હવામાન સમાચાર : ગુજરાતમાં ચોમાસું ક્યાં સુધી પહોંચશે, કયા જિલ્લામાં પડી શકે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટા ભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એક વાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે આગાહી વ્યક્ત કરી છે.
આમ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વખત રાજ્યમાં પ્રીમોન્સૂન ઍક્ટિવિટી પણ મંદ પડેલી જોવા મળી રહી છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
ઉપરાંત 14 જૂનના રોજ પણ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
15 જૂનની આગાહી પ્રમાણે, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
ચોમાસાની આગેકૂચની સંભાવના અંગે વાત કરીએ તો મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકી રહેલા ભાગો, પશ્ચિમમધ્ય બંગાળની ખાડી, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગો અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે?

ઇમેજ સ્રોત, IMD
રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.
એ બાદ આગામી 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ચોમાસું ગઈ કાલે આગળ વધ્યું છે, પરંતુ અરબી સમુદ્રની બ્રાન્ચ ખાસ આગળ નથી વધી. આ બ્રાન્ચ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધી છે, પરંતુ એના પછી આગળ વધી નથી.
મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે, તેથી ગુજરાતમાં પણ મોડું પહોચશે.
ગુજરાતમાં 23-30 જૂન સુધીના ગાળામાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ તો ઘણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે.
આમ, હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















