ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડશે, બીજી ટ્રેન કરતાં એ કેવી રીતે અલગ પડે છે?

હાઇડ્રોજન ટ્રેન ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન દોડશે, બીજી ટ્રેન કરતાં એ કેવી રીતે અલગ પડે છે? ગુજરાત બીબીસી ન્યૂઝ ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Ministry of Broadcasting

ઇમેજ કૅપ્શન, હાઇડ્રોજન ટ્રેન
    • લેેખક, રાહુલ કાલા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય રેલવે દેશની પહેલી હાઇડ્રોજન ફ્યૂઅલ-સેલ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેન 17 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ હાઇડ્રોજન પાવર્ડ ટ્રેનને જિંદ રેલવેસ્ટેશનથી લીલી ઝંડી બતાવશે.

તેના કારણે ભારત એ અમુક દેશોમાં સામેલ થઈ જશે, જેમાં આ પ્રકારની ટ્રેન હોય.

આ ટ્રેનનું ઍન્જિન ઇલેક્ટ્રિસિટી અને ડીઝલ વગર કેવી રીતે ચાલશે? આમાં કઈ ટૅક્નૉલૉજીનો ઉપયોગ થાય છે? ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન પરિયોજના શું છે? આવો જાણીએ.

શું આ ટ્રેન માટે અલગ પાટા બનાવાયા છે?

મે મહિનામાં ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના જિંદ-સોનીપત પટ્ટામાં 10 ડબ્બાવાળી હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને મંજૂરી આપી હતી. તે 1200 કિલોવોટ હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ સિસ્ટમ સાથે 75 કિમી પ્રતિકલાકની મહત્તમ સ્પીડ સાથે ચાલશે.

જિંદ અને સોનીપત વચ્ચેનું અંતર લગભગ 89 કિલોમીટર છે, જેને આ ટ્રેન બે કલાકમાં કાપી લેશે.

ભારતના રેલવે મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, આ ટ્રેન 74010 અને 74009 સ્વરૂપે સંચાલિત થશે. ટ્રેન સંખ્યા 74010 એ સવારે 7:40 એ જિંદથી ઉપડે અને 9:40એ સોનીપત પહોંચશે. આ જ રીતે ટ્રેન 74009 એ સોનીપતથી સવારે 10:40એ ઉપડશે અને બપોરે એક વાગ્યે જિંદ પહોંચશે.

આ ટ્રેન દિવસમાં બે રાઉન્ડ લગાવશે અને પ્રતિદિન 356 કિલોમીટરની યાત્રા કરશે. આ ટ્રેનમાં એકસાથે 682 યાત્રીઓ બેસી શકે છે.

હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલનારી ટ્રેનો માટે કોઈ વિશેષ પ્રકારના પાટા બનાવવામાં આવ્યા નથી. આ ટ્રેનો સામાન્ય પાટા પર જ ચાલે છે.

હાઇડ્રોજન કેવી રીતે ભરવામાં આવશે?

ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇમેજ સ્રોત, indianrailways

ઇમેજ કૅપ્શન, ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પરિયોજનાનો આ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ટ્રેનોમાં હાઇડ્રોજન ભરવા માટે જિંદમાં એક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન એકમ પણ સ્થાપવામાં આવ્યું છે.

અહીં ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન અને ઑક્સિજનને અલગ પાડવામાં આવે છે.

હાઇડ્રોજનને હાઇ પ્રેશર ટૅન્ક્સમાં સ્ટોર કરવામાં આવે છે અને તેને સ્પેશિયલ ફ્યૂલિંગ સ્ટેશનમાં ટ્રેનમાં ભરવામાં આવે છે.

આથી, તેના માટે સામાન્ય રેલવેસ્ટેશન પર અલગથી કોઈ ફ્યૂઅલ સ્ટેશન બનાવવામાં આવ્યા નથી. જિંદમાં પાયલટ પ્રોજેક્ટ માટે સ્પેશિયલ સુવિધા ઉભી કરવામાં આવી છે.

પીઆઈબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પેટ્રોલિયમ ઍન્ડ ઍક્સ્પ્લોઝિવ સેફ્ટી ઑર્ગેનાઇઝેન (PESO)એ હાઇડ્રોજનના સ્ટોરેજ અને વિતરણ માટે આ જગ્યાએ લાયસન્સ આપ્યું છે. હાઇડ્રોજન કમ્પ્રેશન સિસ્ટમ એ રિફ્યૂલિંગ ઑપરેશન્સ માટે આપવામાં આવી છે.

રેલવે મંત્રાલય અનુસાર, હાઇડ્રોજન કમ્પ્રેશન સિસ્ટમને હાઇડ્રોજન ગૅસ ફિલિંગનું કામ સરળતાથી થતું રહે તેના માટે ઇન્સ્ટૉલ કરવામાં આવી છે.

આ સાથે, જરૂરી ટૅક્નિકલ સપોર્ટ અને જરૂરી સ્પૅરપાર્ટ્સ પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, કટોકટી માટે વધારાના કમ્પ્રેસરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ભારતીય રેલવે અનુસાર, હાલમાં, જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા વિશ્વના ફક્ત થોડા અને પસંદગીના દેશો જ તેનો ઉપયોગ કરી રહ્યા છે અથવા તેનું પરીક્ષણ કરી રહ્યા છે.

આ ટ્રેન શરૂ કરીને ભારત હવે વિશ્વના કેટલાક ખાસ દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જે પર્યાવરણ બચાવવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે.

હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?

સામાન્ય ટ્રેનો મોટેભાગે કોલસા, ડીઝલ અથવા વીજળી પર ચાલે છે. આ ટ્રેનોનાં ઍન્જિનમાંથી નીકળતા વાયુઓ કે ધુમાડા પ્રદૂષણનું કારણ બને છે.

ભારતીય રેલવેએ કહ્યું છે કે હાઇડ્રોજન ટ્રેનમાં એક ખાસ ફ્યૂઅલ સેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૅક્નૉલૉજી હાઇડ્રોજન ગૅસની મદદથી રાસાયણિક પ્રતિક્રિયા કરીને આપમેળે વીજળી ઉત્પન્ન કરે છે અને ટ્રેન ચાલે છે.

ડીઝલ ઍન્જિન કાળો ધુમાડો બહાર કાઢે છે, ત્યારે હાઇડ્રોજન ઍન્જિન ફક્ત પાણીની વરાળ બહાર કાઢે છે. અન્ય ઍન્જિનોથી વિપરીત, હાઇડ્રોજન ઍન્જિન પ્રદૂષણ કરતાં નથી.

'નૅશનલ હાઇડ્રોજન મિશન' શું છે?

હાઇડ્રોજન ટ્રેન

ઇમેજ સ્રોત, indianrailways

ભારતે ફેબ્રુઆરી 2022 માં 'નૅશનલ હાઇડ્રોજન મિશન'ની જાહેરાત કરી હતી. આ અંતર્ગત, ભારત 2030 સુધીમાં દર વર્ષે પાંચ મિલિયન ટન 'ગ્રીન હાઇડ્રોજન' ઉત્પન્ન કરી શકશે.

ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે પાણી અને સસ્તી વીજળીની જરૂર પડે છે. ભારત પાસે આ બંને સંસાધનો છે. ભારત પાસે ખૂબ લાંબો દરિયાકિનારો છે અને પુષ્કળ સૂર્યપ્રકાશ પણ છે.

સૌર ઉર્જા અને દરિયાઈ પાણી ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ભારત તેના કારણે એક ડગલું આગળ વધ્યું છે અને વૈશ્વિક સ્તરે 'ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન હબ' બનવા માટે તૈયાર છે.

અંદાજ કરતાં ઓછો ખર્ચ

હાઇડ્રોજન ટ્રેન

ઇમેજ સ્રોત, indianrailways

ફેબ્રુઆરી 2023માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં માહિતી આપી હતી કે ભારતીય રેલવેએ 'હાઇડ્રોજન ફૉર હેરિટેજ' યોજના હેઠળ તેના ઐતિહાસિક અને પહાડી માર્ગો પર 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ ટ્રેન બનાવવાનો ખર્ચ આશરે 80 કરોડ રૂપિયા અને રૂટ માટે જમીનની વ્યવસ્થા કરવા માટે 70 કરોડ રૂપિયાનો અંદાજ છે. આ ખર્ચ કુલ 150 કરોડ રૂપિયા થાય છે.

જોકે, પાછળથી, જિંદ-સોનીપત સેક્શન માટે નવી ટ્રેન બનાવવાને બદલે, રેલવે મંત્રાલયે હાલની ડીઝલ ટ્રેનનું ઍન્જિન બદલીને તેમાં હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ ટૅક્નૉલૉજી ફીટ કરી હતી. તેના કારણે પ્રોજેક્ટનો ખર્ચ 150 કરોડથી ઘટીને 111.83 કરોડ થયો.

111.83 કરોડ રૂપિયામાંથી, ટ્રેનની અંદર આ નવી હાઇડ્રોજન ટૅક્નૉલૉજી ફીટ કરવા માટે કેટલોક ખર્ચ કરવામાં આવ્યો હતો. બાકીનો ખર્ચ જમીન પર અન્ય વ્યવસ્થાઓ ઊભી પર કરવામાં આવ્યો હતો. જિંદ સ્ટેશન પર હાઇડ્રોજન ગૅસ સ્ટોર કરવા માટે સ્ટોરેજ ટાંકી સ્થાપિત કરવામાં આવી છે અને ટ્રેનમાં ગૅસ ફિલિંગ કરવાની સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે.

હવે સ્ટેશન અને હાઇડ્રોજન ટ્રેન તૈયાર છે, જે 17 જુલાઈથી હરિયાણાના જીંદથી સોનીપત સુધીની દૈનિક મુસાફરી કરશે.

પાઇલટ પ્રોજેક્ટ માટે જિંદને કેમ પસંદ કરવામાં આવ્યું?

હરિયાણાના ભાજપના રાજ્યસભા સભ્ય સંજય ભાટિયાએ બીબીસી પંજાબી સાથે વાત કરતાં કહ્યું કે, "જિંદ ભૌગોલિક રીતે હરિયાણાના બાકીના જિલ્લાઓ કરતાં વધુ સારી સ્થિતિમાં છે."

"એવું લાગે છે કે શહેરી વસ્તીની સાથે ગ્રામીણ વસ્તી પણ સૌથી વધુ પ્રભાવિત થઈ રહી છે. આથી, કેન્દ્ર સરકારે જિંદને મુખ્ય સ્થળ તરીકે રાખીને અહીંથી હાઇડ્રોજન ટ્રેન ચલાવવાનું વિચાર્યું છે."

આ ઉપરાંત, તેમણે કહ્યું કે રાજ્યની પાછલી સરકારો જિંદ માટે કોઈ મોટો પ્રોજેક્ટ લાવી શકી નથી જેનાથી અહીં રોજગારની તકો વધી હોત.

સંજય ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં રેલ પરિવહન માટે ઇલેક્ટ્રિક વાયર હજુ સુધી નાખવામાં આવ્યા નથી, ત્યાં હાઇડ્રોજન ટ્રેનો ડીઝલ કરતાં વધુ સારી છે. જિંદ પણ આવા વિસ્તારોમાંથી જ એક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન