અભિજિત દીપકેનો આરોપ, 'હું જ્યાં રોકાયો છું, ત્યાં ચારે તરફ સાદા વેશમાં પોલીસે ઘેરાવ કર્યો છે' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હીમાં જ્યાં તેઓ રોકાયા છે, ત્યાં ચારેય તરફ સાદાં કપડાંમાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
અભિજિત દીપકેએ શુક્રવારે સાંજે 5 વાગ્યે દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 'લહેરા દો તિરંગા' માર્ચ યોજવાનું આહ્વાન કર્યું છે.
દીપકેએ ગુરુવારે રાત્રે ઍક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, "હું જ્યાં રોકાયો છું, તે સ્થળને ચારે તરફથી સાદાં કપડાંમાં પોલીસકર્મીઓએ ઘેરી લીધું છે. તેઓ સતત મારા પર નજર રાખી રહ્યા છે. સફેદ રંગની સ્કૉર્પિયો પણ દરેક જગ્યાએ મારો પીછો કરી રહી છે."
સેન્ટ્રલ પાર્કને 16 અને 17 ઑક્ટોબર, એટલે કે શુક્રવાર અને શનિવારે બંધ રાખવાના એનડીએમસીના નિર્ણય પર કટાક્ષ કરતાં તેમણે બીજી એક પોસ્ટમાં લખ્યું, "જો અમે 100 જગ્યાઓનાં નામ જાહેર કરી દઈએ, તો શું નરેન્દ્ર મોદી તે તમામ 100 જગ્યાઓ પણ બંધ કરાવી દેશે?"
સીજેપીના પ્રદર્શન પહેલાં દિલ્હીનો કનૉટ પ્લેસ સેન્ટ્રલ પાર્ક બે દિવસ માટે બંધ, પ્રતિબંધાત્મક આદેશ લાગુ

ઇમેજ સ્રોત, ANI
16 ઑક્ટોબરે દિલ્હીના કનૉટ પ્લેસસ્થિત સેન્ટ્રલ પાર્કમાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બીએનએસની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ (નિષેધાજ્ઞા) જારી કરવામાં આવ્યો છે.
સાથે જ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી)એ મધ્ય દિલ્હીના આ લોકપ્રિય પાર્કને બે દિવસ માટે બંધ કરી દીધો છે.
ગુરુવારે દિલ્હીનાં ડીસીપી (પીઆરઓ) નેહા યાદવે કહ્યું, "16 ઑક્ટોબર, 2026ના રોજ સીજેપીએ સોશિયલ મીડિયા અને પ્રેસ કૉન્ફરન્સ દ્વારા સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ સાંજે 5 વાગ્યે રાષ્ટ્રીય તિરંગા સાથે કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં એકત્ર થાય. આમ આદમી પાર્ટીએ પણ પોતાના કાર્યકરો, સમર્થકો અને સામાન્ય લોકોને આ વિરોધપ્રદર્શનમાં જોડાવા અને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે."
"હાલની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કનૉટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં પહેલેથી જ પ્રતિબંધાત્મક આદેશ લાગુ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીસીપીએ જણાવ્યું કે, એનડીએમસીએ દિલ્હી પોલીસને સત્તાવાર પત્ર દ્વારા જાણ કરી છે કે વહીવટી કારણોસર સેન્ટ્રલ પાર્ક 16 અને 17 ઑક્ટોબરે બંધ રહેશે.
ડીસીપી નેહા યાદવે જણાવ્યું કે, કનૉટ પ્લેસ અને તેની આસપાસનાં અનેક બજાર સંગઠનોએ પોતાની દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને તોફાની તત્ત્વો અને ગેરકાયદેસર ભેગા થનારા લોકોથી સુરક્ષિત રાખવા માટે સુરક્ષાની માગ કરી છે.
તેમણે લોકોને આ ભેગામાં સામેલ ન થવાની અપીલ કરી છે અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે તેવી ચેતવણી પણ આપી છે.
જોકે, તેમણે કહ્યું, "દિલ્હી પોલીસ રાષ્ટ્રીય ધ્વજ સાથે રાષ્ટ્રગાન ગાવાના હેતુસર કેટલાક પસંદગીના લોકોને કોઈ યોગ્ય સ્થળે એકત્ર થવાની મંજૂરી આપવા અંગેની વ્યવસ્થા પર વિચાર કરી શકે છે."
સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગ્યાના અહેવાલો પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી આ સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મીડિયા અહેવાલો અંગે સ્પષ્ટતા કરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગૃહ સચિવે અવમાનનાની નોટિસના જવાબમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે.
મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અવમાનનાના કેસોમાં જવાબ દાખલ કરતી વખતે સોગંદનામાના પ્રથમ પરિચ્છેદમાં બિનશરતી માફીનો ઉલ્લેખ કરવો એ એક નિર્ધારિત પ્રક્રિયા છે.
નિવેદન અનુસાર, "ગૃહ સચિવ, પોલીસ કમિશનર અને અન્ય સંબંધિત અધિકારીઓ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના પ્રથમ પરિચ્છેદમાં આ જ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સોગંદનામાઓમાં હકીકતોને વિગતવાર રજૂ કરવામાં આવી છે."
"સોગંદનામાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકાર અને પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરી છે અને તેમના વિરુદ્ધ અદાલતની અવમાનનાનો કોઈ કેસ બનતો નથી."
આ મામલો કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નાં વિરોધપ્રદર્શનો દરમિયાન મધ્ય દિલ્હીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવવા સાથે સંબંધિત છે.
આ કેસની સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી અંગે વકીલ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અદાલત પરિસરમાં પહોંચ્યા બાદ તેમને સમાચાર ચૅનલો અને અખબારો મારફતે ખબર પડી હતી કે, સરકારે પહેલેથી જ સોગંદનામું દાખલ કરીને બિનશરતી માફી માંગી છે અને અદાલત પાસે કેટલાક નિર્દેશો આપવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે, સુનાવણી દરમિયાન આઇટમ નંબર 22 પર ચર્ચા શરૂ થતાં અદાલતમાં ભારે હલચલ જોવા મળી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આઇટમ નંબર 23 અને તેની સાથે સંકળાયેલા કેસોમાં નોટિસો જારી કરી હતી.
દિલ્હીમાં કૉક્રોચ જનતા પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં હંગામો, શું થયું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
16 ઑક્ટોબર, શુક્રવારે દિલ્હીમાં પ્રદર્શનના આહ્વાનના એક દિવસ પહેલાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું.
આ પ્રેસ કૉન્ફરન્સમાં સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, આઈસાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા, અભિનેતા પ્રકાશ રાજ, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ તેમજ વામપંથી વિદ્યાર્થી સંગઠનોના નેતાઓ સહિત અનેક લોકો હાજર હતા.
દિલ્હીની પ્રેસ ક્લબમાં આયોજિત આ પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે નેહા બોરાએ બોલવાનું શરૂ કર્યું, ત્યારે હંગામાની સ્થિતિ સર્જાઈ ગઈ અને થોડા સમય માટે પ્રેસ કૉન્ફરન્સમાં વિક્ષેપ પડ્યો.
આ પહેલાં નેહા બોરાએ કહ્યું હતું કે, મતદાનનો અધિકાર એક મૂળભૂત અધિકાર છે અને જ્યારે આશુતોષ રાંકા તથા સૌરવ દાસને જેલમાં મોકલવામાં આવે છે અને લોકોને રસ્તાઓ પર ઢસડવામાં આવે છે, ત્યારે જેમનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે, તેવા 13 કરોડ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે.
પરંતુ એ દરમિયાન એક પત્રકારે પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દીધું, જેના જવાબમાં નેહા બોરાએ કહ્યું કે પ્રેસ કૉન્ફરન્સનો નિયમ એવો છે કે, પ્રશ્નોત્તરી અંતમાં કરવામાં આવે છે.
જોકે, હોબાળો વધતાં બધા લોકો ઊભા થઈ ગયા હતા.
અભિજિત દીપકેએ વચ્ચે ઊભા થઈને લોકોને શાંત કરવા પડ્યા હતા.
ત્યારબાદ તરત જ તેમણે મીડિયાને સંબોધન કરવાનું શરૂ કર્યું અને સરકાર પર "સરમુખત્યારશાહી" અપનાવવાનો આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને જ્ઞાનેશકુમારને નોટિસ આપી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ જારી કરી છે.
SIR દરમિયાન મોટા પાયે મતદારોના નામ કાપી નાખવાના અને કથિત અનિયમિતતાઓને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન અદાલતે આ નોટિસ જારી કરી છે.
બાર ઍન્ડ બૅન્ચના જણાવ્યા અનુસાર, આ અરજીઓ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી જવાબ માંગ્યો છે.
આ સાથે, અદાલતે આ અરજીઓને વિવિધ રાજ્યોમાં SIRની કાયદેસરતાને પડકારતી અગાઉથી પેન્ડિંગ અરજીઓ સાથે સાંકળી દીધી છે.
સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું હતું કે અરજીઓ પર નોટિસ આપવામાં આવી રહી છે અને તેમને પહેલેથી પેન્ડિંગ કેસો સાથે જોડવામાં આવશે.
અદાલતે એ પણ નિર્દેશ આપ્યો હતો કે ચૂંટણીપંચ તરફથી કોઈ વ્યક્તિ નોટિસ સ્વીકારે, અન્યથા પંચને નોટિસની તામીલ કરાવવામાં આવે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક અરજદારના વર્તન અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. જોકે, ખંડપીઠે સ્પષ્ટ કર્યું નહોતું કે તે કયા અરજદારની વાત કરી રહી હતી.
અદાલતે કહ્યું હતું, "આગામી સુનાવણીમાં સંબંધિત અરજદાર પાસેથી તેના વર્તન અંગે સ્પષ્ટતા માંગવામાં આવશે."
ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે નોટિસ આપવાનો અર્થ એવો નથી કે અદાલત કોઈ નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે અથવા કોઈની નિંદા કરી રહી છે.
ખંડપીઠે કહ્યું હતું કે સંબંધિત અરજદારના મામલે નોટિસને હાલ કામચલાઉ ધોરણે સ્વીકારવામાં આવશે અને તે તેના વર્તન અંગેની સ્પષ્ટતા પર નિર્ભર રહેશે.
આ મામલે અરજી દાખલ કરનાર અન્ય નેતાઓમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કૉંગ્રેસના નેતા સૌગત રૉય, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ અને શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતનો સમાવેશ થાય છે.
સુરતમાં કામદારોના આંદોલનની શરૂઆત પહેલાં અનેકની અટકાયત

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટના કામદારો આજે પગાર અને રજાના મામલે કલેક્ટર કચેરીએ એકઠા થઈને ધરણાં કરવાના હતા, પરંતુ સવારથી જ પોલીસ દ્વારા કામદાર આગેવાનો અને કામદારોની અટકાયત કરવામાં આવી રહી છે.
કામદાર સંગઠન ઇન્ટુક સાથે સંકળાયેલા આગેવાન નૈષધ દેસાઈએ બીબીસીને જણાવ્યું કે, "શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં શ્રમિકોની અટકાયત કરવામાં આવી રહી છે જેથી તેઓ કલેક્ટર કચેરીએ ધરણા માટે પહોંચી ન શકે."
"આજે લગભગ 10 હજારથી વધારે કામદારો એકઠા થઈને પોતાના અધિકારોની માંગણી કરવાના હતા."
મજદૂર સંઘર્ષ સમિતિ સાથે સંકળાયેલા શરદ ઝઘડેએ જણાવ્યું કે "આજે મોટી સંખ્યામાં કામદારો કલેક્ટર કચેરી પર આવવાના હતા અને બે દિવસ અગાઉ તેમણે પોતાના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. મજૂરો સપ્તાહમાં એક દિવસની ચાલુ પગારે રજા તથા એકથી સાત તારીખ સુધીમાં પગાર થઈ જાય તેવી માંગણી કરી રહ્યા છે."
આ વિશે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે "કલેક્ટર કચેરી પર આવેલા લગભગ 15 કામદારોની અટકાયત કરીને તેમને બસમાં બેસાડી દેવાયા છે. આ કારીગરો કયા વિસ્તારથી આવ્યા છે તે જાણવાનું હજુ બાકી છે."
શહેરમાં અત્યાર સુધીમાં કેટલા કામદારોની અટકાયત થઈ અને તેમને શા માટે કલેક્ટર કચેરીએ જતા રોકવામાં આવ્યા છે તે બાબતે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે કામદારો એ રેલી કે ધરણાં માટે કોઈ મંજૂરી લીધી ના હોવાથી તેમની રેલી અગાઉ અટકાયત કરાઈ છે.
જે.પી. નડ્ડાએ કઈ બાબતે કહ્યું - 'ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો'

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે તે 13.39 કરોડ ભારતીયોને "ઘૂસણખોર" કહ્યા નથી, જેમનાં નામ ડ્રાફ્ટ રોલમાં નહોતાં.
હકીકતમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી દ્વારા એસઆઇઆર પ્રક્રિયામાં બહાર રહેલા 13.3 કરોડ ભારતીયોને "ઘૂસણખોર" ઘોષિત કરવા એ ભારતીયતાનું અપમાન છે.
બીજી તરફ, જે.પી. નડ્ડાએ દાવો કર્યો છે કે 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ રોલમાં તેમને 'ગેરહાજર/સ્થળાંતરિત/મૃત/નકલી' શ્રેણીમાં ચિહ્નિત કરવામાં આવ્યાં છે.
જે.પી. નડ્ડાએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ખડગેજી, જૂઠ બોલવાનું બંધ કરો! ગૃહમંત્રી અમિત શાહજીએ ક્યારેય 13.39 કરોડ ભારતીયોને 'ઘૂસણખોર' કહ્યા નથી."
તેમણે વધુમાં લખ્યું, "ચૂંટણીપંચે સ્પષ્ટ જણાવ્યું છે કે આ 13.39 કરોડ નામો અંતિમ કાપ નથી, પરંતુ ડ્રાફ્ટ મતદારયાદીમાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અથવા નકલી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમાં 2.80 કરોડ મૃત, 6.30 કરોડ કાયમી રીતે સ્થળાંતરિત, 3.01 કરોડ ગેરહાજર અને 1.02 કરોડ નકલી નામો સામેલ છે."
તેમણે લખ્યું, "ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાનની લોકપ્રિયતાને એસઆઇઆરનું પરિણામ કહીને નકારી કાઢવું એ કૉંગ્રેસની નિરાશા દર્શાવે છે. એસઆઇઆરની પ્રક્રિયા તો 2024 બાદ શરૂ થઈ હતી, જ્યારે ગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લાં 31 વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી. ત્રિપુરામાં છેલ્લાં 33 વર્ષથી કૉંગ્રેસનો કોઈ મુખ્ય મંત્રી બન્યો નથી અને પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસને છેલ્લાં 54 વર્ષથી કોઈ જીત મળી નથી."
"જનતાનો વિશ્વાસ મોદીજી, ભાજપ અને એનડીએ સાથે છે. 2029માં એનડીએ ફરી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે અને કૉંગ્રેસને સતત ચોથી હારનો સામનો કરવો પડશે."
જે.પી. નડ્ડાએ કહ્યું કે જનાદેશની હકીકતને આક્ષેપોથી બદલી શકાતી નથી.
દિલ્હી પ્રદર્શન : સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી પર ભારતે કહ્યું - 'આ અમારો આંતરિક મામલો છે'

ઇમેજ સ્રોત, Kabir Jhangiani/NurPhoto via Getty Images
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં હજારો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવાયા હોવા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયની ચિંતાને "અસ્વીકાર્ય" ગણાવી છે.
રણધીર જયસ્વાલે બુધવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે આ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ સમાન છે.
રણધીર જયસ્વાલે કહ્યું, "અમે અમારા પ્રેસ નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પાયાવિહોણી છે અને સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે તે ભારતના આંતરિક મામલામાં દખલગીરી સમાન છે."
"એવું લાગે છે કે તેમનો અભિગમ ખૂબ જ સિલેક્ટિવ છે, કારણ કે તેમણે વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલાં પ્રદર્શનો અથવા કાયદાકીય એજન્સીઓની કાર્યવાહી અંગે ન તો કોઈ પ્રતિક્રિયા આપી છે, ન તો જાહેરમાં કોઈ નિવેદન કર્યું છે."
તેમણે વધુમાં કહ્યું, "જો તેઓ આ જ માર્ગ પર આગળ વધતા રહેશે, તો સ્વાભાવિક છે કે તેનાથી વિવિધ દેશો વચ્ચે મળીને કામ કરવાની વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટશે. સાથે જ એક સંસ્થા તરીકે તેમની વિશ્વસનીયતા પણ નબળી પડશે."
ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા મોટા પાયે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને ચિંતા વ્યક્ત કરી હતી.
યુએન હ્યુમન રાઇટ્સે અટકાયતમાં લીધેલા લોકોને તાત્કાલિક અને બિનશરતી રીતે મુક્ત કરવાની માગ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























