રાજકુમાર રાવ મુંબઈમાં શાહરુખ ખાનના ઘરની બહાર કેમ બેસી રહેતા હતા?

ઇમેજ સ્રોત, Instagram/rajkummar_rao
ક્યારેક 'ગૅંગ્સ ઑફ વાસેપુર'ના શમશાદ, તો ક્યારેક 'બરેલી કી બર્ફી'ના પ્રીતમ વિદ્રોહી કે 'ન્યૂટન'ના ન્યૂટનકુમાર – દરેક પાત્રમાં પ્રાણ રેડી દેનાર રાજકુમાર રાવે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.
રાજકુમાર રાવે આ મુકામ સુધી પહોંચવાનું સપનું બાળપણમાં જ જોઈ લીધું હતું. સ્કૂલના સમયથી જ નાટકોનો જે સિલસિલો શરૂ થયો તે કૉલેજમાં થિયેટર, એફટીઆઇઆઇમાં સિનેમાનો અભ્યાસ અને પછી ફિલ્મોમાં લીડ ઍક્ટર બનવા સુધી ચાલુ છે. રાજકુમાર રાવ આની ક્રેડિટ શાહરુખખાનને પણ આપે છે.
બીબીસી હિન્દી માટે નયનદીપ રક્ષિતે રાજકુમાર રાવ સાથે ખાસ વાતચીત કરી છે.
રાજકુમાર રાવ બાળપણથી જ ઍક્ટર બનવા માગતા હતા
રાજકુમાર રાવનું કહેવું છે કે બાળપણથી જ તેમનું લક્ષ્ય સ્પષ્ટ હતું. તેઓ માત્ર અને માત્ર ઍક્ટર જ બનવા માગતા હતા.
તેઓ કહે છે, "સ્કૂલ ટાઇમથી જ નક્કી કરી લીધું હતું. કોઈ બીજી બાબત વિશે ન ક્યારેય વિચાર્યું, ન ક્યારેય પ્રયાસ કર્યો."
"સ્કૂલમાં જ પ્લે કરવાનું શરૂ કરી દીધું હતું, કૉલેજમાં થિયેટર કર્યું, ત્યાર પછી ફિલ્મ સ્કૂલમાં ગયો."
રાજકુમાર જણાવે છે કે એ સમયે મધ્યમવર્ગીય પરિવાર માટે ઍક્ટિંગને પ્રોફેશન માનવી ભલે મુશ્કેલ હતું, પરંતુ તેમનું સપનું પૂરું કરવામાં તેમના પરિવારે ખૂબ મદદ કરી, ક્યારેય કોઈ વસ્તુ માટે રોક્યા નહીં; અને તેનું કારણ શાહરુખખાન પણ હતા.
રાજકુમાર આગળ કહે છે, "શાહરુખખાન… દિલ્હીનો એક છોકરો, મુંબઈ જઈને આટલો મોટો સ્ટાર બની ગયો. તેમની ફિલ્મો જોઈને અમે મોટા થયા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એવું લાગ્યું કે આ કરી શકે છે, તો આશા તો છે. ત્યાર પછી વસ્તુઓ બદલાઈ અને દૃષ્ટિકોણ બદલાતો ગયો."
રાજકુમાર રાવનું માનવું છે કે મધ્યમવર્ગીય પરિવારના હોવાના લીધે તેમને જમીન સાથે જોડાયેલા રહેવામાં મદદ મળે છે. તેઓ કહે છે કે તેમણે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ જોઈ છે અને એ સમજ્યા છે કે જો બધા ખુશ રહે તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી છુટકારો મળી શકે છે.
એક આવો જ, પોતાના પિતા સાથે સંકળાયેલો કિસ્સો તેઓ જણાવે છે, જ્યારે તેમના પિતાની સેલરી બંધ થઈ ગઈ હતી – "મારા ફાધરની સેલરી આવતી બંધ થઈ ગઈ હતી. અમે ત્રણ ભાઈ-બહેન હતાં. ત્રણે એક જ સ્કૂલમાં જતાં હતાં. ટીચરોને લાગતું હતું કે આ ત્રણે હંમેશાં કોઈ ને કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીમાં ભાગ લે છે, એટલે તેઓ અમને પ્રેમ આપતા હતા. ટીચર્સે અમને ખૂબ સપૉર્ટ કર્યો. તેમણે અમને બે વર્ષ સુધી ભણાવ્યાં, અમારી સ્કૂલની ફી આપી. સારા લોકો સાથે સારું થઈ જાય છે."
રાજકુમાર 'બૂગી વૂગી'નું ઑડિશન આપવા પહેલી વાર મુંબઈ આવ્યા હતા

હવે મુંબઈમાં પોતાનો દબદબો જમાવી ચૂકેલા રાજકુમાર રાવ પહેલી વાર લગભગ 16-17 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હતા. એ વખતે તેઓ ડાન્સ રિયાલિટી શો 'બૂગી વૂગી'નું ઑડિશન આપવા પોતાના નાના ભાઈ સાથે મુંબઈ આવ્યા હતા.
આ કિસ્સો સંભળાવતાં રાજકુમાર કહે છે, "બૂગી વૂગીનું ઑડિશન ચાલી રહ્યું હતું, કંઈ ખબર નહોતી, અચાનક જ તેનો પ્લાન બની ગયો. મારે મુંબઈ આવવું હતું, મારે આ શહેર જોવું હતું. 90ના એ દાયકામાં આપણે જે શૉટ જોતા હતા ને કે ચર્ચ ગેટની સામેથી જે ઝૂમ આઉટ થતું હતું, એક માણસ રોડ ક્રૉસ કરે છે અને ટૅક્સી બોલાવે છે. પરંતુ અમે ચર્ચ ગેટ તો ન જઈ શક્યા કેમ કે અમારી પાસે બિલકુલ પૈસા નહોતા."
દરમિયાનમાં રાજકુમાર એમ પણ જણાવે છે કે પહેલી વાર મુંબઈ પહોંચ્યા પછી તેઓ શાહરુખખાનના ઘર 'મન્નત'ની બહાર બેસી રહેતા હતા, "હું મન્નતની પાસે જઈને બેસી રહેતો હતો કે શાહરુખખાન સર જોવા મળી જાય, તેઓ તો ના દેખાયા, ગૌરી મૅમ એક વાર ગાડીમાં જતાં દેખાયાં હતાં."
2008માં કામ શોધવા મુંબઈ પહોંચ્યા રાજકુમાર રાવ

ઇમેજ સ્રોત, ANI
રાજકુમાર રાવ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પુણેમાંથી પાસઆઉટ છે. ભણ્યા પછી 2008માં તેઓ મુંબઈ પહોંચ્યા.
રાજકુમાર રાવ જણાવે છે, "એ સમયે પુણેમાં મારી પાસે એક બાઇક હતી. તેના પર હું મારો સામાન મૂકીને લાવ્યો હતો. અમે ત્રણ લોકો એકસાથે એક નાનકડા ઘરમાં રહેતા હતા. ખૂબ નાનું ઘર હતું, એક ગાદલું હતું મારું, તેની બાજુમાં એક નાનું ટેબલ હતું જેના પર હું મારો સામાન રાખતો હતો."
વર્ષ 2008થી 2010 રાજકુમાર રાવ માટે સંઘર્ષનો સમય હતો.
એ સમય વિશે તેઓ કહે છે, "એક વાર મારા ઍકાઉન્ટમાં 18 રૂપિયા હતા, તેના ઍકાઉન્ટમાં 27 રૂપિયા હતા, પછી થયું કે ખાઈશું કઈ રીતે?"
"હું નસીબદાર છું કે હું એફટીઆઈઆઈમાંથી છું, ખૂબ સ્ટ્રૉંગ કમ્યુનિટી છે, એટલે મેં એક મિત્રને ફોન કર્યો અને કહ્યું કે હું ખાવા આવી રહ્યો છું. પછી પરિવારને ફોન કર્યો કે થોડા પૈસા મોકલી આપો."
તેઓ આગળ કહે છે, "પહેલી વાર જ્યારે મને એડમાં કામ મળ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું કે એક દિવસના 5,000 મળશે, એટલે હું ખૂબ ખુશ હતો કે 8 કલાક કામ કરવાના 5,000 રૂપિયા મળે છે."
જ્યારે રાજકુમાર રાવને કહેવાયું કે 'તમારું શરીર એવું નથી કે હીરો બની શકો'
રાજકુમાર રાવનું કહેવું છે કે કરિયરની શરૂઆતમાં જ્યારે તેઓ કામ શોધતા હતા ત્યારે તેમને જાત-જાતની કમેન્ટ સાંભળવા મળતી હતી. "ઘણા લોકોએ ઘણી બાબતો પર કમેન્ટ કરી. કોઈએ કહ્યું કે તમારું શરીરસૌષ્ઠવ એવું નથી કે હીરો બની શકો."
"હું વિચારતો હતો કે મને હીરોનો ટૅગ તો જોઈતો જ નથી, મારે ઍક્ટર બનવું છે. પરંતુ આ બધું સફરનો ભાગ છે, મને કશો અફસોસ નથી."
રાજકુમાર રાવ જણાવે છે કે પછીથી કેટલાક એવા મેકર્સ પણ સાથે કામ કરવા આવ્યા જેઓ પહેલાં આવી ટિપ્પણીઓ કરી ચૂક્યા હતા. પરંતુ રાજકુમાર આને સફરનો ભાગ માને છે અને કહે છે કે કશું દુઃખ કે અફસોસ નથી.
'બરેલી કી બર્ફી' અને 'સ્ત્રી' રાજકુમાર રાવ માટે ખાસ છે?

ઇમેજ સ્રોત, Instagram/rajkummar_rao
રાજકુમાર રાવે હંમેશાં નક્કી રાખ્યું હતું કે કામ કરતા રહેવું જરૂરી છે. તેથી શરૂઆતમાં તેમણે નાના-નાના રોલ પણ કર્યા. તેઓ 'બરેલી કી બર્ફી' અને 'સ્ત્રી'ને એવી ફિલ્મો ગણાવે છે, જેના કારણે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.
પોતાની ફિલ્મી કારકિર્દી બાબતમાં તેઓ કહે છે, "મને ખબર હતી કે એલએસડી એવી ફિલ્મ છે જે 100 કરોડ નહીં કમાય, પરંતુ મને ખબર હતી કે દિબાકર બેનરજીની ફિલ્મ છે એટલે ડાયરેક્ટર જોશે; અને એવું થયું પણ ખરું."
"અનુરાગ કશ્યપે મને 'ગૅંગ્સ ઑફ વાસેપુર'માં લીધો, પછી 'શાહિદ' ફિલ્મ મને મળી. 'બરેલી કી બર્ફી' અને 'સ્ત્રી' પછી મેં જોયું કે મારા માટેનો પર્સેપ્શન બદલાયો છે."
"આની પહેલાં હું ડ્રામા જૉનર વધારે કરતો હતો, ઇન્ટેન્સ અને બાયોપિક રોલ કરતો હતો. બરેલી અને સ્ત્રીએ મને લોકો સુધી પહોંચાડ્યો."
રાજકુમારને આ વાતનો અફસોસ છે…
રાજકુમાર રાવના પેરેન્ટ્સ હવે આ દુનિયામાં નથી રહ્યાં. તેઓ કહે છે કે રોજ એ વાતનો પસ્તાવો થાય છે કે માતા સાથે નથી.
રાજકુમાર કહે છે, "આ અફસોસ દરરોજ થાય છે, જતો જ નથી. હું ખુશ છું કે હું જ્યારે નૅશનલ અવૉર્ડ લઈ રહ્યો હતો ત્યારે તેઓ તાળીઓ પાડતાં હતાં. પરંતુ, અફસોસ રહે છે કે કાશ, તેઓ અત્યારે હોત; હું તેમને મુંબઈ લાવત. પરંતુ હું માનું છું કે તેઓ હજુ પણ મને જોઈ રહ્યાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















