ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ રહેશે, બે-ત્રણ દિવસ પછી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત અને આસપાસની જગ્યાએ ઝાપટાં પડી ગયાં છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરના મહુવામાં 4.13 ઇંચ વરસાદ પડી ગયો છે, જ્યારે રાજકોટના ગોંડલમાં 3.62 ઇંચ વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢના માણાવદરમાં 2.80 ઇંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઇંચ, વંથલીમાં 2.05 ઇંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.97 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 1.97 ઇંચ, જૂનાગઢના કેશોદમાં 1.81 ઇંચ વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે અમરેલીના કુકાવાવ વાડિયા, રાજકોટના જસદણ, સુરત શહેર, રાજકોટના જેતપુરમાં 1.50 ઇંચથી 1.73 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં અમરેલી, ગોધરા, સૂત્રાપાડા, કોડિનાર, લાઠી, લાલપુર, બાબરા, કોટડા સાંગાણી, તાલાળા, જાફરાબાદનો સમાવેશ થાય છે.
ચોમાસાના વિદાયની શરૂઆત

ઇમેજ સ્રોત, IMD
દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને હાલમાં ચોમાસાની વિદાયની રેખા રામગઢ, મોહનગઢ અને ખજુવાલા પરથી પસાર થાય છે. હાલમાં રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર - કચ્છમાંથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે.
અત્યારે પૂર્વ મધ્યમ બંગાળની ખાડી પર એક લૉ પ્રેશર એરિયા રચાયો છે જે આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીની ઉંચાઈએ આવેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
21 સપ્ટેમ્બર, સોમવારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત દમણ, દાદરા અને નગરહવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે હળવા વરસાદની આગાહી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આ દરમિયાન હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે.
22 અને 23 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે.
આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
ગુજરાતમાં વરસાદની ઘટ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 88 ટકા જેટલો વરસાદ પડી ગયો છે, જેમાં કચ્છમાં સૌથી ઓછો 58 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં 70 ટકાથી વધુ વરસાદ પડી ગયો છે, જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 89 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 68 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 15 ટકા વરસાદ જ નોંધાયો છે, જ્યારે પોરબંદરમાં 28 ટકાની આસપાસ વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ 129 ટકા વરસાદ પડી ગયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















