દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણીનાં પરિણામો વિશે અમિત શાહ શું બોલ્યા? - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી અમિત શાહ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયન ચૂંટણી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, અમિત શાહે કહ્યું કે દેશના યુવાનો રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે જોડાયેલા છે (ફાઈલ ફોટો).
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દેશના ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે આ પરિણામોને રાષ્ટ્રવિરોધી શક્તિઓ માટે સ્પષ્ટ સંદેશ ગણાવ્યા હતા.

અમિત શાહે ઍક્સ પર લખ્યું કે "દેશના યુવાનો આજે રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે મજબૂતીથી ઊભા છે."

તેમણે લખ્યું કે "દિલ્હી યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી નથી, પરંતુ અહીં દેશના દરેક ખૂણેથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અહીંનો જનાદેશ સમગ્ર ભારતના યુવાનોનાં મનનું પ્રતિબિંબ હોય છે."

તેમણે લખ્યું કે "એબીવીપીને મળેલી જીત એવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ માટે સ્પષ્ટ સંદેશ છે, જે યુવા શક્તિને રાષ્ટ્રવિરોધી એજન્ડાની પ્રયોગશાળા બનાવવા માંગે છે."

ડીયુની ચૂંટણીમાં ચારમાંથી ત્રણ મહત્ત્વનાં પદો પર ભાજપ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ જીત મેળવી છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

દરમિયાન કૉક્રોચ જનતા પાર્ટીના સહસંયોજક સૌરવ દાસે પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે "હાલમાં વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યે રોષ છે, પરંતુ તેઓ વિભાજિત છે. તેના કારણે સરકારને ફાયદો થાય છે. પરંતુ ઉચ્ચ પદે બેસેલા લોકોએ યાદ રાખવું જોઈએ કે તેઓ રાજા કે રાણી નથી. મોટા ભાગના લોકોએ તેમને વોટ નથી આપ્યો."

દિલ્હીમાં બળાત્કાર અને હત્યાના મામલે રાહુલ ગાંધીના સરકાર સામે સવાલ

બીબીસી ગુજરાતી દિલ્હી પોલીસ રેપ રાહુલ ગાંધી અમિત શાહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્વરૂપનગરની ઘટના લગભગ એક અઠવાડિયા જૂની છે, પરંતુ પોલીસને ઘણા સમય પછી તેની જાણ થઈ.

દિલ્હીના સ્વરૂપ નગરમાં એક સગીર છોકરીની હત્યાના મામલે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી પોલીસ સામે સવાલ ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે "દિલ્હીમાં 17 વર્ષની યુવતી પર ગૅંગરેપ થયો, તેની હત્યા કરીને મૃતદેહ ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાયો. રાજધાનીમાં આટલી મોટી ક્રૂરતા અને પોલીસને કેટલાય દિવસો સુધી ખબર પણ ન પડી."

તેમણે આરોપ લગાવ્યો કે "દુર્ભાગ્યે દિલ્હી આજે રાજધાની નહીં, પરંતુ મહિલાઓ માટે રોજની ખૌફનાક કહાણી બનીને રહી ગયું છે."

"અમિત શાહજી દિલ્હી પોલીસ આપને આધિન છે. મહિલાઓની સુરક્ષાની જવાબદારી આખરે કોની છે? કે પછી દિલ્હી પોલીસનું કામ માત્ર સામાન્ય લોકોને ડરાવવા-ધમકાવવાનું છે? કારણ કે અપરાધીઓ તો બેખૌફ ફરી રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન