'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે?

OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ZEE5/INSTA

ઇમેજ કૅપ્શન, OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી 'સતલુજ' ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
    • લેેખક, અતુલ સંગર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

જસવંતસિંહ ખાલડા પંજાબના માનવ અધિકાર કાર્યકર્તા હતા, જેમણે 1984થી લઈને 1994 સુધીના ગાળા દરમિયાનના બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર વિશેના 'પુરાવા' એકઠા કર્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, તે તમામ પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી 'કસ્ટોડિયલ હત્યાઓ' હતી.

જોકે, તે પછી 1995માં પોલીસે ખાલડાનું જ 'અપહરણ' કર્યું અને પછીથી તેમની 'હત્યા' કરવામાં આવી હતી. 'સતલુજ' ફિલ્મનું નામ અગાઉ 'પંજાબ 1995' અને તેથીયે પહેલાં 'ઘલ્લુઘરા' (નરસંહાર) રાખવામાં આવ્યું હતું.

આ ફિલ્મ ઓટીટી પ્લૅટફૉર્મ ઉપર રિલીઝ કરાઈ હતી અને પછીથી હઠાવી દેવામાં આવી હતી. ફિલ્મ ખાલડાના જીવનના અંતિમ પ્રકરણ વિશે છે.

અહીં આપણે ફિલ્મમાં ખાલડાના જીવન વિશે દર્શાવવામાં આવેલી ઘટનાઓ તથા 'ઉગ્રવાદ'ના દાયકા દરમિયાન પંજાબમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિનાં ફિલ્મમાં કરવામાં આવેલાં વર્ણનોનાં તથ્યો કેટલાં સાચાં છે? તેની પંજાબી સમાજ અને રાજકારણ ઉપર ફિલ્મની શું સંભવિત અસર થઈ શકે છે? તેનું વિશ્લેષણ કરીશું.

જસવંતસિંહ ખાલડા કોણ હતા અને તેમણે શું કર્યું હતું?

આ ફિલ્મમાં દિલજીત દોસાંઝે જસવંત સિંહ ખાલડાનું પાત્ર ભજવ્યું છે.OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Diljit Dosanjh/Insta & KHALRA MISSION ORGANISATION/FB

ઇમેજ કૅપ્શન, આ ફિલ્મમાં દિલજીત દોસાંઝે જસવંતસિંહ ખાલડાનું પાત્ર ભજવ્યું છે.

જસવંતસિંહ ખાલડાએ તેમના એક સહયોગી સાથે મળીને અમૃતસર, પટ્ટી અને તરન તારનનાં ત્રણ સ્મશાનગૃહોમાંથી એવી સામગ્રી એકત્રિત કરી હતી, જે 1984 અને 1994ની વચ્ચેના ગાળામાં લગભગ 3,000 મૃતદેહોના ગેરકાયદે અંતિમ સંસ્કાર તરફ ઇશારો કરતી હતી અને સાથે જ તેમણે પંજાબ પોલીસ ઉપર કસ્ટડીમાં 'હત્યાઓ' કરવાનો આરોપ મૂક્યો હતો.

તેમના દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક શોધખોળનો અહેવાલ પહેલાં જાન્યુઆરી, 1995માં ભારતીય મીડિયા દ્વારા અને એ પછી કૅનેડામાં હાઉસ ઑફ કૉમન્સમાં આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર, 1995માં પંજાબ પોલીસ દ્વારા ખાલડાનું તેમના અમૃતસર સ્થિત નિવાસસ્થાનેથી 'અપહરણ' કરવામાં આવ્યું હતું.

તેમને ઘણાં સપ્તાહો સુધી 'ગેરકાયદેસર કસ્ટડી'માં રાખવામાં આવ્યા હતા, 'ટૉર્ચર' કરવામાં આવ્યા હતા, પોલીસ કસ્ટડી દરમિયાન તેમની 'હત્યા' કરી દેવાઈ અને પછી તેમના મૃતદેહને ઑક્ટોબર, 1995માં સતલુજ અને બિયાસ નદીના સંગમસ્થાન એવા હરીકે ખાતે ફેંકી દેવાયો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખાલડાનું અપહરણ થયાના થોડા જ દિવસોમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુલદિપસિંહે અકાલી નેતા જી. એસ. તોહરાના એક ટેલિગ્રામને હેબિયસ કોર્પસ પિટીશન તરીકે લઈને સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન, ખાલડાનાં પત્ની દ્વારા પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે પંજાબના ગૃહ સચિવ અને પોલીસ વડાની સાથે-સાથે અમૃતસરના એસએસપીને એક અઠવાડિયાની અંદર આનો જવાબ આપવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કુલદિપસિંહની ખંડપીઠે ખાલડાનું અપહરણ થયાના બે મહિના પછી નવેમ્બર, 1995માં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો.

1996માં સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે, ખાલડાનું 'અપહરણ' કરવામાં આવ્યું હતું અને 1999ના સીબીઆઇના તપાસ અંગેના વિસ્તૃત અહેવાલમાં 'હત્યાની પુષ્ટિ' કરવામાં આવી હતી.

પટિયાલાની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે 2005માં છ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવ્યા હતા. આ દરમિયાન, મુખ્ય આરોપી - તરન તારનના એસએસપી અજિતસિંહ સંધુએ આત્મહત્યા કરી લીધી હતી અને અન્ય આરોપી ડીએસપી અશોકકુમારનું કુદરતી કારણોસર મોત નીપજ્યું હતું.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 2007માં પાંચ પોલીસ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે એકને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2011માં હાઇકોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો હતો.

1995માં ખાલડાના અપહરણ મામલે સીબીઆઇ તપાસનો આદેશ આપવાની સાથે-સાથે સુપ્રીમ કોર્ટના જજ કુલદિપસિંહની ખંડપીઠે ખાલડા દ્વારા જે મૂળ ત્રણ સ્મશાનગૃહ ટાંકવામાં આવ્યાં હતાં, ત્યાં બિનવારસી મૃતદેહોના ગેરકાયદે અંતિમ સંસ્કારના મામલામાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો. ખાલડાએ તૈયાર કરેલી યાદીના આધારે સીબીઆઇ ગેરકાયદે થયેલા 2,097 અંતિમ સંસ્કારને શોધી શકી હતી. આ પૈકીના 600 જેટલા મૃતદેહોની સીબીઆઇ ઓળખ કરી શકી હતી અને પછીથી નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન 1,500 કેસોની ઓળખ કરવામાં અને તેમને વળતર આપવામાં સફળ રહ્યું હતું, કારણ કે, બિનવારસી લાશોના અંતિમ સંસ્કારની કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવી નહોતી.

આ મામલામાં 1996માં પોતાનો ચુકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'માનવ અધિકારનું વ્યાપક સ્તર પર સરેઆમ ઉલ્લંઘન' થયું હતું અને જ્યાં પણ કાયદાનો ભંગ થયો હતો, તેવા કિસ્સામાં પોલીસ અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવાનું સુપ્રીમ કોર્ટે સીબીઆઇને ફરમાન કર્યું હતું.

ઘણાં વર્ષો સુધી પંજાબના સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ સામે ડઝનબંધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં ઘણા દોષિત ઠર્યા હતા અને કેટલાક કેસો તો હજુયે અદાલતોમાં ચાલી રહ્યા છે.

ફિલ્મ 'સતલુજ' ખાલડા વિશેનાં તથ્યોની કેટલી નજીક છે?

ફિલ્મના ડાયરેક્ટર હની ત્રેહાન OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલ્મના ડાયરેક્ટર હની ત્રેહાન

ફિલ્મ 'સતલુજ' માનવ અધિકાર કાર્યકર્તા જસવંતસિંહ ખાલડાના જીવનના આખરી પ્રકરણ પરથી પ્રેરિત છે, જેમાં બિનવારસી લાશોના ગેરકાયદે અંતિમ સંસ્કારના મામલાઓ બહાર લાવવાના તેમના પ્રયાસો અને પછીથી તેમના ખુદના 'અપહરણ અને હત્યા'ના પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે.

અમુક નામો બદલી દેવામાં આવ્યાં હોવા છતાં ફિલ્મ મુખ્યત્વે ન્યાયિક રેકૉર્ડ પ્રમાણેના જસવંતસિંહના અંતિમ દિવસો સાથે જોડાયેલી ઘટનાઓને ઝીલે છે. સાથે જ આ ફિલ્મ જે સમયે પોલીસ બળો વાસ્તવિક રીતે નિરંકુશ સત્તા ધરાવતાં હતાં, તે સમયે માનવ હક્કો માટેના ખાલડાના મક્કમ વલણને પણ રજૂ કરે છે.

ફિલ્મમાં ઘણાં નામો બદલી દેવામાં આવ્યાં છે અને અમુક ઘટનાઓને વધુ નાટ્યાત્મક બનાવવામાં આવી છે. વળી, વાસ્તવિક જીવનમાં તે ઘટનાઓ આ જ રીતે બની હતી કે કેમ, એ કહેવું મુશ્કેલ છે.

પંજાબના મુખ્ય મંત્રી બિઅંતસિંહની હત્યાને તમામ ખાલીસ્તાની જૂથો પૈકીના સૌથી વધુ ખતરનાક ગણાતા 'બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ' (બીકેઆઇ) દ્વારા ઘડવામાં આવેલા કાવતરા તરીકે રજૂ કર્યા વિના, સાવ સાદી રીતે દર્શાવવામાં આવી છે.

તપાસના આધારે પુરવાર થયું હતું તેમ, સ્યૂસાઇડ બૉમ્બર દિલાવરસિંહ પંજાબ પોલીસમાં કૉન્સ્ટેબલ હોવા છતાં બીકેઆઇ સાથે સાંઠગાંઠ ધરાવતા હતા. કેટલાક પ્રાથમિક સાક્ષીઓ વિશેની માહિતી પણ ચોકસાઈપૂર્ણ નથી, પરંતુ ખાલડા સાથે જે કંઈપણ બન્યું, તે તથ્યો 'કાનૂની દૃષ્ટિએ સાચાં' છે.

ફિલ્મની ટીકા મુખ્યત્વે એ મુદ્દાને લઈને કરવામાં આવે છે કે, તે 1980ના દાયકાના અંતના અને 1990ના દાયકાના પ્રારંભિક સમયગાળાના પંજાબની સ્પષ્ટ ઝલક બતાવવામાં નિષ્ફળ નીવડી છે.

તે આધુનિક હથિયારો અને રૉકેટ લૉન્ચર્સથી સજ્જ સશસ્ત્ર ઉગ્રવાદીઓની મોજૂદગી દર્શાવવામાં નિષ્ફળ રહી છે. ઉગ્રવાદીઓ કે સુરક્ષા દળોનાં નિશાન બનનારા સામાન્ય નાગરિકોના મનમાં પેઠેલો ડર તે ગાળાની ખરી ઓળખ હતો.

લગ્નો, મહિલાઓનાં વસ્ત્રો, દુકાનો પર લાગેલાં બોર્ડની ભાષા અને રંગો પર ઉગ્રવાદી જૂથોના આદેશો અને ઉગ્રવાદીઓ દ્વારા શિક્ષકો તથા અધિકારીઓ માટે જારી કરવામાં આવેલા આદેશો તથા સરકારી અધિકારીઓ અને પોલીસકર્મીઓનાં નામો સાથે જાણીતા ઉગ્રવાદીઓએ બહાર પાડેલાં હિટ-લિસ્ટ તે સમયે વ્યાપક હતાં.

જસવંતસિંહ ખાલડા OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Khalra Mission Committee

ઇમેજ કૅપ્શન, જસવંતસિંહ ખાલડા

ઢિલવાન, મુક્તસર, હોશિયારપુર, લાલરુ, ફતેહાબાદમાં બસોમાંથી નિર્દોષ પ્રવાસીઓને નીચે ઊતારીને તેમને ઠાર કરવાના બનાવો નોંધાયા હતા.

લુધિયાણા, ફિરોઝપુર અને અન્ય સ્થળોમાં ટ્રેનના પ્રવાસીઓ પર ઉગ્રવાદીઓના હુમલા નાગરિકોની ઠંડા કલેજે હત્યામાં પરિણમ્યા હતા. તે પૈકીના મોટાભાગના પ્રવાસીઓ ખેત મજૂરી કરવા માટે પંજાબ પહોંચી રહ્યા હતા. જ્યારે પણ ઉગ્રવાદીઓ રક્તરંજિત ઘટનાસ્થળ પર પત્રિકા ફેંકીને જતા રહેતા અને હુમલાની જવાબદારી ઊઠાવતા, ત્યારે તે સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફરી વળતું હતું.

સ્થાનિક અખબારો, તંત્રીઓ, પત્રકારો, ઑલ ઇન્ડિયા રેડિયોના કર્મચારીઓ કે અખબાર વેચનારાઓને માત્ર ધમકી જ નહોતી આપવામાં આવતી, બલ્કે તેમાંથી ઘણાને નિશાન પણ બનાવવામાં આવ્યા હતા. હિંદ સમાચાર ગ્રૂપના 'પંજાબ કેસરી'એ તેના બે તંત્રી ગુમાવ્યા હતા અને અન્ય ઘણાં પ્રકાશનો સાથે પણ આમ જ બન્યું હતું, જ્યારે 'ટ્રિબ્યુન' જેવા 100 વર્ષ કરતાં જૂનાં અખબારોને પણ ઉગ્રવાદીઓનાં નિવેદનો શબ્દશઃ છાપવાની ફરજ પાડવામાં આવી હતી. આ તમામ પ્રવૃત્તિઓ સ્થાનિક દૈનિક અખબારો તેમજ પંજાબ વિશેનાં તાજેતરનાં ઘણાં પુસ્તકોમાં છપાયેલી છે.

ઘણાં ગામડાંઓના લોકો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. ઘણા વિસ્તારોમાં લોકોને તેમનાં કૂતરાંને મારી નાખવા માટે જણાવવામાં આવ્યું હતું, કારણ કે, તેમના ભસવાથી સુરક્ષા દળો સતર્ક થઈ જતાં હતાં. મોટાભાગના પંજાબમાં ઘણાં વર્ષો સુધી અંધારુ થયા પછી લગભગ કર્ફ્યૂ જેવી સ્થિતિ પ્રવર્તતી હતી અને લોકો કટોકટીની સ્થિતિમાં પણ રાતના સમયે પ્રવાસ ખેડતા ડરતા હતા.

આર્થિક રીતે સક્ષમ હોય, એવા લોકોએ તેમનાં બાળકોને નગરોની હૉસ્ટેલોમાં અથવા તો પંજાબ બહાર મોકલી દીધાં હતાં. ઘણા વ્યવસાયીઓ પંજાબથી બહાર સ્થળાંતર કરી ગયા હતા અને ઘણા વ્યવસાયીઓ ઉગ્રવાદીઓને નિયમિતપણે ખંડણી ચૂકવતા હતા.

જેમને બહાર જવું ન પરવડે, એવા ઘણા લોકો સહેલાઈથી નિશાન બનતા હતા. આ સ્થિતિમાં શીખ અને શીખ ન હોય એવા, બંને પ્રકારના લોકોએ સહન કરવું પડ્યું હતું. ફિલ્મમાં એ સંજોગો દર્શાવવામાં આવ્યા નથી કે, જ્યારે સુરક્ષા દળો સંપૂર્ણપણે નિરાશ થઈ ગયાં હતાં અને પંજાબના ઘણા પ્રદેશો પર માત્ર 'ઉગ્રવાદીઓનું જ સામ્રાજ્ય પ્રવર્તતું' હતું.

ઘણા લોકો એવી દલીલ કરે છે કે, આ ફિલ્મ જ્યારે 'ઉગ્રવાદ તેની ચરમસીમા'એ હતો, તેવા દાયકામાં પોલીસ અને સામાન્ય પંજાબી પ્રજાએ જે હાલાકી ભોગવવી પડી હતી, તે પરિસ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. એ દૃષ્ટિએ જોતાં તે સુસંગત સંદર્ભ વિનાનું એકતરફી વર્ણન બની રહે છે.

જોકે, ફિલ્મના સમર્થકો કહે છે કે, ફિલ્મ ચોક્કસ સમયગાળાના એક વ્યક્તિત્વ વિશે છે અને ફિલ્મ તે ઉદ્દેશ્યને નિષ્ઠાપૂર્વક સંતોષે છે. ફિલ્મ પોલીસના અત્યાચારને ઉજાગર કરે છે, જેમાં તે સમયગાળામાં ઘણા અધિકારીઓ કસ્ટડી દરમિયાન હત્યા કરવા તૈયાર હતા અને એક કરતાં વધુ કોર્ટ કેસોમાં તે હકીકત પુરવાર પણ થઈ ચૂકી છે. પણ ફિલ્મ ત્યાં જ અટકી જાય છે.

'સતલુજ' ફિલ્મમાં 25,000 શીખ યુવાનો માર્યા ગયા હોવાનો કે ગુમ થયા હોવાનો આંકડો વારંવાર રજૂ કરવામાં આવે છે. ખાલડા અને તેમના સહયોગીએ ત્રણ સ્મશાનગૃહોની તપાસ કરી હતી અને સીબીઆઇની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસમાં 2,097 બિનવારસી મૃતદેહો મળી આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. 25,000નો આંકડો અંદાજો પર આધારિત છે.

જો પંજાબનાં બધાં સ્મશાનગૃહોની તપાસ કરવામાં આવી હોત, તો આ આંકડો ઊંચો જઈ શક્યો હોત. પરંતુ, તે માટે રાજ્યવ્યાપી સઘન તપાસ હાથ ધરાવી જોઈતી હતી, પણ આવી કોઈ તપાસ થઈ નથી. અકાલી દળ (બાદલ)એ 1997ની વિધાનસભાની ચૂંટણીના તેના ઢંઢેરામાં આવું ન્યાયિક પંચ નીમવાનું વચન આપ્યું હતું, પણ તેણે તેનું વચન પાળ્યું ન હતું.

પંજાબમાં ફિલ્મ 'સતલુજ'ને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?

જસવંતસિંહ ખાલડા OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB@khalramission

ઇમેજ કૅપ્શન, જસવંતસિંહ ખાલડા

આ ફિલ્મે પંજાબના સામાજિક-રાજકીય વાતાવરણને હલબલાવી નાખ્યું છે. દિલજિત દોસાંઝ અને હની ત્રેહાન જેવાં પ્રસિદ્ધ નામો ફિલ્મ સાથે સંકળાયેલાં છે અને તેનું કથાવસ્તુ પંજાબના 'ઉગ્રવાદ' સાથે જોડાયેલું હોવાથી ઘણા લોકો વર્ષોથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ સેન્સર બોર્ડની કાપકૂપને કારણે અટવાઈ ગઈ હતી.

ફિલ્મને ઓટીટી ચૅનલ પરથી હટાવી લેવામાં આવી, ત્યાં સુધીમાં હજ્જારો લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા હતા અને ફિલ્મ ઘણી ઇન્ટરનેટ લિંક મારફત મફત ઉપલબ્ધ છે.

આ ફિલ્મને પંજાબના ઘણા વર્ગોનું જોરદાર સમર્થન સાંપડી રહ્યું છે. પંજાબ અને ભારતના બાકીના પ્રદેશોના કલાકારોએ આ ફિલ્મને વધાવી લીધી છે અને કેટલાંક મીડિયા સંગઠનોએ પણ તેના ભરપેટ વખાણ કરતા રિવ્યૂ આપ્યા છે.

ભૂતકાળમાં ઘણી ટર્મ માટે પંજાબમાં શાસન કરનારા અને શીખોનો અવાજ હોવાનો દાવો કરનારા રાજકીય પક્ષ શિરોમણિ અકાલી દળ (બાદલ)એ ફિલ્મના જાહેર સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી.

આ ફિલ્મ પંજાબનાં તેમજ પંજાબ બહાર આવેલાં ઘણાં ગુરુદ્વારાનાં પરિસરોમાં દર્શાવવામાં આવી રહી છે.

રસપ્રદ બાબત એ છે કે, પંજાબમાં સત્તા ધરાવતી શાસક આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ફિલ્મના જાહેર સ્ક્રીનિંગ વખતે કહ્યું છે કે, પંજાબીઓએ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન થયેલાં કૃત્યો જોવાં જોઈએ. દેખીતી રીતે જ, લાગણીનો ભાવનાત્મક ઉભરો ધરાવતા આ વાતાવરણ વચ્ચે ઘણા શીખ લોકોનું માનવું છે કે, લાંબા સમય સુધી લોકોથી છૂપાયેલા રાખવામાં આવેલા બનાવો અને ઘટનાઓ હવે જાહેર થઈ ગયાં છે, કારણ કે, આ ફિલ્મે ખાલડાના જીવન સાથે સંકળાયેલાં તથ્યો જાહેર કરી દીધાં છે.

જ્યારે અન્ય ઘણા લોકો (શીખ અને બિન-શીખો) આને એક એવી ફિલ્મ તરીકે જુએ છે, જે એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. પંજાબમાં સોશિયલ મીડિયા પર તથા બજારનાં સ્થળોએ ખુલ્લેઆમ જુદા અભિપ્રાયો આપવામાં આવી રહ્યા છે.

જેમની હત્યા કરાઈ હતી, તે મુખ્ય મંત્રી બિઅંતસિંહના પૌત્ર રવનીતસિંહ બિટ્ટુ ભાજપના અગ્રણી સભ્ય છે. તેમણે આ ફિલ્મ સામે સખ્ત વાંધો ઊઠાવતાં તેને એકતરફી ફિલ્મ ગણાવી છે.

તેમણે કહ્યું હતું કે, ફિલ્મમાં સામાન્ય નાગરિકો અને પોલીસ દળે વેઠવી પડેલી યાતના દર્શાવવામાં આવી નથી. ફિલ્મને લઈને કૉંગ્રેસનું વલણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, તેના કેટલાક નેતાઓ ફિલ્મના સ્ક્રીનિંગની તરફેણ કરી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક નેતાઓએ ચૂપકિદી સેવી લીધી છે.

પંજાબી સમાજનો એક વર્ગ ઉગ્રવાદીઓના અત્યાચારનો ભોગ બન્યો હતો અને તે વર્ગ હંમેશા ખાનગી રીતે પોલીસના અતિરેક (અત્યાચાર) સામે આંખ આડા કાન કરતો આવ્યો છે. તે વર્ગ અને સાથે જ પંજાબ પોલીસના ઘણા નિવૃત્ત અધિકારીઓ અત્યારે ચેતી ગયા છે.

રસપ્રદ રીતે, 2001માં કથિત અત્યાચારો બદલ જ્યારે ઘણા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસો દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે પંજાબી સમાજના એક વર્ગે એવી માગણી કરી હતી કે, ઉગ્રવાદ સંબંધિત સમયગાળાને લગતા કેસોનો સામનો કરી રહેલા પોલીસકર્મીઓને સામાન્ય માફી આપવામાં આવે.

જલંધરમાં એ જ વર્ષે ગૃહ મંત્રી એલ. કે. અડવાણીએ હિંદ સમાચાર ગ્રૂપના એક કાર્યક્રમ દરમિયાન એવી જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર આવા પોલીસ અધિકારીઓને કાનૂની તથા નાણાંકીય સહાય પૂરી પાડવા વિશે વિચારશે.

ફિલ્મના જાહેર સ્ક્રીનિંગ સામેની યાચિકા અદાલતોમાં દાખલ કરવામાં આવી છે અને વાતાવરણ ધીમે-ધીમે ભાવનાત્મક રીતે તણાવગ્રસ્ત બની રહ્યું છે.

પંજાબમાં આ ફિલ્મની શું સામાજિક અને રાજકીય અસર પડશે?

સતલુજ સિનેમાઘરોમાં રિલીઝ નહોતી થઈ અને ઓટીટી પર રિલીઝ થઈ હતી. હવે ત્યાંથી પણ હઠાવી લેવાતાં પંજાબનાં ગામડાંમાં તેનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. OTT પ્લૅટફૉર્મ Zee5 પર રિલીઝ થયા પછી સતલુજ ફિલ્મને હઠાવી દેવામાં આવી હતી
'સતલુજ' : ફિલ્મ સત્યથી કેટલી નજીક છે અને પંજાબનો 'ઉગ્રવાદ' તેમાં કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે? - બ્લૉગ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સતલુજ સિનેમાઘરોમાં રિલીઝ નહોતી થઈ અને ઓટીટી પર રિલીઝ થઈ હતી. હવે ત્યાંથી પણ હઠાવી લેવાતાં પંજાબનાં ગામડાંમાં તેનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે.

સામાજિક તથા રાજકીય વર્તુળોમાં વિભાજિત મંતવ્યો પરથી એ એકદમ સ્પષ્ટ છે કે, આ ભાવનાત્મક મુદ્દો પંજાબમાં લાંબા સમય સુધી મોજૂદ રહેશે.

પંજાબનાં હજ્જારો પરિવારોએ પંજાબમાં ઉગ્રવાદનાં 12-13 વર્ષો દરમિયાન ઉગ્રવાદીઓ, સુરક્ષા દળો તથા પંજાબમાં રાત-દિવસ પ્રવર્તતા ભયના વાતાવરણ વચ્ચે ઘણું સહન કર્યું છે. પંજાબી સમાજમાં ઘણા દાયકાઓથી વિરોધી અને વિભિન્ન અભિપ્રાયો આપવામાં આવી રહ્યા છે.

બંને તરફથી લાંબા સમયથી ચાલ્યા આવતા પૂર્વગ્રહો તેમજ અભિપ્રાયો આ સંજોગોમાં વધુ દૃઢ થાય, એવી શક્યતા છે. આ મામલામાં રાજકીય પક્ષો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, એ જોતાં આપણે સમાજમાં અભિપ્રાયોના ધ્રુવીકરણનો પણ સામનો કરવો પડી શકે છે.

પંજાબમાં આગામી વર્ષના ફેબ્રુઆરી માસ પહેલાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે 'સતલુજ' ફિલ્મની ફરતે પ્રવર્તી રહેલા મંતવ્યોનું વિભાજન ચૂંટણીમાં કોઈ મુદ્દો બનશે કે કેમ, તે વિશે કંઈ કહી શકાય નહીં. પણ એટલું તો નક્કી છે કે, કોઈપણ રાજકીય પક્ષ તેનું પોતાનું વર્ણન ઊભું કરવાની તક જતી કરશે નહીં.

આ આખી ફિલ્મ એક અગ્રણી શીખે વેઠવી પડેલી પીડા ઉપર કેન્દ્રિત છે અને શીખોનો એક વિશાળ વર્ગ આ ચિત્રણને વાજબી ઠેરવી રહ્યો છે, ત્યારે સમુદાયમાં પીડિત હોવાની લાગણી ફરી વખત સપાટી પર આવે, એવી સંભવિતતા છે. ફિલ્મમાં પંજાબની સ્થિતિનું જે ચિત્રણ કરવામાં આવ્યું છે, તેની સામે સમાજનો બીજો એક વર્ગ વાંધો ઊઠાવી રહ્યો હોવાથી શીખ સમુદાયની પીડિત હોવાની લાગણી વધુ પ્રબળ બનવાની શક્યતા છે.

અકાલી દલ (બાદલ)એ ઉગ્રવાદી સમયગાળામાં બનેલી ઘટનાઓ મામલે ન્યાયિક તપાસ હાથ ધરવાનું વચન આપ્યું હતું, પણ પછી તેણે એ વચન પાળ્યું ન હતું, એ જોતાં તેના માટે નેરેટિવનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બનશે. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં બે સંસદીય બેઠક જીતનારા અને પંજાબમાં હંમેશાં રાજ્યના અત્યાચારોના મુદ્દા પર જ ધ્યાન આપનારા 'વારિસ પંજાબ દે' જેવા કટ્ટરપંથી શીખ જૂથને શીખ જનમતના આ મજબૂતીકરણથી ફાયદો થઈ શકે છે.

જ્યારે પણ કોઈ એક જ જૂથ પર અત્યાચાર થઈ રહ્યો હોય એવું દર્શાવતું ઉગ્રવાદના યુગનું કોઈ પ્રકરણ સામે આવે છે, ત્યારે સમાજમાં અભિપ્રાયો વહેંચાઈ જતા હોય છે.

આ પાછળનું કારણ એ છે કે, તે યુગના જખમો હજુ રૂઝાયા નથી અને પીડા સહન કરનારા સમાજના તમામ વર્ગોને મદદ કરવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. ઘણા સમાજશાસ્ત્રીઓ એવો અભિપ્રાય વ્યક્ત કરે છે કે, પંજાબી સમાજમાં 'ટ્રૂથ ઍન્ડ રિકૉન્સિલિએશન' (સત્ય અને સમાધાન)નો પ્રયત્ન કરવાની જરૂર છે.

એવું સૂચવવામાં આવે છે કે, જેમણે સમાજના કોઈપણ વર્ગ પર અત્યાચાર ગુજાર્યો હોય, તેમણે યાતનામાંથી પસાર થનારા લોકોની સામે આવવું જોઈએ, તેમની આપવીતી સાંભળવી જોઈએ અને જાહેરમાં પોતાનો ગુનો કબૂલવો જોઈએ. જ્યાં સુધી આવી પહેલ કરવામાં નહીં આવે, ત્યાં સુધી સમાજમાં સમયાંતરે આ પ્રકારનાં વિભાજનો થતાં રહેશે અને તેની રાજકીય અસરો પણ ઉદ્ભવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન