વિલિયમ બૅન્ટિક : પતિના મોત બાદ વિધવાને ચિતા પર જીવતાં સળગાવી દેવાની પ્રથાને બંધ કરનારા અંગ્રેજની કહાણી

ઇમેજ સ્રોત, Kean Collection
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
લૉર્ડ વિલિયમ બૅન્ટિકે 1829માં સતીપ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી, પણ પછીથી તે કાયદો હળવો કરી દેવાયો હતો
ડિસેમ્બર, 1829માં બ્રિટિશ હકૂમત હેઠળના ભારતના પ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બૅન્ટિકે સતીપ્રથા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સતીપ્રથા એ એક 'પ્રાચીન હિંદુ પ્રથા' હતી, જેમાં વિધવા મહિલા તેના પતિની ચિતા પર જીવતી સળગી જતી હતી.
તે સમયે બંગાળના ગવર્નર જનરલ બૅન્ટિકે 49 વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને પાંચ ન્યાયાધીશોના અભિપ્રાયો લીધા હતા અને તેમનું માનવું હતું કે, "બ્રિટિશ શાસન પરનું કલંક ધોવાનો" સમય પાકી ગયો છે. તેમના નિયમમાં જણાવ્યા પ્રમાણે, સતીપ્રથા "માનવ પ્રકૃતિની લાગણીઓથી વિરુદ્ધ ઘૃણાસ્પદ હતી" અને તેણે ઘણા હિંદુઓને આઘાત પહોંચાડ્યો હતો. તે એક "ગેરકાયદેસર અને દુષ્ટ" કુપ્રથા હતી.
કાયદામાં જણાવ્યા પ્રમાણે, હિંદુ વિધવાને સળગાવવામાં "મદદ કરવા બદલ કે પ્રોત્સાહન આપનારી" વ્યક્તિ માનવ હત્યા માટે દોષિત ગણાશે, પછી ભલે તે બલિદાન સ્ત્રીની ઇચ્છાથી આપવામાં આવ્યું હોય કે ન હોય. આ કાયદાએ અદાલતોને વિધવાને "નશામાં રાખીને અને તે પોતાની ઇચ્છાનો ઉપયોગ ન કરી શકે, તે સમયે" તેને જીવતી સળગાવવામાં સહાય કરવા બદલ કે તેના પર બળપ્રયોગ કરવા બદલ દોષિત ઠરેલી વ્યક્તિઓને મૃત્યુદંડ ફટકારવાની સત્તા પણ આપી.
બૅન્ટિકનો કાયદો સતીપ્રથાને જડ-મૂળથી દૂર કરવા માટે તેના વિરુદ્ધ ચળવળ ચલાવનારા અગ્રણી ભારતીય સુધારકોએ સૂચવેલા ધીમે-ધીમે સુધારો લાવવાના ઉપાય કરતાં ઘણો વધુ કડક હતો. કાયદો આવ્યા પછી રાજા રામમોહન રાયની આગેવાની હેઠળ 300 પ્રતિષ્ઠિત હિંદુઓએ "સ્ત્રીઓના હેતુપૂર્વકના હત્યારા હોવાના કલંકમાંથી તેમને હંમેશાં માટે મુક્તિ અપાવવા બદલ" બૅન્ટિકનો આભાર માન્યો હતો.
રૂઢિચુસ્ત હિંદુઓએ તેનો વિરોધ કર્યો અને બૅન્ટિક સમક્ષ યાચિકા દાખલ કરી. વિદ્વાનો અને શાસ્ત્રોને ટાંકીને તેમણે બૅન્ટિકના તર્કને પડકાર્યો કે, સતીપ્રથા એ "ધર્મ અંતર્ગત ફરજિયાત કર્તવ્ય નથી." પરંતુ બૅન્ટિક પોતાની વાત પરથી ડગ્યા નહીં. પિટીશનરો બ્રિટિશ સંસ્થાનોના છેલ્લા શરણસમી પ્રિવી કાઉન્સિલમાં ગયા. 1832માં કાઉન્સિલે કાયદાને માન્ય રાખતાં કહ્યું કે, સતીપ્રથા એ "સમાજ વિરુદ્ધનો ગંભીર અપરાધ હતો."
'રૂઢિચુસ્ત ભાવનાઓને બિલકુલ છૂટ ન અપાઈ'

ઇમેજ સ્રોત, Science & Society Picture Library/Getty Images
ભારતમાં જ્ઞાતિના કાનૂની ઇતિહાસની ચકાસણી કરતા નવા પુસ્તક "કાસ્ટ પ્રાઇડ"ના લેખક મનોજ મિત્તા નોંધે છે, "1829ના કાયદાની નિર્ભિક આક્રમકતા 190 વર્ષના બ્રિટિશ શાસન દરમિયાનનું કદાચ એકમાત્ર એવું ઉદાહરણ હતું, જેમાં રૂઢિચુસ્ત ભાવનાઓને સ્હેજ પણ છૂટ આપ્યા વિના સામાજિક કાયદો ઘડવામાં આવ્યો હતો."
સાથે જ મિત્તા લખે છે, "ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય સામે નૈતિક દબાણનો ઉપયોગ કર્યો, તેના ઘણા સમય પહેલાં બૅન્ટિકે સતીપ્રથામાં રહેલા જ્ઞાતિ અને જાતિના પૂર્વગ્રહો વિરુદ્ધ તે પ્રકારની તાકાતનો જ ઉપયોગ કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"ભારતીય પ્રજાને અંદરથી ખોખલી કરી નાખનારા આ એક સ્થાનિક રિવાજને અપરાધ ઘોષિત કરીને બ્રિટિશ શાસકોએ નૈતિક ઉપલબ્ધિ હાંસલ કરી હતી."
પણ, 1837માં બૅન્ટિકના કાયદાને અન્ય એક બ્રિટિશ, ભારતીય દંડ સંહિતાના ઘડવૈયા થૉમસ મૅકૉલે દ્વારા નબળો કરી દેવામાં આવ્યો હતો. મૅકૉલેના અર્થઘટન પ્રમાણે, જો કોઈ વ્યક્તિ પુરાવા સાથે એવો દાવો કરે, કે તેણે વિધવાની ઉશ્કેરણીથી જ ચિતા સળગાવી હતી, તો તેને હળવી સજા ફટકારીને છોડી શકાય. તેમણે એક મુસદ્દા નોંધમાં કહ્યું હતું કે, મહિલાઓ "ધાર્મિક કર્તવ્યની પ્રબળ ભાવના અને કેટલીક વખત સન્માનની પ્રબળ ભાવના"ને કારણે સ્વયંને જીવતી સળગાવી શકે છે.
મિત્તાને જાણવા મળ્યું હતું કે, સતી પ્રથા પ્રત્યે મૅકૉલેનું "સહાનુભૂતિપૂર્ણ વલણ" દાયકાઓ પછી બ્રિટિશ શાસકો માટે અનુકૂળ નીવડ્યું.
તેઓ લખે છે કે, 1857ના બળવા પછી તેમના મુસદ્દા પર ફરી ધ્યાન આપવામાં આવ્યું. તે સમયે હિંદુ અને મુસ્લિમ સૈનિકોએ બંદૂકના કારતૂસમાં તેમના ધર્મોમાં વર્જિત હોય, એવાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકાને પગલે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો પોકારી દીધો હતો. હવે, આ વિદ્રોહમાં આગળ પડતી ભૂમિકા ભજવનારા ઉચ્ચ-જ્ઞાતિના હિંદુઓને શાંત પાડવાની વસાહતી વ્યૂહરચનાને પગલે મૅકૉલેના હળવા કરી દેવાયેલા કાયદાને કાનૂનના સત્તાવાર પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
'સતીપ્રથાનો અપરાધ હત્યામાંથી હળવો કરીને આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણાનો કરી દેવાયો'

ઇમેજ સ્રોત, Getty Images
1862ના નિયમમાં દંડની એ બંને જોગવાઈઓ રદ કરી દેવાઈ હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સતીપ્રથાને દોષપાત્ર હત્યા ગણીને સજા ફટકારવામાં આવશે અને બીજી જોગવાઈ ગંભીર કિસ્સાઓમાં મૃત્યુદંડની સજા ફટકારતી હતી. તેનો અર્થ એ પણ થતો હતો કે, તેના કારણે આરોપીને એવો દાવો કરવાની છૂટ મળી ગઈ કે, પિડીતાએ તેના પતિની અંતિમ ક્રિયા સમયે તેના જીવનનો અંત આણવા માટે સંમતિ આપી હતી અને તેથી આ હત્યાનો નહીં, બલ્કે આત્મહત્યાનો મામલો હતો.
મિત્તા લખે છે કે, સતીપ્રથાના નિયમમાં દાખવવામાં આવેલી આ હળવાશ "સામાજિક કાયદાઓ સામે ઉકળતા રોષનો પ્રતિભાવ" હતો - તેમાં સતીપ્રથાને ગેરકાનૂની ઠરાવવી, જ્ઞાતિ બહાર કરાયેલા અને ધર્માંતરણ કરનારા હિંદુઓને પરિવારની સંપત્તિ વારસામાં મેળવવાનો અધિકાર આપતા 1850ના કાયદા અને તમામ વિધવાઓને પુનર્વિવાહની છૂટ આપતા 1856ના કાયદાનો સમાવેશ થતો હતો.
પરંતુ, આ નરમ કાયદાને મંજૂરી આપવા પાછળનું તાત્કાલિક કારણ "ઊંચી જ્ઞાતિના હિંદુ સૈનિકોમાં ફાટી નીકળેલો રોષ" હતો. કારતૂસ પર ગાયની ચરબી લગાવવામાં આવી હોવાના અહેવાલોથી તેમનો ક્રોધ ભભૂકી ઊઠ્યો હતો.
1829 અને 1862ની વચ્ચે સતીપ્રથાનો અપરાધ હત્યામાંથી હળવો કરીને આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણાનો કરી દેવાયો. મિત્તા જણાવે છે, "1829થી સતી પ્રથાનું પ્રચલન ઓછું થઈ ગયું હોવા છતાં ભારતના અમુક ચોક્કસ ભાગોમાં ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિઓમાં સતી પ્રથાને ગૌરવ અને આદરની દૃષ્ટિથી જોવામાં આવતી હતી."
એક વિચિત્ર વળાંકમાં, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં જોડાનારા અને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ માટેની ઝુંબેશમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા વકીલ-રાજકારણી મોતીલાલ નહેરુ 1913માં ઉત્તર પ્રદેશમાં સતીપ્રથાના એક કેસમાં ઉચ્ચ જ્ઞાતિના છ પુરુષોના બચાવમાં કેસ લડ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
તે પુરુષોએ કહ્યું હતું કે, "વિધવાની અડગ શ્રદ્ધાને કારણે ચિતા ચમત્કારિક રીતે આપોઆપ જ પ્રજ્જ્વલિત થઈ ઊઠી હતી." જજોએ દૈવી દરમિયાનગીરીનો દાવો ફગાવી દીધો, સત્ય પર ઢાંકપિછોડો કરવાના પ્રયત્નની ઝાટકણી કાઢી અને તે પુરુષોને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ દોષિત ઠેરવ્યા - તેમાંથી બે પુરુષોને ચાર વર્ષનો જેલવાસ થયો હતો.
70 વર્ષો કરતાંયે વધુ સમય વીત્યા પછી, સતીપ્રથાના પ્રકરણમાં આખરી વળાંક આવ્યો. 1987માં મોતીલાલ નહેરુના પ્રપૌત્ર રાજીવ ગાંધીની આગેવાની હેઠળની સરકારે એક કાયદો ઘડ્યો, જેણે પ્રથમ વખત સતીપ્રથાના "ગૌરવગાનને ગુનાહિત જાહેર કર્યું." સતીપ્રથાનું સમર્થન કરનારા, તેને વાજબી ગણાવનારા કે તેનો પ્રચાર કરનારા લોકોને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત આ કાયદાએ સતીપ્રથાને હત્યાની શ્રેણીમાં મૂકી દીધી અને તેમાં મદદ કરનારાઓ માટે મૃત્યુદંડની સજા ફરી દાખલ કરી.
રાજસ્થાનના એક નાના ગામમાં રૂપ કંવર નામની કિશોરી સતી થઈ હોવાના ભારતમાં નોંધાયેલા 'છેલ્લા કિસ્સા' પછી રાજીવ ગાંધી સરકારે ઉપરોક્ત કાર્યવાહી કરી હતી. મિત્તા નોંધે છે કે, 1947માં આઝાદી મળ્યા પછી સત્તાવાર રીતે નોંધાયેલો તે સતીનો 41મો કેસ હતો.
રાજીવ ગાંધીના કાયદાની પ્રસ્તાવના બૅન્ટિકના નિયમમાંથી લેવામાં આવી હતી. મિત્તા કહે છે, "ભલે અજાણતાં અપાઈ હોય, પણ તે વસાહતી શાસનમાંથી મુક્ત થયેલા આઝાદ દેશ દ્વારા તેના ભૂતપૂર્વ શાસકને અપાયેલી અંજલિ હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















