You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગીરના જંગલમાં સિંહોનાં સતત મૃત્યુ કેમ થઈ રહ્યાં છે, શું છે કારણ?
ગીરના સિંહોમાં એક રોગચાળો ફેલાયો છે અને તેના કારણે સિંહોનાં મૃત્યુ થયાં હોવાની વાત સમાચાર અહેવાલોમાં પ્રસારિત થઈ છે.
અગાઉ વર્ષ 2020માં આ રોગચાળાને કારણે 20 કરતાં વધારે એશિયાઈ સિંહોનાં મોત થયાં હતાં. જોકે, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે "વનવિભાગ દ્વારા સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે અને હાલની સ્થિતિ ચિંતાજનક નથી."
વર્ષ 2018માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ એટલે કે સીડીવી મારફતે સિંહોમાં ચેપી રોગચાળો ફેલાયો હતો અને તેને કારણે 30 જેટલા સિંહોનો ભોગ લેવાયો હતો. તે વખતે પણ સિંહોને સીડીવીના ચેપ સાથે બબેસિઓસિસ થયો હોવાનુું વનવિભાગના અધિકારીઓ જણાવે છે.
હવે, ફરીથી આ બબેસિઓસિસ નામનો રોગચાળો દેખાતા રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. બુધવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સિંહોમાં જ્યારે રોગચાળો ફેલાય ત્યારે પશુચિકિત્સકોની ભૂમિકા વધારે મહત્ત્વની બની જાય છે. પરંતુ સિંહોના રહેઠાણવાળા બૃહદ ગીર વિસ્તારમાં કૉન્ટ્રેક્ટ પર ફરજ બજાવતા નવ પશુચિકિત્સકોએ રાજીનામું ધરી દીધું છે.
તેમનો આરોપ છે કે ગીર માટે કાયમી પશુચિકિત્સકોની ભરતી માટેના નિયમો તેમની કૅરિયર માટે હાનિકારક છે, સાથે તેમણે જણાવ્યું છે કે તેઓ આગામી 14મી જૂનથી વનવિભાગ સાથે કામ નહીં કરે. આમ, જ્યારે સિંહોમાં આ જીવલેણ રોગચાળો પ્રસરે તેવી ભીતિ છે ત્યારે પશુચિકિત્સકોએ રાજીનામું ધરતા વનવિભાગની 'મુશ્કેલી'ઓ વધી ગઈ છે.
સિંહોમાં કયો રોગ થયો હોવાની ચર્ચા છે, આ રોગ કેવી રીતે ફેલાય છે અને રાજ્ય સરકારનું આ અંગે શું કહેવું છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન