અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન કોની અને કઈ ભૂલને લીધે તૂટી પડ્યું હતું તે જાણવા હજુ રાહ જોવી પડશે, એએઆઈબીએ હવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઍર ઇન્ડિયા ક્રૅશમાં 250 લોકોનાં મોતનાં કારણોની તપાસ કરી રહેલા તપાસકર્તાઓનું કહેવું છે કે તેઓ હાલ ફાઇનલ રિપોર્ટ જાહેર કરે તે માટે તૈયાર નથી.
હજી પણ આ ઍરપ્લેન ક્રૅશમાં માર્યા ગયેલા 260 લોકોના સ્વજનો માટે કઈ ભૂલથી અને કોની ભૂલથી આ દુર્ઘટના સર્જાઈ હતી તેનું આખરી સત્ય જાણવા માટે રાહ જોવી પડશે.
ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એજન્સી ઍરક્રાફ્ટ ઍક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહી છે.
ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી)એ શુક્રવારે દુર્ઘટનાને એક વર્ષ થયું ત્યારે એક અપડેટ બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટના સંબંધિત પુરાવાઓના વિશ્લેષણમાં કેટલીક "નોંધપાત્ર પ્રગતિ" થઈ છે પરંતુ તપાસ પ્રક્રિયા હજુ ચાલુ છે.
આ અપડેટમાં કેટલીક વિગતો આપવામાં આવી હતી જેમાં ફાઇનલ રિપોર્ટ ક્યારે જાહેર થઈ શકે તે બાબત પણ સામેલ હતી.
ઉલ્લેખનીય છે કે12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતું વિમાન બૉઇંગ 787 ડ્રીમલાઇનર ક્રૅશ થયું તેની પાછળનાં ચોક્કસ કારણો ઘણી અટકળોનો વિષય રહ્યાં છે.
એએઆઈબીએ તેના તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું, "છેલ્લા એક વર્ષમાં તપાસ ટીમે અકસ્માત સાથે સંકળાયેલાં તમામ સંબંધિત ટૅક્નિકલ, ઑપરેશનલ, ઑર્ગેનાઇઝેશનલ અને હ્યુમન ફૅક્ટર્સની ઊંડી તપાસ કરી છે."
"ઍરક્રાફ્ટ સિસ્ટમ્સ, ફ્લાઇટ રેકૉર્ડર ડેટા, ઍન્જિન સાથે જોડાયેલા પાર્ટસ, મેન્ટેનેન્સ ઍન્ડ ઑપરેશનલ રેકૉર્ડ્સ અને તપાસ સાથે સંબંધિત અન્ય પુરાવાઓના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"એકત્રિત કરાયેલા પુરાવા અને જુદી જુદી તપાસોનાં પરિણામોનું હાલમાં સંપૂર્ણપણે અને એક સાથે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે," એમ એએઆઈબીએ કહ્યું હતું.
એએઆઈબી આગળ કહે છે, "બધી તપાસ પ્રક્રિયાઓ અને જરૂરી આંતરરાષ્ટ્રીય રિવ્યૂ અને પરામર્શ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે."
તેમણે ઉમેર્યું, "અકસ્માતનાં દરેક પાસાંની અત્યંત કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે."
એઆઈઆઈબી દ્વારા મૃતકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા નિવેદનમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે "અકસ્માતની તપાસનો એકમાત્ર હેતુ પાઠ અને સલામતી ભલામણોની ઓળખ કરી ઍવિએશન સલામતી વધારવાનો છે, ના કે દોષ કે જવાબદારી થોપવાનો."
એઆઈઆઈબીને ઇન્ટરનૅશનલ ઍવિએશન નિયમો અનુસાર પ્લેન ક્રૅશની વરસી પર એક અપડેટ આપવાનું હતું.
જો તેમણે કોઈ રિપોર્ટ જાહેર કર્યો હોત તો તેમનો અહેવાલ નિર્ણાયક હશે કે નહીં તે અંગે પણ પહેલેથી જ શંકા હતી. મે મહિનામાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીએ પત્રકારોને કહ્યું કે ક્રૅશની તપાસ તેના "છેલ્લા" તબક્કામાં છે ત્યારે અંતિમ અહેવાલ મોટે ભાગે...એક મહિના પછી આવશે."
બી જે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ક્રૅશ થયું હતું બોઇંગ ડ્રીમલાઇનર વિમાન

ઇમેજ સ્રોત, AAIB
એક વર્ષ પહેલાં 12મી જૂને અમદાવાદથી લંડન ગેટવિક જનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ઍરપૉર્ટથી ઉડાણ ભર્યા બાદ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં બી જે મેડિકલ કૉલેજના કૅમ્પસમાં આવેલી હૉસ્ટેલની ઇમારત પર ક્રૅશ થઈ ગઈ હતી.
આ ફ્લાઇટ બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં અમદાવાદથી લંડનના ગૅટવિક ઍરપૉર્ટ તરફ જઈ રહી હતી.
આ વિમાનના મુખ્ય પાઇલટ કૅપ્ટન સુમિત સભરવાલ અને તેમની સાથે ફર્સ્ટ ઑફિસર તરીકે ક્લાઇવ કુંદર હતા. બંને પાઇલટ મુંબઈના હતા. તેઓ એક દિવસ પહેલાં અમદાવાદ પહોંચ્યા હતા.
જે પાઇલટે દુર્ઘટના પહેલાં ઍર ટ્રાફિક કંટ્રોલને 'મેડે મેડે મેડે' સંકેત આપ્યો હતો, ત્યારબાદ તે મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની હૉસ્ટેલ તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત સાથે અથડાયું હતું.
જેમાં વિમાનમાં બેઠેલા 241 મુસાફરો, પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ અને જમીન પર રહેલા 19 જેટલી વ્યક્તિઓ સહિત કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા અને એક બ્રિટિશ નાગરિકનો ચમત્કારિક બચાવ થયો હતો.
વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કૅનેડિયન અને 12 ક્રૂ સભ્યો સવાર હતા.
ઍર ઇન્ડિયાની એ ફ્લાઇટમાં લંડન જઈ રહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું પણ આ ક્રૅશમાં મૃત્યુ થયું હતું.
ઍર ઇન્ડિયા ક્રૅશના એક મહિના પછી પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું હતું?

ઇમેજ સ્રોત, UGC
વિમાન દુર્ઘટનાઓની તપાસ માટે નિર્ધારિત થયેલા આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર દુર્ઘટનાનાં એક મહિના બાદ પ્રાથમિક તપાનો રિપોર્ટ આપવાનો હોય છે. આ ઉપરાંત દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તપાસનો વિગતવાર ફાઇનલ રિપોર્ટ આપવાનો રહે છે.
જો તપાસ એક વર્ષમાં પૂર્ણ ન થઈ શકે તેમ હોય તો જ્યાં સુધી અંતિમ રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી એ દુર્ઘટના થવાની તારીખ સુધીમાં દર વર્ષે એ તપાસનો રિપોર્ટ જાહેર કરવાનો હોય છે.
એએઆઈબી દ્વારા આ દુર્ઘટનાના એક મહિના બાદ પ્રારંભિક તપાસનો રિપોર્ટ 12 જુલાઈ 2025ના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો.
એ રિપોર્ટમાં વિમાનના બંને પાઇલટો વચ્ચે થયેલી વાતચીત પણ સામે આવી હતી. એ વાતચીત કૉકપિટ વૉઇસ રેકૉર્ડર દ્વારા થયેલા રેકૉર્ડિંગમાંથી મેળવવામાં આવી હતી.
આ વાતચીત દરમિયાન બંને પાઇલટો શું વાતચીત કરી રહ્યા હતા તે રિપોર્ટમાં વિગતવાર બતાવવામાં આવ્યું હતું.
દુર્ઘટનાનો ભોગ બનેલા ઍર ઇન્ડિયાના વિમાનના એન્જિનનો ઇંધણનો પુરવઠો (ફ્યુઅલ સપ્લાય) ટેક-ઑફ (ઉડાણ ભર્યા)ની થોડી જ ક્ષણો બાદ બંધ થઈ ગયો હતો, તેવું એક પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના સ્થળેથી શોધી કાઢવામાં આવેલા કૉકપિટ વૉઇસ રેકૉર્ડિંગમાં, એક પાઇલટને એમ પૂછતા સાંભળી શકાય છે કે તમે કેમ બંધ કરી દીધું? - જેના જવાબમાં બીજા પાઇલટે જવાબ આપ્યો હતો કે તેમણે એવું (બંધ) કર્યું નથી.
તપાસનો વિષય : વિમાનને ફ્યુઅલ પૂરું પાડતી સ્વિચો કેવી રીતે બંધ થઈ ગઈ?

ફ્લાઇટ રેકૉર્ડરના ડેટા અનુસાર, વિમાનની કૉકપિટમાં રહેલી બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચો ટેક-ઑફની થોડી જ ક્ષણોમાં, એક સેકન્ડના ગાળામાં 'રન' (ચાલુ) માંથી 'કટ-ઑફ' (બંધ) સ્થિતિમાં પર આવી ગઈ હતી.
આ સ્વિચો સામાન્ય રીતે વિમાનના ઉતરાણ (લેન્ડિંગ) બાદ એન્જિન બંધ કરવા માટે, અથવા એન્જિનમાં આગ લાગવા જેવી કટોકટીની પરિસ્થિતિમાં જ બંધ કરવામાં આવે છે - ટેક-ઑફ દરમિયાન નહીં.
AAIB ના અહેવાલમાં જણાવાયું છે કે આ કટ-ઑફના કારણે બંને એન્જિનોએ હવામાં ઊંચે જવા માટે જરૂરી હતી તે ગતિ (થ્રસ્ટ) ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કોકપિટમાં મૂંઝવણભરી સ્થિતિ સંભળાય છે, જેમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તેણે ઇંધણ કેમ બંધ કર્યું, જેનો બીજાએ ઇનકાર કર્યો હતો.
જોકે અહેવાલમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયો અવાજ કોનો છે. આ વિમાનનાં મુખ્ય પાઇલટ કૅપ્ટન સુમીત સભરવાલ અને કો-પાઇલટ ક્લાઇવ કુંદર હતા.
ત્યારબાદ ફ્યુઅલ સ્વિચો તેમની સામાન્ય ઇન-ફ્લાઇટ (ઉડાન વખતની) સ્થિતિ પર પાછી આવી ગઈ હતી, જેનાથી આપોઆપ એન્જિન ફરીથી ચાલુ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
અહેવાલમાં જણાવાયું છે કે, એક એન્જિન તેની ગતિ (થ્રસ્ટ) પાછી મેળવવામાં સક્ષમ રહ્યું હતું - પરંતુ તે વિમાનની ઘટતી જતી ઝડપ (ડીસેલરેશન) ને રોકી શક્યું નહીં.
વિમાન નીચે તૂટી પડ્યું અને ડૉકટરોના નિવાસ માટે વપરાતી ઇમારત સાથે અથડાયું, જેના કારણે વિસ્ફોટ થયો, તે પહેલાં એક પાઇલટે 'મેડે મેડે મેડે' (કટોકટીનો કોલ) પણ કર્યો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બંને પાઇલટો પાસે ફ્લાઇટ પહેલાં "પૂરતો આરામનો સમય" હતો.
નિષ્ણાતોએ અગાઉ એવી આશંકા વ્યક્ત કરી હતી કે પક્ષીઓ આ અકસ્માતનું કારણ બની શકે છે, પરંતુ અહેવાલમાં જણાવાયું છે કે વિમાનના ફ્લાઇટ પાથ (ઉડાન માર્ગ) ની આસપાસ "કોઈ નોંધપાત્ર પક્ષીઓની પ્રવૃત્તિ" જોવા મળી ન હતી.
પ્રાથમિક રિપોર્ટ બાદ બીજી કઈ બાબતોની તપાસ થઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- એપીયુ (APU) ફિલ્ટર અને ડાબી પાંખના રિફ્યુઅલ/જેટિસન વાલ્વમાંથી ખૂબ જ મર્યાદિત માત્રામાં ઇંધણના નમૂના મેળવી શકાયા છે. આ નમૂનાઓનું પરીક્ષણ ઉપલબ્ધ મર્યાદિત માત્રા સાથે પરીક્ષણ કરવા સક્ષમ હોય તેવી યોગ્ય સુવિધા (લેબ) ખાતે પરીક્ષણ કરવું.
- ફૉરવર્ડ ઈએએફઆર (EAFR – ઍન્હાન્સ્ડ ઍરબોર્ન ફ્લાઇટ રેકૉર્ડર) માંથી ડાઉનલોડ કરાયેલા ડેટાનું વિગતવાર વિશ્લેષણ
- ઍરોમેડિકલ (વિમાન ઉડ્ડયન તબીબી) તારણોને એન્જિનિયરિંગ મૂલ્યાંકન સાથે પુષ્ટિ કરવા માટે ક્રૂ (વિમાનના સ્ટાફ) અને મુસાફરોના પોસ્ટમૉર્ટમ રિપોર્ટનું સંપૂર્ણ વિશ્લેષણ
- પ્રારંભિક કડીઓ (લીડ્સ) ના આધારે વધારાની વિગતો એકત્રિત કરવી અને તેની તપાસ કરવી
- તપાસ ટીમ હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) પાસેથી મંગાવવામાં આવી રહેલા વધારાના પુરાવા, રેકૉર્ડ અને માહિતીની સમીક્ષા અને તપાસ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















