'હું બધાં કામ ટ્રમ્પ જે ઇચ્છે છે તે પ્રમાણે નથી કરતો', નેતન્યાહૂએ શા માટે આવું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે લોકો એવું સમજે છે કે તેઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાના કહ્યા પ્રમાણે કામ કરે છે, જ્યારે એવું નથી. નેતન્યાહૂએ જણાવ્યું છે કે તેઓ અમેરિકાની દરેક ઇચ્છા પ્રમાણે કામ કરતા નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ દ્વારા જાહેરમાં તેમની ટીકા કરવામાં આવ્યા બાદ નેતન્યાહૂનું આ નિવેદન આવ્યું છે.

નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો હાંસલ કરવા દેશે નહીં અને જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી ઇઝરાયલની સેના દક્ષિણ લેબનોનમાં હાજર રહેશે.

જેરુસલેમમાં આંતરરાષ્ટ્રીય નીતિ સમિટમાં નેતન્યાહૂએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી. તેમણે લગભગ 50 વર્ષ પહેલાં એક અભિયાન દરમિયાન તેમના ભાઈ યોની નેતન્યાહૂના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો.

નેતન્યાહૂએ શું કહ્યું?

જેરુસલેમમાં જેએનએસ સમિટને સંબોધતા, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકામાં લોકો કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ બધું જ કરે છે જે હું તેમને કહું છું. આવું જ ઇઝરાયેલના લોકો પણ સમજે છે કે હું એ બધું કરું છું જે ટ્રમ્પ ઇચ્છે છે. પરંતુ આ બંનેમાંથી એક પણ વાત સાચી નથી."

તેમણે કહ્યું, અમે સ્વતંત્ર અને ગૌરવશાળી દેશોના નેતા છીએ. ક્યારેક અમારાં મંતવ્યો એકબીજાંથી અલગ હોય છે. અમે અમારાં હિત માટે ઊભા રહીએ છીએ. હું ઇઝરાયલનાં હિતો અને સુરક્ષા માટે ઊભો રહીશ."

"ઘણી વાર અમારા વિચારો એક જેવા હોય છે. પરંતુ કેટલીક વાર એવું નથી પણ હોતું. અમે એકબીજાનાં સંપ્રભુતા, નેતૃત્વ અને અમારા લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આદર કરીએ છીએ."

આ પ્રસંગે બેન્જામિન નેતન્યાહૂએ તેમના ભાઈ યોની નેતન્યાહૂને પણ યાદ કર્યા અને તેમને "દેશના હીરો" ગણાવ્યા. નેતન્યાહૂએ ફરીથી એકવાર કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત હાંસલ નહીં થવા દઈએ.

તેમણે કહ્યું," અમે દક્ષિણમાં લેબનોનના સુરક્ષા ક્ષેત્રમાં ત્યાં સુધી રહીશું જ્યાં સુધી ઉત્તરમાં રહેનારા અમારા લોકો અને સમગ્ર દેશના નાગરિકોને રક્ષણની જરૂર હશે."

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં નેતન્યાહૂની ટીકા કરી હતી અને ત્યારબાદ ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ઇઝરાયલના નેતાઓને અમેરિકા પર મૌખિક હુમલાઓથી દૂર રહેવા સલાહ આપી હતી.

આ નિવેદનો પછી પહેલીવાર નેતન્યાહૂએ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો અંગે જાહેર નિવેદન આપ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે 'સમગ્ર વિસ્તારનો નાશ કરવો એ સમજદારી નથી.'

ટ્રમ્પ અને જેડી વેન્સે શું કહ્યું?

આ અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને સૂચના આપી હતી કે તેમને લેબનોન અને હિઝબુલ્લાહ સંબંધિત બાબતોમાં વધુ જવાબદાર બનવાની જરૂર છે.

ગયા અઠવાડિયે જી-7 સમિટમાં પત્રકારો સાથે વાત કરતી વખતે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે લેબનોનમાં ઇઝરાયલના હુમલા બિનજરૂરી હતા.

ટ્રમ્પે ઇઝરાયલ વિશે કહ્યું, "ઇઝરાયલ ઘણા લાંબા સમયથી હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે અને તેના કારણે ઘણા લોકો માર્યા ગયા છે. જ્યારે તમે કોઈને શોધી રહ્યા છો, ત્યારે આખા વિસ્તારનો નાશ કરવો તે સમજદારીભર્યું પગલું નથી કારણ કે ત્યાં નાગરિકો રહે છે. ત્યાં રહેતી દરેક વ્યક્તિ હિઝબુલ્લાહની નથી."

તેમણે કહ્યું "હું ઇઝરાયલને સલાહ આપું છું કે સીરિયાને હિઝબુલ્લાહ સામે લડવા દે. મને લાગે છે કે તેઓ આ કામ ઇઝરાયેલ કરતાં વધુ સારી રીતે કરી શકે છે. ડિલ સાઇન થઈ રહી હતી તે જ સમયે બૈરૂતમાં હુમલો થયો. મને આ ગમ્યું નહીં, મેં તેમને આ અંગે જણાવી દીધું છે."

તેમણે આગળ કહ્યું, "અમારા વિના ઇઝરાયલ જ ન હોત. મારા વગર ઇઝરાયલ ન હોત કારણ કે તેમના માટે કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ તેવું નથી કર્યું જેવુ મેં કર્યું છે."

નેતન્યાહૂ સાથેના પોતાના સંબંધો વિશે બોલતા ટ્રમ્પે કહ્યું, "મારા બીબી (બેન્જામિન નેતન્યાહૂ) સાથે ખૂબ સારા સંબંધો છે. પરંતુ બીબીએ લેબનોનમાં વધુ જવાબદાર બનવાની જરૂર છે. લેબનોન એક સમયે દિગ્ગજ પ્રોફેસરો, ડૉકટરો અને વકીલો ધરાવતો એક મહાન દેશ હતો."

"તે પહેલા બુદ્ધિજીવીઓનો દેશ હતો. પરંતુ હવે ત્યાંની પરિસ્થિતિ ભયંકર છે. લેબનોને ઘણું સહન કરવું પડ્યું છે. તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા નથી. તેમની પાસે હિઝબુલ્લાહ છે, જે તેમના માટે સમસ્યા બન્યું છે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પછી, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ગુરુવારે બેન્જામિન નેતન્યાહૂને ચેતવણી આપી હતી.

ગુરુવારે, અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે 45 મિનિટની એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જ્યાં તેમણે ઈરાન સાથેના કરારની વિગતવાર માહિતી આપી હતી. તેમણે અમેરિકાના નજીકના સાથી ઇઝરાયલ અને તેના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ સલાહ આપી હતી.

તેમણે કહ્યું, "સૌ પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવા નેતા છે જે ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન બતાવી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતા પણ છે."

અમેરિકન રાષ્ટ્રપતિની ટીકા કરનારા ઇઝરાયલી મંત્રીઓને સંબોધતા વેન્સે કહ્યું, "છેલ્લા ત્રણ મહિનામાં તમારા દેશનું રક્ષણ કરનારાં બે તૃતીયાંશ સંરક્ષણ સાધનો અમેરિકનો દ્વારા બનાવવામાં આવ્યાં છે. તેનો ખર્ચ અમેરિકન કરદાતાઓ દ્વારા ચૂકવવામાં આવ્યો છે."

ખરેખરમાં, ઇઝરાયલી કૅબિનેટના કેટલાક સભ્યોએ અમેરિકા-ઈરાન કરાર સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરી છે. નેતન્યાહૂ પોતે આ પગલાંથી ખુશ નથી લાગતા અને તેમણે ઈરાન સામે પોતાનું આક્રમક વલણ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે.

બેન્જામિન નેતન્યાહૂના ભાઈનું શું થયું હતું?

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, "50 વર્ષ પહેલાં મેં મારા મોટા ભાઈ, ઇઝરાયલના હીરો લેફ્ટનન્ટ કર્નલ યોની નેતન્યાહૂને ગુમાવ્યા હતા. તેમની યાદ હંમેશાં અમારી સાથે છે."

1976માં ઍર ફ્રાન્સની એક ફ્લાઇટનું હાઇજેક કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા ઇઝરાયલી નાગરિકો સવાર હતા. ઇઝરાયલે તેમને બચાવવા માટે એક ઑપરેશન શરૂ કર્યું અને લેફ્ટનન્ટ કર્નલ યોનાથન નેતન્યાહૂને ફિલ્ડ ઑપરેશનના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા.

આ ઑપરેશનમાં, ઇઝરાયલ પોતાના બંધકોને છોડાવવામાં સફળ રહ્યું, પરંતુ સમગ્ર આ ઑપરેશનમાં ફક્ત એક જ ઇઝરાયલી સૈનિક માર્યો ગયો, જે કર્નલ નેતન્યાહૂ હતા.

અપહરણકર્તાઓએ વિમાનને લિબિયાના બેનગાઝી શહેર જવાનો આદેશ આપ્યો. બેનગાઝીમાં ઈંધણ ભર્યા પછી અપહરણકર્તાઓએ પાઇલટને વિમાનને યુગાન્ડાના એન્તેબે ઍરપૉર્ટ પર લઈ જવાનો આદેશ આપ્યો.

તે સમયે યુગાન્ડામાં સરમુખત્યાર ઇદી અમીનનું શાસન હતું જેમને અપહરણકર્તાઓ પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ હતી.

ઇઝરાયલથી લગભગ ચાર હજાર કિલોમીટર દૂર જઈને પોતાના લોકોને બચાવવાનું અને પછી ત્યાંથી પાછા ફરવાનું મિશન ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ઇઝરાયલે તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન