનુસાર, તેમનો રેકૉર્ડ 'અનમેપ્ડ વિથ લાસ્ટ એસઆઈઆર' શ્રેણીમાં છે, એટલે કે તેમનો પણ વર્તમાન મતદાર રેકૉર્ડ અગાઉના એસઆઈઆરની મતદારયાદી સાથે લિંક કરી શકાતો નથી.

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મનીષ સિસોદિયા

નોટિસ મેળવનારા અગ્રણી વ્યક્તિઓમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ સામેલ છે. પીટીઆઈ અનુસાર, તેમનો રેકૉર્ડ પણ 'અનમેપ્ડ વિથ લાસ્ટ એસઆઈઆર' શ્રેણીમાં છે.

તેનો અર્થ એ છે કે તેમનો વર્તમાન મતદાર રેકૉર્ડ અગાઉના એસઆઈઆરની યાદી સાથે લિંક કરી શકાયું નહીં.

ચૂંટણીપંચે નોટિસ વિશે શું કહ્યું?

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ 20 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારોમાંથી બે પ્રકારના લોકોને નોટિસ જાહેર કરવામાં આવી રહી છે.

પ્રથમ શ્રેણીમાં એવા મતદારોનો સમાવેશ થાય છે જેમનો રેકૉર્ડ ગત એસઆઈઆરની મતદારયાદી સાથે જોડાયેલા ન હતા. બીજી શ્રેણીમાં એવા મતદારોનો સમાવેશ થાય છે જેમની લિંકિંગની વિગતોમાં તાર્કિક વિસંગતતાઓ છે.

કમિશને જણાવ્યું હતું કે આ સિસ્ટમ-જનરેટેડ નોટિસ છે અને તેનો હેતુ ડેટા સુધારવાનો છે. નોટિસ જાહેર કરવાનો અર્થ એ નથી કે મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે.

કમિશનના જણાવ્યા અનુસાર, નોટિસ મેળવનારા મતદારો પોતાનો જવાબ અને જરૂરી દસ્તાવેજો સંબંધિત ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર) અથવા BLO (બૂથ લેવલ ઑફિસર)ને સુપરત કરી શકે છે.

કમિશને એમ પણ જણાવ્યું હતું કે સુનાવણીની તક આપ્યા વિના અને યોગ્ય આદેશ વિના કોઈપણ મતદારનું નામ કાઢી શકાતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન