ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ : એક માત્ર જીવિત બચેલા વિશ્વાસકુમારે દુર્ઘટનાના એક વર્ષ બાદ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન અકસ્માતને એક વર્ષ પૂર્ણ થવા પર આ અકસ્માતમાં જીવતા બચેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસકુમાર રમેશે કહ્યું છે કે તેઓ આજે પણ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.
વિશ્વાસકુમાર રમેશે જણાવ્યું કે, "લોકો જુએ છે કે હું બચી ગયો છું, પરંતુ તેઓ હંમેશાં એ પડકારોને નથી જોઈ શકતા જે બંધ દરવાજાઓ પાછળ રહે છે. હું હજુ પણ ઊંઘ ન આવવી, ચિંતા અને દુઃખદ યાદોથી ઝઝૂમી રહ્યો છું. એક વર્ષ વીતી ગયાં બાદ પણ, હું મારી જિંદગીને ફરીથી ગોઠવવાનો અને મારા પરિવારને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું."
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તેમનું કહેવું છે કે, "હું જીવતો રહ્યો તેના માટે આભારી છું, પરંતુ જીવતો બચી જવું માત્ર કહાનીનો એક ભાગ છે. તેના બાદ મેં જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, તે એટલી મુશ્કેલ રહી છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે."
ગયા વર્ષે 12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાંથી લંડન જતું ઍર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ડીઝલની ખરીદી પર સરકારે કયાં નિયંત્રણો મૂક્યાં?

ઇમેજ સ્રોત, ANI
પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ પંપો પર કોઈ પણ ગ્રાહકને એક દિવસમાં 200 લિટરથી વધુ હાઈ સ્પીડ ડીઝલ વેચવા પર રોક લગાવી છે.
નવા સરકારી આદેશ પ્રમાણે ઇન્ડસ્ટ્રિયલ, કૉમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ યુઝર્સને પેટ્રોલ પંપોથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી કરવા પર રોક લગાવી છે અને તેમને કહ્યું છે કે તેઓ પોતાને જરૂરી ઈંધણ બલ્ક સેલ પૉઇન્ટથી ખરીદે.
સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, "આ નિયંત્રણો 90 દિવસ સુધી લાગુ રહેશે. કેટલાક વિસ્તારોમાં ડીઝલની માંગમાં વધારાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કારણકે બલ્ક યુઝર્સની કિંમતમાં અંતર હોવાને કારણે પેટ્રોલ પંપો પાસેથી ઈંધણ ખરીદવા લાગ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેલિકૉમ ટાવર અને વીજળી બનાવવાની તથા અન્ય જરૂરતો માટે ડીઝલના ઉપયોગ કરનારા ઉદ્યોગોને બલ્કમાં વધારે કિંમત પર ડીઝલ વેચવામાં આવે છે.
દિલ્હીમાં પેટ્રોલ પંપો પર ડીઝલની કિંમત 95.20 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે કે બલ્ક સેલમાં તેની કિંમત 134.50 રૂપિયા છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે 11 જૂને મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલ આદેશ, 2026 જારી કર્યો હતો.
જેમાં ઈંધણ વેચનારાઓ તથા ઑઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ એક વારમાં 90 દિવસોની અવધિ માટે રિટેલ આઉટલેટ્સથી બલ્ક ખરીદ પર રોક લાવે.
ભારતના વિખ્યાત શૂટર જસપાલ રાણાનું નિધન

ઇમેજ સ્રોત, @rajnathsingh
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શૂટર જસપાલ રાણાનું 49 વર્ષની ઉંમરે નિધન થયું છે. વિખ્યાત શૂટર હોવાની સાથે તેઓ ભારતનાં ઑલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરના કોચ પણ હતા.
તેમના નિધન પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઍક્સ પર લખ્યું, "જસપાલ રાણાના આકસ્મિક નિધનથી હું સ્તબ્ધ અને શોકમગ્ન છું. એક ઉત્કૃષ્ટ ખેલાડી અને કોચ હોવાની સાથે-સાથે તેઓ અત્યંત સહજ, સરળ અને નેકદિલ ઇન્સાન હતા. ભારતમાં શૂટિંગને એક રમત તરીકે લોકપ્રિય બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી."
તેમણે લખ્યું, "જસપાલ રાણાએ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ તથા એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું. તેમના નિધનથી ભારતીય રમતજગતને મોટી ખોટ પડી છે."
વર્ષ 1994માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય જૂનિયર સ્પર્ધામાં સ્વર્ણ પદક હાંસલ કરીને જસપાલ રાણાએ નિશાનેબાજીમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો. તેમણે એશિયન ગેમ્સ, કૉમનવેલ્થ ગેમ્સ અને દેશ-વિદેશની સ્પર્ધાઓમાં ઘણા મેડલ જીત્યા હતા.
ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, સમજૂતી અંગે કર્યો આ દાવો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રારંભિક કરાર ટૂંક સમયમાં થવાનો છે. તેમણે દાવો કરતા જણાવ્યું કે આ કારણે ઈરાન પરના હુમલાઓ રોકી દેવામાં આવ્યા છે.
ગુરુવારે ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે ઈરાન સાથે યુદ્ધ અંગે એક શાનદાર સમજૂતી કરી છે."
પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "અમારા કરાર અનુસાર ઈરાન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં હોય, અને આ હેતુ હાંસલ કરવા માટે અમને ઘણી મહેનત કરવી પડી. તેથી આ ખૂબ મોટી વાત છે."
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બકાઈએ સરકારી ટેલિવિઝન પર કહ્યું કે કરાર સંબંધિત સમાચાર "માત્ર અટકળો" છે અને "હજુ સુધી કંઈ પણ નક્કી થયું નથી."
ટ્રમ્પ અગાઉ પણ આવો દાવો કરી ચૂક્યા છે કે બંને દેશો વિવાદ સમાપ્ત કરવા માટે કરારની નજીક છે. આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાન પર "ખૂબ જ જોરદાર" હુમલો કરશે.
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને ખાડી વિસ્તારમાં અમેરિકાના સાથી દેશોનાં ઠેકાણાં પર હુમલા કર્યા અને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી દીધી.
હોર્મુઝ સામુદ્રધુની વિશ્વભરમાં તેલ અને ગૅસની સપ્લાય માટે એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે.
એપ્રિલમાં યુદ્ધવિરામ પર સહમતી હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હુમલા થયા છે.
આ હુમલાઓની વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે શક્ય સમજૂતી અને કરાર વિશે પણ વારંવાર વાત કરતા રહ્યા છે.
અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયનાં મોત પર ઈરાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, @FSUIINDIA
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્લાઇલ બકાઈએ ખાડી વિસ્તારમાં ભારતીય કૉમર્શિયલ જહાજો પર થયેલા હુમલા અંગે અમેરિકા પર નિશાન સાધ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં બકાઈએ લખ્યું કે ભારતીય કૉમર્શિયલ જહાજો પર અમેરિકાના હુમલામાં કમસે કમ ત્રણ ભારતીય નાગરિકનાં મોત થયાં છે. આ હુમલો અમેરિકાની હથિયાર સાથેની દરિયાઈ લૂંટની નીતિનો સ્પષ્ટ પુરાવો છે.
તેમણે કહ્યું, અમે માર્યા ગયેલા ભારતીય નાવિકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરીએ છીએ અને ભારતના લોકો અને સરકાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
તેમણે માગ કરીને કે આંતરરાષ્ટ્રીય સમુદાયે અમેરિકાને ગેરકાયદે વ્યવહાર માટે જવાબદાર ઠેરવવો જોઈએ, કેમ કે આ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે અને સાથે જ અમેરિકન કાર્યવાહી સમુદ્રી અવરજવરની આઝાદીને પણ જોખમમાં નાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઈરાન સંઘર્ષ દરમિયાન છેલ્લા ચાર દિવસમાં ભારતીય ક્રૂ મેમ્બરોવાળા જહાજો પર હુમલા થયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















