ભારત પાસે ખરેખર કેટલું સોનું છે અને હજુ પણ કેટલા ભંડાર ભર્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સઈદુઝ્ઝમાન
- પદ, બીબીસી
- વાંચવાનો સમય: 6 મિનિટ
સોનું લાંબા સમયથી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનો હિસ્સો રહ્યું છે. તેને અનિશ્ચિતતા સામે સુરક્ષા તથા સંપત્તિના વૈવિધ્યીકરણ માટેના માર્ગ તરીકે જોવામાં આવે છે. ગુજરાત સહિત ભારતમાં પરિવારોની બચત તથા વપરાશમાં સોનું ઊંડાં મૂળ ધરાવે છે, જેને પગલે ભારત આ કિંમતી ધાતુ માટેનાં સૌથી વિશાળ બજારોમાં સ્થાન ધરાવે છે.
તાજેતરનાં સપ્તાહોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે યુદ્ધ છેડ્યું, તે પછી સોનાના ભાવમાં 10 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે.
ગયા અઠવાડિયે શશિ થરૂરે એક સંપાદકીય લેખમાં દલીલ કરી હતી કે, ભારત પાસે નોંધપાત્ર વણવપરાયેલી સંભવિતતા છે, પણ સોનાના ઉત્પાદનમાં તેનો દેખાવ નબળો રહ્યો છે.
પણ વાસ્તવમાં ભારત પાસે કેટલું સોનું છે? જાણીએ આ અહેવાલમાં.
ભારતમાં ખરેખર કેટલું સોનું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રશ્ન અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ, અમદાવાદનાં ઇન્ડિયા પૉલિસી સેન્ટરનાં ચેરપર્સન પ્રોફેસર સુંદરવલ્લી નારાયણસ્વામીને પૂછ્યો હતો.
તેમણે બીબીસીને કહ્યું હતું, "તે અંગે ઘણા આંકડા છે, જેમાંથી કેટલાક પ્રમાણભૂત અને મોટા ભાગના અંદાજિત છે. આરબીઆઇ પાસે આશરે 800-820 ટન સોનું છે. આર્થિક દૃષ્ટિએ ખનન કરી શકાય, તેવા ભંડારો લગભગ 70-80 ટનના હોવા જોઈએ."
આર્થિક દૃષ્ટિએ ખનન કરી શકાય તેવા ભંડાર એટલે હાલની ટૅક્નૉલૉજીથી નફાકારક રીતે બહાર કાઢી શકાય, તેવી ગોલ્ડ ડિપૉઝિટ્સ.
પ્રોફેસર સુંદરવલ્લી ઉમેરે છે, "આપણું સોનાનું ખનન સ્પર્ધાત્મક નથી, કારણ કે આપણી પાસે સીમિત ઉચ્ચ ગ્રેડની કાચી ધાતુઓ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારતીય પરિવારો પાસે નોંધપાત્ર પ્રમાણમાં સોનું છે. "પરિવારો પાસે રહેલા સોના અંગે જુદા-જુદા અંદાજ આંકવામાં આવ્યા છે, જે મોટા ભાગે 25,000થી 27,000 ટન જેટલું હોવાનું મનાય છે."
આ આંકડાના આધાર અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, તે આ ક્ષેત્રની મોટા ભાગની સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલો આંકડો છે. આથી, તે વિવાદિત ગણાતો નથી.
તેમણે ઉમેર્યું હતું, "આયાત મોટા ભાગે 600-700 ટન પ્રતિ વર્ષ પર સ્થિર રહી છે તથા નિકાસો અને ઔદ્યોગિક વપરાશ ઘણો જ ઓછો છે, તે જોતાં આ આયાતી સોનું ચોક્કસપણે ઘરેલુ સોનાના જથ્થામાં ઉમેરાયું હોવું જોઈએ."
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી, 2026 સુધીમાં ભારત સત્તાવાર ભંડારમાં લગભગ 880 ટન સોનું ધરાવે છે. તેને પગલે ભારત - અમેરિકા, જર્મની, આઇએમએફ, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, ચીન અને સ્વિટ્ઝર્લૅન્ડ પછી નવમા સ્થાને આવે છે.
જોકે, સત્તાવાર ભંડાર ભારતની સુવર્ણ ગાથાના માત્ર એક ટકા જ છે.
થરૂરે તેમનો અભિપ્રાય આપતાં કહ્યું હતું, "આપણે આશરે 50 કરોડ વણખેડાયેલા સોનાની કાચી ધાતુ પર બેઠાં છીએ, પણ આપણું ઘરેલુ ઉત્પાદન વૈશ્વિક ખાતામાં નજીવું સ્થાન ધરાવે છે."
ખાણમાંથી સોનું કાઢવાના પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ મિનરલ ઇન્વેન્ટરીના જણાવ્યા પ્રમાણે, દેશમાં સોનાની કાચી ધાતુનો કુલ સ્રોત આશરે 51.82 કરોડ ટન છે. પણ તેનો અર્થ એ નથી કે તે તમામનું સરળતાથી ખનન કરી શકાય છે. તેનો સારો એવો જથ્થો (49.45 કરોડ ટન) બાકીનાં સંસાધનો હેઠળ આવે છે, જ્યારે નાનો ભાગ (2.37 કરોડ ટન) જ રિઝર્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
બાકીનાં સંસાધનો એટલે એવાં સ્થળો, જ્યાં સોનું હોઈ શકે છે, પણ તેને કાઢવાની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ હોય છે.
રિઝર્વ એટલે એવાં સ્થળો, જ્યાં ખનન આર્થિક દૃષ્ટિએ સંભવ હોય.
પ્રોફેસર સુંદરવલ્લી નારાયણસ્વામીના જણાવ્યા પ્રમાણે, "આ 50 કરોડ ટન સોનાની કાચી ધાતુ છે, સોનું નથી. આશરે એકથી ત્રણ ગ્રામ પ્રતિ ટનની ઊપજ સાથે વાસ્તવિક સોનાનો અંદાજ ફક્ત 500-600 ટન જ હોવો જોઈએ."
જાન્યુઆરી, 2026માં પ્રકાશિત ઇન્ડિયન મિનરલ્સ યરબુક 2024 પ્રમાણે, 2023-24માં ભારતે માત્ર 1.6 ટન સોનાનું જ ઉત્પાદન કર્યું હતું. તેની સામે 2023માં વૈશ્વિક ખાણ ઉત્પાદન 3,300 ટન નોંધાયું હતું અને એકલા ચીને 375 ટનની આસપાસ ઉત્પાદન કર્યું હતું.
ભારતની સંભવિતતા અને તેના ઉત્પાદન વચ્ચેના આ અંતર માટે ઘણા માળખાગત પડકારો જવાબદાર છે. સોનાની શોધ ખર્ચાળ અને જોખમી છે. સરકારી સંસ્થાઓ મર્યાદિત સંસાધનો અને ટૅક્નૉલૉજી ધરાવે છે. જ્યારે ખાનગી કંપનીઓ વ્યાવસાયિક રીતે નફાકારક ડિપૉઝિટ્સના સ્પષ્ટ પુરાવા વિના રોકાણ કરવા તૈયાર થતી નથી.
યુનિવર્સિટી ઑફ બાથના સેન્ટર ફૉર ડેવલપમેન્ટના વિઝિટિંગ પ્રોફેસર તથા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ભૂતપૂર્વ પ્રોફેસર સંતોષ મલ્હોત્રાએ બીબીસીને જણાવ્યું હતું, "ખનન એક ખર્ચાળ વ્યવસાય છે, તેમાં માનવ સંસાધનો, ટૅક્નૉલૉજી પાછળ ધરખમ રોકાણની જરૂર પડે છે. સરકાર પાસે એટલા પૈસા નથી. આથી, સરકારે ખાનગી ક્ષેત્ર માટે ખનનને ખુલ્લું મૂકવાની નીતિ અપનાવી છે, પણ ખાનગી ક્ષેત્ર જોખમ લેવા નથી માગતું અને તે જ્યાં ખાતરી મળતી હોય, એવા ક્ષેત્રમાં જ ઝંપલાવવા માગે છે."
આયાતો પર મોટા પાયે નિર્ભરતા

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક ઉત્પાદન અત્યંત નીચું હોવાને કારણે ભારતે મોટા પાયે આયાતો પર મદાર રાખવો પડે છે. 2023-2024માં ભારતે લગભગ 3,600 ટન કાચા સોનાની તેમજ લગભગ 795 ટન તૈયાર સોનાની આયાત કરી હતી.
ઍસોસિએટેડ ચેમ્બર ઑફ કૉમર્સ તથા બિન-સરકારી વ્યાપાર સંગઠન તથા હિમાયત જૂથ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયાના મતે, ભારતીય ઘરો પાસે લગભગ 24,000 ટન સોનું રહેલું છે, જે વિશ્વમાં સોનાનો સૌથી વિશાળ ખાનગી સંગ્રહ છે. ભારતમાં ભૂતકાળમાં જ્યારે બૅન્કિંગ સુવિધાઓનો વ્યાપ નહોતો, ત્યારથી સોનું પરંપરાગત રીતે બચતનું પસંદગીનું સ્વરૂપ રહ્યું છે.
પ્રોફેસર સુંદરવલ્લીના જણાવ્યા પ્રમાણે, આ એક રૂઢિચુસ્ત અનુમાન છે અને વાસ્તવિક આંકડો હજુ ઊંચો હોઈ શકે છે.
મૂલ્યની દૃષ્ટિએ જોતાં, ભારતીય ઘરોમાં અઢળક પ્રમાણમાં સોનું રહેલું છે. મોર્ગન સ્ટેનલીના અંદાજ અનુસાર, ભારતીય પરિવારો પાસે આશરે 3.8 ખર્વ ડૉલરના મૂલ્યનું સોનું છે, જે દેશના જીડીપીના 88.8 ટકા જેટલું થાય છે.
ભારતમાં સોના અને ચાંદીની રિફાઇનર કંપની એમએમટીસી-પીએએમપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડાયરેક્ટર સમિત ગુહાએ બીબીસીને જણાવ્યું હતું કે, "વપરાશની દૃષ્ટિએ 2025માં ભારતે 710.9 ટન સોનાનો વપરાશ કર્યો હતો, જે પ્રમાણ 2024ના 802.8 ટન કરતાં નીચું રહ્યું હતું, પરંતુ વધુ આશ્ચર્યજનક આંકડો મૂલ્યની દૃષ્ટિએ છેઃ માગ 30 ટકા ઊછળીને 7,51,490 કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી હતી."
આ ઉપરાંત, લોકોની સોનાની ખરીદીના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું છે. ગુહાએ કહ્યું હતું, "ગ્રાહકો સોના તરફથી મોં નથી ફેરવી રહ્યા, તેઓ તેમને પ્રત્યેક રૂપિયાદીઠ વધુ મહત્તમ મૂલ્ય આપે, તેવાં ફૉર્મેટ્સ તરફ વળી રહ્યા છે." તેનો અર્થ એ કે વધુને વધુ લોકો આભૂષણોને બદલે હવે લગડી અને સિક્કા ખરીદી રહ્યા છે.
ગુહાના મતાનુસાર, આભૂષણોનાં વૉલ્યૂમ્સ 24 ટકા ઘટીને 430.5 ટન નોંધાયાં હતાં, જ્યારે લગડી અને સિક્કાનું વૉલ્યૂમ 17 ટકા ઊછળી 280.4 ટન નોંધાયું હતું, જે એક દાયકા કરતાં વધુ સમયમાં રોકાણની સૌથી મજબૂત માગ રહી છે.
સોનું શા માટે મહત્ત્વનું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરનાં વર્ષોમાં ભારત સહિત વિશ્વભરની કેન્દ્રીય બૅન્કો તેમનો સોનાનો સંગ્રહ વધારી રહી છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા વ્યાપક બદલાવનું પ્રતિબિંબ પાડે છે. દેશો ધીમે-ધીમે અમેરિકન ડૉલર પરની તેમની નિર્ભરતા ઘટાડી રહ્યા છે અને તેમના સંગ્રહમાં વૈવિધ્ય લાવી રહ્યા છે. ભૂ-રાજકીય તેમજ આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાને સલામત સંપત્તિ તરીકે જોવામાં આવે છે.
મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે, "વિશ્વની સરકારોએ એક્સચેન્જ રિઝર્વ કરન્સી (વિનિમય અનામત ચલણ) તરીકે સોના પરનું તેમનું અવલંબન ઓછું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે." તેઓ ઉમેરે છે, "આમ થવા પાછળનું એક કારણ એ છે કે, અમેરિકા વૈશ્વિક અર્થતંત્રમાં એક નિરંકુશ હાથીની માફક વર્તન કરી રહ્યું છે."
દેશના અર્થતંત્રને પણ સોનું પ્રભાવિત કરે છે અને ચલણ ઉપર તેની સીધી અસર પડે છે.
દેશની આવકનો નોંધપાત્ર હિસ્સો તે દેશની અંદર ઉત્પાદિત થયેલી ચીજોના વેપારમાંથી આવે છે. તેનો અર્થ એ કે, દેશની વિશાળ નિકાસો અન્ય દેશોમાંથી થતી આયાતની તુલનામાં વધુ આવક ઉત્પન્ન કરે છે.
આ સિદ્ધાંત સોનાની આયાતો તથા નિકાસોને પણ લાગુ પડે છે. જો દેશ વધુ સોનાની નિકાસ કરે, તો તેનું ચલણ પણ મજબૂત થાય છે. જોકે, ભારત સોનાનું મહત્ત્વનું આયાતકાર હોવાથી જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધે છે, ત્યારે ભારતીય રૂપિયાનું મૂલ્ય ગગડે છે.
એકંદરે, ભારતનો સોનાનો સંગ્રહ ત્રણ સ્તરે વહેંચાયેલો છેઃ કેન્દ્રીય બૅન્ક સત્તાવાર અનામત જથ્થો ધરાવે છે, ભૂગર્ભમાં રહેલાં સીમિત અને કાઢવામાં મુશ્કેલ એવાં સંસાધનો અને ઘરોમાં રાખવામાં આવેલો સોનાનો વિશાળ જથ્થો.
વિશાળ સ્તર પર નોંધાયેલાં સંસાધનો હોવા છતાં વાસ્તવિક ખનનનું ઉત્પાદન નજીવું છે, જેના કારણે દેશને આયાત પર મોટા પાયે નિર્ભર રહેવું પડે છે. દેશનું ઘણુંખરું સોનું ખાણોમાં કે રાષ્ટ્રીય અનામત સંગ્રહમાં નહીં, બલકે ખાનગી સ્તરે રહેલું છે.
તેના કારણે ભારતીય અર્થતંત્રમાં સોનું અનોખું સ્થાન ધરાવે છે. તે માત્ર એક નાણાકીય સંપત્તિ કે દેશ માટેનો અનામત સંગ્રહ નથી, બલકે તેની સાથે પરિવારો માટે સંપત્તિનો મહત્ત્વનો સંગ્રહ છે. એવો સંગ્રહ, જે બચત અને અસ્તિત્વ, બંને માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















