You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં ચારનાં મોત, પાંચ ઘાયલ – ન્યૂઝ અપડેટ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બેટી રામપર ગામ નજીક એક ટૅન્કર, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શુક્રવારે મોડી સાંજે થયેલા આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં હોવાની જાણકારી મળી છે.
રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યું હતું, "રાજકોટ પોલીસના જણાવ્યા પ્રમાણે, ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે જ્યારે કે અન્ય પાંચ ઘાયલોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."
કુવાવડા પોલીસ અને રાજકોટ ઍરપૉર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ મોકલવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક રૉંગ સાઇડ પરથી આવી હતી અને કાર સાથે ભટકાઈ હતી અને તેની સાથે ટૅન્કરને પણ અકસ્માત નડ્યો હતો.
કારમાં એકજ પરિવારના છ સભ્યો સહિત નવ જણા સવાર હતા. ઈજાગ્રસ્ત રમેશ ડાભીના જણાવ્યા પ્રમાણે તેઓ કાર ભાડે કરીને તેમના ગામ મોલ્ડી ગામ જઈ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો.
ઈજાગ્રસ્ત રમેશ ડાભીએ મીડિયાને જણાવ્યું હતું કે "રૉંગ સાઇડથી ગાડી આવી અને અમારી સાથે ભટકાઈ હતી."
હૉંગકૉંગ ખાતે આયોજિત ટ્રેમ્પોલીન જિમ્નેસ્ટિક્સ એશિયન ચૅમ્પિયનશિપમાં રાજપીપળાની યુવતીએ મેળવ્યું પાંચમું સ્થાન
23થી 24 મે 2026 દરમિયાન હૉંગકૉંગ ખાતે આયોજિત ટ્રેમ્પોલીન જિમ્નેસ્ટિક્સ એશિયન ચૅમ્પિયનશિપ યોજાઇ હતી.
આ ચૅમ્પિયનશિપમાં નર્મદા જિલ્લાના રાજપીપળાની યુવતી ફલકે વસાવાએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
તેમણે જુનિયર એજ ગ્રૂપની ઇન્ડિવિઝ્યુઅલ વિમૅન્સ કૅટેગરીમાં ભાગ લીધો હતો જેમાં તેમણે સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત માહિતી ખાતાની પ્રેસનોટ અનુસાર, ફલક વસાવાએ જણાવ્યું કે માતા-પિતા તેમજ કોચ ડૉ. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સહયોગથી તેઓ આ મુકામ સુધી પહોંચ્યાં છે.
"હવે તેમનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે," એમ ફલકે જણાવ્યું હતું.
અબ્બાસ અરાઘચીએ કહ્યું- અમેરિકા સાથે સમજૂતી ખૂબ જ નજીક, પાકિસ્તાની PMએ શું કહ્યું?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે 'ઇસ્લામાબાદ સમજૂતી' હવે ખૂબ નજીક છે.
તેમણે ઍક્સ પર લખ્યું. " ઇસ્લામાબાદ સમજૂતી ખૂબ નજીક છે, તેનું અંતિમ સ્વરૂપ આવવા સુધીમાં મીડિયાએ તેના વિશે અટકળો લગાવવાથી બચવું જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "અમારા જવાબદાર અને પારદર્શક અભિગમને અનુરૂપ, યોગ્ય સમયે તમામ માહિતી લોકો સાથે શૅર કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. બંને દેશો વચ્ચેની વાતચીત પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થઈ હતી, તેથી તેને ઇસ્લામાબાદ કરાર તરીકે ઓળખવામાં આવે છે.
ત્યારબાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર અબ્બાસ અરાઘચીની પોસ્ટનો સ્ક્રિનશૉટ શૅર કર્યો.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "શાંતિ કરારમાં મધ્યસ્થી કરવાના પાકિસ્તાનના પ્રયાસો ચાલુ છે. અમે તે લોકો દ્વારા ચલાવવામાં આવી રહેલા ખોટી જાણકારી ફેલાવવાના અભિયાન વિશે જાણીએ છીએ. જે આ શાંતિ સમજૂતીને નિષ્ફળ કરવા માગે છે"
તેમણે આગળ લખ્યું, "આ બધી બાબતોને બાજુ પર રાખીને, અમે ખાતરી કરી શકીએ છીએ કે શાંતિ સમજૂતીના ડ્રાફ્ટ પર સહમતિ થઈ ગઈ છે. પાકિસ્તાન હવે બંને પક્ષો સાથે મળીને કામ કરી રહ્યું છે. પહેલાં બંને પક્ષો શાંતિ કરાર પર એટલા નજીક નહોતા જેટલા હવે છે."
જયશંકરે કહ્યું - અમે માર્કો રુબિયો સાથે વાત કરીને સખત વિરોધ નોંધાવ્યો
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ઓમાન નજીક અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોના મામલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે.
જયશંકરે કહ્યું કે તેમણે ગલ્ફમાં "અમેરિકાના નૌકાદળના હુમલાઓનો સખત વિરોધ" કર્યો છે.
ફોન પર થયેલી આ વાતચીત અંગે ભારતીય વિદેશ મંત્રીએ ઍક્સ પર કહ્યું , "મેં આજે (શુક્રવારે) સાંજે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી. મેં ગલ્ફમાં અમેરિકાના નૌકાદળના હુમલાઓને લઈને ભારતનો સખત વિરોધનો નોંધાવ્યો, જેને કારણે ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા."
તેમણે કહ્યું, "કૉમર્શિયલ શિપિંગને લક્ષ્યાંક બનાવતી આવી ઘાતક કાર્યવાહી કોઈપણ રીતે વ્યાજબી નથી"
આ અઠવાડિયે બુધવારે ઓમાન નજીક ઈરાન સામે અમેરિકાના નાકાબંધી કાર્યવાહી દરમિયાન ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા હતા.
આ અઠવાડિયે, ઓમાનના અખાતમાં અમેરિકન સૈન્યએ ભારતીય ક્રૂ સાથેના ત્રણ ઑઇલ ટૅન્કરો પર હુમલો કર્યો હતો. ભારતે વિરોધ નોંધાવતા એક વરિષ્ઠ અમેરિકન ઉચ્ચ અધિકારીને હાજર થવા માટે કહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન