You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિ. શ્રીલંકા : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત લગભગ હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું?
મંગળવારથી શ્રીલંકા ખાતે શરૂ થયેલી ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની શરૂઆત ભારત A ટીમની એક રોમાંચક જીત સાથે થઈ હતી.
ભારત Aની ટીમે શ્રીલંકા Aની ટીમને શ્રીલંકાના રાનગિરી દંબુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે આઠ રનથી હરાવી દીધી હતી.
તિલક વર્માની આગેવાનીમાં ભારત Aની ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમે ઋતુરાજ ગાયકવાડની સદી અને તિલક વર્માની અર્ધ સદીની મદદથી છ વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા.
278 રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલી શ્રીલંકા Aની ટીમ સારી શરૂઆત છતાં લક્ષ્યથી ખૂબ નજીક આવીને હારી ગઈ હતી.
અંતિમ બે ઓવરમાં ત્રણ વિકેટ હાથમાં હોવા છતાં શ્રીલંકા Aની ટીમ જીત માટે જરૂરી એવા દસ રન નહોતી બનાવી શકી અને 49મી ઓવરમાં ત્રણેય વિકેટ ગુમાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.
ભારત Aની ઇનિંગ કેવી રહી?
અગાઉ જણાવ્યું એ મુજબ ભારત Aની ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જોકે, ટીમની શરૂઆત સારી રહી શકી નહોતી.
તાજેતરમાં ઇન્ટરનૅશનલ ટી20 સીરિઝમાં ભારતની સિનિયર પુરુષ ટીમમાં સામેલ થનારા અને આઇપીએલમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશી આ મૅચમાં ચાલ્યા નહોતા. ભારત Aની પ્રથમ વિકેટ વૈભવ સૂર્યવંશી સ્વરૂપે ચોથી ઓવરમાં 16 રનના સ્કોરે પડી હતી. તેઓ મોહમ્મદ સિરાઝ(શ્રીલંકન ખેલાડી)ના બૉલ પર સહન અરાછીગેને કૅચ દઈ બેઠા અને 12 બૉલમાં ત્રણ ચોગ્ગા ફટકારી 14 રનના સ્કોરે આઉટ થયા.
એ બાદ બીજી જ ઓવરમાં 16 રનના સ્કોરે જ બીજા ઓપનર પ્રભસિમરનસિંહ પણ બે રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, પ્રારંભિક વિકેટો ગુમાવ્યા બાદ પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ અને કપ્તાન તિલક વર્માએ બાજી સંભાળી અને આ ત્રણેયની ભાગીદારીને બળે ટીમ 200 રનનો સ્કોર વટાવી ગઈ.
ઋતુરાજ ગાયકવાડે સંતુલન અને આક્રમકતાના ગજબ સમન્વયનું પ્રદર્શન કર્યું અને 114 બૉલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી 101 રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પાછા ફર્યા. આવી જ રીતે કપ્તાન તિલક વર્માએ પણ અણીના સમયે 97 બૉલમાં 60 રનની જવાબદારીપૂર્ણ ઇનિંગ રમી. તેમણે ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો માર્યા હતા.
આવી રીતે એક સમયે 16 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી ચૂકેલી ભારત Aની ટીમ છ વિકેટના નુકસાને 277 રન બનાવવામાં સફળ રહી.
શ્રીલંકા Aની ઇનિંગ
278 રનનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકા Aની ટીમની શરૂઆત ભારત એની ટીમની સરખામણીએ ઘણી સારી રહી હતી. છેક 17મી ઓવરમાં શ્રીલંકા એની ટીમની પ્રથમ વિકેટ પડી હતી. એ સમયે ટીમનો સ્કોર 93 સુધી પહોંચી ચૂક્યો હતો.
ઓપનર અવિષ્કા ફર્નાન્ડો અને નિરોશાન ડિકેવેલ્લા અર્ધ સદીની નજીક પહોંચીને આઉટ થઈ ગયા હતા. બંને અનુક્રમે 45 અને 47 રન બનાવી શક્યા હતા. જોકે, એ બાદ કપ્તાન સહાન અરાછીગે અને સદીરા સમરાવિક્રમાએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને અનુક્રમે 74 અને 46 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
જોકે, શ્રીલંકા Aની ટીમના બૅટ્સમૅનો આ બંનેના આઉટ થયા પછી મુશ્કેલીમાં જણાઈ રહ્યા હતા.
48 ઓવરમાં શ્રીલંકા એની ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાને 268 રન સુધી પહોંચી ગયો હતો.
જોકે, ભારતીય બૉલર અરશદ ખાન 49મી ઓવર નાખવા ઊતર્યા અને કંઈક એવું થયું કે ભારત એની ટીમ હારેલી મૅચ જીતી ગઈ.
શ્રીલંકાની ઇનિંગમાં 49મી ઓવર ખાસ રહી હતી. પોતાના બૅટ્સમૅનોનાં પ્રદર્શનના દમ પર શ્રીલંકા Aની ટીમ 49મી ઓવરની શરૂઆતમાં જીતથી માત્ર દસ રન જ દૂર હતી.
અરશદ ખાનની ઓવરના પ્રથમ બૉલ પર વનુજા સહને એક રન લીધો હતો. જોકે, તેના બીજા જ બૉલ પર શ્રીલંકા એની ટીમના બૅટ્સમૅન વી. વિયાસકાંથ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. એ બાદ ત્રીજા બૉલે ઋતુરાજ ગાયકવાડે વનુજા સહનને રન આઉટ કરી દીધા. તેઓ શ્રીલંકા એની ટીમની જાણે અંતિમ આશા હતા, આક્રમક જણાઈ રહેલા વનુજા 16 બૉલ પર 23 રન બનાવીને આઉટ થઈ ગયા.
એ બાદ 48મી ઓવરના પાંચમા બૉલે મોહમ્મદ સિરાઝ(શ્રીલંકન ખેલાડી)ના સ્વરૂપે અંતિમ વિકેટ પડી હતી. વિપરાજ નિગમે તેમનો કૅચ પકડ્યો હતો.
આમ, છેક જીતના ઉંબરે આવીને શ્રીલંકા Aની ટીમે હારનો સામનો કરવો પડ્યો.
ભારતની બૉલિંગની વાત કરીએ તો અરશદ ખાન, અનુકૂલ રૉય, આયુશ બડોની અને વિપરાજ નિગમને બબ્બે વિકેટ મળી હતી, જ્યારે અંશુલ કંબોજને એક વિકેટ મળી હતી.
પોતાના બેટિંગ પ્રદર્શનના બળે ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન