પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રી બનાવીને ભાજપે શો સંદેશ આપ્યો, બળાત્કારીઓની મુક્તિ અંગે તેમનું નિવેદન શું હતું?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનું સુકાન સોંપવામાં આવ્યું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

25મી જુલાઈ, શનિવારના રોજ ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણમંત્રી તરીકે રાજીનામું આપ્યું, તે સાથે દિલ્હીમાં જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીની આગેવાની હેઠળ ચાલી રહેલું વિરોધપ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે.

26મી જુલાઈ, રવિવારે સવારે પણ જંતર-મંતર પર પોલીસ બંદોબસ્ત હતો અને બેરિકેડ્ઝ રાખવામાં આવ્યા હતા. પણ પ્રદર્શનકારીઓ પોતપોતાનાં ઘરે પરત ફરી ગયા હોવાથી હવે પોલીસની હાજરી અગાઉ કરતાં ઘણી ઓછી થઈ ગઈ હતી.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વડા પ્રધાનની સલાહ પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે.

પ્રહલાદ જોશી અત્યારે ગ્રાહક બાબતો, ખાદ્ય તથા જાહેર પુરવઠા મંત્રાલય સંભાળે છે અને સાથે જ તેઓ નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય પણ સંભાળી રહ્યા છે.

25મી જુલાઈ, શનિવારના રોજ પ્રતિક્રિયા આપતાં સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું, "જે કોઈ પણ વ્યક્તિ આગામી શિક્ષણમંત્રી બનશે, તે જાણે છે કે, યુવાન પેઢી તેમના પર નજીકથી નજર રાખી રહી છે. સમય આવ્યે તે જવાબ માગશે. આથી, સારું કામ કરો અને યુવાનોના હિતમાં કામ કરો. પેપરવર્ક બંધ કરો અને અમારાં પાંચ સૂચનોનો અમલ કરો."

સાથે જ તેમણે કહ્યું હતું કે, સરકારે એવી ખાતરી આપી છે કે, નવા શિક્ષણમંત્રી સાથે એક મહિનાની અંદર બેઠક યોજાશે.

બિલકિસબાનો કેસમાં પ્રહલાદ જોશીએ શું કહેલું?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિલકિસબાનો

વર્ષ 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યા મામલે ઉંમરકેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને સમય પહેલાં છોડી મુકાયા હતા. આ મુક્તિ પર ગુજરાતની ભાજપ સરકારે મહોર મારી હતી. જ્યારે આ અંગે ચારેકોરથી સવાલ ઊઠી રહ્યા હતા, ત્યારે પ્રહલાદ જોશીએ આનો બચાવ કર્યો હતો.

એ સમયે પ્રહલાદ જોશી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી હતા. 18 ઑક્ટોબરના રોજ પ્રહલાદ જોશીએ એનડીટીવીના તત્કાલીન સિનિયર પત્રકાર શ્રીનિવાસન જૈનને કહેલું, "જ્યારે સરકાર અને સંબંધિત વ્યક્તિઓએ આ નિર્ણય લીધો છે, તો મને તેમાં કંઈ ખોટું નથી લાગતું, કારણ કે આ કાયદા અંતર્ગત થનારી પ્રક્રિયા છે."

તેમણે કહેલું કે જે દોષિતો ઘણો સમય જેલમાં પસાર કરી ચૂક્યા છે, તેમના માટે સમય પહેલાં મુક્તિની જોગવાઈ છે.

તેમણે કહેલું, "આ કાયદા અંતર્ગત કરાયું છે." એ સમયે પ્રહલાદ જોશી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા.

ગુજરાત સરકારના નિર્ણયનો બચાવ કરતાં પ્રહલાદ જોશીએ કહેલું, "સારી ચાલચલગતના આધારે કેદીઓની મુક્તિ આપવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે. મારું માનવું છે કે આ મામલાને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરાઈ રહ્યો છે. જોકે, કોઈ પણ ગુનેગારને તેના અપરાધની સજા તો મળવી જ જોઈએ."

એનડીટીવીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું, "ગુજરાત સરકાર તરફથી આ મામલામાં દાખલ કરાયેલા 470 પાનાંના સોગંદનામાથી ખબર પડે છે કે દોષિતોની મુક્ત કરતી વખતે કેન્દ્ર સરકારની ઘણી ગંભીર આપત્તિઓને નજરઅંદાજ કરાઈ હતી. ગુજરાત સરકારે 28 જૂન (2022)ના રોજ કેન્દ્ર પાસેથી મંજૂરી માગી હતી. એ બાદ 11 જુલાઈના રોજ કેન્દ્ર તરફથી માત્ર એક પાનાની મંજૂરી આપી દેવાઈ. જેમાં કોઈ કારણ પણ નહોતું નોંધવામાં આવ્યું."

ભાજપનું શું કહેવું છે?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, LoksabhaTV

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશીએ પ્રિયંકા ગાંધીની ટિપ્પણી સામે લોકસભામાં આપત્તિ વ્યક્ત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મંગળવારે સંસદની બહાર રાહુલ ગાંધીએ આરોપ કરતાં કહ્યું કે પ્રહલાદ જોશીએ ગર્ભવતી મહિલાના બળાત્કારીઓની મુક્તિનું સમર્થન કર્યું હતું. નોંધનીય છે કે રાહુલ ગાંધી પહેલાં આ જ નિવેદન પ્રિયંકા ગાંધીએ લોકસભામાં આપ્યું હતું. આ નિવેદનને સંસદની કાર્યવાહીમાંથી હઠાવી દેવાયું હતું.

ભાજપે મંગળવારે પ્રિયંકા ગાંધીની ટિપ્પણીને નિંદનીય અને ભ્રામક ગણાવી. ભાજપ તરફથી પાર્ટીના મીડિયા સેલના સંયોજક અને લોકસભા સાંસદ અનિલ બલૂનીએ એક નિવેદન જાહેર કર્યું હતું.

બલૂનીએ કહ્યું, "એક સ્વસ્થ લોકશાહીમાં ગૃહની અંદર કોઈ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ આ પ્રકારની ભ્રામક અને આધારહીન ટિપ્પણીઓ ન સ્વીકારી શકાય. પ્રહલાદ જોશીએ બિલકિસબાનો સામૂહિક દુષકર્મ મામલા અંગે એવું કોઈ નિવેદન નહોતું આપ્યું. તેમણે માત્ર કાયદાકીય પ્રક્રિયા અંગે ટિપ્પણી કરી હતી, મામલાના ગુણદોષ અંગે નહીં."

તેમણે કહ્યું, "આવું નિવેદન આપતા પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ તથ્યોને યોગ્ય રીતે સમજવાં જોઈતાં હતાં, પરંતુ રાજકીય સુવિધા માટે નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવાં, દેશને ગેરમાર્ગે દોરવો અને નિરાધાર આરોપ લગાવવા એ કૉંગ્રેસ પાર્ટીની ટેવ બની ચૂકી છે."

બીજી તરફ, કૉંગ્રેસના લોકો સોશિયલ મીડિયા પર પ્રહલાદ જોશીની ટિપ્પણીઓનો વીડિયો શૅર કરી રહ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાન વિશે પ્રહલાદ જોશીએ શું કહ્યું?

25મી જુલાઈ, શનિવારે નવી જવાબદારી ધારણ કર્યા બાદ જોશીએ કહ્યું હતું, "વડા પ્રધાને મને આ જવાબદારી સોંપી છે. હું કર્તવ્યભાવ અને વિનમ્રતા સાથે તેને સ્વીકારું છું અને વડા પ્રધાનનો આભાર માનું છું."

"મોદી સરકારનાં છેલ્લાં 12 વર્ષોમાં ઘણાં ઐતિહાસિક કાર્યો થયાં છે. હું વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઉત્કૃષ્ટ કામગીરી કરવાનો પ્રયત્ન કરીશ."

પ્રહલાદ જોશીએ તેમના ઍક્સ હૅન્ડલ પર એક પોસ્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જોશીએ કહ્યું હતું, "ધર્મેન્દ્ર પ્રધાનની રાજકીય સફર દાયકાઓમાં ફેલાયેલી છે. દેશના વિકાસ તરફની તેમની કટિબદ્ધતા હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના કાર્યકાળ દરમિયાન ન્યૂ ઍજ્યુકેશન પૉલિસી (એનઇપી) 2020નો સફળતાપૂર્વક અમલ થયો હતો. તેની સાથે જ, 100 કરતાં વધુ નાના અને મોટા સુધારા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા."

"દેશના હિતને પ્રાથમિકતા આપીને રાજીનામું આપવાનો પ્રધાનનો નિર્ણય દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ પણ રીતે અટકાવી શકે એમ નથી. રાષ્ટ્રીય વિકાસના માર્ગ પર અમે ફરી મળીશું."

પ્રહલાદ જોશી કોણ છે?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશીએ ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ કર્યા છે.

સંસદની વેબસાઇટ પ્રમાણે, પ્રહલાદ વેંકટેશ જોશી કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા છે અને ધારવાડ લોકસભા મતવિસ્તારમાંથી સળંગ પાંચ વખત ચૂંટાઈ આવેલા સાંસદ છે.

તેમનો જન્મ 27મી નવેમ્બર, 1962ના રોજ કર્ણાટકમાં થયો હતો. સૌપ્રથમ તેઓ 2004માં લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેઓ સતત ધારવાડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ભાજપના કર્ણાટક એકમના ચાવીરૂપ નેતાઓમાંના એક ગણાતા જોશી 2014થી 2016 સુધી પક્ષના પ્રદેશ પ્રમુખ પણ હતા. એ સિવાય, તેઓ 2014થી 2018 સુધી લોકસભા અધ્યક્ષ મંડળના સભ્ય પણ હતા.

વર્તમાન સમયમાં પ્રહલાદ જોશી નવી તથા પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલયની જવાબદારીની સાથે-સાથે શિક્ષણ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને પુરવઠા મંત્રાલયનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે.

2019 અને 2024ની વચ્ચેના ગાળામાં તેમણે સંસદીય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલયની કામગીરી પણ સંભાળી હતી.

જોશીએ પ્રારંભિક શિક્ષણ કર્ણાટકના હુબલીની રેલવે સ્કૂલ તથા ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી મેળવ્યું હતું. પછીથી તેમણે હુબલીની શ્રી કદસિદ્ધેશ્વર આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી.

સક્રિય રાજકારણમાં જોડાયા પહેલાં તેઓ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેમના વ્યવસાયને 'ઉદ્યોગસાહસિક' તરીકે દર્શાવવામાં આવ્યો છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, યુવાન હતા, ત્યારથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા પ્રહલાદ જોશી 1992 અને 1994ની વચ્ચે ઈદગાહ મેદાનમાં થયેલા વિરોધપ્રદર્શન વખતે પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા.

આ વિરોધપ્રદર્શનમાં વિવાદિત સ્થળ પર તિરંગો લહેરાવવાની પરવાનગી માગવામાં આવી હતી. સંસદની વેબસાઇટ પ્રમાણે, 1998 અને 2003ની વચ્ચે તેઓ ભાજપના ધારવાડ જિલ્લા પ્રમુખ હતા.

2004ની લોકસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસના બી.એસ. પાટીલને હરાવીને તેઓ પ્રથમ વખત સંસદમાં પ્રવેશ્યા હતા.

તે પછી તેઓ 2009, 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીઓમાં ધારવાડ બેઠક જાળવી રાખીને કર્ણાટકમાં ભાજપના સૌથી લાંબો સમય સેવા આપનારા સાંસદોમાંના એક બન્યા છે.

પ્રહલાદ જોશી પાસે કેટલી જવાબદારી છે?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશીના શિરે ત્રણ મંત્રાલયોની જવાબદારી છે

તાજેતરમાં કૅબિનેટમાં ફેરફારો થયા પછી પ્રહલાદ જોશી હવે અન્ય કેટલાંક મહત્ત્વનાં મંત્રાલયોની જવાબદારી પણ ધરાવે છેઃ

1. શિક્ષણમંત્રી (વધારાનો ચાર્જ)

2. ગ્રાહક બાબતો, ખાદ્ય અને પુરવઠા મંત્રાલય

3. નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય

2019 અને 2024ની વચ્ચેના ગાળામાં તેમણે સંસદીય બાબતોના મંત્રાલય, કોલસા મંત્રાલય તથા ખાણ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી હતી.

અગાઉ, 2014થી 2019 દરમિયાન તેઓ ઘણી સંસદીય સમિતિના સભ્ય અને ચૅરમૅન રહી ચૂક્યા હતા, જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પરની સ્ટેન્ડિંગ કમિટિના ચૅરમૅન તરીકેની ભૂમિકા સૌથી નોંધનીય હતી.

પ્રહલાદ જોશી અને તેમનાં પત્ની પાસે કેટલી સંપત્તિ છે?

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશી સૌપ્રથમ 2004માં લોકસભાની ચૂંટણી જીત્યા હતા

2024ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણીપંચ સમક્ષ ફાઇલ કરવામાં આવેલી એફિડેવિટ પ્રમાણે, પ્રહલાદ જોશી 2,72,45,965 રૂપિયાના મૂલ્યની જંગમ મિલકત વાહનો, આભૂષણો, બૅન્કો તથા સ્ટોક માર્કેટ્સમાં રોકાણો, કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓ તેમજ ઇન્સ્યોરન્સ પૉલિસીના સ્વરૂપમાં ધરાવે છે.

તેઓ બૅંગલુરુમાં એક ખાલી પ્લોટની માલિકી ધરાવે છે, જેની વર્તમાન કિંમત બે કરોડ, 60 લાખ, 07 હજાર 300 રૂપિયા છે.

આ ઉપરાંત તેઓ બૅંગલુરુમાં એક રહેણાક એપાર્ટમેન્ટ પણ ધરાવે છે, જેનું મૂલ્ય ત્રણ કરોડ, 19 લાખ, 64 હજાર, 625 રૂપિયા છે.

સાથે જ તેમની પાસે હુબલીમાં એક રહેણાક મકાન છે, જેની કિંમત બે કરોડ, 80 લાખ, 18 હજાર, 200 રૂપિયા છે.

હુબલીમાં જ તેઓ અને ગોવિંદ જોશી સંયુક્તપણે આશરે 30,000 ચોરસ ફૂટના ખાલી પ્લૉટની સંયુક્ત માલિકી ધરાવે છે, જેનું મૂલ્ય બે કરોડ, 64 લાખ, 93 હજાર, 360 રૂપિયા છે.

RSS સાથે સંકળાયેલા પ્રહલાદ જોશી કોણ છે? પ્રધાન, શિક્ષણ મંત્રાલય, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રહલાદ જોશીએ 2024ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન એક એફિડેવિટમાં તેમની સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો રજૂ કરી હતી

પ્રહલાદ જોશી પર બૅન્કો અને સરકારનું છ કરોડ, 63 લાખ, 77 હજાર, 239 રૂપિયાનું દેવું છે.

તેમનાં પત્ની જ્યોતિ પ્રહલાદ જોશી પાસે 86 લાખ, 39 હજાર, 480 રૂપિયાના મૂલ્યની જંગમ મિલકત અને 5 કરોડ, 93 લાખ, 88 હજાર, 547 રૂપિયાની સ્થાવર મિલકત છે.

તેમના પર જાહેર નાણાકીય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોનું એક કરોડ, 37 લાખ, 46 હજારનું ઋણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન