'સ્માઇલિંગ ડિપ્રેશન' શું છે અને તેને કેવી રીતે ઓળખી શકાય?

ઇમેજ સ્રોત, Getty
- લેેખક, ઇસાબેલ શૉ
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ડિપ્રેશનથી પીડાતી કોઈ વ્યક્તિની કલ્પના કરો તો કદાચ તમારા મનમાં એવી વ્યક્તિની છબી ઊપસી આવે, જેને પથારીમાંથી ઊભા થવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય.
કદાચ આવી વ્યક્તિ ખૂબ રડતી હોય, મિત્રો સાથે હળવામળવાનું ટાળતી હોય અથવા દિવસ પસાર કરવા જેટલી ઊર્જા પણ તેનામાં માંડ બચી હોય.
પરંતુ તમે એવી વ્યક્તિની કલ્પના નહીં કરો, જે રાત્રિભોજન વખતે ટુચકા કહેતી હોય, સામાજિક જીવનમાં સક્રિય હોય અને કાર્યાલયમાં પણ સારું કામ કરતી હોય.
પરંતુ કહેવાતા 'સ્માઇલિંગ ડિપ્રેશન'થી પીડાતી વ્યક્તિઓ માટે આ સામાન્ય બાબત છે.
આ પ્રકારના ડિપ્રેશનથી પીડાતા લોકો પોતાના મિત્રો કે સહકર્મીઓને નહીં, પણ પોતાની જાતને જ છેતરી રહ્યા હોય છે.
'સ્માઇલિંગ ડિપ્રેશન' શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
'સ્માઇલિંગ ડિપ્રેશન'ને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત બીમારી ગણવામાં આવતી નથી. જોકે, છેલ્લાં 5 વર્ષમાં ઇન્ટરનેટ પર આ શબ્દને શોધવાનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.
બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં માનસિક સ્વાસ્થ્ય અંગે સંશોધન કરતાં ડૉ. ઓલિવિયા રેમેસ કહે છે, "તેનો અર્થ છે બહારથી ખુશ દેખાવું, પણ અંદરથી તમે ઉદાસ અને નિરાશ અનુભવતા હો."
આપણે બધા ક્યારેક ઉદાસ થઈએ છીએ. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં આશરે 32 કરોડ લોકો માટે આ લાગણીઓ ડિપ્રેશનનું રૂપ લઈ લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એવી સ્થિતિ છે, જેમાં સતત ઉદાસી અથવા રસ અને આનંદનો અભાવ જેવાં લક્ષણો અઠવાડિયાં કે મહિનાઓ સુધી રહે છે. તેના કારણે કામકાજ, સંબંધો, ઊંઘ અને રોજિંદા જીવન પર અસર પડે છે.
પરંતુ ડિપ્રેશન હંમેશાં આપણે ધારતા હોઈએ એવું દેખાતું નથી.
અભ્યાસો દર્શાવે છે કે ડિપ્રેશનથી પીડાતા આશરે 40 ટકા લોકોને પોતાનામાં 'અસામાન્ય' લક્ષણો અનુભવાય છે. આવા કિસ્સાઓમાં ડિપ્રેશનનાં લક્ષણો સામાન્ય રીતે આપણે ધારીએ છીએ તેવાં હોતાં નથી.
ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ સામાન્ય કરતાં ઓછું સૂએ કે ઓછું ખાય તેના બદલે વધુ ઊંઘી શકે અથવા વધુ ખાઈ શકે. વળી, કંઈક સારું કે રોમાંચક બને ત્યારે તેના મૂડમાં થોડા સમય માટે સુધારો પણ થઈ શકે છે.
એવા પુરાવા પણ છે કે ડિપ્રેશનથી પીડાતા લોકો બીજાઓ સાથે હળીમળીને રહેવા માટે પોતાનાં લક્ષણોને અથવા લાગણીઓને છુપાવે છે. આને 'માસ્કિંગ' પણ કહેવામાં આવે છે.
લોકો ડિપ્રેશનને કેમ છુપાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
'સ્માઇલિંગ ડિપ્રેશન'થી પીડાતા કેટલાક લોકોને પોતે ડિપ્રેશનમાં છે તેનો અહેસાસ પણ હોતો નથી. તેથી તેઓ જાણતા પણ નથી કે પોતે પોતાની સ્થિતિને છુપાવી રહ્યા છે.
રેમેસ કહે છે, "તેઓ કદાચ એમ વિચારતા હોય છે કે વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવન જીવવાને કારણે આવાં લક્ષણો અનુભવાય છે અને એ સ્વાભાવિક છે."
કેટલાક લોકોને કદાચ ખ્યાલ હોય છે કે તેમને તકલીફ છે, પરંતુ બીજાને તેની જાણ ન થાય એ માટે તેઓ ખૂબ પ્રયત્ન કરે છે.
રેમેસ કહે છે, "તેઓ પોતાની જાત પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે. કદાચ તેઓ પોતે કે બીજાઓ સમક્ષ એ સ્વીકારવા માગતા નથી કે તેમને કોઈ તકલીફ છે."
કેટલાક લોકોને પોતાની સ્થિતિને કારણે બદનામી થવાનો કે બીજાઓ પર બોજ બની જવાનો ડર હોય છે. અભ્યાસો દર્શાવે છે કે કેટલાક લોકો કાર્યસ્થળે અથવા સંબંધોમાં ટીકા થવાની ચિંતા પણ કરતા હોય છે.
સાંસ્કૃતિક અથવા પારિવારિક અપેક્ષાઓ પણ પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં અવરોધ બની શકે છે.
ડિપ્રેશન છુપાવવાનાં જોખમો કયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું કહેવું છે કે પોતાની સ્થિતિને છુપાવવાનો પ્રયાસ જોખમી બની શકે છે.
બ્રિટનની એક્સેટર યુનિવર્સિટીના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ પ્રોફેસર બાર્ની ડન કહે છે, "ડિપ્રેશન આપણને બીજાઓથી અલગ કરી દે છે અને એકલતા અનુભવવા મજબૂર કરે છે. ઉદાસીમાંથી બહાર આવવા માટે ઘણી વાર બીજાઓ સાથે જોડાવું એ સૌથી સારો ઉપાય હોય છે."
આનો અર્થ એ પણ થઈ શકે કે લોકોને જે મદદની જરૂર છે, તે તેમને ન મળે.
રેમેસ કહે છે, "શરૂઆતનાં લક્ષણો પર ધ્યાન આપવામાં ન આવે, તો તે ગંભીર અને લાંબા ગાળાની સમસ્યામાં ફેરવાઈ શકે છે અને આત્મહત્યાનું જોખમ વધારી શકે છે."
ડિપ્રેશનનાં 7 લક્ષણો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમે પરિસ્થિતિનો સારી રીતે સામનો કરી રહ્યા હો, ત્યારે કેટલાક ફેરફારો પર ધ્યાન ન જાય એવું બની શકે છે.
1. તમને કોઈ પણ બાબતમાં આનંદ આવતો ન હોય
સામાન્ય રીતે તમે જે કામોની આતુરતાથી રાહ જોતા હો-જેમ કે મિત્રો સાથે મળવું, જિમમાં જવું કે તમારો મનપસંદ ટીવી શો જોવો-એ જ કામો હવે બોજ લાગવા માંડે, તો આ બાબતની થોડી વધુ ઊંડાણથી તપાસ કરવી ફાયદાકારક બની શકે છે.
રેમેસ કહે છે, "સામાન્ય શોખમાં રસ કે આનંદ ન રહેવાનું કારણ વ્યસ્તતા અને ઝડપી ગતિવાળું જીવન હોવાનું માની લેવું સહેલું છે."
2. તમારા હાથ કે પગ અસામાન્ય રીતે ભારે લાગે છે
'લીડન પેરાલિસિસ' તરીકે ઓળખાતી આ સ્થિતિમાં હાથ-પગ ભારે લાગે છે. આવી સ્થિતિમાં રોજિંદાં કામો કરવા માટે પણ વધુ મહેનત કરવી પડે છે. આ અસામાન્ય પ્રકારના ડિપ્રેશનનો સંકેત હોઈ શકે છે.
3. તમે વારંવાર નક્કી કરેલા કાર્યક્રમો રદ કરો છો
ક્યારેક તમે બીજાઓની સામે એકદમ સ્વસ્થ અને ખુશ દેખાતા હો, પરંતુ તમારો મૂડ ખરાબ થાય અને તમે તમારી લાગણીઓ છુપાવી ન શકો, ત્યારે નક્કી કરેલા કાર્યક્રમો રદ કરી દો છો.
4. તમે વધુ ઊંઘો છો, છતાં થાકેલા રહો છો
કદાચ તમે હજી પણ તમારા રોજિંદાં બધાં કામ કરતા હશો, પરંતુ સાથે સાથે સતત થાક પણ અનુભવતા હશો.
રેમેસ કહે છે, "સાંજનો સમય ખાસ કરીને મુશ્કેલ હોઈ શકે છે. આ સ્થિતિથી પીડાતા લોકોને દિવસના અંતે વધુ થાક અને અસ્વસ્થતા અનુભવાતાં હોય છે અને સામાન્ય કરતાં વધુ ઊંઘની જરૂર પડી શકે છે."
5. તમે ટીકા કે અસ્વીકાર પ્રત્યે વધુ સંવેદનશીલ છો
તમારા બૉસની એક સામાન્ય ટિપ્પણી કે કોઈ મિત્ર દ્વારા કાર્યક્રમ રદ કરી દેવાની વાત પણ તમને સામાન્ય કરતાં ઘણી વધારે દુભાવી શકે છે.
રેમેસ કહે છે કે ટીકા કે અસ્વીકાર પ્રત્યે વધેલી સંવેદનશીલતા અસામાન્ય ડિપ્રેશનનું એક લક્ષણ છે. એડીએચડી (અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઑર્ડર)થી પીડાતા લોકો પણ આવી સંવેદનશીલતા અનુભવી શકે છે.
6. તમે હંમેશાં કાં તો રમૂજી હો છો અથવા બીજાઓને મદદ કરતા રહો છો
ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિ હંમેશાં લોકોથી દૂર થઈ જાય એવું નથી. તેનાથી વિપરીત વર્તન પણ કરી શકે છે. જેમ કે, પાર્ટીમાં બધાને હસાવતી રહે, કામમાં પોતાની જાતને સંપૂર્ણપણે જોતરી દે અથવા બીજાઓને મદદ કરવા માટે બનતા બધા પ્રયત્નો કરે.
7. તમારા મનમાં સતત નકારાત્મક વિચારો આવતા રહે છે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા હો, પરંતુ અંદરથી પોતાની ખૂબ ટીકા કરતા હો એમ બની શકે છે.
પોતાની જાત પર શંકા કરવી, પોતાને નકામા માનવા અને જીવનમાં કશું અર્થપૂર્ણ ન લાગે એવા વિચારો સંભવિત ચેતવણીના સંકેતો હોઈ શકે છે.
આ સમસ્યાનો ઉકેલ શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
'સ્માઇલિંગ ડિપ્રેશન' શબ્દની ટીકા કરનારા લોકોની પણ કમી નથી.
રેમેસ કહે છે કે આ શબ્દ લોકોને પોતાના અનુભવોને ઓળખવામાં અને તેમને નામ આપવામાં મદદ કરી શકે છે, પરંતુ તે એક જટિલ અનુભવને 'અતિશય સરળ' પણ બનાવી શકે છે.
તેઓ કહે છે, "'સ્માઇલિંગ' શબ્દથી ખુશી અને પ્રસન્નતાનો ભાવ મનમાં આવે છે, પરંતુ આ સ્થિતિની ખાસિયત ખરેખર નિરાશા, ખાલીપો અને જીવન અર્થહીન લાગવાની છે."
ડન સૂચવે છે કે શરૂઆતમાં તમે જેના પર ભરોસો રાખતા હો એવી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વિશે થોડી વાતચીત કરો.
તેઓ કહે છે, "ઘણી વાર લોકોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે આ રીતે વાત કરવાથી બીજાઓ સાથેના તેમના સંબંધો મજબૂત બની શકે છે, તેમને બીજા સાથે જોડાણ અનુભવવામાં મદદ મળી શકે છે અને તેમને સમજાય છે કે આવું અનુભવતા તેઓ એકલા નથી."
તેઓ કહે છે, "એવા પુરાવા છે કે વાતચીત, દવાઓ અને સામાજિક સારવાર-આ બધાં અસરકારક બની શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























