સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીતમાં શું નક્કી થયું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Nathan Howard / POOL / AFP via Getty Images
સ્વિટ્ઝર્લૅન્ડના બર્ગેનસ્ટૉક રિસૉર્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ માટે વાતચીત ચાલી રહી છે. કતાર અને પાકિસ્તાન મધ્યસ્થની ભૂમિકા ભજવે છે. આ બેઠકને 'લેક લ્યૂસર્ન સમિટ' કહેવામાં આવે છે. હવે તેને લઈને કતાર અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જારી આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચસ્તરીય વાતચીતનું પહેલું સત્ર પૂર્ણ થયું છે.
સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું, "સમજૂતીના આધારે સૌએ મળીને નક્કી કહ્યું કે એક હાઈ લેવલની કમિટી બનાવવામાં આવે, જે આખી વાતચીત પર નજર રાખશે. તે આ વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે કે નહીં તેના પર પણ નજર રાખશે. વાતચીતમાં ભાગલેનારા આ કમિટીને સતત રિપોર્ટ આપશે. સાથે અલગ-અલગ ટીમો બનાવવામાં આવશે. જે ખાસ મુદ્દા પર કામ કરશે. જેમકે- પરમાણુ કાર્યક્રમ, ઈરાન પર લાગેલા પ્રતિબંધો, નિયંત્રણ અને વિવાદ ઉકેલવાની રીત."

ઇમેજ સ્રોત, X/foreignofficepk
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નક્કી કરવામાં આવ્યું છે કે આવતા 60 દિવસોમાં અંતિમ સમજૂતી સુધી પહોંચવા માટે એક યોજના બનાવવામાં આવશે. આ યોજનાના આધારે તરત જ ટૅકનિકલ વાટાઘાટો શરૂ થશે. તમામ પક્ષો વચ્ચે સીધી વાતચીત લાઇન (કૉમ્યુનિકેશન લાઇન) સ્થાપિત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ ગેરસમજ કે સંઘર્ષ ટાળવાનો અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા દેવાનો છે."
બંને દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં માહિતી આપી હતી કે બધા દેશોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે 'ડિ-કૉન્ફ્લિક્ટ' સેલની રચના કરવામાં આવશે.
તેમાં લેબનોન પણ સામેલ થશે અને તે કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો દ્વારા ચલાવવામાં આવશે. તેનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે લેબનોનમાં લડાઈનો અંત લાવવા માટે થયેલા કરારનો યોગ્ય રીતે અમલ થાય.
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે કેવી પ્રતિક્રિયા આપી

ઇમેજ સ્રોત, URS FLUEELER / POOL / AFP via Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, જેના પર ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે પ્રતિક્રિયા આપી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, "જો ઈરાન લેબનોનમાં ઇઝરાયલ સામે લડી રહેલા હિઝબુલ્લાહને રોકશે નહીં, તો અમેરિકા હુમલો કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાને આ ચેતવણીનો જવાબ આપ્યો અને કહ્યું કે તે લડવા માટે તૈયાર છે.
ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલિબાફે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું, "શું તેમને લાગે છે કે જો તેમની ધમકીઓની કોઈ અસર થતી હોત, તો તેઓ આજે આ હાલતમાં હોત? ભલે તેઓ ગમે તેટલી વાતો કરે, વાસ્તવમાં કાર્યવાહી અમે જ કરીએ છીએ."
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની શરત હતી. તેમ છતાં, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી સેના વચ્ચે લડાઈ વધુ તીવ્ર બની છે.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લેબનીઝ નાગરિકો માર્યા ગયા હતા.
વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ શુક્રવારે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવું યુદ્ધવિરામ જાહેર કર્યું. જોકે, અથડામણો અને હવાઈ હુમલા ચાલુ રહેતાં ઈરાને શનિવારે જાહેરાત કરી કે તેણે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. જોકે, જહાજોની અવરજવરના આંકડાઓ દર્શાવે છે કે જહાજો હજુ પણ ત્યાંથી પસાર થઈ રહ્યાં છે.
બીજી તરફ, અમેરિકાના રાજદ્વારીએ રવિવારે રાત્રે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને પક્ષોની ચર્ચાનો હેતુ ઈરાનની અસ્પષ્ટતાઓને સ્પષ્ટ કરવાનો હતો, જેમાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા, લેબનોનમાં યુદ્ધ રોકવા અને પરમાણુ કરારનાં અમુક પાસાંઓનો અમલ કરવાનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















