ઈરાન યુદ્ધ : દૂધ, ગૅસથી લઈને વિદેશ પ્રવાસ પણ મોંઘો, કઈ-કઈ વસ્તુઓના ભાવ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતમાં અત્યારે બહુ ઝડપથી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા હોય તેવો માહોલ છે.
હજુ થોડા દિવસો પહેલાં જ સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો જંગી વધારો કર્યો હતો, જે લગભગ 50 ટકા જેટલો થાય છે. તેના કારણે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 3070 રૂપિયાને પાર કરી ગયા હતા.
હવે અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કર્યો છે.
ડેરીઓએ આ ભાવવધારા માટે ઈંધણ અને પશુઆહારના ભાવમાં વધારો તથા પૅકેજિંગ ખર્ચમાં વધારાનું કારણ આપ્યું છે.
તેનાથી એક દિવસ અગાઉ સરકારે સોના અને ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી નાખી. તેથી આ બંને ધાતુ અને તેમાંથી બનેલી જ્વેલરીના ભાવ પણ વધી ગયા છે.
દેશમાં સાબુ, શેમ્પૂ, તેલ વગેરે એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) વેચતી કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં ભાવો વધારી દીધા છે, અથવા પૅકેટનું વજન ઘટાડી દીધું છે.
તેવી જ રીતે બીજી પણ ઘણી ચીજો મોંઘી થઈ છે અને હજુ વધુ મોંઘી થઈ શકે છે એવી શંકા વ્યાપી રહી છે.
આ સ્થિતિ માટે ભારતીય રૂપિયાની નબળાઈનું મુખ્ય કારણ આપવામાં આવે છે જે ડૉલરની સામે ઘસાઈ રહ્યો છે. 13 મેએ ઇન્ટ્રા-ડે રૂપિયો 95.80ના અત્યાર સુધીના તળિયે પહોંચી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોંઘવારી કેમ વધવા લાગી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે તાજેતરમાં એપ્રિલ મહિનાના ફુગાવાના આંકડા રજૂ કર્યા તે પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચાંદીની જ્વેલરીના ભાવમાં સૌથી વધુ 144 ટકાનો વધારો થયો છે. ત્યાર પછી ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીનો ભાવ 40 ટકા કરતા વધુ વધ્યો છે.
ઊર્જાનો ખર્ચ વધવાના કારણે એપ્રિલમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 8.3 ટકા રહ્યો હતો જે છેલ્લા સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટી છે. આ ઉપરાંત રિટેલ ફૂગાવો 3.48 ટકા રહ્યો હતો.
જાન્યુઆરી 2025માં રૂપિયાએ પહેલી વખત ડૉલર સામે 86ની સપાટી તોડી હતી. ત્યાર પછી 16 મહિનામાં ડૉલર 10 રૂપિયા મોંઘો થઈ ગયો છે.
ભારતીય રૂપિયો અત્યારે એશિયાના ચલણોમાં સૌથી નબળો દેખાવ કરનાર ચલણ પૈકી એક છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રૂપિયાનું મૂલ્ય 6 ટકા કરતા વધારે ઘટ્યું છે. ક્રૂડ ઑઇલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય અર્થતંત્રમાંથી મૂડી ખેંચી લેવાના કારણે રૂપિયા પર અભૂતપૂર્વ દબાણ છે.
વિદેશી બૅન્ક બાર્કલેઝ મુજબ ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનો વધારો ગમે ત્યારે આવી શકે છે.
ભારત પોતાની જરૂરિયાતના 90 ટકા ક્રૂડ ઑઇલ અને 50 ટકા ગૅસ માટે આયાત પર નિર્ભર છે અને ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ક્રૂડ ઑઇલનો ભાવ લગભગ 45 ટકા વધી ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
રૂપિયાની નબળી સ્થિતિ દુનિયાનાં સૌથી મોટાં અર્થતંત્રોમાંથી એકને અસર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ વધ્યું છે અને રૂપિયાને ટેકો આપવા માટે લેવાયેલાં પગલાં હજુ અસરકારક નથી રહ્યા.
બીજી તરફ ભારતનું અનામત વિદેશી હૂંડિયામણ પણ ઘટતું જાય છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે પહેલી મેએ ભારત પાસે 690.69 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ હતું, પરંતુ ઈરાન યુદ્ધ શરૂ થયું તે અગાઉ ફેબ્રુઆરીમાં ભારત પાસે 728 અબજ ડૉલરનું હૂંડિયામણ હતું જે અત્યાર સુધીની રેકૉર્ડ છે.
આયાતી ઈંધણના ઊંચા ભાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં લગભગ 48 ટકાનો વધારો કર્યો છે જેના કારણે ઘણી રેસ્ટોરાંએ ભાવવધારો કરવો પડ્યો છે.
એવા પર અહેવાલો છે કે નાની રેંકડી અથવા લારી ચલાવીને ધંધો કરતા લોકોને એલપીજી ગૅસ પરવડતો ન હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે.
વિદેશમાં ભણતર મોંઘું થયું

ઇમેજ સ્રોત, Getty Images
ડૉલરની સામે ભારતીય રૂપિયો ઘસાવાના કારણે વિદેશમાં ભણતર મોંઘું પડી રહ્યું છે. અલગ અલગ કોર્સની ફીમાં છેલ્લા એક વર્ષમાં ત્રણથી ચાર લાખ રૂપિયાનો વધારો થયો છે. તેના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં વિદેશ જવાનું ટાળી રહ્યા છે, અથવા ટૂંકા ગાળાના કોર્સ પસંદ કરવા લાગ્યા છે.
ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે વિદેશમાં અભ્યાસનો ખર્ચ રૂપિયામાં જોવામાં આવે તો એક વર્ષમાં સાતથી 11 ટકા વધી ગયો છે અને 2023ની સાથે સરખામણી કરવામાં આવે તો દર વર્ષે પાંચથી 10 લાખ રૂપિયાનો વધારે ખર્ચ આવે છે.
સાબુ, શેમ્પૂ, તેલ પણ મોંઘાં

ઇમેજ સ્રોત, Getty Images
ઘરમાં રોજિંદા વપરાશની ચીજો જેવી કે સાબુ, શેમ્પૂ, તેલ, બિસ્કીટ મોંઘા થયા છે અને વધારે મોંઘા થશે. કંપનીઓ પોતાના પેકેટના ભાવ વધારશે અથવા તેમાં ઓછો જથ્થો આપશે.
ઑઇલ મોંઘું થવાના કારણે પરિવહન તથા પેકેજિંગનો ખર્ચ વધી જાય છે. તેનું કારણ આપીને અગ્રણી એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ) કંપની ડાબરે કહ્યું કે તેમણે કેટલીક ચીજોમાં ચાર ટકાનો ભાવવધારો લાગુ પણ કરી દીધો છે.
તેવી જ રીતે હિંદુસ્તાન યુનિલીવર (એચયુએલ)એ પણ અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં બેથી પાંચ ટકાનો વધારો કરી દીધો છે. હજુ પણ તે ડિટર્જન્ટ, કૉફી, સાબુ, શેમ્પૂ જેવી ચીજોના ભાવ વધારી શકે છે.
એફએમસીજી કંપની મેરિકોએ હેર ઑઇલના ભાવ 6થી 7 ટકા વધારી દીધા છે. ઠંડા પીણા અને પૅકેજ્ડ વૉટર વેચતી કંપનીઓએ ભાવ વધારી દીધા છે અથવા ડિસ્કાઉન્ટ બંધ કરી દીધા છે.
ઍર ટિકિટના દર વધ્યા, દેશવિદેશમાં પ્રવાસ મોંઘો

ઇમેજ સ્રોત, Manish Sharma
તાજેતરના મહિનાઓમાં ઍર ટ્રાવેલનો ખર્ચ પણ વધી ગયો છે, જેના માટે એટીએફના ભાવમાં વધારો અને એરલાઇનોના બદલાયેલા રૂટને જવાબદાર ગણવામાં આવે છે.
ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચૅરમૅન મનીષ શર્માએ કહ્યું કે, "ગયા વર્ષે ડૉલરનો ભાવ 86 રૂપિયા હતો જે હવે વધીને 96 થયો છે, આ 10 રૂપિયાના તફાવતના કારણે આંતરરાષ્ટ્રીય ઍરટ્રાવેલનો ખર્ચ બહુ વધી ગયો છે."
"સાઉથ ઇસ્ટ એશિયાના દેશો માટે ઍર ટિકિટ સાથે ટ્રાવેલ ખર્ચ લગભગ 25 હજાર રૂપિયા મોંઘો થઈ ગયો છે, જ્યારે અમેરિકા-યુરોપનો ખર્ચ 35થી 40 હજાર રૂપિયા ખર્ચ વધી ગયો છે."
"ટકાવારીમાં જોવામાં આવે તો વિદેશ પ્રવાસનો ખર્ચ સાતથી 15 ટકા સુધી વધી ગયો છે. જેમ કે અમેરિકાની ટુરનો ખર્ચ સરેરાશ 5500 ડૉલર હતો અને યુરોપની ટુરનો ભાવ 3000 યુરો હતો."
"વિદેશી કરન્સીમાં ભાવ એટલો જ છે, પરંતુ તેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો મોટો ફરક આવે છે."
મનીષ શર્માએ કહ્યું કે ભારતની અંદર પણ વિમાનભાડા ઘણા વધી ગયા છે. ગયા વર્ષે અમદાવાદ-શ્રીનગર આવવા જવાના ભાડા 22થી 25 હજાર રૂપિયા હતા, જે હવે વધીને 65 થી 70 હજાર રૂપિયા થઈ ગયા છે. અમદાવાદ-ત્રિવેન્દ્રમ-અમદાવાદનું હવાઈભાડું 16 હજાર રૂપિયા હતું તે હવે 42થી 50 હજાર રૂપિયા થઈ ગયું છે.
અન્ય એક ટુર ઑપરેટર મહેશભાઈ દુદકિયાએ જણાવ્યું કે, "જેમણે ઍર ટિકિટ મહિનાઓ પહેલાં પ્રિ-બૂક કરાવી હોય તેમને વાંધો નહીં આવે, પરંતુ નવી ટિકિટના દર ઘણા વધી ગયા છે. જે ઍર ટિકિટ ગયા વર્ષે એક લાખ રૂપિયા હતી, તે હવે સવાથી દોઢ લાખમાં મળે છે. હવે જેટલું ટૂંકા અંતરનું ટ્રાવેલિંગ કરો, એટલું વધારે મોંઘું પડે છે."
તેમણે જણાવ્યું કે, "ડોમેસ્ટિક ઍર ટિકિટ પણ 20થી 25 ટકા વધી ગઈ છે. અગાઉ અમદાવાદથી દિલ્હીની ટિકિટ 4,000 રૂપિયા મળતી હતી, તે હવે 6000થી 10,000 રૂપિયા થાય છે."
મનીષ શર્મા કહે છે કે, "એક જમાનામાં હવાઇ ચપ્પલ પહેરનારા પણ વિમાન પ્રવાસ કરી શકે તે માટે સરકારે ઉડાન સ્કીમ શરૂ કરી હતી. તેમાં 2500 રૂપિયાથી હવાઈભાડા શરૂ થતા હતા. હવે હવાઈપ્રવાસ એટલો મોંઘો થયો છે કે મધ્યમ વર્ગને પણ પોસાય તેમ નથી."
લાંબા ગાળે કેવી અસર પડશે

ઇમેજ સ્રોત, Atman Shah
અમદાવાદસ્થિત અર્થશાસ્ત્રના પ્રોફેસર આત્મન શાહ કહે છે કે "ઈંધણનો ખર્ચ વધી જાય ત્યારે તેની સાથે દરેક ચીજના ભાવ વધતા હોય છે. આવો ભાવ વધારો લાંબા સમય સુધી રહે તો અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડે છે."
તેમણે કહ્યું કે "એક વખત કોઈ વસ્તુના ભાવ વધી જાય ત્યાર પછી ક્રૂડ ઑઇલ સસ્તું થાય તો પણ પાછા ઘટવાની શક્યતા બહુ ઓછી રહે છે. સરકાર ટૅક્સ ઘટાડે અને તેના કારણે ભાવ ઘટે તો વાત અલગ છે."
ભારત જેવા વિકાસશીલ દેશને આ મોંઘવારીની કેવી અસર પડી શકે તેના વિશે વાત કરતા પ્રોફેસર શાહે જણાવ્યું કે, ચીજવસ્તુઓના ભાવ જ્યારે ઝડપથી વધતા હોય ત્યારે લોકો બચત કરી શકતા નથી. તેથી તેઓ નવી ચીજો નહીં ખરીદી શકે, કન્ઝ્યુમર ડિમાન્ડ ઘટશે અને દેશના આર્થિક ગ્રોથને અસર થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















