You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાને યુએઈ પાસે લીધેલું અબજો રૂપિયાનું દેવું ચૂકતે કરી દેવું પડ્યું, શું તેનું કારણ ભારત છે?
- લેેખક, શાઇસ્તા ફારૂકી
- પદ, દક્ષિણ એશિયા વિશેષજ્ઞ, બીબીસી મૉનિટરિંગ
- વાંચવાનો સમય: 5 મિનિટ
લાંબા સમયથી પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) વચ્ચે અત્યંત નિકટના સંબંધો રહ્યા છે, પરંતુ હાલના દિવસોમાં આ સંબંધો પર સવાલ ઊઠવા લાગ્યા છે.
આ અટકળોની શરૂઆત પાકિસ્તાનના વર્તમાન નિર્ણયથી થઈ, જેમાં તેણે યુએઇનું દેવું ચૂકતે કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલાં આ રકમ પરત કરવાની સમયમર્યાદા આગળ વધારી દેવાતી હતી.
બંને પક્ષોએ જાહેરમાં તો કોઈ પણ જાતના મતભેદની વાતનો ઇન્કાર કર્યો છે. પાકિસ્તાને તણાવની અટકળોને ફગાવતાં કહ્યું છે કે મજબૂત સંબંધો જળવાયેલા છે.
પરંતુ આ રકમ પરત કરવાનો સમય અને તેનો આકાર પાકિસ્તાનના મીડિયામાં નવી અટકળોને વેગ આપી રહ્યા છે.
અટકળોની શરૂઆત
3 એપ્રિલના રોજ મીડિયા રિપોર્ટમાં જ્યારે કહેવાયું કે પાકિસ્તાન એપ્રિલ મહિનામાં યુએઇનું દેવું ચૂકતે કરશે, પાકિસ્તાન-યુએઇ સંબંધોમાં સંભવિત તણાવની અટકળોને વધુ પ્રોત્સાહન મળ્યું.
ધ ઍક્સપ્રેસ ટ્રિબ્યૂને રિપોર્ટ કર્યું કે આ રકમ લગભગ 3.5 અબજ ડૉલર છે. જે પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારનો લગભગ પાંચમો ભાગ છે.
ભારતીય મીડિયા સહિત કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું કે આ નિર્ણય ઈરાન યુદ્ધ વચ્ચે યુએઇ તરફથી આખી રકમ પરત લેવાની વિનંતી બાદ લેવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આનાથી પાકિસ્તાનના બાહ્ય નાણાકીય સ્થિતિ અંગે ચિંતા વધી. 4 એપ્રિલના રોજ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને આ ઘટનાક્રમની પુષ્ટિ કરી.
મંત્રાલયે કહ્યું કે યુએઇની આ રકમ દ્વિપક્ષીય સમાધાન અંતર્ગત રાખવામાં આવી હતી, જે પાકિસ્તાનની આર્થિક સ્થિરતા માટે અબુ ધાબીના સમર્થનને બતાવે છે. મંત્રાલયે કહ્યું કે હવે તેની સમયમર્યાદા પૂરી થઈ ચૂકી છે અને તેને સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન મારફતે પરત કરવામાં આવશે.
જોકે, નિવેદનમાં પરત કરાઈ રહેલી રકમના આંકડાનો ઉલ્લેખ નહોતો કરાયો.
ચુકવણીનો સમય અને રકમ અંગે સંભવિત તણાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ, પરંતુ ન પાકિસ્તાન કે ન યુએઇએ કોઈ તણાવના સંકેત આપ્યા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આને "સામાન્ય નાણાકીય પ્રક્રિયા" ગણાવી અને મતભેદની અટકળોને "ભ્રામક" ગણાવી. મંત્રાલયે યુએઇ સાથે પાકિસ્તાનના મજબૂત સંબંધોની વાતનો પુનરુચ્ચાર કર્યો.
આ બાબત મહત્ત્વપૂર્ણ કેમ?
દેવું ચૂકતે કરવાનો મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે, કારણ કે પાકિસ્તાન પોતાના સાત અબજ ડૉલરના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) કાર્યક્રમ અંતર્ગત બાહ્ય નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે દ્વિપક્ષીય રકમો પર ઘણી ખરી હદે નિર્ભર છે.
આ કાર્યક્રમ અંતર્ગત પાકિસ્તાનને પૂરતો વિદેશી ચલણ ભંડાર જાળવી રાખવા માટે ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ જેવા પ્રમુખ ભાગીદારો પાસેથી લગભગ 12.5 અબજ ડૉલરની નાણાકીય ગૅરંટી અને રોલઓવર જાળવી રાખવાનાં હોય છે.
દેવાનું રોલઓવર એક એવી પ્રક્રિયા છે, જેમાં મર્યાદા પૂરી થઈ ચૂકેલાં દેવાંની ચુકવણીને સ્થાને નવી શરતો કે નવી મર્યાદા સાથે તેને આગળ વધારી દેવાય છે.
પાકિસ્તાનના પ્રમુખ અખબાર 'ડૉને' 4 એપ્રિલના રોજ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં કહેવાયું હતું કે યુએઇ તરફથી મળેલી રકમ "આ વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ" રહી છે.
યુએઇના દેવા અંગે અનિશ્ચિતતા વર્ષ 2026ના પ્રારંભથી છે, જ્યારે યુએઇએ કથિતપણે આ રકમોના લાંબા સમયના વિસ્તારને સ્થાને દર મહિને અલ્પકાલીન વિસ્તાર આપવાનું શરૂ કર્યું, જ્યારે પાકિસ્તાને ડિસેમ્બર 2025માં બે વર્ષના રોલઓવરની માગ કરી હતી.
આ બાબત અગાઉની વ્યવસ્થાથી અલગ હતી, કારણ કે આવી રકમોને સામાન્ય રીતે દર વર્ષે આગળ વધારાતી હતી.
6 એપ્રિલના રોજ 'ધ ન્યૂઝ ડેઇલી'ના એક રિપોર્ટમાં આ નીતિના બદલાવને "વણસતી આર્થિક સ્થિતિ"નો સંકેત ગણાવાયો, જ્યારે ડૉને કહ્યું કે "આ વાત સમાધાન ચાલુ રહેવા અંગે યુએઇની અસહજતા"ને બતાવે છે.
આ ચુકવણીના મુદ્દાએ શરૂઆતમાં પાકિસ્તાની મીડિયામાં ચિંતા વધારી કે મધ્ય પૂર્વ સંઘર્ષ સાથે સંકળાયેલા પુરવઠા સંબંધિત અવરોધો વચ્ચે આનાથી દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર કમજોર પડી શકે છે.
જોકે, આ ચિંતાઓ ત્યારે ઘટી ગઈ જ્યારે 15 એપ્રિલના રોજ પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે જાહેરાત કરી કે સાઉદી અરેબિયા દેશની વધારાની ત્રણ અબજ ડૉલરની રકમ આપશે અને હાલની પાંચ અબજ ડૉલરની સુવિધાને વધુ ત્રણ વર્ષ માટે વધારશે.
મીડિયાનું શું કહેવું છે?
કેટલાંક ક્ષેત્રીય વિશેષજ્ઞો અને મીડિયા સંસ્થાનોએ સંકેત આપ્યા છે કે મતભેદ સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક પાકિસ્તાની મીડિયા અહેવાલોએ આંતરરાષ્ટ્રીય અહેવાલોનો હવાલો આપીને તણાવમાં વધારાની વાત કહી છે.
કતાર આધારિત અખબાર અલ-અરબી અલ-જદીદમાં પ્રકાશિત એક ટિપ્પણીમાં કહેવાયું છે કે એવા સંકેત છે કે યુએઇ પાકિસ્તાનને "આર્થિકપણે દબાવીને અને નાણાકીય નુકસાન પહોંચાડીને કઠોર સજા" આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમાં ખાસ કરીને સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાનની રાજકીય અને સૈન્ય નિકટતાનો ઉલ્લેખ કરાયો છે.
રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે એક અન્ય સંભવિત કારણ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની તાજેતરની ટિપ્પણીઓ હોઈ શકે છે, જેમાં તેમણે ઇઝરાયલની કઠોર ટીકા કરતા તેને કથિતપણે "દુષ્ટ" અને "માનવતા માટે અભિશાપ" ગણાવ્યું હતું.
આ દરમિયાન, યુએઇ71 વેબસાઇટમાં 'ધ ડિપ્લોમેટ' પત્રિકાના એક અહેવાલનો ઉલ્લેખ કરાયો. જેમાં પાકિસ્તાન-યુએઇ સંબંધોમાં વિશ્વાસની કમી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
આ અહેવાલમાં પાકિસ્તાન પત્રકાર મુહમ્મદ ફૈસલે તર્ક આપ્યો કે ઈરાન યુદ્ધે બંને દેશોના સંબંધોમાં "તિરાડને ઉજાગર કરી દીધી છે", જ્યારે "અંદરોઅંદર અસંતોષ ઘણાં વર્ષોથી વધી રહ્યો હતો."
તેમણે કહ્યું કે આનું એક કારણ પાકિસ્તાન દ્વારા યુએઇને સ્થાને સાઉદી અરેબિયાને પ્રાથમિકતા અપાયાની વાત છે, જે ક્ષેત્રીયી વર્ચસ્વની યુએઇની ઇચ્છા વિરુદ્ધ જાય છે.
ઈરાન યુદ્ધ અંગે પાકિસ્તાનના વલણ અંગે યુએઇના સોશિયલ મીડિયા યૂઝર્સની ટીકાનો ઉલ્લેખ કરતાં, પાકિસ્તાની પત્રકાર ટૉમ હુસૈને હૉંગકૉંગના સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં એક અહેવાલ લખ્યો.
આ અહેવાલમાં કહ્યું કે ઇસ્લામાબાદના ઇન્કાર છતાં "સોશિયલ મીડિયા પ્રતિક્રિયા એ વાતની પુષ્ટિ કરતી દેખાઈ રહી છે કે યુએઇનો મર્યાદા પૂરી કરી ચૂકેલી રકમ પરત લેવાનો નિર્ણય માત્ર આર્થિક જરૂરિયાતોને કારણે નહોતો."
આગળ શું થઈ શકે છે?
13 એપ્રિલના રોજ ધ ડિપ્લોમેટમાં પાકિસ્તાની પત્રકાર મોહમ્મદ ફૈસલના લેખમાં કહેવાયું કે "સમય સાથે પાકિસ્તાન અને યુએઇ, બંનેએ બદલાતા ક્ષેત્રીય પરિદૃશ્યમાં પોતાના સંબંધોનું પુન:મૂલ્યાંકન કરવું પડશે."
10 એપ્રિલના રોજ ડૉનમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે એશિયા અને પશ્ચિમા દેશોમાં પુરાણાં ગઠબંધન તૂટી રહ્યાં છે, જ્યારે નવી ભાગીદારીઓ હાલ અસ્થિર છે.
અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે યુએઇ દ્વારા અખાતના દેશો સાથે અંતર જાળવવું અને દેવું ચૂકતે કરવાની માગ કરવું એ બતાવે છે કે ગ્લોબલ સાઉથ પશ્ચિમી મૂડીવાદી વ્યવસ્થાની સરખામણીએ વૈચારિક સ્વરૂપે એક નથી.
આ દરમિયાન, 15 એપ્રિલના રોજ પાકિસ્તાન ઑબ્ઝર્વરમાં પ્રકાશિત એક અહેવાલમાં પ્રત્યક્ષ તણાવના કોઈ પણ ઉલ્લેખ વગર કહેવાયું કે પાકિસ્તાન અને યુએઇના સંબંધો માટે "વધુ વ્યૂહરચનાત્મક અને સંતુલિત દૃષ્ટિકોણ"ની જરૂર છે.
અહેવાલમાં કહેવાયું છે કે "પાકિસ્તાને એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે તે યુએઇને દૂર જવા કે ભારત સાથે ખૂબ વધુ નિકટતા વધારવાની સ્થિતિમાં ન પહોંચવા દે, જેથી પાકિસ્તાનની રણનીતિક જગ્યા સીમિત થઈ જાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન