થાનગઢ દલિત હત્યાકાંડ : દીકરાને ન્યાય અપાવવા 14 વર્ષથી લડતા પિતાએ છેવટે 'આત્મહત્યા' કેમ કરી?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, થાનગઢ (સુરેન્દ્રનગર)થી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની મધ્યમાં આવેલું રેલવે ફાટક દર અડધા કલાકે બંધ થાય છે અને ટ્રેન પસાર થઈ ગયા બાદ પાંચેક મિનિટમાં આ ફાટક ફરીથી ખુલી જાય છે.
26મી ઑગસ્ટની મોડી રાત્રે આ ફાટક નજીક બનેલી એક દુઃખદ ઘટનાને પગલે, ફાટકની ઉત્તર દિશામાં આવેલા આંબેડકરનગર વિસ્તારની એક શેરીમાં ભારે શોક છવાઈ ગયો હતો. બપોરના સમયે અમરશીભાઈ સુમરાના ઘરમાંથી તેમનાં પત્ની બાલુબહેનનો કાળજું કંપાવતો કરુણ રોકકળનો અવાજ આવી રહ્યો હતો.
ઘરની બહાર બેઠેલા પુરુષોમાંથી અમરશીભાઈના નાના ભાઈ વિનોદભાઈ કંઈક બોલવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ભારે હૈયે બોલતી વખતે તેમનો અવાજ રૂંધાઈ જતો હતો.
29 ઑગસ્ટે જ્યારે બીબીસી ગુજરાતીની ટીમે તેમની મુલાકાત લીધી, ત્યારે વિનોદભાઈનાં ચહેરા અને આંખોમાં પીડા અને આક્રોશ એકસાથે સ્પષ્ટ વર્તાતાં હતાં. બીજી તરફ, ઘરની અંદર બાલુબહેન ક્ષણભરમાં ગમગીન થઈ જતાં, તો બીજી જ ક્ષણે આક્રોશ સાથે ન્યાય માટે આખરી લડાઈ લડવાની વાત કરતાં હતાં.
ગુજરાત રેલવે પોલીસ (સુરેન્દ્રનગર)ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) સી. પી. બાવળિયાના જણાવ્યા અનુસાર, 53 વર્ષીય અમરશીભાઈએ 26 ઑગસ્ટની રાત્રે 10-22 વાગ્યે થાનગઢ ફાટક નજીક રેલવેના પાટા પર ઝંપલાવીને કથિત રીતે 'આત્મહત્યા' કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બર, 2012ના રોજ આ જ ફાટક પાસે દલિતો પર થયેલા કથિત ગોળીબારમાં અમરશીભાઈ અને બાલુબહેને તેમના એકના એક પુત્ર પંકજને ગુમાવ્યો હતો. તેના બીજા જ દિવસે થયેલા અન્ય એક કથિત પોલીસ ગોળીબારમાં એ જ સ્થળે વધુ બે દલિત યુવાનોનાં મોત નીપજતાં સમગ્ર થાનગઢમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
હવે 14 વર્ષ બાદ આ જ ફાટક પાસે પંકજના પિતાએ પણ કથિત રીતે આત્મહત્યા કરી લેતાં, તરણેતરના મેળાની એક ઘટનાથી શરૂ થયેલાં મોતના આ કરુણ ઘટનાક્રમમાં વધુ એક મોતનો ઉમેરો થયો છે. આ પૂર્વે, આ ઘટનાના અન્ય એક પીડિત પ્રકાશ પરમારના પિતા બાબુભાઈનું પણ 2015માં બીમારીના કારણે અવસાન થયું હતું.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમરશીભાઈએ શા માટે અંતિમ પગલું ભર્યું?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
પીએસઆઇ સી. પી. બાવળિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અમરશીભાઈએ રેલવે ફાટક નજીક એક એક્સ્પ્રેસ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અમરશીભાઇના ખિસ્સામાંથી કે ઘરેથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીએસઆઇએ જણાવ્યું, "મરણ જનારના ભાઈ વિનોદભાઈ લાખાભાઇ બગડાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, સન 2012માં પોલીસ ફાયરિંગમાં તેમના મરણ જનાર ભાઈ અમરશીભાઇ સુમરાના દીકરા પંકજનું અવસાન થયું હતું અને આ અવસાન થયા બાદ જયારે પણ તરણેતર મેળો નજીકમાં આવે ત્યારે તેઓ તેમના પુત્ર પંકજના વિયોગમાં માનસિક તણાવમાં રહેતા હતા... હાલમાં તરણેતર મેળો આવી રહ્યો છે. તેના કારણે તેમણે પુત્ર વિયોગમાં આપઘાત કર્યો હોવાનું તેમનું માનવું છે."
રક્ષાબંધન અને તરણેતરના મેળાનું શું કનેક્શન છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
બાલુબહેન કહે છે કે તેમના પતિ એ વાસ્તવિકતા ક્યારેય ન સ્વીકારી શક્યા કે તેમના દીકરાનું મોત થઇ ગયું છે.
સુમરા પરિવારના સભ્યો કહે છે કે, થોડા સમય પહેલાં આ દંપતીની દીકરી જ્યોતિનાં લગ્ન થઇ જતાં તેમની એકલતામાં વધારો થયો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં બાલુબહેને કહ્યું, "આજે 14-14 વરસ થઇ ગયાં. મારો એકનો એક દીકરો હતો. મારા પતિ એને ક્યારેય ભૂલી ન જ શક્યા. ગમે તે તહેવાર આવે, તેઓ તેની પાછળ ગાંડા થઇ જતા. તેમાં આ રક્ષાબંધનનો તહેવાર આવ્યો. એટલે અમારી દીકરી જ્યોતિને ફોન કરીને મારા પતિએ પૂછ્યું, કે તે ક્યારે આવે છે? એટલે જ્યોતિએ રડતાં રડતાં કહ્યું કે મારો એકનો એક ભાઈ જતો રહ્યો હવે હું કોને રાખડી બાંધું? તેમને એટલો બધો આઘાત લાગ્યો અને ઘરેથી નીકળી ગયા..."

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
બુધવારે સાંજે જમ્યા વગર જ ઘરેથી નીકળી ગયાના થોડાક જ કલાકો બાદ અમરશીભાઇ રેલવે ફાટક નજીક મૃત મળી આવ્યા હતા.
બાલુબહેન કહે છે, "મારો દીકરો નિર્દોષ હતો. સરકાર માન્ય (તરણેતરના) મેળાની મજા માણવા દેશ-વિદેશના લોકો પણ આવે છે. મારો છોકરો હસતાં-રમતાં મેળામાં આવ-જા કરતો હતો. તે કોઈ આતંકવાદી ન હતો. દલિત-ભરવાડ વચ્ચે નહીં જેવો ઝઘડો થયો. તેમાં ફાયરિંગ તો નહીં કરાય ને! મારો દીકરો 17 વરસનો હતો, સગીર હતો. કે.પી. જાડેજા (થાનગઢ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ)એ ફાયરિંગ કરીને મારા દીકરાની હત્યા કરી નાખી."
થાનગઢ ફાયરિંગની ઘટનામાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
થાનગઢના દલિત સમાજના આગેવાન દાનાભાઇ રાઠોડ કહે છે, "વર્ષ 2012માં તરણેતરના મેળા દરમિયાન ચકડોળમાં બેસવા કે પાણીની પિચકારી મારવા બાબતે થાનગઢના દલિત યુવકોને ભરવાડ સમાજના લોકો સાથે ઝઘડો થયો. એ ઝઘડો થયા પછી દલિત સમાજ 22 સપ્ટેમ્બર, 2012ના રોજ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા જતો હતો ત્યારે ભરવાડ સમાજે છેક ફાટક સુધી આવીને મારામારી કરી."
"એટલે સમાજ પાછો ફર્યો. ત્યાર પછી સમાજને એમ થયું કે હવે આ લોકો જતા રહ્યા છે એટલે પાછા ફરિયાદ દાખલ કરવા જઈએ. ત્યાં પોલીસ આવી ગઈ. સમાજ ફરિયાદ દાખલ કરવા જતો હતો, તે જોવા માટે અમરશીભાઇ સુમરાના છોકરા પંકજે ડોકું કાઢ્યું, ત્યાં તેના પર ફાયરિંગ થયું. તેને ગળામાં ગોળી લાગી અને તે મરી ગયો."

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
દાનાભાઇ કહે છે કે 23 સપ્ટેમ્બરે ફરી એક વાર દલિત સમાજ એકઠો થઈને પંકજ સુમરા પર થયેલા ફાયરિંગ સંદર્ભે પોલીસ સામે ફરિયાદ લખાવવા માટે એકઠો થયો.
તેઓ વધુમાં જણાવે છે, "તે દરમિયાન દલિતો અને પોલીસ વચ્ચે ફરી વાર ઘર્ષણ સર્જાયું. તે દરમિયાન પોલીસે ફરી વાર ફાયરિંગ કર્યું અને તેમાં મેહુલ રાઠોડ (17) અને પ્રકાશ પરમાર (26) નામના અન્ય બે દલિત છોકરા માર્યા ગયા."

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેહુલ રાઠોડ વાલજીભાઇ અને ચંદ્રિકાબહેનનો એક માત્ર દીકરો હતો.
ચંદ્રિકાબહેને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે મેળામાં થયેલી બોલાચાલી દરમિયાન તેમનો દીકરો ત્યાં હાજર હતો કે નહીં તેની તેમને ખબર નથી.
"મારા દીકરાને કોઈક ભાઈ બાઇકમાં બેસાડીને લઇ આવ્યા. તે બાવળમાં અદબ વાળીને નીચે બેઠો હતો. તે દરમિયાન આંબેડકરનગરમાંથી ટોળું આવ્યું એટલે પોલીસે સીધું ટોળા ઉપર ફાયરિંગ કર્યું. તેથી, મારો દીકરો ઊભો થયો અને સીધી ગોળી વાગી ગઈ... છાતીથી નીચે ફાયરિંગ કરી શકતા હતા. પણ છોકરાને મારવાની જ ગણતરી હતી એટલે ઉપરના ભાગે ફાયરિંગ કર્યું."
પ્રકાશ પરમાર ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો.
તેમનાં માતા મંજુબહેન કહે છે કે 23 સપ્ટેમ્બર, 2012ના રોજ પ્રકાશને દાઢ દુ:ખતી હતી અને તે દવા લેવા ફાટકની દક્ષિણ બાજુએ આવેલા સરકારી દવાખાને જવા નીકળ્યો પરંતુ ફાટક પાસે પોલીસ ફાયરિંગમાં તેનું મોત થઇ ગયું.
"અહીં (ફાટક પાસે) શું ચાલી રહ્યું હતું તેની અમને કાંઈ ખબર નહોતી. તે ઘરેથી નીકળી ગયો અને સરકારી દવાખાને દવા લેવા આવતો હતો." તેઓ કહે છે.
મંજુબહેન વધુમાં ઉમેરે છે, "પ્રકાશને ગોળી મારવામાં આવી ત્યારે તેને ત્રણેક વર્ષનો એક દીકરો હતો. પ્રકાશના મોત પછી તેના પરિવારનું શું થશે તેની ચિંતામાં મારા પતિ બાબુભાઇ બીમાર પડી ગયા અને 2015માં ગુજરી ગયા."
અમરશીભાઇ કેવી રીતે ભાંગી પડ્યા?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
વિનોદભાઈ કહે છે કે પોલીસ ફાયરિંગમાં પંકજનું મૃત્યુ થયું તે પહેલાં અમરશીભાઇ અને બાલુબહેન સિરામિક ફૅક્ટરીમાં કામ કરતાં હતાં. પરંતુ દીકરાના મોત બાદ તેઓ ક્યારેય ફૅક્ટરી પર કામ કરવા માટે ન ગયાં.
"ન્યાય માટે અમરશીભાઇ અવારનવાર સરકારમાં રજૂઆત કરતા. તેઓ ગાંધીનગર અને થાનગઢમાં ઉપવાસ પર પણ બેઠા હતા. પણ વર્ષે ને વર્ષે તરણેતરનો મેળો તો આવવાનો! એ મેળો આવે એટલે દીકરાની યાદ તાજી થાય. 2012થી આજની ઘડી સુધી અમરશીભાઈએ કોઈ દિવસ સારાં કપડાં નહોતાં પહેર્યાં. તેમનો એક જ ઉદ્દેશ હતો કે તેમના દીકરાને ન્યાય મળે. પરંતુ ન મળ્યો," વિનોદભાઈ જણાવે છે.
તેમણે ઉમેર્યું, "થોડા દિવસ પહેલાં તરણેતરનો મેળાની જાહેરાત થઈ અને પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. એટલે તેમણે દીકરીને કહ્યું કે આવી જા. દીકરીને થયું કે ભાઈ તો છે નહીં, તો રાખડી કોને બાંધવી? તેથી, અમરશીભાઈને આઘાત લાગ્યો કે 14-14 વર્ષથી ન્યાય મળતો નથી. તેઓ અંદરથી એકલા મૂંઝાતા. તેઓ દીકરીને કંઈ કહી શકતા નહોતા કે તેમની પત્નીને પણ કંઈ કહી શકતા નહોતા. સરકારને પણ ગરીબ માણસ શું કહી શકવાનો?"

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
તેઓ જણાવે છે કે, ફાટક નજીક જે જગ્યાએ પંકજ પર પોલીસ ફાયરિંગ થયું હતું તે જગ્યાએ બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે અમરશીભાઇ ઊભા હતા, તેવું કેટલાક લોકોએ જોયું હતું.
કથિત ફાયરિંગ થયું તે જગ્યાએ દલિત સમાજે 'શહીદ સ્મારક અને બુદ્ધ વિહાર'ની સ્થાપના કરી છે અને ત્યાં ત્રણેય મૃતકોની છબી અને તકતીઓ રાખી છે.
વિનોદભાઈએ કહ્યું કે અમરશીભાઇ બુધવારે રાત્રે તે જગ્યાએ પગે લાગવા પણ ગયા હતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વિનોદભાઈએ કહ્યું, "ન્યાય મળ્યો નહીં એટલે અમરશીભાઈને થયું કે, હવે હું પણ તમારી પાસે ત્યાં આવું છું. અમે અમરશીભાઈને ઘણી વાર સમજાવતા કે કુદરત ન્યાય આપશે... તેમણે 14 વરસ સહન કર્યું. હવે તેમનાથી સહન ન થયું. એટલે કોઈને કીધા વગર બુદ્ધ વિહારે પગે લાગ્યા બાદ જ્યારે ટ્રેન આવતી હતી ત્યારે વચ્ચે ઊભા રહી ગયા."
બાલુબહેન કહે છે કે પરિવારનું ગુજરાન ચલાવવા કેટલાંક વર્ષો અગાઉ તેમણે એક જનરલ સ્ટોર ચાલુ કર્યો હતો.
કોર્ટમાં કેસ ક્યાં પહોંચ્યો છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
આ ઘટનાક્રમમાં કુલ ચાર ફરિયાદો નોંધાઈ હતી.
અમરશીભાઈની ફરિયાદના આધારે થાનગઢના તત્કાલીન પીએસઆઇ કુલદીપસિંહ જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નાથુભા રાણા અને કૉન્સ્ટેબલ યોગેશદાન ટાપરિયા સામે પંકજની હત્યા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ બાદ તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) રજૂ કરાઈ હતી. આ કેસ હાલ સુરેન્દ્રનગરની ખાસ ઍટ્રોસિટી કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ કેસના ખાસ સરકારી વકીલ હર્ષદ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "કેસની સુનાવણી હાલ પુરાવા રજુ કરવાના સ્ટેજ પર છે. આ કેસમાં આશરે દોઢસો સાક્ષીઓ છે અને તેમાંથી મોટા ભાગના સાક્ષીઓની જુબાની લેવાઈ ગઈ છે. અમરશીભાઇ, તેમના પરિવારના સભ્યો અને દલિત સમાજના આગેવાનોની જુબાની પણ કોર્ટમાં લેવાઈ ગઈ છે."
સામે પક્ષે પોલીસ પર કથિત રીતે હુમલો કરવાના આરોપસર કેટલાક દલિતો સામે પણ ખૂનની કોશિશનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેનું પણ ટ્રાયલ સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
પ્રકાશ પરમાર અને મેહુલ રાઠોડ પર થયેલા કથિત ફાયરિંગના ગુનાની તપાસ સ્થાનિક પોલીસ અને ત્યાર બાદ સીઆઇડી(ક્રાઇમ) દ્વારા કરવામાં આવી હતી.
આ કેસમાં પુરાવા મળતા નથી તેવું જણાવી સીઆઇડી(ક્રાઇમ) દ્વારા કેસ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ પીડિત પરિવારો દ્વારા વિરોધ થતા એક એસઆઈટી નિયુક્ત કરવામાં આવી હતી. આ એસઆઇટીએ પણ પુરાવા મળતા નથી અને તેથી કેસ બંધ કરવાનો રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો હતો. હર્ષદ પરમાર કહે છે કે, કોર્ટે તે રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો છે.
તે વખતે રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તત્કાલીન અગ્રસચિવ સંજય પ્રસાદને આ ઘટનાનો એક અહેવાલ તૈયાર કરવા કહ્યું હતું.
સંજય પ્રસાદે 2013માં તેમનો અહેવાલ સરકારને સોંપી દીધો હતો. પરંતુ આજ સુધી સરકારે ન તો તે અહેવાલની વિગતો જાહેર કરી છે કે ન તો તે અહેવાલની કૉપી પીડિત પરિવારોને આપી છે.
14 વર્ષ બાદ પણ ન્યાય ન મળ્યાની અને રિપોર્ટ જાહેર ન કરવાની પીડિત પરિવારોએ કરેલી ફરિયાદ વિશે સરકારનો પક્ષ જાણવા બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના વર્તમાન મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાનો ફોન અને મૅસેજથી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેમનો જવાબ જ્યારે આવશે ત્યારે આ અહેવાલમાં ઉમેરો કરવામાં આવશે.
આરોપીના વકીલ શું કહે છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva/BBC
પીએસઆઇ જાડેજાના અને યોગેશદાન ટાપરીયાના વકીલ ઉત્પલ દવે ફરિયાદ પક્ષના આક્ષેપોને ફગાવતા કહે છે, "ફરિયાદી પક્ષનો કેસ સાચો નથી અને તેમાં જે રીતે ઘટના ઘટી તે મુજબ ગુનો બન્યો નથી. ટ્રાયલ ચાલુ છે તેથી અમે અમારી દલીલ કોર્ટમાં કરીશું."
નાથુસિંહના વકીલ જગદીશ મીરે જણાવ્યું, "અમરશીભાઇના મોતના સમાચાર ખુબ દુઃખદ છે. તેઓ દરેક સુનાવણી વખતે કોર્ટમાં અચૂક હાજર રહેતા. પરંતુ ફરિયાદી પક્ષનો કેસ સાચો નથી. મેળામાં ઝઘડો થયો અને દલિતો અને ભરવાડ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું અને રમખાણો થયાં. તેને રોકવા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. દલિત સમાજને એવું લાગ્યું કે પોલીસ ભરવાડ સમાજની તરફેણ કરે છે. તેથી ટોળાં નીકળી પડ્યાં અને પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને ખાળવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી."
તેઓ કહે છે, "ત્રણ દલિતોનાં મોત થયા તે વાત સાચી છે પરંતુ કોણે ફાયરિંગ કર્યું, કઈ રીતે કર્યું તે પુરાવાનો વિષય છે. તે બાબતે કોર્ટ ચુકાદો આપશે. પરંતુ 14 વર્ષ બાદ પણ કોર્ટનો ચુકાદો આવ્યો નથી તેના માટે બચાવ પક્ષ જરાય જવાબદાર નથી. અમે આજ દિન સુધી ક્યારેય મુદત માંગી નથી કે બચાવ પક્ષની ગેરહાજરીના કારણે સુનાવણી મોકૂફ રખાઈ નથી."
પરંતુ રડમસ ચહેરે વિનોદભાઈ કહે છે, "કોર્ટ અને સરકાર જયારે ન્યાય આપશે ત્યારે તે જોવા માટે મારો ભાઈ હાજર નહીં હોય."
ઍડિશનલ રિપોર્ટિંગ: બીબીસી ન્યૂઝ ગુજરાતી સહયોગી સચીન પિઠવા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























