You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં 'દાણચોરી' કરીને વિદેશ લઈ જવામાં આવતી 500 કિલો ગર્ભનાળ પકડાઈ, આ અંગની ચીનમાં કેમ ડિમાન્ડ છે?
- લેેખક, અસદ સોહેબ અને શહઝાદ મલિક
- પદ, બીબીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ)એ દાવો કર્યો છે કે, તેણે ઇસ્લામાબાદમાં હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં 500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા (ગર્ભનાળ અથવા તો મેલી, ઓર)નો જથ્થો જપ્ત કર્યો હતો.
આ પ્રકારના આ પ્રથમ ઑપરેશનમાં તેણે માનવ અંગોના ગેરકાયદે વેચાણમાં સંડોવણી બદલ ચીનના ત્રણ નાગરિકો સહિત કુલ પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પ્લેસેન્ટા એવું અંગ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં બને છે અને તે નાળ દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે જોડાયેલું હોય છે. પ્લેસેન્ટા શિશુને ઑક્સિજન તથા પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને તે શિશુના રક્તમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે.
એફઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પ્રમાણે, પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ કથિત મિલીભગતથી માનવ પ્લેસેન્ટાને 'ઘેટાંનાં પ્લેસેન્ટા' ગણાવીને વ્યાવસાયિક હેતુ માટે વિદેશ મોકલતાં હતાં.
એફઆઇઆર અનુસાર, જપ્ત કરવામાં આવેલાં સૅમ્પલ્સ વધુ કાર્યવાહી માટે પીઆઇએમએસ ખાતે મોકલવામાં આવ્યાં છે.
એફઆઇએના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓના ચાર દિવસના શારીરિક રિમાન્ડ શુક્રવારે સ્થાનિક અદાલતમાંથી મંજૂર કરવામાં આવ્યા હતા અને તે પછી હવે તેમની પૂછપરછ ચાલી રહી છે.
હ્યુમન ઑર્ગેન ટ્રાન્સપ્લાન્ટ ઑથોરિટી (એચઓટીએ)નાં મૉનિટરિંગ ઑફિસર હિના કંવલે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે, પીઆઇએમએસે આ સૅમ્પલ્સ એકઠાં કર્યાં છે અને લાહોરસ્થિત પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સીને મોકલી આપ્યાં છે, જેનો ફાઇનલ રિપોર્ટ મળવાની રાહ જોવાઈ રહી છે.
જોકે, કેસની તપાસ માટે એફઆઇએ દ્વારા નીમવામાં આવેલાં તથા હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑથોરિટીનાં અધિકારી હિના કંવલનો દાવો છે કે, જપ્ત કરાયેલાં માનવ પ્લેસેન્ટા એ જ છે, જે આરોપીઓએ પૈસા આપીને જુદી-જુદી હૉસ્પિટલોમાંથી એકઠાં કર્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફઆઇએએ ઇસ્લામાબાદનાં બે સેક્ટર્સમાં હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑથોરિટી (એચઓટીએ) સાથે મળીને આ ઑપરેશન હાથ ધર્યું હતું અને એચઓટીએના અધિકારીની ફરિયાદના આધારે ત્રણ ચાઇનિઝ અને બે પાકિસ્તાની નાગરિકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલામાં અટકમાં લેવાયેલા એક ચાઇનિઝ નાગરિક સહિતના વધુ ત્રણ લોકોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
તપાસ સાથે સંકળાયેલા એફઆઇએના એક અધિકારીએ જણાવ્યા મુજબ, "એફઆઇએએ ભૂતકાળમાં ગેરકાયદે અંગ પ્રત્યારોપણ સામે ઘણાં પગલાં ભર્યાં છે, પણ માનવ પ્લેસેન્ટાના વેચાણ અને આંતરરાષ્ટ્રીય ગ્રૂપની તેમાં સંડોવણીનો દેશમાં આ પ્રથમ કેસ સામે આવ્યો છે."
એફઆઇએના એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, આ અભિયાનમાં '500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા જપ્ત કરવામાં આવ્યું છે.'
માનવ પ્લેસેન્ટા શું છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની શું કિંમત છે અને કયાં હેતુઓ માટે તે વપરાય છે? આ સવાલોના જવાબ આપતાં પહેલાં, ચાલો જાણીએ કે, આ કેસમાં એફઆઇઆરમાં શું જણાવવામાં આવ્યું છે.
ઇસ્લામાબાદમાં બે સ્થળોએ દરોડા
આ કેસની એફઆઇઆર પ્રમાણે, હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑથોરિટી (એચઓટીએ)ને ઇસ્લામાબાદના સેક્ટર એફ-7માં માનવ અંગો તથા પેશીઓની વેચાણની પ્રવૃત્તિઓ થતી હોવાની બાતમી મળતાં ગત 24મી જૂન, બુધવારના રોજ એક ખાનગી રહેઠાણ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા.
એફઆઇઆરના લખાણ અનુસાર, દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે ઘરને "માનવ પ્લેસેન્ટાના સંગ્રહ અને પ્રોસેસિંગ કરવા માટેની સુવિધામાં ફેરવી દેવાયું હતું."
એફઆઇઆર પ્રમાણે, આ અભિયાન દરમિયાન ત્રણ ચાઇનિઝ તેમજ બે પાકિસ્તાની નાગરિકોની આ વ્યવસાયમાં કથિત સંડોવણી બદલ અટકાયત કરવામાં આવી હતી.
એફઆઇઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ધરપકડ કરાયેલા ચાઇનિઝ નાગરિકોની પૂછપરછ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, સેક્ટર ઇ-11માં અન્ય એક જગ્યાએ પણ આવી પ્રવૃત્તિ ચાલી રહી હતી. તે પછી ત્યાં તાકીદે કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાંથી "સંખ્યાબંધ કન્ટેનરો અને રૅફ્રિજરેટરોમાં રાખવામાં આવેલાં પ્લેસેન્ટા મળી આવ્યાં હતાં."
એફઆઇઆરના લખાણ પ્રમાણે, તે ઘરમાંથી બે પાકિસ્તાની નાગરિકોની પણ અટકાયત કરાઈ હતી અને આ મામલામાં તેમની સામેલગીરીની તપાસ ચાલી રહી છે.
એફઆઇઆરમાં જણાવ્યા મુજબ, ઉપરોક્ત તમામ લોકો ઉપરાંત, અન્ય એક ચાઇનિઝ નાગરિકને પણ અટકમાં લેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલામાં તેની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે.
આ એફઆઇઆર હ્યુમન ઑર્ગન્સ ઍન્ડ ટિશ્યૂઝ ટ્રાન્સપ્લાન્ટેશન ઍક્ટ, 2010 (વ્યાવસાયિક હેતુ માટે માનવ અંગોના ઉપયોગ)ની કલમ 11 અને 12 સહિત પાકિસ્તાન પીનલ કોડની કલમ 109 હેઠળ દાખલ કરવામાં આવી છે. આ કલમો હેઠળ દોષિત ઠરતાં દસ વર્ષ સુધીની જેલની સજા અને દસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
તપાસમાં શું સામે આવ્યું?
એફઆઇએ અનુસાર, તેમણે આ મામલાની તપાસ કરવા માટે એક ટીમની રચના કરી છે.
તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું, "એફઆઇએ અગાઉ ગેરકાયદે માનવ અંગ પ્રત્યારોપણ વિરુદ્ધ ઘણાં પગલાં લઈ ચૂકી છે, પણ આ એવો પહેલો કેસ છે, જેમાં માનવ પ્લેસેન્ટાનો આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતા એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તથા દરોડા દરમિયાન 500 કિલોગ્રામ કરતાં વધારે પ્લેસેન્ટા જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ આગળ વધે, તેમ-તેમ વધુ વિગતો પૂરી પાડવામાં આવશે."
આ સંદર્ભે, એફઆઇએ દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, "આરોપીઓ પાસેથી પ્રોસેસિંગનાં ઉપકરણો તથા તૈયાર સામાન મળી આવ્યો હતો."
બીજી તરફ, એચઓટીએનાં મૉનિટરિંગ ઑફિસર હિના કંવલે બીબીસીને જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપીઓ ઇસ્લામાબાદ અને રાવલપિંડીની હૉસ્પિટલોમાંથી 800 રૂપિયા પ્રતિ પ્લેસેન્ટાના ભાવે પ્લેસેન્ટાની ખરીદી કરતા હતા. વળી, જપ્ત કરવામાં આવેલા પ્લેસેન્ટાના જથ્થાની વિદેશમાં તસ્કરી કરવાનો આશય હતો.
એચઓટીએનાં મૉનિટરિંગ ઑફિસર હિના કંવલ અને સરદાર અલી આ દરોડામાં એફઆઇએ અધિકારીઓની સાથે જોડાયાં હતાં.
હિના કંવલના જણાવ્યા પ્રમાણે, એફઆઇએનો દાવો છે કે, મળી આવેલાં પ્લેસેન્ટાનું મૂલ્ય લાખો રૂપિયા થાય છે, પણ આ મામલે કશું નક્કરપણે કહી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે, આરોપીઓએ શરૂઆતમાં એવું રટણ કર્યું હતું કે, તે માનવ પ્લેસેન્ટા નહીં, બલ્કે ઘેટાંના પ્લેસેન્ટા છે, જે તેઓ વ્યાવસાયિક ઉપયોગ માટે વિદેશમાં મોકલવા માગતાં હતાં. જોકે, તેમણે દાવો કર્યો હતો કે, પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલી લીધું હતું કે, તે માનવ પ્લેસેન્ટા હતાં. યાદ રહે કે, "પાકિસ્તાનના કાયદા પ્રમાણે, જ્યાં સુધી અદાલત સમક્ષ નિવેદન આપવામાં ન આવે, ત્યાં સુધી પૂછપરછ દરમિયાન કરવામાં આવતી કબૂલાતનું કોઈ મૂલ્ય હોતું નથી."
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે ફાઇનલ રિપોર્ટ મેળવવા માટે સૅમ્પલ્સને લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે, જ્યારે એચઓટીએના વહીવટકર્તા ફઝલ મોલા અને આરોગ્ય મંત્રી મુસ્તફા કમાલે પણ તે અંગે સૂચનાઓ જારી કરી છે.
પ્લેસેન્ટા એટલે કે ગર્ભનાળ શું છે?
અમેરિકાના મેયો ક્લિનિક પ્રમાણે, પ્લેસેન્ટા એક એવું અંગ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં બને છે અને તે ગર્ભનાળ નામની ટ્યૂબ મારફત બાળક સાથે જોડાયેલું હોય છે.
"આ જ ગર્ભનાળ મારફત પ્લેસેન્ટા બાળકને ઑક્સિજન અને પોષક તત્ત્વો પૂરાં પાડે છે તથા શિશુના લોહીમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે."
મેયો ક્લિનિકના જણાવ્યા પ્રમાણે, કુદરતી પ્રસૂતિ (નૉર્મલ ડિલીવરી)ના કિસ્સામાં પ્લેસેન્ટા પણ થોડા સમય પછી તે જ માર્ગે થઈને બહાર નીકળી જાય છે અને તેને પ્રસૂતિનો ત્રીજો તબક્કો કહેવામાં આવે છે. પણ જો શિશુનો જન્મ સર્જરી અથવા તો સી-સેક્શન (સિઝેરિયન) દ્વારા થાય છે, તો તે કિસ્સામાં ડૉક્ટરો સમાન પ્રક્રિયા દરમિયાન જ માતાના ગર્ભાશયમાંથી પ્લેસેન્ટા બહાર કાઢી લે છે.
ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર સદફ તારિકના જણાવ્યા પ્રમાણે, પ્લેસેન્ટા એ આનુવંશિક રીતે ભ્રૂણનો જ એક ભાગ છે.
"તે માનવ શરીરનું એક કામચલાઉ અંગ છે, જે માતા તથા ભ્રૂણ વચ્ચેના સંપર્ક માટે કુદરતી રીતે ગોઠવાયેલું હોય છે અને જન્મ સમયે તેને બહાર નીકાળી દેવામાં આવે છે, કારણ કે તે પછી તે બિનજરૂરી થઈ જાય છે."
શરીરમાંથી ગર્ભનાળ દૂર કર્યા પછી તે ક્યાં જાય છે?
ડૉક્ટર સદફ તારિકના જણાવ્યા અનુસાર, "બાળકના જન્મ પછી પ્લેસેન્ટા એક પૅથૉલૉજિકલ કચરો બની જાય છે અને પંજાબ હૉસ્પિટલ મૅનેજમેન્ટ રૂલ્સ તથા નૅશનલ બાયૉસેફ્ટી ફ્રેમવર્કના નિયમો પ્રમાણે તેનો નિકાલ કરવામાં આવે છે. પ્લેસેન્ટા અત્યંત ચેપી તબીબી કચરો છે, કારણ કે, તે માતા અને ભ્રૂણ વચ્ચેનાં તમામ સંક્રમણો માટે અવરોધક હોય છે. આથી, આ તબીબી કચરાનો નિયમો હેઠળ નિકાલ કરવામાં આવે છે."
તેમણે જણાવ્યું હતું કે, લેબર રૂમ કે ઑપરેશન થિયેટરમાં શિશુનો જન્મ થયા પછી તરત જ પ્લેસેન્ટાને અલગ કરીને પીળી બાયૉહેઝાર્ડ વેસ્ટ બૅગમાં રાખી દેવામાં આવે છે.
"તે લીકેજપ્રૂફ કન્ટેનર હોય છે અને આ પ્રકારના કચરાનો સંગ્રહ કરવા માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કન્ટેનરને અન્ય તબીબી કચરાનાં કન્ટેનરોથી જુદું રાખવામાં આવે છે. એક વખત આ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી બૅગને ચુસ્તપણે સીલ કરીને તેમાં પ્લેસેન્ટા હોવાનું દર્શાવતું ચિહ્ન કરવામાં આવે છે."
"તે પછી તેને લેબર રૂમ કે ઑપરેશન થિયેટરમાંથી હૉસ્પિટલના સેન્ટ્રલ કૂલિંગ સ્ટોરેજ રૂમમાં લઈ જવામાં આવે છે. આમ કરવા પાછળનો આશય તેને સડવાથી અને દુર્ગંધથી બચાવવાનો છે."
તેમણે સમજાવ્યું હતું કે, હાલના નિયમો પ્રમાણે, પ્લેસેન્ટાને બહાર કાઢી લીધા પછી 24 કલાક કરતાં વધુ સમય સુધી સ્ટોરેજમાં રાખવાની બિલકુલ પરવાનગી નથી.
"તે પછી પ્લેસેન્ટા જેવા તમામ પેથૉલૉજિકલ કચરાનો બાળી નાખવાની તબીબી પ્રક્રિયા થકી નિકાલ કરી દેવાય છે. ચાહે સરકારી હૉસ્પિટલ હોય કે ખાનગી, પ્લેસેન્ટાનો સમાન રીતે જ નિકાલ કરાય છે."
તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારી માન્યતાપ્રાપ્ત વેસ્ટ મૅનેજમેન્ટ કંપનીઓ આ કાર્ય કરે છે અને જ્યારે કોઈપણ હૉસ્પિટલ તેમને આ સામગ્રી આપે, ત્યારે તેનો નિયમિત રેકૉર્ડ રાખવામાં આવે છે તથા આ રેકૉર્ડ્ઝ ઑથોરિટી દ્વારા નિયમિતપણે તપાસવામાં આવે છે.
પ્લેસેન્ટાનો ઉપયોગ ક્યાં થાય છે?
ડૉક્ટર સદફ તારિકના જણાવ્યા પ્રમાણે, પ્લેસેન્ટા માતાના શરીરનો એક ભાગ હોવાને કારણે તેમાં ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન જેવા મહિલા હૉર્મોન્સ ઊંચી માત્રામાં હોય છે.
આગળ તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે જો આપણે તબીબી હેતુઓ માટે તેના ઉપયોગ વિશે વાત કરીએ તો, પ્લેસેન્ટાનો ઉપયોગ ઘણી દવાઓ તૈયાર કરવા માટે થાય છે, ખાસ કરીને બાળકને જન્મ આપ્યા પછી માતામાં આવતા ડિપ્રેશનની સારવાર કરવા માટેની દવાઓમાં.
"સંશોધન એમ પણ સૂચવે છે કે, લોહતત્ત્વનું સ્તર વધારવા માટે અને પોસ્ટપાર્ટમ એનેમિયાની સારવાર માટેની દવાઓમાં તે મદદરૂપ નીવડે છે."
"ખાસ કરીને પ્લેસેન્ટાનું આંતરિક સ્તર તેના વૃદ્ધિના ગુણધર્મો માટે જાણીતું છે. આ ઉપરાંત ઊંડો જખમ, ગંભીર રીતે દાઝી જવું, અલ્સર અને આંખોની ઈજા સહિતની સર્જિકલ પ્રક્રિયાઓની સારવારમાં પણ તે વપરાય છે," એમ તેમણે જણાવ્યું હતું.
હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑથોરિટી (એચઓટીએ) ખાતેનાં મૉનિટરિંગ ઑફિસર હિના કંવલે બીબીસીને માહિતી આપી હતી કે, ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગમાં પ્લેસેન્ટાનો ઉપયોગ થાય છે, જ્યારે ચીનમાં લોકો તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું હતું કે, કૉસ્મેટિક સર્જરીમાં પણ તેની ભારે માગ છે, પણ પાકિસ્તાનમાં તેના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને હૉસ્પિટલના વહીવટી તંત્રની સામેલગીરી વિના તે પ્લેસેન્ટા ખાનગી રહેઠાણ સુધી પહોંચાડવું શક્ય નથી.
અત્રે નોંધનીય છે કે, ચાઇનિઝ સરકાર દ્વારા નિયંત્રિત અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં માનવ પ્લેસેન્ટાના વ્યાવસાયિક વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અન્ડરગ્રાઉન્ડ બજારોમાં તો તાજું માનવ પ્લેસેન્ટા વેચાવાનું ચાલુ જ છે. એટલું જ નહીં, ઘણાં ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ જુદાં-જુદાં નામો હેઠળ તેનું વેચાણ કરી રહ્યાં છે.
ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, ઑનલાઇન વેબસાઇટ પર તેનું વેચાણ કરી રહેલી એક વ્યક્તિએ અખબારને કહ્યું હતું કે, પ્લેસેન્ટાની કિંમત 360 યુઆન (ચાઇનિઝ ચલણ) છે અને અને તે 2,000 યુઆન પ્રતિ કિલોગ્રામના દરે આ માનવ પ્લેસેન્ટાની ખરીદી કરે છે.
શાંઘાઈ પીપલ્સ હૉસ્પિટલ ખાતેના ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર હુઆંગ ચેંગશેંગને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચીનમાં સામાન્યતઃ માતાને પૂછવામાં આવે છે કે, તેઓ તેમનું પ્લેસેન્ટા રાખવા માગે છે કે પછી તેનો નિકાલ કરવા માગે છે.
"ઘણી નવી માતા તેમના પ્લેસેન્ટાને ઘરે લઈ જઈને તેને આરોગવાનું પસંદ કરે છે," એમ ડૉક્ટર શેંગે ગ્લોબલ ટાઇમ્સને કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન