You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આણંદ જિલ્લામાં રેલવેનો નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો, રેલવેએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક રેલવેનો એક નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યાના સમાચાર મળી રહ્યા છે.
આણંદ ખાતેના બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી નચિકેતા મહેતા જણાવે છે કે "અડાસ ગામથી નૅશનલ હાઇવેને જોડતા માર્ગ પર એક રેલવે બ્રિજ બની રહ્યો હતો. થોડા દિવસ પહેલાં જ આ બ્રિજના પિલર પર ગર્ડર મૂક્વામાં આવ્યું હતું. જે આજે તૂટી પડ્યું છે."
પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઑફિસર અનુભવ સક્સેનાએ પણ આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો હોવાની પુષ્ટિ કરી છે.
તેમણે જાહેર કરેલી એક પ્રેસનોટ પ્રમાણે, "આ બ્રિજ વડોદ અને અડાસ રોડ સ્ટેશનો વચ્ચે ક્રૉસિંગ નંબર 250 પર બની રહ્યો હતો. તેનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ, વડોદરા દ્વારા થઈ રહ્યું હતું. હાલ આ પૂલનો ભાગ તૂટવાથી રેલવેના વ્યવહારને કોઈ અસર થઈ નથી કારણકે અકસ્માતનું સ્થળ રેલવે ટ્રેકથી થોડે દૂર છે. રેલવે તંત્ર આ પ્રોજેક્ટ સમયસર અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ યોગ્ય પગલાં ભરી રહ્યું છે."
બીબીસી સહયોગી નચિકેત મહેતાના જણાવ્યા પ્રમાણે હાલ આ બ્રિજનો ભાગ તૂટી પડવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
આણંદના પ્રાંત અધિકારી ડૉ. મયૂર પરમારે બીબીસી સહયોગી નચિકેતા મહેતાને જણાવ્યું કે "સાંજે સવા સાત વાગ્યાની આસપાસ રેલવેનો એક નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. ઘટનાસ્થળે આવીને જોયું તો આ નિર્માણાધીન બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ કોઈ જાનહાનિ નથી અને રેલવેના સંબંધિત અધિકારીઓ પાસે આ વિશે અહેવાલ મંગાવ્યો છે."
ગુજરાત : વાપીના રાહુલ જાખરે હૉંગકૉંગમાં બનાવ્યો આ રેકૉર્ડ
વાપીના 18 વર્ષના ઍથ્લીટ રાહુલ જાખરે હૉંગકૉંગમાં નવો રાષ્ટ્રીય રેકૉર્ડ સ્થાપીત કર્યો છે.
ગુજરાત સરકારના માહિતી ખાતાની પ્રેસનોટ અનુસાર, મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી પરંતુ વલસાડ જિલ્લાના વાપીમાં આવીને સ્થાયી થયેલા બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારના પુત્ર રાહુલ જાખરે હૉંગકૉંગમાં યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર-20) ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પૉઇન્ટ મેળવીને ખિતાબ પોતાના નામે કર્યો સાથે અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રિય રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો છે.
માહિતી ખાતાની યાદી જણાવે છે તે પ્રમાણે આ પ્રદર્શન સાથે રાહુલ એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યા છે અને વૈશ્વિક ક્રમમાં પણ ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહુલ અને તેમના પરિવારજનોને આ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યાં છે.
કર્ણાટક : ડીકે શિવકુમાર કૉંગ્રેસ વિધાયક દળના નેતા ચૂંટાયા, આ દિવસે થશે શપથવિધિ
કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને રાજ્યમાં કૉંગ્રેસ વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હવે કર્ણાટકના મુખ્ય મંત્રી બનશે.
તેમના નામની ઘોષણા કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કરી. તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી જૂને સાંજે શિવકુમારની શપથવિધિ થશે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, સિદ્ધારમૈયાએ વિધાયક દળની બેઠકમાં નવા નેતા તરીકે ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો, આ બેઠકમાં કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા પણ ઉપસ્થિત હતા.
વીનેશ ફોગાટ એશિયન ગેમ્સની રેસમાંથી થયાં બહાર
રેસલર વીનેશ ફોગાટ એશિયન ગેમ્સની ટ્રાયલ્સના ત્રીજા મુકાબલામાં હારી ગયાં છે. તેની સાથે જ તેઓ ટ્રાયલ્સમાંથી બહાર થઈ ગયાં છે.
ત્રીજા મુકાબલામાં તેમને હરિયાણાનાં મીનાક્ષીની સામે હારનો સામનો કરવાનો આવ્યો. મુકાબલામાં વીનેશે ચાર અંક હાંસલ કર્યા જ્યારે કે મીનાક્ષીએ 6 અંક પ્રાપ્ત કર્યા.
આ હાર સાથે વીનેશ ફોગાટના એશિયન ગેમ્સની ટ્રાયલ્સની સફર સમાપ્ત થઈ ગઈ. હવે તેઓ ટ્રાયલ્સમાંથી બહાર થઈ ગયાં છે.
વીનેશે પહેલા મુકાબલામાં જ્યોતિ સામે 7-1થી આસાનીથી જીત હાંસલ કરી હતી. બીજા મુકાબલામાં નિશુએ તેમને ટક્કર આપી હતી. નિશુએ મુકાબલામાં 5-0થી બઢત બનાવી લીધી હતી પરંતુ પછી વીનેશે વાપસી કરતા આ મુકાબલો જીતી લીધો.
વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિલોગ્રામ કૅટેગરીમાં રમવાની પરવાનગી આપવામાં આવી હતી.
પીટીઆઈ પ્રમાણે, ભારતીય કુસ્તી સંઘ (ડબ્લુએફઆઈ)એ પહેલા તેમને માત્ર 50 કિલોગ્રામ વર્ગમાં રમવાની પરવાનગી આપી હતી પરંતુ પછી તેનો નિર્ણય બદલ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પણ ચુકાદો આપ્યો હતો કે વીનેશ ફોગાટ એશિયન ગેમ્સ 2026 માટે થનારી ટ્રાયલ્સમાં ભાગ લઈ શકે છે.
સીયૂઈટી- યુજી 2026 પરીક્ષા મોડી શરૂ થતાં વિવાદ, રાહુલ ગાંધીએ શું કહ્યું?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીયૂઈટી-યુજી 2026 પરીક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે જે પેઢીનું ભવિષ્ય બરબાદ કરવામાં આવ્યું છે, તે હિસાબ લેશે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "નીટ, સીબીએસઈ, એસએસસી અને આજે હવે સીયૂઈટી...ચાર પરીક્ષાઓ, એક કરોડ બાળકો અને એક પણ ઇમાનદારી રીતે સંપન્ન ન થઈ શકી."
તેમણે લખ્યું, "દાવો વિશ્વગુરુનો, પરંતુ દેશમાં એક પરીક્ષા ન કરી શકે, મોદીજીએ આખી શિક્ષણ વ્યવસ્થા તબાહ કરી દીધી છે. જે પેઢીનું ભવિષ્ય તમે બરબાદ કર્યું છે, તે જ પેઢી તમારો હિસાબ કરશે."
પરીક્ષા મોડી શરૂ થવા પર દિલ્હીનાં પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ પણ સવાલ ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા એનટીએએ પરીક્ષા મોડી શરૂ થવાનું કારણ 'ટૅક્નિકલ સમસ્યા' હોવાનું જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થી તથા તેમના વાલીઓને થયેલી પરેશાની બદલ ખેદ વ્યક્ત કર્યો.
ડોનાલ્ડ ટ્રમ્પના હૅલ્થ ચેક-અપ બાદ ડૉક્ટરે શું જણાવ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડૉક્ટરે શુક્રવારના વ્હાઇટ હાઉસથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ 'પૂર્ણ રીતે સ્વસ્થ' છે.
તેમણે જણાવ્યું કે આ અઠવાડિયે થયેલા ટેસ્ટમાં 79 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પના પગમાં થોડો સોજો છે અને હાથો પર સામાન્ય ઈજાનાં નિશાન છે.
ડૉ શૉન બારબેલાએ શુક્રવાર સાજે જારી એક નોટમાં કહ્યું કે, "ડોનાલ્ડ ટ્રમ્પનું શારીરિક સ્વાસ્થ્ય એકદમ બરાબર છે. તેમનું હૃદય, ફેફસાં, નર્વસ સિસ્ટમ અને સંપૂર્ણ શરીર સારી અને સામાન્ય સ્થિતિમાં છે."
ડૉક્ટર અનુસાર ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ અને અમેરિકાની સેનાના કમાન્ડર-ઇન-ચીફ એટલે જૂનમાં 80 વર્ષના થઈ જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર પોતાને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનથી વધારે ઊર્જાવાન અને ફિટ ગણાવતા આવ્યા છે.
અમિતાભ બચ્ચને વૈભવ સૂર્યવંશીનાં વખાણ કરતાં શું કહ્યું
બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને શુક્રવાર મોડી રાત્રે એક ઍક્સ પોસ્ટમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનાં વખાણ કર્યાં છે.
અમિતાભ બચ્ચનેઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "સૂર્યવંશી - 15 વર્ષની ઉંમરનો અદ્ભુત સૂર્યા. આ ઉંમરમાં તો અમે બંટા અને ગિલ્લીદંડો પણ સરખી રીતે નહોતા રમી શકતા."
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે એક ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "વૈભવ આટલી નાની ઉંમરમાં તાકાત અને પરિપક્વતા સાથે રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટરના ભવિષ્ય માટે શાનદાર સંકેત છે."
ઉલ્લેખનીય છે કે શુક્રવારના રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મૅચ રમાઈ હતી.
આ મૅચ ગુજરાત ટાઇટન્સે સાત વિકેટથી જીતી લીધી. આની સાથે જ રાજસ્થાન રૉયલ્સ આઈપીએલ 2026માંથી બહાર થઈ ગઈ.
વૈભવે 47 બૉલમાં 97 રન બનાવ્યા. તેમણે આ ઇનિંગમાં સાત સિક્સ ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ 200થી વધારે રહ્યો.
વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં 53 કિલો વજન કૅટેગરીમાં રમવાની મંજૂરી
ભારતીય રેસલર વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિલો વજન કૅટેગરીમાં રમવાની મંજૂરી મળી ગઈ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, અગાઉ ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઇ)એ તેમને માત્ર 50 કિલોવર્ગમાં રમવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં તેનો નિર્ણય બદલી નાખ્યો.
રેસલર વીનેશ ફોગાટે આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો અને ફેડરેશન પર ભેદભાવનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેમને તેમની પસંદગીના વજનવર્ગમાં રમવાનો મોકો નથી અપાતો.
બાદમાં ડબલ્યુએફઆઇના અધ્યક્ષ સંજયસિંહે હસ્તક્ષેપ કર્યો અને વીનેશને 53 કિલોવર્ગની ટ્રાયલ્સમાં ઊતરવાની મંજૂરી આપી.
સંજયસિંહે કહ્યું, "અમે તેમને (વીનેશ) મંજૂરી આપી છે, કેમ કે તેમણે આરોપ મૂક્યા અને અધિકારીઓને તેમનું વજન માપવા માટે કહ્યું હતું. અમે કોઈની સાથે ભેદભાવ નથી કરવા માગતા. તેમણે એ ન કહ્યું કે એ કયા વર્ગમાં રમવા માગે છે, છતાં અમે તેમને તક આપી છે."
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય સંભળાવ્યો હતો કે રેસલર વીનેશ ફોગાટ એશિયન ગેમ્સ 2026માં થનાર ટ્રાયલ્સમાં ભાગ લઈ શકે છે.
આઇપીએલ 2026: રિષભ પંતની કૅપ્ટનશિપ છોડવા પર લલિત મોદીએ કોને જવાબદાર ઠેરવ્યા?
આઇપીએલના પૂર્વ ચૅરમૅન લલિત મોદીએ રિષભ પંતની લખનૌ સુપર જાયટ્સની કૅપ્ટનશિપ છોડવા પર ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયનકાને જવાબદાર ઠરાવ્યા છે.
લલિત મોદીએ કહ્યું કે આ એલએસજી માટે દુખનો દિવસ છે, જ્યારે માલિકે એવી સ્થિતિ સર્જી દીધી છે કે એક ખેલાડીએ રાજીનામું આપવું પડ્યું.
લલિત મોદીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "સંજીવ ગોયનકા મીડિયામાં વારંવાર કહે છે કે તેઓ રિષભ પંતને 10-15 વર્ષ સુધી ટીમમાં રાખશે, પરંતુ હકીકત એ છે કે આ યુવા ખેલાડી એક દિવસથી વધુ આ માલિકની ટીમમાં રહી શક્યો નથી, કેમ કે તેમને બધા સામે અપમાનિત થવું પડ્યું."
તેમણે વધુમાં કહ્યું, "હવે સવાલ એ થાય કે હરાજી બાદમાં પસંદ થયા બાદ શું ખેલાડી પાસે એ હક છે કે તેઓ એ ટીમ માટે રમવાની ના પાડી શકે, જેનો માહોલ ખરાબ થશે? જવાબ છે, ના. તો શું એ યોગ્ય છે કે એવા માલિક માટે રમવું પડે, જ્યાં માહોલ ખરાબ હોય. બિલકુલ નહીં."
લલિત મોદીએ આગળ લખ્યું કે "મારી પાસે આનું સમાધાન છે. ખેલાડીઓ પાસે 'ફરિયાદ બૉક્સ' હોવું જોઈએ, જ્યાં તેઓ ફરિયાદ કરી શકે. જો કોઈ માલિક ફરિયાદની તપાસમાં દોષી સાબિત થાય તો તેને ખેલાડીઓ સાથે વાતચીત પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવાં સખત પગલાં લેવાની જરૂર છે, જેથી ખેલાડીઓની માનસિક સ્થિતિ સુરક્ષિત રહે."
આઇપીએલ 2026માંથી લખનૌ સુપરજાયન્ટ્સ બહાર થઈ ગયા બાદ રિષભ પંતે કૅપ્ટનશિપ છોડી દીધી હતી, જેની પુષ્ટિ શુક્રવારે ટીમે ઍક્સ પર કરી હતી.
આઇપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સે સતત ખરાબ પ્રદર્શન કર્યું હતું.
પંતને વર્ષ 2025ની હરાજીમાં એલએસજીએ 27 કરોડની કિંમત પર પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે 'ઈરાન યુદ્ધ' પર બેઠક કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રમુખ સલાહકારો સાથે ઈરાન યુદ્ધ પર બેઠક કરી છે. જોકે આ બેઠક બાદ અમેરિકાની આગળની રણનીતિ સ્પષ્ટ થઈ શકી નથી.
વ્હાઇટ હાઉસમાં શુક્રવારે સિચ્યુએશન રૂપમાં આ બેઠક થઈ હતી.
આ જગ્યાનો ઉપયોગ મોટાં સંકટોથી ઊગરવા સંબંધિત રણનીતિ ઘડવા કે ચર્ચા માટે થાય છે.
બેઠકની માહિતી આપતા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ બીબીસીને માત્ર એટલું કહ્યું કે 'મીટિંગ પૂરી થઈ ગઈ છે.'
અધિકારીએ આ સિવાય કશી માહિતી આપી નહોતી.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ માત્ર એ જ કરાર કરશે જે અમેરિકા માટે સારો હોય અને જેનાથી તેમની શરતો પૂરી થાય. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખી શકે."
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુરુવારે અમેરિકા અને ઈરાને એક પ્રાથમિક કરારનું ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું. તેને "મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ" કહેવાય છે. પરંતુ આ કરાર ત્યારે જ પાક્કો થશે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન અને ઈરાનની સરકાર તેને મંજૂરી આપે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન