વડા પ્રધાન મોદીને સત્તામાં 25 વર્ષ થયા બાદ હવે તેમની સામે કયા 10 પડકારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, એડિટર, બીબીસી ન્યૂઝ હિંદી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
છેલ્લા કેટલાક દિવસોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં 25 વર્ષ સંપન્ન થવા અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.
તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે અને ત્યાર પછી ભારતના વડા પ્રધાન તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. મોદીના સમર્થકો આ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ મોદીના મંત્રીમંડળે પણ તેમની પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો છે.
પરંતુ બીજી તરફ, ટીકાકારો છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોદીના જાહેર જીવનનાં દરેક પાસાં પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે અને તેની સમીક્ષા કરી રહ્યા છે. મોદી અને જવાહરલાલ નહેરુ સિવાય દેશમાં અન્ય કોઈ વ્યક્તિએ વડા પ્રધાન તરીકે સતત ત્રીજી મુદત સુધી સેવા આપી નથી.
સામાન્ય રીતે, ત્રીજી મુદત એવો સમય હોય છે કે જ્યારે પડકારો વધવા લાગે છે.
બીજી તરફ, મતભેદો પણ વધે છે. જૂના નિર્ણયો ઉપરાંત અનેક નવા નિર્ણયો પણ લેવા પડે છે. આ એવો સમય હોય છે જ્યારે દરેક નિર્ણયને ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાની સાથે સાથે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પણ જોવાનું શરૂ કરવું પડે છે.
બીબીસી હિન્દીના સંપાદક નીતિન શ્રીવાસ્તવના આ લેખમાં નરેન્દ્ર મોદી સરકાર સામે અત્યારે સૌથી મોટા પડકારરૂપ બનેલા દસ મુદ્દાઓ પર નજર કરીએ.
1. ચૂંટણી પ્રણાલી..

ઇમેજ સ્રોત, Getty Images
પહેલો મુદ્દો દેશની સૌથી મોટી ચૂંટણી સંસ્થા, એટલે કે ચૂંટણીપંચથી શરૂ થાય છે.
છેલ્લા કેટલાક સમયથી તેની વિશ્વસનીયતા અંગે સતત સવાલો ઊઠી રહ્યા છે. ચૂંટણીની નિષ્પક્ષતા અંગે લોકોના મનમાં શંકાઓ ઊભી થવા લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિસ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે આ પ્રણાલીમાં વિશ્વાસપાત્ર ગણાતા બે સરકારી અધિકારીઓ, એટલે કે બે ચૂંટણી કમિશનરો, મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો અંગે પોતાનો અસંમતિનો મત વ્યક્ત કરવા કેબિનેટ સચિવના દરવાજે પહોંચ્યા છે.
ત્યાર પછી દિલ્હી સહિત દેશનાં અનેક શહેરોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગણી સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આક્ષેપો અંગે દેશના લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે.
2. અર્થતંત્ર, જીડીપી
બીજો મુદ્દો દેશના અર્થતંત્રના સૌથી મોટા માપદંડ, એટલે કે જીડીપી સાથે સંબંધિત છે.
દેશના જીડીપીના આંકડાઓની વાસ્તવિકતા અંગેની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કોઈ મોટા સરકારી વિભાગે નહીં, પરંતુ એક નિવૃત્ત સરકારી કર્મચારીએ શરૂ કરી હતી.
તેમણે શરૂ કરેલી ચર્ચાએ સૌને ચોંકાવી દીધા હતા. સરકારના દાવાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેની આ વિસંગતિએ અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોને વિચારતા કરી મૂક્યા છે.
ડૉલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે એવા સમયે સરકારના દાવા કેટલા સાચા છે, એ અંગે અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો વિચારવા લાગ્યા છે.
શેરબજારોમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિદેશી રોકાણમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
આવી સ્થિતિમાં જાહેર કરવામાં આવતા જીડીપીના આંકડા કેટલા વિશ્વસનીય છે, એ અંગે લોકોને ખાતરી કરાવવી સરકાર માટે પડકાર બની રહ્યો છે.
3. મોંઘવારી
ત્રીજો મુદ્દો સીધો તમારા ખિસ્સા સાથે સંબંધિત છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) પોતે કહે છે કે મોંઘવારી ત્રણ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. આ ઉપરાંત રૂપિયો નબળો પડી રહ્યો છે. ભાવ વધી રહ્યા છે. ભારતીય બૅન્કોએ વિદેશમાંથી થાપણો એકત્રિત કરી છે.
તો આ સ્થિતિને શી રીતે જોવી? પરીક્ષામાં ખૂબ મહેનત કર્યા પછી પણ ઓછા ગુણ મળે, એવી આ સ્થિતિ છે.
એટલે કે, મહેનત કરવા છતાં પરિણામ દેખાતું નથી. મોંઘવારીની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે.
ચા, પેટ્રોલ અને કરિયાણા જેવી રોજિંદી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. આ સંજોગોમાં સરકાર સામે વધી રહેલા લોકોના રોષનો સામનો આ સરકાર કઈ રીતે કરશે, તે જોવાનું રહેશે.
4. રાજકીય વિરોધ પક્ષો

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
ચોથું પરિબળ રાજકીય પરિસ્થિતિ છે. વર્તમાન વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી અને તેમની આક્રમક કાર્યપદ્ધતિએ સરકારની મુશ્કેલીઓ વધારી છે.
રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે.
બીજી તરફ, આ મુદ્દે માધ્યમોથી લઈને સોશિયલ મીડિયા સુધી ભારે ચર્ચા થઈ રહી છે.
5. યુવાનો અને સામાજિક મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images
પાંચમો મુદ્દો દેશના યુવાનોનો અને સામાજિક મુદ્દાઓનો છે. આજના યુવાનો સરકારની નીતિઓ અને નિર્ણયો અંગે ખુલ્લેઆમ પ્રશ્નો પૂછી રહ્યા છે.
જમણેરી વિચારધારાના સમર્થકો ઑનલાઇન અને ઑફલાઇન આગળ આવીને તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હોવા છતાં યુવાનો પોતાનો આક્રમક અભિગમ છોડવા તૈયાર નથી.
નીટ (NEET) પરીક્ષાના મુદ્દાથી લઈને સરકારી શાળાઓની સ્થિતિ સુધીના દરેક મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા એજન્ડા નક્કી થઈ રહ્યો છે.
નીટ પરીક્ષાને લગતા વિવાદો પછી દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષણવ્યવસ્થાની પારદર્શિતા સામે પ્રશ્નો ઉઠાવવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ સાબિતી છે કે યુવાનોના રોષને હવે અવગણી શકાય તેમ નથી.
દિલ્હીમાં જંતરમંતર પાસે અઠવાડિયાં સુધી વિરોધપ્રદર્શન કરીને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અપાવવામાં સફળતા મળી હોવાને વિપક્ષો મોટી જીત માને છે.
6. એનડીએ ગઠબંધનનું રાજકારણ
છઠ્ઠો મુદ્દો એ છે કે એનડીએ ગઠબંધનની આંતરિક રાજનીતિ હવે સપાટી પર આવવા લાગી છે.
ગઠબંધનના નાના સાથી પક્ષોએ પણ સરકાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ એવી બાબત છે જેને અવગણી શકાય તેમ નથી.
બિહારમાં ચિરાગ પાસવાન જેવા નાના સાથી પક્ષોના નેતાઓએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સરકાર સામે સીધા પ્રશ્નો ઉઠાવ્યા છે. બીજી તરફ, ઓમપ્રકાશ રાજબર માધ્યમોને જણાવી રહ્યા છે કે તેમણે ઉત્તર પ્રદેશના કેટલાક પ્રદેશોના વિભાજન અંગે વડા પ્રધાન સાથે વાત કરી છે.
પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પોતે આની વિરુદ્ધ છે. ગઠબંધનના સાથી પક્ષો એકબીજા સામે જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે ત્યારે સ્પષ્ટ છે કે તેમની વચ્ચે સંકલન સાધવા માટે સરકારે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે.
7. સરકારની છબી
સાતમો મુદ્દો સરકારની પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે. એક સમયે સરકારને સૌથી વધુ નિર્ણાયક માનવામાં આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સીમાંકનના મુદ્દાને આગળ વધારવો કે નહીં, તે અંગે મહિનાઓથી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
શેરડીમાંથી બનાવેલા ઇથેનોલનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાની નીતિ અંગે પણ મૂંઝવણ ઊભી થઈ ત્યારે અનેક લોકોએ તેને નિર્ણય લેવામાં થઈ રહેલા વિલંબ તરીકે જોયો હતો.
8. મંત્રીમંડળમાં ફેરફાર
આઠમો મુદ્દો મંત્રીમંડળમાં ફેરફારનો છે. લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળમાં મોટા ફેરફારો થશે અથવા ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.
પરંતુ આ બાબતે લાંબા સમયથી જોવા મળતી ઉદાસીનતાની નકારાત્મક અસર પડી રહી છે.
નોંધવું જોઈએ કે મહત્ત્વનાં મંત્રાલયોમાં કાયમી અને પૂર્ણ સમયના નેતૃત્વનો અભાવ ઘણી વાર નીતિના સ્તરે જરૂરી ગતિના અભાવનું કારણ બને છે એટલું જ નહીં, પરંતુ સંબંધિત પ્રણાલીઓઓની કામગીરીને પણ સીધી અસર કરે છે.
ભાજપશાસિત રાજ્યોમાં પણ મંત્રીમંડળ અને વિવિધ પદોને લઈને વારંવાર અટકળો થતી રહે છે.
9. દેશમાં રોકાણ
નવમો મુદ્દો દેશના રોકાણકારો અને મધ્યમ વર્ગ સાથે સંબંધિત છે.
એક તરફ અમેરિકા, યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવાં વૈશ્વિક સમકક્ષોનાં શેરબજારો નવા વિક્રમો સ્થાપી રહ્યાં છે.
પરંતુ મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા પછી ભારતીય શેરબજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બજારોમાં સતત મંદી જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના કરોડો લોકોએ પોતાના પરસેવાની કમાણીનું એસઆઈપી (SIP) મારફતે રોકાણ કર્યું છે.
સરકારે તેમની આ ટેવની પ્રશંસા પણ કરી છે. પરંતુ એ નોંધવું જોઈએ કે વર્તમાન સમસ્યાને અવગણવી એટલે જે ડાળી પર બેઠા હોઈએ એ જ ડાળી કાપવા જેવું છે.
એટલે કે, વિદેશી રોકાણકારો, એટલે કે એફપીઆઈ (FPI), જે ઝડપે ભારતીય બજારમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે તે ચિંતાજનક છે, તો બીજી તરફ સામાન્ય નાના રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
આ મુદ્દે નિર્ણાયક પગલાંનો અભાવ એક મોટી સમસ્યા છે.
10. આંતરરાષ્ટ્રીય સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અને અંતે, દસમો મુદ્દો... આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે વાત કરવી જરૂરી છે. આજે વિશ્વમાં ભારતનું સ્થાન છેલ્લા કેટલાક દાયકાઓમાં હતું એવું રહ્યું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાની સત્તાની ધુરા સંભાળી ત્યારથી ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાના નિર્ણયો સામે દરરોજ ખુલ્લેઆમ પડકારો ફેંકવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ, સળગતું મધ્યપૂર્વ, કથળતાં ઊર્જાબજારો અને પાકિસ્તાનના હાથમાં રહેલા રાજદ્વારી મુદ્દાઓએ ભારતની મુશ્કેલીઓને વધારી છે.
વેપાર પરના શુલ્ક અથવા વ્યૂહાત્મક બાબતો અંગે વિશ્વની મહાસત્તાઓ તરફથી સતત દબાણ થતું રહે ત્યારે દેશની વિદેશનીતિ અને રાજદ્વારી બાબતો સામે મોટા પ્રશ્નો ઊભા થાય છે.
ચાહે બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ કે શ્રીલંકા હોય, દક્ષિણ એશિયાના આ દેશોની વિદેશનીતિમાં ભારતનો ઘટતો પ્રભાવ હોવા અંગે અનેક નિષ્ણાતો હજુ પણ પ્રશ્નો ઉઠાવે છે.
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે 1935માં એક ભાષણમાં કહ્યું હતું, "તમે ઇતિહાસને જેટલા ઊંડાણપૂર્વક સમજો છો, ભવિષ્યને એટલી જ સારી રીતે જોઈ શકો છો."
રાજકારણમાં આવાં નિવેદનો અને આવી દૂરંદેશી હંમેશાં પ્રશંસનીય હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























