ગુજરાત : એશિયન ગેમ્સમાં ભારતને શૂટિંગમાં બે સિલ્વર મેડલ અપાવનાર ઇલાવેનિલ વાલારિવન કોણ છે?

ઇમેજ સ્રોત, @PMOIndia
જાપાનમાં રમાતી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓની શૂટિંગ ટીમે જ્વલંત દેખાવ કર્યો છે. તેમાં અનુભવી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારિવને રવિવારે મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.
તેમણે ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી અને પછી વ્યક્તિગત રીતે પણ સિલ્વર મેડલ મેળવ્યો છે.
તામિલનાડુમાં જન્મેલાં 27 વર્ષીય ઇલાવેનિલ વાલારિવન ગોલ્ડ જીતી શકે તેમ હતાં, પરંતુ જાપાનના હિનાટા તાઈચી તેમના કરતાં આગળ નીકળી ગયાં હતાં.
ઇલાવેનિલ વાલારિવનને ફાઇનલમાં 254.2 પૉઇન્ટ મળ્યા, જ્યારે જાપાનનાં હિનાટા તાઈચી 253 પૉઇન્ટ સાથે અવ્વલ રહ્યાં હતાં.
પરિવારે ક્યારેય ભણતર માટે દબાણ ન કર્યું

ઇમેજ સ્રોત, @PMOIndia
વાલારિવન અને તેમનો પરિવાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં સાથે રહે છે.
છેલ્લે ત્રણ મહત્ત્વની ઇવેન્ટમાં તેઓ મેડલ જીતી શક્યાં ન હતાં. તેમાં 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સ, 2020ના ટોક્યો ઑલિમ્પિક્સ અને 2024ના પેરિસ ઑલિમ્પિક્સનો સમાવેશ થાય છે.
એક સમયે 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાવતા ઇલાવેનિલ વાલારિવન 2021 ટોક્યો ઑલિમ્પિલકમાં ભારત માટે મેડલનાં મજબૂત દાવેદાર હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
તે સમયે ઈલાવેનિલે બીબીસીને કહ્યું હતું કે તેમના પરિવારે શૂટિંગમાં આગળ વધવા માટે હંમેશાં ટેકો આપ્યો છે અને ક્યારેય પણ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા તેમની પર દબાણ કર્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને પહેલી આંતરાષ્ટ્રીય સફળતા સિડનીમાં 2018ના જુનિયર વર્લ્ડકપમાં મળી જ્યાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઇલાવેનિલે પોતાની કૅટગરીમાં નવો રેકૉર્ડ બનાવીને બધાનો ચૌંકાવી દીધાં હતાં.
તેઓ સ્પર્ધાના માત્ર એક દિવસ પહેલા સિડની પહોંચ્યાં હતાં, ત્યાં તેમનાં પગમાં સોજો આવી ગયો હતો.
ત્યાર પછી ઇલાવેનિલએ રિયો ડી જાનેરોમાં 2019ના આઇએસએસએફ વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2021માં તેમણે આઇએસએસએફના વર્લ્ડકપ ફાઇનલમાં ચીનના પુતીયાનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. બંને સ્પર્ધાઓમાં તેમના પ્રદર્શનના કારણે ઇલાવેનિલ વિશ્વના ટોચનાં શૂટર બની ગયાં હતાં.
તેમણે કહ્યું હતું કે વિશ્વના નંબર વન શૂટર બની ગયાં બાદ લોકોની તેમના પ્રત્યે અપેક્ષા બહુ વધી ગઈ છે. પરતું અપેક્ષા વધવાના કારણે તેમની રમત પર કોઈ અસર પડી નથી.
ગગનદીપ નારંગે પ્રતિભા પારખી

ઇમેજ સ્રોત, Elavenil Valarivan/X
શરૂઆતમાં ઇલાવેનિલને ટ્રેક અને ફિલ્ડમાં રસ હતો. તેમના પિતાએ શૂટિંગમાં હાથ અજમાવવા માટે સૂચન કર્યું. પિતાની વાત માની અને થોડા સમયની અંદર રમતને પંસદ કરવા લાગ્યાં. ઇલાવેનિલ કહે છે કે શૂટિંગ કરવાથી તેઓ હળવાશ અનુભવે છે.
જોકે ઇલાવેનિલ કહે છે કે એક ચંચળ અને સ્વયંસ્ફૂર્ત વ્યક્તિ હોવાના કારણે તેમને પોતાના અભિગમમાં ઘણા ફેરફાર લાવવા પડ્યા છે.
શૂટિંગમાં ધ્યાન અને ધૈર્યની બહુ જરૂર હોય છે. સ્પર્ધાઓ માટે માનસિક રીતે તૈયાર થવા માટે ઇલાવેનિલે આકરી મહેનત કરી છે.
ટ્રેનિંગની શરૂઆતના દિવસોમાં ઇલાવેનિલએ પુરવાર કરી બતાવ્યું કે તેમની અંદર શૂટિંગ માટેની યોગ્યતા અને કુદરતી પ્રતિભા છે.
પ્રખ્યાત ભારતીય શૂટર ગગનદીપ નારંગ ઇલાવેનિલની પ્રતિભા પારખીને તેમને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. 2014થી તેઓ ગગનદીપ નાંરગ સ્પૉર્ટસ્ પ્રમોશન ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પૉર્ટસ્ સ્કૂલમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં.
સખત મહેનતનું પરિણામ

શરૂઆતમાં ટ્રેનિંગમાં પડતી અસુવિધાઓને યાદ કરીને ઇલાવેનિલે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ મેન્યુઅલ શૂટિંગ રેન્જમાં પ્રૅક્ટિસ કરતાં હતાં. મેન્યુઅલ શૂટિંગ રેન્જને દરરોજ સવારે સેટ કરતાં હતા અને સાંજે ખોલી નાખતાં હતા.
ત્યાં તેઓ નેહા ચૌહાણ પાસેથી ટ્રેનિંગ લેતાં હતાં અને 2017 સુધી ગગનદીપ નારંગ પણ તેમને માર્ગદર્શન આપતા હતા.
ઇલાવેનિલે કહ્યું હતું કે ગગનદીપ નારંગના માર્ગદર્શન અને સ્પૉર્ટે તેમને આંતરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાઓમાં સફળ બનાવ્યા.
પોતાની સફળતા માટે તેમણે સ્પૉર્ટસ્ ઑથૉરિટી ઑફ ગુજરાત (એસએજી) અને સ્પૉર્ટસ્ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (સાઈ)ને પણ શ્રેય આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















