GT vs RCB : અમદાવાદમાં બૅંગલુરુને હરાવવા માટે ગુજરાત ટાઇટન્સને કેવા પડકારોનો સામનો કરવો પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે રવિવારે IPLની ફાઇનલ મૅચ રમશે. ગુજરાત ટાઇટન્સની ટીમ બૅંગલુરુ સામે પહેલી ક્વૉલિફાયર મૅચ હારી જવાના કારણે બીજી ક્વૉલિફાયર મૅચ રમવી પડી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમે બીજી ક્વૉલિફાયર મૅચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમના 215 રનના ટાર્ગેટને 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચૅઝ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે 53 બૉલમાં 104 રન બનાવ્યા હતા. જ્યારે સાઈ સુદર્શને 58 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સનો પહેલી ક્વૉલિફાયર મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે 92 રનથી પરાજય થયો હતો.

બૅંગલુરુની ટીમે પહેલી બેટિંગ કરતા 254 રન પાંચ વિકેટે બનાવ્યા હતા, જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમે 19.3 ઓવરમાં 162 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. ગુજરાત ટાઇટન્સને આના કારણે IPLની ટ્રૉફી જીતવા માટે ફૅવરિટ માનવામાં આવે છે.

જોકે, ગુજરાત ટાઇટન્સને ટ્રૉફી જીતવી હશે તો ઘણાં આકરા પડકારોનો સામનો કરવો પડશે. શું હશે આ પડકારો?

રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના બૅટ્સમૅનોની આક્રમકતા

રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના ઓપનર વિરાટ કોહલી આકરા ફૉર્મમાં છે. આ IPLની 15 મૅચમાં તેમણે 50ની ઍવરેજ અને 164ના સ્ટ્રાઇક રેટથી 600 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી પાવરપ્લેમાં ટીમને મજબૂત શરૂઆત આપે છે અને બીજા ખેલાડીઓ માટે રમતને સરળ બનાવે છે.

વિરાટ કોહલીએ 25 બૉલમાં 43 રન ગુજરાત ટાઇટન્સની સામે ગત મૅચમાં બનાવ્યા હતા. વેંકટેશ અય્યર જલ્દી આઉટ થયા પછી દેવદત્ત પડ્ડિકલ અને વિરાટ કોહલીએ ટીમને સારું સ્ટેન્ડ આપ્યું હતું.

પડ્ડિકલ અને કોહલીએ બનાવેલા રનના કારણે રજત પાટીદારને આક્રમક બેટિંગ કરવાની તક મળી હતી.

વિરાટ કોહલીની સાથે ફિલ સૉલ્ટ કે વેંકટેશ અય્યર કોણ ઓપનિંગ કરશે તેને લઈને પ્રશ્નાર્થ છે.

દેવદત્ત પડ્ડિકલે 15 મૅચમાં 463 રન 170ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે, જ્યારે કૅપ્ટન રજત પાટીદારે 14 મૅચમાં 196ના સ્ટ્રાઇક રેટથી 486 રન બનાવ્યા છે. રજત પાટીદારની 33 બૉલમાં 93 રનની ઇનિંગના કારણે ગુજરાતની હાર ગત મૅચમાં થઈ હતી.

મિડલ ઑર્ડરમાં આવતા ટિમ ડેવિડ અને ઑલ રાઉન્ડર કૃણાલ પંડ્યા આ બંને ખેલાડીઓ અનુક્રમે 193 અને 147ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

જિતેશ શર્માનું નબળું ફૉર્મ આરસીબીની નબળી કડી છે. ગુજરાત ટાઇટન્સે જીતવું હશે તો આ તમામ ખેલાડીઓની વિકેટ લેવી પડશે.

અમદાવાદ હોમ ગ્રાઉન્ડ : ગુજરાત ટાઇટન્સનું સબળું પાસું

ગુજરાત ટાઇટન્સ માટે સબળું પાસું એ છે કે મૅચ તેમના હોમગ્રાઉન્ડમાં રમાવાની છે. તેમના બૉલરો અને બૅટ્સમૅન આ મેદાન પર વધારે રમ્યા છે. જે પ્રકારે બૅંગલુરુના ખેલાડીઓ જે ફૉર્મમાં છે તેમાં તે કોઈપણ બૉલરોનો સામનો કરી શકે છે.

ગુજરાત ટાઇટન્સે IPLની લીગ સ્ટેજની મૅચમાં બૅંગલુરુને ચાર વિકેટે અમદાવાદમાં હરાવ્યું હતું.

ગુજરાત ટાઇટન્સે બૅંગલુરુ પાસે આટલા મજબૂત બૅટ્સમૅન હોવા છતા તેમને માત્ર 155 રન કરવા દીધા હતા, ગુજરાતની ટીમે 6 વિકેટે 158 રન બનાવીને વિજેતા બની હતી. હાલ, બૅંગલુરુના બૅટ્સમૅન જે ફૉર્મમાંથી પસાર થઈ રહ્યા છે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે.

બૅંગલુરુ સામેની છેલ્લી મૅચમાં ગુજરાત ટાઇટન્સના બૉલર મોહમ્મદ સિરાજે 15.30, કાગિસો રબાડાએ 13.50 અને પ્રસિધ ક્રિષ્નાએ 13.20ના ઇકોનૉમી રેટથી રન આપ્યા હતા.

રાજસ્થાન રૉયલ્સ સામે આ ઇકોનૉમી સુધરી હતી. સિરાજ અને ક્રિષ્નાના ઇકોનૉમી રેટ 10.50 રહ્યો હતો. રબાડાના ઇકોનૉમી રેટ 8.80 રહ્યો હતો.

ગુજરાતના બૉલરોએ જેમ રાજસ્થાનના બૅટ્સમૅનને મોટો સ્કોર કરતા રોક્યા તેમ બૅંગલુરુના બૅટ્સમૅનને રોકવા પડશે.

ગુજરાતના સ્પિનર રાશિદ ખાને બૅંગલુરુ સામેની ગત મૅચમાં પહેલી બે ઓવરમાં 8 રન આપ્યા હતા, જ્યારે ત્રીજી ઓવરમાં 21 રન આપ્યા હતા.

રાશિદ ખાને રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં 2 ઓવરમાં 45 રન આપ્યા હતા.

સ્પિનર રાશિદ ખાનની બૉલિંગ બૅંગલુરુના મિડલ ઑર્ડર ખેલાડીઓને રોકવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે પણ તેમણે સતત આ જ રીતે બૉલિંગ કરવી પડશે.

ભુવનેશ્વરકુમાર અને જોશ હેઝલવુડની જોડીનું પ્રદર્શન

રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના બૉલર ભુવનેશ્વરકુમાર, જેકબ ડફ્ફી અને જોષ હેઝલવુડ પાવરપ્લેમાં સૌથી ઘાતક બૉલિંગ કરે છે. ભુવનેશ્વર કુમાર IPL 2026માં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં ગુજરાતના રબાડા પછી બીજા ક્રમે છે. ભુવનેશ્વર કુમારે આખી ટુર્નામૅન્ટમાં 26 વિકેટ લીધી છે. જેમાંથી 13 વિકેટ પાવરપ્લેમાં લીધી છે.

ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ અને જોશ બટલરને ભુવનેશ્વર કુમારના ઇનસ્વિંગ પરેશાન કરે છે.

શુભમન ગિલને ગત મૅચમાં ભુવનેશ્વર કુમારે બોલ્ડ કર્યા હતા. ભુવનેશ્વર કુમારે આખી IPLમાં માત્ર 8.00ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે.

જોશ હેઝલવુડે 12 મૅચમાં 13 વિકેટ લીધી છે અને માત્ર 9.62ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે.

કૃણાલ પંડ્યા પોતાના સ્લો, ફાસ્ટ અને સ્પિન વૅરિએશનના કારણે મિસ્ટ્રી બૉલર બની ગયા છે. તે ફાસ્ટ બૉલરની જેમ બાઉન્સ બૉલ નાખી રહ્યા છે.

આ ટુર્નામૅન્ટમાં તેમણે 15 મૅચમાં 13 વિકેટ લીધી છે અને માત્ર 8.64ના ઇકોનૉમી રેટથી રન આપ્યા છે.

કૃણાલ પંડ્યા ઑલરાઉન્ડર છે. તેમણે ગુજરાત ટાઇટન્સ સામેની ગત મૅચમાં મિડલ ઑવરમાં 28 બૉલમાં 43 રન બનાવ્યા હતા તે ગૅમ ચૅન્જિંગ સાબિત થયા હતા.

યુવાન બૉલર રસિખ સલામનું પ્રદર્શન આ IPLમાં ખૂબ સરસ રહ્યું છે. તેમણે 11 મૅચમાં 23.62ની ઍવરેજથી 16 વિકેટ લીધી છે.

રસિખ સલામે ગત મૅચમાં ગુજરાત ટાઇટન્સના બે બૅટ્સમૅનને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.

ગુજરાત ટાઇટન્સની બેટિંગનો આધાર

ગુજરાત ટાઇટન્સની બેટિંગનો આધાર સામાન્ય રીતે તેના ટોચના ત્રણ બૅટ્સમૅન સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર પર રહેલો છે.

સાઈ સુદર્શને 16 મૅચમાં 710 રન બનાવ્યા છે, જ્યારે શુભમન ગિલે 15 મૅચમાં 722 રન બનાવ્યા છે.

સાઈ સુદર્શન ગત બે મૅચથી હિટ વિકેટ આઉટ થઈ રહ્યા છે, જ્યારે શુભમન ગિલે ગત મૅચમાં સદી ફટકારી હતી. ગિલ અને સાઈ સુદર્શન ઑરેન્જ કૅપની રેસમાં છે.

જોસ બટલરે 16 મૅચમાં 507 રન બનાવ્યા છે.

વૉશિંગટન સુંદર સિવાય કોઈ ખેલાડી મિડલ ઑર્ડરમાં ચાલી રહ્યા ન હતા. જે ગુજરાત ટાઇટન્સ માટે ચિંતાનો વિષય હતો, જોકે છેલ્લી બે મૅચથી રાહુલ તેવટિયાએ જે પ્રદર્શન કર્યું છે તેના કારણે ગુજરાતની ટીમનો મિડલ ઑર્ડર સુધર્યો હોય તેમ લાગી રહ્યું છે.

જેસન હૉલ્ડર ઑલરાઉન્ડર છે. તેઓ બૉલિંગ સારી કરી રહ્યા છે પણ મિડલ ઑર્ડરમાં જરૂર પડે તો તેમણે પણ રન બનાવવા પડશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સના બૉલરો બૅંગલુરુની ટીમ પર હાવી રહેશે તેમાં કોઈ શંકા નથી, સામે બૅંગલુરુના ઓપનિંગ બૉલર જે પ્રકારે સ્વિંગ કરે છે જે ગુજરાત ટાઇટન્સના બૅટ્સમૅન માટે પણ ચિંતાજનક છે.

ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ ફાઇનલ મૅચનું પ્રૅશર કેવી રીતે હૅન્ડલ કરે છે તે પણ હાર-જીત માટે મોટું પાસું બનશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન