આગ અને ભેજથી પણ ખરાબ ન થાય એવું ઘર, ડાંગરના ફોતરાંમાંથી બનેલી પેનલોથી મકાન કેવી રીતે બને છે?

ઇમેજ સ્રોત, Modern Mill
- લેેખક, નિક ઍસ્પિનવૉલ
- પદ, બીબીસી ફ્યુચર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ભારતમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં કૃષિક્ષેત્રમાં નકામા ગણાતા અને ઉપયોગમાં લેવામાં મુશ્કેલ ગણાતા ડાંગરની કુસકી જેવા કચરામાંથી હવે મજબૂત અને ટકાઉ બાંધકામસામગ્રી બનાવવામાં આવી રહી છે.
2023માં ડેવિડ ફાઇન એક મુસીબતમાં મૂકાયા. અમેરિકાના યુટાહ રાજ્યના પાર્ક સિટીમાં આવેલા લક્ઝરી સ્કી કૉન્ડો (બરફ પર સ્કીઇંગ કરવા આવતા લોકો માટેનાં વૈભવી નિવાસસ્થાનો)ના એક સંકુલના નવીનીકરણનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. પરંતુ ઇમારતના નવીનીકરણ માટેની જરૂરિયાતો પૂરી કરવાનું મુશ્કેલ બની રહ્યું હતું.
નગરમાં શિયાળા દરમિયાન મહિનાઓ સુધી ખડકાયેલા રહેતા, બારીક અને પાવડર જેવા બરફને કારણે જૂનાં કૉન્ડોમાં સડો થવા લાગ્યો હતો.
બીજી તરફ, ઘરમાલિકોના સંગઠને એવી બાંધકામસામગ્રી શોધવા માટે આખું એક વર્ષ ખર્ચી કાઢ્યું હતું, જે ભેજ સામે ટકી શકે અને ઉનાળામાં આ પર્વતીય વિસ્તારમાં વારંવાર લાગતી જંગલની આગ સામે પણ રક્ષણ આપે.
તેમણે એક્સ્ટ્રૂડેડ ઍલ્યુમિનિયમ જેવી સામગ્રીનો વિચાર કર્યો. તે કૉન્ડોને આગથી બચાવી શકે તેમ હતું, પરંતુ દેખાવમાં કૃત્રિમ લાગત.
બીજી તરફ, દેવદારનાં લાકડાં જેવાં આવરણો દેખાવમાં વધુ આકર્ષક લાગત, પરંતુ આગ સામે રક્ષણ આપવાની તેમની ક્ષમતા પ્રમાણમાં ઓછી હતી.
આખરે તેમને એક વિચિત્ર લાગતો ઉકેલ મળ્યો: ડાંગરની કુસકી(ફોતરાં)માંથી બનાવેલાં પેનલ બોર્ડ! ડાંગરની ખેતી દરમિયાન નીકળતી આ આડપેદાશનો ઉપયોગ બાંધકામમાં કરવાનો હતો.
ફાઇન કહે છે, "તેમનો હેતુ એવી સામગ્રી શોધવાનો હતો, જે દેખાવમાં લાકડા જેવી હોય, સુંદર હોય અને પરંપરાગત લાકડાના આવરણ કરતાં આગ સામે થોડું વધુ રક્ષણ પૂરું પાડતી હોય." ડાંગરની કુસકીમાંથી બનેલી પેનલ આ બધી જ જરૂરિયાતો પૂરી કરતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સમયે નકામી ગણાતી અને પર્યાવરણને પ્રદૂષિત કરતી આ ડાંગરની કુસકી હવે બહુપયોગી અને ટકાઉ બાંધકામ સામગ્રી તરીકે ધ્યાન ખેંચી રહી છે. અમેરિકામાં હવે સેંકડો નવાં ઘરોમાં ડાંગરની કુસકીમાંથી બનાવેલી પેનલનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ ઉપરાંત, ઘરના આગળના ખુલ્લા ભાગમાં બનાવાતા પોર્ચથી લઈને બાળકોનાં રમતનાં મેદાનો સુધી, ડાંગરની કુસકીમાંથી બનેલી વિવિધ ચીજવસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે.
કેટલાક ડેવેલપરો પરંપરાગત સામગ્રીને બદલે ખેતીમાંથી નીકળતી આ નકામી ગણાતી પેદાશનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે?
ડાંગરની કુસકીમાંથી બનેલું ઘર

ઇમેજ સ્રોત, Modern Mill
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છોડ પર ઊગતી વખતે ડાંગરની કુસકી તેના દાણાને ભેજ અને જીવાતોથી રક્ષણ આપે છે. પરંતુ પાકની લણણી થઈ જાય પછી આ ભૂકીનો નિકાલ કરવો એ ખેતીજન્ય કચરાના સૌથી મુશ્કેલ પ્રશ્નોમાંનો એક બની જાય છે.
વિશ્વમાં દર વર્ષે આશરે 15 કરોડ ટન ડાંગરની કુસકી પેદા થાય છે. તેનો મોટો હિસ્સો ખેતરોમાં કે રસ્તાની બાજુએ બાળી નાખવામાં આવે છે. આથી માનવસ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે જોખમ ઊભાં થાય છે.
અમેરિકામાં દર વર્ષે આશરે 90 લાખ ટન ચોખાનું ઉત્પાદન થાય છે. ત્યાં ડાંગરની કુસકીનો ઉપયોગ કેટલીક વાર બાયોમાસ ઊર્જા પેદા કરવા માટે કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયા પછી બચતી રાખનો શો ઉપયોગ કરવો, એનો પણ હંમેશાં સ્પષ્ટ હોતું નથી.
આ સમસ્યાનો એક નવિન ઉકેલ એક કાંકરે બે પંખીનું નિશાન તાકે છે: ખેતીજન્ય કચરાનો પુનઃઉપયોગ અને તેને ભવિષ્ય માટે લાંબો સમય ટકી શકે એવી તેમજ પર્યાવરણને અનુકૂળ બાંધકામસામગ્રી તૈયાર કરવી.
ડાંગરનાં ફોતરાંમાંથી બનેલી પેનલો અને બાંધકામની અન્ય સામગ્રી ઉપરાંત, ડાંગરની કુસકી બાળ્યા પછી પેદા થતી રાખનો ઉપયોગ સિમેન્ટના વિકલ્પ તરીકે થઈ શકે છે, એમ સંશોધનો સૂચવે છે.
વિશ્વમાં કાર્બન ઉત્સર્જનના કુલ જથ્થામાં સિમેન્ટનો હિસ્સો આઠ ટકા જેટલો છે.
ક્રિસ્ટોફર ગિમોન્ડને જાણવા મળ્યું કે અમેરિકામાં ચોખાના ઉત્પાદકો આ કચરાને જમીનમાં જ સડવા દે છે.
ત્યારે તેમને ચોખાની આડપેદાશોમાં રસ પડ્યો.
આ પ્રક્રિયામાં પ્રદૂષણ ફેલાવતો મિથેન વાયુ છૂટે છે, જે એક શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુ છે.
ઍન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા ગિમોન્ડને ધીમે ધીમે લાગવા માંડ્યું કે ડાંગરની કુસકી મોટા પાયે બાંધકામમાં ઉપયોગ કરવા માટે એક આદર્શ સામગ્રી બની શકે છે.
તેઓ કહે છે, "જે વસ્તુને અત્યાર સુધી નકામી ગણીને ફેંકી દેવામાં આવતી હતી, તેના ગુણધર્મોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એ બાબતે મને ભારે આકર્ષણ હતું."
ગિમોન્ડ હવે મૉડર્ન મિલના મુખ્ય કાર્યકારી અધિકારી છે. ડાંગરની કુસકીમાંથી મોટા પાયે બાંધકામની સામગ્રી બનાવતી આ અમેરિકાની પ્રથમ કંપની છે.
2018માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં નવ મિલિયન કિલોગ્રામથી વધુ (આશરે 90 લાખ કિલોગ્રામ) ડાંગરની કુસકીને કચરાના ઢગલામાં જતી અટકાવી હોવાનું કંપનીનું કહેવું છે.
આ કુસકીનો ઉપયોગ ફાઇનના સ્કીઇંગ માટેના કૉન્ડોમાં લગાવેલી પેનલો બનાવવામાં પણ થયો છે.
વિશ્વના અન્ય ભાગોમાં પણ કેટલીક કંપનીઓ ડાંગરની કુસકીમાંથી વિવિધ પ્રકારની બાંધકામસામગ્રી બનાવે છે અથવા તેનો ઉપયોગ કરે છે.
તેમાં જર્મનીની રેસિસ્ટા અને ઇટાલીની ડિઝાઇન કંપની રાઇસહાઉસનો સમાવેશ થાય છે.
ઘરની બહાર પાથરવાનાં લાકડાનાં પાટિયાંથી લઈને રંગ બનાવવા સુધીના અનેક ઉપયોગો માટે આ સામગ્રી વપરાય છે.
મૉડર્ન મિલ તો ડાંગરની કુસકીમાંથી બાળકોનાં રમતનાં મેદાનો પણ બનાવી રહી છે.
ડાંગરની કુસકી પવન અને વરસાદથી ચોખાના કિંમતી દાણાનું રક્ષણ કરે છે.
તેમાં સિલિકાનું પ્રમાણ ઊંચું હોવાથી તે ભેજ અને સડાનો પ્રતિકાર પણ કરી શકે છે. આથી તેમાં પરંપરાગત બાંધકામસામગ્રી જેવા અનેક ગુણધર્મો કુદરતી રીતે જ હોય છે.
ગિમોન્ડ કહે છે, "ડાંગરની કુસકીનો મુખ્ય હેતુ ચોખા ઊગતા હોય ત્યારે તેમનું રક્ષણ કરવાનો છે. તો પછી તે શેની સામે રક્ષણ આપે છે? ભેજ, જીવાતો, સડો અને એવી બીજી બાબતો સામે."
ભેજથી રક્ષણ આપવા ઉપરાંત, સિલિકાનું ઊંચું પ્રમાણ ડાંગરની કુસકીને આગ સામે પણ આશ્ચર્યજનક રીતે ટકાઉ બનાવે છે, એમ ફાઇનનું કહેવું છે.
મૉડર્ન મિલની બનાવેલી સામગ્રીને વાઇલ્ડલૅન્ડ-અર્બન ઇન્ટરફેસ (WUI)નાં ધોરણો અનુસાર માન્યતા મળી છે.
તેનો અર્થ એ છે કે આ સામગ્રીએ કૅલિફોર્નિયામાં આગ સામે સલામતી માટેની નિર્ધારિત કસોટીઓ પાસ કરી છે.
ડાંગરની કુસકીના શું ફાયદા છે?

ઇમેજ સ્રોત, Modern Mill
લાંબા સમયથી લાકડાને બાંધકામ માટેની ટકાઉ સામગ્રી માનવામાં આવે છે.
ખંડીય આબોહવા ધરાવતા વિસ્તારોમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
કૉન્ક્રીટ અને સ્ટીલ જેવી સામગ્રીની સરખામણીએ તેના ઉપયોગથી કાર્બનનું ઉત્સર્જન પણ પ્રમાણમાં ઓછું થાય છે.
પરંતુ લાકડાના ઉપયોગની કેટલીક પર્યાવરણલક્ષી અને આર્થિક મર્યાદાઓ પણ છે. તેની કિંમતમાં અચાનક મોટો ઉછાળો આવી શકે છે. ઉપરાંત, જૂનાં અને પરિપક્વ જંગલોનો નાશ થવાથી તેમાં સંગ્રહાયેલો કાર્બન મુક્ત થાય છે અને વાતાવરણમાંથી કાર્બન શોષી લેવાની તેમની ક્ષમતા પણ ઘટે છે.
ડાંગરની કુસકી ઉપરાંત પણ બાંધકામમાં વાપરી શકાય એવી કેટલીક નવી અને અસામાન્ય સામગ્રી પર પ્રયોગો થઈ રહ્યા છે.
ગ્લોબલ સાઉથના દેશોમાં કૉન્ક્રીટ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઊગતાં, ધીમે વિકસતાં વૃક્ષોનાં મોંઘાં લાકડાંના વિકલ્પ તરીકે વાંસનો ઉપયોગ વધી રહ્યો છે.
જોકે, ડાંગરની કુસકીનો એક વિશિષ્ટ ફાયદો છે: તે પુષ્કળ પ્રમાણમાં અને ઓછા ખર્ચે ઉપલબ્ધ છે.
વળી, તે ચોખાના ઉત્પાદન દરમિયાન નીકળતી આડપેદાશ છે. તેનો ઉપયોગ કરવાથી કચરાના નિકાલની સમસ્યા પણ ઘટે છે.
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચોખા, ઘઉં અને મકાઈ જેવા પાકમાંથી મળતા રેસાયુક્ત અવશેષોને બાળી નાખવાને બદલે બાંધકામમાં વાપરવામાં આવે, તો તે વાતાવરણમાંથી કાર્બન ઘટાડવામાં નોંધપાત્ર ફાળો આપી શકે છે. આ અવશેષોમાં રહેલો કાર્બન દાયકાઓ સુધી બાંધકામની સામગ્રીમાં જળવાઈ રહી શકે છે.
જોકે, ડેવિસની યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયામાં સિવિલ ઍન્ડ ઍન્વાયર્નમેન્ટલ ઍન્જિનિયરિંગના પ્રોફેસર અને ટકાઉ બાંધકામસામગ્રીના નિષ્ણાત સેબી મિલર નોંધે છે કે કોઈ ચોક્કસ બાંધકામસામગ્રી ખરેખર ઓછી કાર્બન-ઉત્સર્જનવાળી છે કે નહીં, એ નક્કી કરવું એટલું સરળ નથી.
તેના માટે સામગ્રીના ઉત્પાદનથી માંડીને તેના ઉપયોગ અને નિકાલ સુધીની સમગ્ર પ્રક્રિયાનું વિગતવાર મૂલ્યાંકન કરવું પડે છે. તેને લાઇફ સાઇકલ અસેસમેન્ટ કહેવામાં આવે છે.
સંશોધનો દર્શાવે છે કે ગરમી અને અવાજના નિયંત્રણની બાબતમાં ડાંગરની કુસકીમાંથી બનેલી પેનલ પરંપરાગત સામગ્રી જેટલી જ સારી કામગીરી કરે છે. દાખલા તરીકે, ઇટાલીમાં રાઇસહાઉસ કંપનીએ તાજેતરમાં પૂર્ણ કરેલા કાસા એલએચ નામના પ્રોજેક્ટમાં ગરમી અને અવાજના નિયંત્રણ માટે કુસકીની પેનલનો ઉપયોગ કર્યો હતો.
આ ઘર અગાઉની ઇમારતના સ્થાને નવેસરથી બાંધવામાં આવ્યું છે. તેની દક્ષિણ તરફની વિશાળ બારીઓ અને ખુલ્લું રસોડું ઘરમાં સૂર્યપ્રકાશ તથા હવાને આવવા દે છે. પરંતુ તેના કારણે ઋતુ પ્રમાણે ગરમી વધે છે અને અવાજના પડઘા પણ પડે છે.
રાઇસહાઉસનાં કમ્યુનિકેશન અધિકારી વેલેન્ટિના સાવિઓલી કહે છે, "વધુ સારું ઇન્સ્યુલેશન મળે અને ઘરમાં અવાજની દૃષ્ટિએ આરામદાયક વાતાવરણ જળવાય, એ માટે અમારે બીજો કોઈ ઉપાય શોધવો જરૂરી હતો."
તેઓ ઉમેરે છે કે કુસકીમાંથી બનેલી સામગ્રીનો ઇન્સ્યુલેશન તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય સહેલાઈથી લઈ શકાયો, કારણ કે તેમાંથી પુષ્કળ પ્રમાણમાં સામગ્રી અને જૈવિક દ્રવ્ય મળી રહે છે.
જોકે, આવી સામગ્રીનો વ્યાપક ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે.
સાવિઓલીના જણાવ્યા પ્રમાણે, ઇટાલીના બાંધકામ કૉન્ટ્રાક્ટરો સામાન્ય રીતે ઓછી જાણીતી બાંધકામસામગ્રીનો ઉપયોગ કરતાં ખચકાય છે.
સેબી મિલરના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં પણ આવી જ આશંકાઓ જોવા મળે છે. આ ઉપરાંત, ખર્ચ જેવા અવરોધો પણ છે.
તેઓ કહે છે, "કોઈ સામગ્રી નિષ્ફળ જાય તો એનાથી ઍન્જિનિયરની વ્યાવસાયિક પ્રતિષ્ઠા જોખમાઈ શકે છે અથવા ભવિષ્યમાં તેને કામ મળવાની તકો ઘટી શકે છે. આવો ભય હોય ત્યારે એવી સામગ્રી વાપરતાં એન્જિનિયરો ખચકાય એ સ્વાભાવિક છે."
જોકે, મિલરના જણાવ્યા પ્રમાણે, "બાંધકામમાં ભાર ન વહન કરતા ભાગો માટે ડાંગરની કુસકીમાંથી બનેલી સામગ્રીને વ્યાપક સ્વીકાર મળવાની શક્યતા વધુ છે."
"મૉડર્ન મિલની પેનલ પણ આ જ પ્રકારની છે. ભાર વહન કરતા ભાગોમાં આવી સામગ્રીનો ઉપયોગ કરવા કરતાં ભાર ન વહન કરતા ભાગોમાં તેનો ઉપયોગ કરવો પ્રમાણમાં સરળ છે."
તેઓ કહે છે, "બીમ બનાવવા માટે નવી સામગ્રી અપનાવવા કરતાં ફ્લોર પર લગાવવા માટેની નવી ટાઇલની સામગ્રી અપનાવવી ઘણી સરળ છે."
કૉન્ક્રીટનો વિકલ્પ બની શકે?

ઇમેજ સ્રોત, Modern Mill
જોકે, અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં બાંધકામ માટે વૈકલ્પિક સામગ્રી વાપરવાની મંજૂરી છે. તેમાં માટી અને પાણીના મિશ્રણમાં રાસાયણિક પદાર્થો ઉમેરીને બનાવેલી માટીની ઈંટોનો સમાવેશ થાય છે. શણમાંથી બનતી બાંધકામસામગ્રીને પણ મંજૂરી આપવામાં આવે છે.
સંશોધકોએ સિમેન્ટના વિકલ્પ તરીકે ડાંગરની કુસકીની રાખનો ઉપયોગ કરવાની સંભાવનાઓનો પણ અભ્યાસ કર્યો છે. સિમેન્ટના મિશ્રણમાં આ રાખ ઉમેરી શકાય છે અથવા સિમેન્ટને સંપૂર્ણપણે બદલી શકાય છે. ખાસ કરીને માટીની ઈંટોને જોડવા માટે વપરાતા બંધક પદાર્થ (બાઈન્ડર) તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. આમ કરવાથી બાંધકામમાં જરૂરી સિમેન્ટનું પ્રમાણ ઘટશે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જન અને સામગ્રીનો ખર્ચ- બંને ઘટશે. આ રીતે ડાંગરની કુસકીનો ઉપયોગ માળખાકીય બાંધકામસામગ્રીના એક ઘટક તરીકે પણ થઈ શકશે.
2025ના એક અભ્યાસમાં ડાંગરની કુસકીની રાખ, લાકડાની રાખ અને ડાંગરની પરાળને ભેળવીને ઓછી કિંમતે એવી સામગ્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવાને બદલે વાતાવરણમાંથી કાર્બન દૂર કરવામાં મદદરૂપ થાય અને સિમેન્ટની જરૂરિયાતને જ દૂર કરી શકે.
ડાંગરની કુસકીમાંથી બનતી આવી સામગ્રીનો વિકાસ થાય, તો ગ્લોબલ સાઉથના દેશોના એવા વિસ્તારોમાં તેનો વિશેષ ઉપયોગ થઈ શકે, જ્યાં ચોખાના મોટા ભાગના કચરાને બાળી નાખવામાં આવે છે અને અબજો લોકોને રહેવા માટે પૂરતાં અને યોગ્ય આવાસ મળતાં નથી.
ઉદાહરણ તરીકે, આફ્રિકામાં સામાન્ય રીતે નવાં મકાનો બાંધવા માટે કૉન્ક્રીટનો ઉપયોગ થાય છે, પરંતુ બાંધકામની ગુણવત્તા નબળી હોય છે.
અમેરિકાના કોલોરાડો સ્થિત આવાસ ક્ષેત્રની બિનનફાકારક સંસ્થા 'બિલ્ડ ચેન્જ'નાં વૈશ્વિક જોડાણનાં નિયામક એરિયાના કરામાલિસ કહે છે, "આ તો જાણે બંને બાજુની સૌથી ખરાબ બાબતોનો સમન્વય હોય એવું છે." તેઓ ઉમેરે છે કે ડાંગરની કુસકી જેવી નવીન સામગ્રીનો ઉપયોગ કરતી વખતે પરવડે એવી કિંમત, મોટા પાયે ઉત્પાદન અને ઉપયોગની શક્યતા તથા સ્થાનિક સમુદાયની જરૂરિયાતો-આ બધાં વચ્ચે યોગ્ય સંતુલન સાધવું અત્યંત મહત્ત્વનું છે. સાથે જ, સૌથી વધુ અસુરક્ષિત સ્થિતિમાં જીવતા લોકો પર નવી પદ્ધતિઓના પ્રયોગો કરવાનું ટાળવું પણ એટલું જ જરૂરી છે.
ગ્લોબલ સાઉથના ચોખાનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં ડાંગરની કુસકીનો ઉપયોગ કરવાની લાંબા ગાળાની સૌથી વધુ સંભાવના હોઈ શકે છે, પરંતુ અમેરિકામાં તો તેનો ઉપયોગ ઇમારતોના બાંધકામમાં પહેલેથી જ થઈ રહ્યો છે.
પાર્ક સિટીમાં કૉન્ડોમિનિયમનો પ્રોજેક્ટ પૂરો થયા પછી ફાઇને બીજા પાંચ પ્રોજેક્ટમાં પણ ડાંગરની કુસકીમાંથી બનાવેલી પેનલોનો ઉપયોગ કર્યો છે.
આ ઉપરાંત, આવા કેટલાક વધુ પ્રોજેક્ટ હાથ ધરવાના છે.
ફાઇનના જણાવ્યા અનુસાર, દેવદારના લાકડાની સરખામણીએ આ પેનલો લગાવવાનો ખર્ચ થોડો વધારે છે, પરંતુ તે ભેજ, સૂર્યપ્રકાશ અને આગ સામે ટકી શકતી હોવાથી લાંબા ગાળે તેની જાળવણીનો ખર્ચ ઓછો આવે છે.
તેમનું માનવું છે કે ડાંગરની કુસકીમાંથી બનતી આ સામગ્રી ટૂંક સમયમાં બજારમાં દેવદારના લાકડાની સાથે કિંમતની દૃષ્ટિએ સ્પર્ધા કરી શકે એવી સ્થિતિમાં આવી જશે. વધુ લોકોને તેને લગાવવાની પદ્ધતિની જાણ થશે, તેમ તેની કિંમત દેવદારના લાકડા કરતાં પણ ઓછી થવાની શક્યતા છે.
ફાઇન કહે છે, "હું હંમેશાં એવી સામગ્રી બજારમાં લાવવાના રસ્તા શોધતો રહું છું, જે લાંબા સમય સુધી ટકી રહે- એટલે કે, મારા મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી."
તેમના મતે, ડાંગરની કુસકીમાંથી બનતી સામગ્રી આવી જ એક સામગ્રી સાબિત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























