બંગાળની ખાડીમાં સર્જાયો લો પ્રેશર એરિયા, ગુજરાતમાં વરસાદ વધશે?

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ધીરે-ધીરે ફરીથી ચોમાસું સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં હવે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15-16 જુલાઈથી રાજ્યમાં વરસાદ વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી હળવો વરસાદ શરૂ થશે અને આગામી પાંચથી સાત દિવસ સુધી અહીં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ પડ્યો ન હતો.

રાજ્યમાં જૂન મહિનાથી લઈને 15 જુલાઈ સુધી એટલે કે ચોમાસાના દોઢ મહિના બાદ પણ રાજ્યમાં હજી 28 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ થયો નથી.

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરશે?

હવામાન વિભાગ અનુસાર, હાલમાં જે વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગ અનુસાર, હાલમાં જે વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે

બંગાળની ખાડીમાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોની આસપાસ જ રહે તેવી સંભાવના છે.

એ સિસ્ટમ આગળ વધશે પરંતુ ખૂબ ધીરે-ધીરે આગળ વધે તેવી શક્યતા છે.

હવામાનનાં કેટલાંક મૉડલો અનુસાર એટલે કે લગભગ 24થી 25 જુલાઈ સુધી આ સિસ્ટમ પૂર્વ અને ઉત્તરનાં રાજ્યો તરફ જ અસર કરશે.

હાલની સ્થિતિમાં આ સિસ્ટમ આગળ વધીને સીધી ગુજરાત તરફ આવે એવી શક્યતા દેખાતી નથી.

એટલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે.

25 જુલાઈ બાદ આ લો-પ્રેશર એરિયા મધ્ય ભારત કે ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. પરંતુ એ ગુજરાત નજીક આવે તો જ તેની અસર થવાની શક્યતા છે.

હાલની સ્થિતિમાં ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસર ગુજરાતને થવાની શક્યતા છે.

જેના કારણે ધીરે-ધીરે રાજ્યમાં વરસાદનું પ્રમાણ અને વરસાદ પડશે એ વિસ્તારોમાં થોડો વધારે થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે અડધો જુલાઈ પૂરો થઈ ગયો છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી.

ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે નહીં?

ગુજરાત હવામાન વિભાગના અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, ગુજરાત હવામાન વિભાગના અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત હવામાન વિભાગના 14 જુલાઈના બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15 જુલાઈએ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાંક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

તો સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જ્યારે એ પછીના દિવસમાં એટલે કે 16 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ- વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

17 જુલાઈએ વરસાદનું પ્રમાણ કેટલાક જિલ્લામાં વધી શકે છે. ગુજરાતમાં ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ વરસાદ વરસી શકે છે.

તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, દ્વારકામાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

એ પછીના બે-ત્રણ દિવસ એટલે કે 18 અને 19 જુલાઈએ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે 20 જુલાઈ પછી જો કોઈ વરસાદી સિસ્ટમ મજબૂત બને તો વરસાદનું જોર વધી શકે છે.

તો કચ્છ, સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ માટે થોડો સમય રાહ જોવી પડશે એવું હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન