ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી રાહ જોવી પડશે, શું બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે?

ગુજરાત હવામાન વિભાગના 13 જુલાઈના બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે.
બીબીસી હવામાન ગુજરાતી ગુજરાત સમાચાર ચોમાસું વરસાદ પાણી ખેડૂત ખેતર ખાતર ખેડ વાવેતર પાક ધોધમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત હવામાન વિભાગના 13 જુલાઈના બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં શરૂ થયેલો ચોમાસાનો વરસાદ હાલમાં રોકાઈ ગયો છે. આવી સ્થિતિ માત્ર અહીં જ નહીં પણ ભારતના અનેક ભાગોમાં જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના ચોમાસાની જે સ્થિતિ દેખાઈ રહી છે એ ચિંતાજનક છે.

ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ અતિભારે તો, કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડ્યો હતો.

જોકે એ પછીના દિવસોમાં વરસાદનું જોર નહિવત્ થઈ ગયું. જોકે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી ચોમાસું સક્રિય થઈ શકે છે, એટલે કે વરસાદનું જોર વધી શકે છે.

હાલમાં ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધો છે. હવામાન નિષ્ણાતો તેને મોન્સૂન બ્રેક કહે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે, જે ચોમાસા દરમિયાન સામાન્ય રીતે થતી હોય છે. જોકે આ વખતે શરૂઆતમાં બ્રેક આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગુજરાતમાં આમ પણ આ વર્ષે ચોમાસું મોડું શરૂ થયું છે અને સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પણ પડ્યો નથી. તો ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે?

હવામાન નિષ્ણાતો અનુસાર, હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી વાદળો ખૂબ ઓછાં બની રહ્યાં છે, મોન્સૂન ઍક્ટિવિટી ખૂબ ઓછી છે, માટે વરસાદનું જોર ઘટી રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, હાલમાં જે વરસાદની સિસ્ટમ બની રહી છે, એ જોતાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 16 જુલાઈ સુધીમાં કોંકણ અને ગોવામાં, તો 19 જુલાઈ સુધીમાં ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, મધ્ય ટ્રોપોસ્ફોરિક સ્તરો પર ઉત્તરીય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ બાંગ્લાદેશ પર એક હવાનું દબાણ સર્જાયેલું છે.

તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાય તેવી પણ શક્યતા છે. જોકે એના માટે થોડો સમય રાહ જોવી પડશે તેવું અનુમાન છે. હવામાન વિભાગનાં અલગ-અલગ મૉડલ અનુસાર, 16 જુલાઈ પછી બંગાળની ખાડીમાં વરસાદી જો મજબૂત બને તો ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે અને ક્યારથી વરસાદની શરૂઆત થશે?

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, imd

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત હવામાન વિભાગના 13 જુલાઈના બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 જુલાઈએ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.

તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જ્યારે એ પછીના દિવસોમાં એટલે કે 15 જુલાઈ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ- વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

16 જુલાઈએ વરસાદનું પ્રમાણ કેટલાક જિલ્લામાં વધી શકે છે. ગુજરાતમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ વરસાદ વરસી શકે છે.

તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, દ્વારકા અને દીવમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

એ પછીના બે-ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે 20 જુલાઈ પછી જો કોઈ વરસાદી સિસ્ટમ મજબૂત બને તો વરસાદનું જોર વધી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન