કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવો ભાવ શું છે? - ન્યૂઝ અપડેટ

કોમર્શિયલ એલપીજી, ભાવમાં નોંધપાત્ર ઘટાડો,

ઇમેજ સ્રોત, Sunil Ghosh/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ઑઇલ કંપનીઓએ શનિવારે પહેલી ઑગસ્ટ, 2026ના રોજ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ઑઇલ કંપનીઓએ શનિવારે 1 ઑગસ્ટ, 2026ના રોજ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેમણે દેશભરમાં 19 કિલોગ્રામના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આશરે 200 રૂપિયાનો ઘટાડો કર્યો.

દરમિયાન, શનિવારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત્ રહ્યા છે. વધુમાં પાંચ કિલોગ્રામના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરના ભાવમાં પણ આશરે ₹46નો ઘટાડો કરવામાં આવ્યો.

નવી કિંમતો બાદ, દિલ્હીમાં 19 કિલોગ્રામના નૉન-ડૉમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમત 192 રૂપિયા ઘટીને 2,738 રૂપિયા થઈ ગઈ છે. પાંચ કિલોના એફટીએલ સિલિન્ડરની કિંમત 46.5 રૂપિયા ઘટીને 762 રૂપિયા થઈ ગઈ છે.

મુંબઈમાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹194 નો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોગ્રામનું સિલિન્ડર હવે 2,691.5 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

મોટાં મહાનગરોમાં, કોલકાતામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 19 કિલોના સિલિન્ડરની કિંમત ₹209 ઘટીને 2872.5 રૂપિયા થઈ ગઈ છે.

આ પહેલા એક જુલાઈના રોજ, કંપનીઓએ કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ રિફિલમાં લગભગ 183 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

'મને અને મારાં માતાને ગંદી ગાળો આપવામાં આવી', પીએમ મોદીએ શુક્રવારે મોડી રાતે પોસ્ટ કરેલા વીડિયોમાં શું કહ્યું?

'મને અને મારાં માતાને ગંદી ગાળો આપવામાં આવી', પીએમ મોદીએ વધુ એક પોસ્ટ કરેલા વીડિયોમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Josh Chadwick/AFL Photos/via Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરી, જેમાં તેમણે કહ્યું કે જંતર-મંતર પર કેટલાંક તોફાની બાળકોએ મને અને મારાં માતાને ગંદી-ગંદી ગાળો આપી.

તેમણે કહ્યું કે બાળપણ એ ભૂલોને સુધારવાનો અવસર પણ હોય છે. આ ગેરમાર્ગે દોરાયેલાં બાળકો છે, તેમને માર્ગ બતાવવાનો સમય છે, હું તેમને માફ કરવા માંગું છું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું, "જંતર-મંતર પર જે થયું તે દેશ અને દુનિયાએ જોયું. કેટલાંક તોફાની બાળકોએ ભદ્દી અને અપશબ્દોથી ભરેલી ભાષાનો ઉપયોગ કર્યો, એવા શબ્દો જે કોઈપણ સભ્ય સમાજ માટે યોગ્ય નથી. મને વ્યક્તિગત રીતે અપશબ્દો કહેવામાં આવ્યા, અને મારાં સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી."

પીએમ મોદીએ કહ્યું, "બાળપણમાં ભૂલો થાય છે, બાળપણ ભૂલોને સુધારવાનો અવસર પણ હોય છે, એ જ તો બાળપણ છે. હું સમાજની અંદર રહેલા આક્રોશને સારી રીતે સમજી શકું છું. આ એક સાંસ્કૃતિક આઘાત જેવું છે કે અમારી દીકરીઓ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. હું તે બાળકોને માફ કરવા માંગું છું."

"સમય આવી ગયો છે કે આપણે આ બાળકોને અપનાવીએ અને તેમને સાચો રસ્તો બતાવીએ. તેઓ માર્ગ ભૂલી ગયાં છે, અને તેમને સાચો રસ્તો બતાવવો આપણી ફરજ છે. તેમને સજા આપવી, કાયદાકીય કાર્યવાહીમાં ફસાવવાં અને સમાજમાં પરેશાન કરવાં, આમાંથી કોઈ પણ બાબતથી પરિસ્થિતિ બદલાશે નહીં. હું તેમને માફ કરવા માંગું છું. સમાજે પણ તેને સ્વીકારવું જોઈએ. મારા દિલમાં માત્ર એક જ ભાવના છે."

તેમણે કહ્યું, "આ બાળકો પણ આપણાં જ છે. તેમને સાચો રસ્તો બતાવવો આપણી ફરજ છે. જે ભટકી ગયાં છે, તેમને સાચો રસ્તો બતાવવો મુશ્કેલ છે, પરંતુ આ એવું કાર્ય છે જે આપણે કરવું જ પડશે. તો આવો, હું આ બાળકોને કહું છું, આવો દેશ માટે આપણે સૌ મળીને આગળ વધીએ. આવો કંઈક નવું શીખીએ અને પોતાની ભૂલોમાંથી પણ શીખીએ. આવો પોતાનાં સપનાંને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધીએ."

ઉલ્લેખનીય છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રતિનિધિઓ અને સરકારના મંત્રીઓ (કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ) વચ્ચે થયેલી વાતચીતમાં સહમતિ થઈ હતી કે પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ફિફાએ વિરોધ બાદ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન પાછો ખેંચ્યો

ફિફાએ વિરોધ બાદ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટવાળો પ્લાન પાછો ખેંચ્યો

ઇમેજ સ્રોત, Chris Brunskill/Fantasista/Getty Images

ઇમેજ કૅપ્શન, ફિફાએ વિરોધ બાદ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટવાળો પ્લાન પાછો ખેંચ્યો

ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફ્રેંન્ટિનોએ ફૂટબૉલ ટુર્નામેન્ટમાં ખાનગી રોકાણકારોને હિસ્સો આપવાની વિવાદાસ્પદ યોજના પાછી ખેંચી લીધી છે, જેનો અનેક મોટાં ફૂટબૉલ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ઇન્ફ્રેંન્ટિનોએ કહ્યું કે આ યોજના ફૂટબૉલ જગતમાં મતભેદ વધારી રહી છે અને હવે આ પ્લાન તેનો મૂળ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી રહયો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ફિફા આ પ્રસ્તાવને આગળ વધારશે નહીં.

ફિફાએ તેના 211 સભ્ય દેશોને આ યોજનાને સમર્થન આપવા બદલ 40 મિલિયન ડૉલરની ઑફર કરી હતી, જેના બદલામાં પુરુષો અને મહિલા વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.

યુરોપિયન ફૂટબૉલ ગવર્નિંગ બૉડી, યુએફા એ પણ આ યોજનાનો સખત વિરોધ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો તેના સભ્ય દેશો વર્લ્ડકપનો બહિષ્કાર કરવા પર વિચારી શકે છે.

ફિફાના અધિકારી કૅવિન લાર્મોરે જણાવ્યું હતું કે ગવર્નિંગ બૉડીને યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી. ઇન્ફ્રેંન્ટિનોના સલાહકાર કાર્લોસ કોર્ડેરોએ પણ વિવાદ બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે આ યોજના ફૂટબૉલનાં હિતમાં ન હતી.

અમેરિકા, મધ્ય અમેરિકા અને કૅરેબિયન ફૂટબૉલ સંસ્થા, કૉનકાકેફ અને એશિયન ફૂટબૉલ કન્ફેડરેશન (એએફસી)એ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો.

માર્ચમાં યોજાનારી ફિફા ચૂંટણીમાં સતત ચોથી મુદત માટે પ્રમુખપદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ઇન્ફ્રેંન્ટિનો હાલમાં દબાણ હેઠળ છે.

ઇન્ફ્રેંન્ટિનોએ કહ્યું કે હવે તેમનો પ્રયાસ ફૂટબૉલ સાથે સંકળાયેલા તમામ પક્ષોને ફરીથી એકસાથે લાવવાનો રહેશે, જેથી રમતના ભવિષ્ય માટે બધા સાથે મળીને આગળ વધી શકે.

હમાસના હથિયાર છોડવાના નિર્ણય પર પાકિસ્તાને શું કહ્યું?

પાકિસ્તાને હમાસ દ્વારા હથિયાર છોડવાની સહમતિનાં પગલાંને આવકાર્યું છે. (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Serhat Cagdas/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાને હમાસ દ્વારા હથિયાર છોડવાની સહમતિનાં પગલાંને આવકાર્યું છે. (ફાઇલ તસવીર)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ હેઠળ આવેલી શાંતિ યોજનાના અનુસાર, હમાસ કેટલીક શરતો સાથે હથિયાર મૂકવા માટે તૈયાર થઈ ગયું છે. આ અંગે હવે પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ પગલાંનું સ્વાગત કર્યું છે.

શહબાઝ શરીફે શુક્રવાર રાત્રે ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, "પાકિસ્તાન ગાઝા શાંતિ યોજના હેઠળ હથિયાર છોડવાની પ્રક્રિયાને અમલમાં મૂકવાની દિશામાં બોર્ડ ઑફ પીસ હેઠળ થયેલી પ્રગતિનું સ્વાગત કરે છે."

તેમણે લખ્યું, "અમેરિકા, ઇજિપ્ત, કતાર અને તુર્કી સહિત મધ્યસ્થ દેશોએ આ પ્રગતિ હાંસલ કરવામાં જે પ્રયાસો કર્યા છે, તેના માટે તેઓ વિશેષ પ્રશંસાના હકદાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સાહસિક નેતૃત્વમાં આ પીસ બોર્ડ માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે."

શહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે આ પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય નિયમો અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં પ્રક્રિયા આગળ વધશે. તેનાથી પેલેસ્ટેનિયન લોકોને પોતાના ભવિષ્યનો નિર્ણય કરવાનો અધિકાર મળી શકશે.

તેમણે કહ્યું, "આ પ્રક્રિયા દ્વારા 1967 પહેલાંની સીમાઓના આધારે એક સ્વતંત્ર અને સર્વભૌમ પેલેસ્ટાઇન દેશની સ્થાપના થવી જોઈએ. આ દેશની રાજધાની અલ-કુદ્સ અલ-શરીફ (જેરુસલેમ) હોવી જોઈએ."

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમના 'બોર્ડ ઑફ પીસ' એ ગાઝામાં હમાસ અને અન્ય સશસ્ત્ર જૂથો સાથે એક સમજૂતી કરી છે, જેના હેઠળ હમાસ હથિયાર મૂકી દેશે.

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું છે કે સંગઠને ગાઝામાં સંપૂર્ણ રીતે હથિયાર મૂકવાના 'બોર્ડ ઑફ પીસ' ના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન