ચૂંટણીપંચે હવે આ રાજ્યોમાં એસઆઇઆરના નિર્દેશ આપ્યા - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ચૂંટણીપંચે એસઆઇઆરના ત્રીજા તબક્કામાં 16 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઇઆરના નિર્દેશ આપ્યા છે.

ભારતીય ચૂંટણીપંચ (ઇસીઆઇ)એ એક પ્રેસ નોટ જાહેર કરીને આ માહિતી આપી છે.

કમિશને જણાવ્યું હતું કે , "આ તબક્કામાં, 3.84 લાખ બૂથ લેવલ ઑફિસરો (બીએલઓ) 36.73 કરોડ મતદારોના ઘરે જશે. રાજકીય પક્ષોના 3.42 લાખ બૂથ લેવલ એજન્ટોને પણ તેમની મદદ માટે તહેનાત કરવામાં આવશે."

ઇસીઆઇએ દરેક રાજકીય પક્ષને દરેક મતદાનમથક માટે પોતાના એજન્ટો નિયુક્ત કરવા વિનંતી કરી છે.

ત્રીજા તબક્કામાં જે રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમાં ઓડિશા, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કર્ણાટક, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ, નાગાલૅન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો દમણ-દીવ, દાદરા અને નગર હવેલી, દિલ્હી અને ચંદીગઢમાં પણ એસઆઇઆરની પ્રક્રિયા શરૂ થશે.

એસઆઇઆર પ્રક્રિયાનો ત્રીજો તબક્કો અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે શરૂ થશે, જે 20 મેથી શરૂ થશે અને 23 ડિસેમ્બર 2026એ સમાપ્ત થશે.

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજી ફરી એક વાર કોર્ટમાં દલીલ કરતાં જોવા મળ્યાં

મમતા બેનરજીએ થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા એટલે કે એસઆઇઆર અંગે દલીલ કરી હતી, એ સમયે તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી હતાં.

ગુરુવારે મમતા બેનરજી કલકત્તા હાઇકોર્ટમાં જોવા મળ્યાં હતાં.

તૃણમૂલ કૉંગ્રેસે એક્સ પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે , "ટીએમસી પ્રમુખ મમતા બેનરજી આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી ચૂંટણી પછીની હિંસા સંબંધિત કેસમાં દલીલ કરવા માટે વ્યક્તિગત રીતે કલકત્તા હાઇકોર્ટ પહોંચ્યાં હતાં."

ટીએમસીએ દાવો કર્યો કે, "તેમણે ફરી એક વાર બતાવ્યું છે કે તેઓ અન્યોથી અલગ કેમ તરી આવે છે. તેઓ બંગાળના લોકોને ક્યારેય મુશ્કેલી સમયે છોડી દેતાં નથી. તેઓ સત્ય, ન્યાય અને બંધારણીય મૂલ્યો માટે લડવાનું ક્યારેય બંધ કરતાં નથી."

કોલકાતાના અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફ અનુસાર , મમતા બેનરજી તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને કલ્યાણ બેનરજી સાથે હાઇકોર્ટ પહોંચ્યાં હતાં.

તૃણમૂલ કૉંગ્રેસ તરફથી વકીલ એસ. બંદોપાધ્યાયે એક અરજી દાખલ કરતાં કહ્યું હતું કે ચૂંટણી પછી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને કથિત રીતે તેમનાં ઘર છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી, અને ઘણા લોકો પર "તૃણમૂલ કૉંગ્રેસ સાથે સંકળાયેલા હોવાના કારણે" હુમલો કરવામાં આવ્યો હતો.

આ અરજી 12 મેના રોજ કલકત્તા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

હકીકતમાં, ચૂંટણી પછી, ઘણા વિસ્તારોમાં કથિતપણે તૃણમૂલ કાર્યાલયોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.

ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે આ ઘટનાઓમાં સામેલ ઘણા લોકો ખરેખર ચૂંટણીપરિણામો પછી ભાજપના સમર્થક બનીને સામે આવેલા તૃણમૂલ કાર્યકર્તા હતા.

રાજ્યમાં ભાજપપ્રમુખ શમીક ભટ્ટાચાર્ય, મુખ્ય મંત્રી સુવેંદુ અધિકારી અને પક્ષના અન્ય નેતાઓએ વારંવાર આરોપ લગાવ્યો છે કે હુમલા પાછળ ભાજપ સમર્થક બનેલા તૃણમૂલના કાર્યકરોનો હાથ હતો.

સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો, સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે

કેન્દ્ર સરકારે કાચી ખાંડ, સફેદ ખાંડ અને રિફાઇન્ડ ખાંડ સહિતની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પ્રતિબંધ સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. એક નોટિફિકેશન પ્રમાણે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ નિકાસની નીતિમાં ફેરફાર કર્યો છે અને તેને 'નિયંત્રિત'માંથી 'પ્રતિબંધિત' કરવામાં આવી છે.

યુરોપિયન યુનિયન અને અમેરિકાને સીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ માટે આ લાગુ નહીં પડે.

આ ઉપરાંત અન્ય દેશોને ખાદ્યાન્ન સુરક્ષાના હેતુથી મોકલવામાં આવતી ખાંડને પણ આ નિકાસ પ્રતિબંધો લાગુ નહીં પડે.

જે કન્સાઇનમેન્ટ પહેલેથી ફિજિકલ ઍક્સપોર્ટ પાઈપલાઈનમાં છે, તે પણ પ્રતિબંધથી મુક્ત રહેશે.

કેરળના નવા મુખ્ય મંત્રી બનશે વી.ડી.સતીશન

કૉંગ્રેસે આજે કેરળમાં ધારાસભ્ય દળના નેતા તરીકે વી.ડી. સતીશનના નામની જાહેરાત કરી દીધી છે. આ સાથે જે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ મુખ્ય મંત્રી બનશે.

છેલ્લા ઘણા દિવસથી કેરળમાં કોણ મુખ્ય મંત્રી બનશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. મુખ્ય મંત્રીની આ રેસમાં કૉંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલનું પણ નામ હતું.

આ સિવાય મુખ્ય મંત્રીપદની રેસમાં રમેશ ચેન્નીથલાનું પણ નામ હતું.

61 વર્ષીય વી. ડી. સતીશન કેરળની પારાવુર વિધાનસભાથી છઠ્ઠી વાર જીતીને ધારાસભ્ય બન્યા છે. તેમણે આ વિધાનસભાની ચૂંટણીમાં 20600 મતોથી સીપીઆઈના ઉમેદવારને હરાવ્યા હતા.

તેઓ કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.

કેન્દ્ર સરકારે 2026-27 ખરીફ સીઝન માટે ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી- ન્યૂઝ અપડેટ

આર્થિક બાબતોની કેબિનેટ સમિતી (સીસીઈએ)એ વર્ષ 2026-27ની માર્કેટિંગ સીઝન માટે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો મંજૂર કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાક ઉગાડનારાઓને યોગ્ય વળતર મળી રહે તે માટે 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે ખરીફ સીઝનમાં ખેડૂતોને કુલ 2.40 લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સીઝનમાં 824 લાખ ટનથી વધારે પાકની ખરીદી કરવામાં આવશે. સૂર્યમૂખીના બીજ માટે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 662 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી કોટનમાં 557 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને તલમાં 500 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતમાં પોલીસ આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે : ડીજીપીનો નિર્દેશ

ગુજરાતમાં કોઈ અપરાધ પછી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી ઘટનાઓ વારંવાર નોંધાઈ છે.

હવે રાજ્યના ઇન-ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવે પોલીસને આ રીતે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવાની મનાઈ કરી છે. તેમણે કહ્યું કે આવી રીતે આરોપીઓને પરેડ કરાવવા એ પોલીસ કસ્ટડીમાં રહેલી વ્યક્તિઓ અંગે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકાનો ભંગ છે.

તેમણે કહ્યું છે કે હવેથી આ નિર્દેશનું પાલન થાય તેનું મૉનિટરિંગ કરવામાં આવશે. પોલીસ હૅડક્વાર્ટર દ્વારા તેના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે.

તાજેતરમાં આરોપીઓના જાહેર સરઘસ દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આરોપીઓ પર લોકોએ હુમલા કર્યા હોય તેવી ઘટનાઓ બની છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં છે.

ચોટીલા પાસે લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચે ભયાનક અકસ્માત, બસ સંપૂર્ણ સળગી ગઈ

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચોટીલાના સાંગાણી ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો છે.

એક ખાનગી લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચેના આ અકસ્માતને કારણે આખી બસ સળગી ગઈ હતી.

સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછાં ચાર લોકોનાં મોત થયાં છે તથા 10 લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે પોલીસ, ફાયરબ્રિગેડ તથા 108 ઍમ્બ્યુલન્સની ટીમો આવી ગઈ હતી અને રાહત-બચાવ કાર્ય કર્યું હતું.

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આજે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ફાયરનો મેજર કૉલ આવ્યો હતો. નૅશનલ હાઇવે-47 રાજકોટ-ચોટીલા હાઇવે પર સાંગાણી નજીક આ અકસ્માત બન્યો હતો."

તેમણે ઘટના કઈ રીતે બની એ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "એક ડામર ભરેલા ડમ્પરનું ટાયર અચાનક ફાટી ગયું હતું."

"રસ્તા પર પાછળ ચાલી આવતી ખાનગી બસ તેની સાથે અથડાઈ હતી અને તેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી."

"આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે અને 10 લોકો ઘાયલ થયા હતા."

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે નિર્ધારિત સમય કરતા વધુ લાંબી વાતચીત ચાલી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પૂરી થઈ છે. આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી, જે અગાઉથી નક્કી સમય કરતા લગભગ એક કલાક વધારે ચાલી હતી.

આજે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત રાજકીય ભોજન સમારોહમાં તેઓ હાજર રહેશે. બીજી તરફ તાઇવાને અમેરિકાના સમર્થન પર આભાર વ્યક્ત કર્યો છે.

તાઇવાન સરકારના પ્રવક્તા મિશેલ લીએ બેઇજિંગમાં ટ્રમ્પ-શી શિખર મંત્રણા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમેરિકા દ્વારા વારંવાર તાઇવાનને સમર્થ દોહરાવવામાં આવ્યું તે બદલ અમે તેમના આભારી છીએ.

બંને મહાસત્તાઓ વચ્ચેની આ બેઠકમાં તાઇવાનનો મુદ્દો મહત્ત્વનો વિષય છે અને તાઇવાન આ મુલાકાત પર ખાસ નજર રાખે છે.

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને(GCMMF) અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે.

આ વધારો ભારતભરમાં 14મેથી લાગુ થઈ જશે.

પ્રેસ રિલીઝમાં જીસીએમએમફે જણાવ્યું હતું કે, "તેમણે મે, 2025થી દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. દૂધના ઉત્પાદન ખર્ચ અને ઑપરેશન્સમાં ખર્ચમાં વધારો થવાના કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે."

"પશુઓનો ચારો, દૂધના પૅકેજિંગ અને ઇંધણમાં પણ ભાવવધારો થયો છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે."

ફેડરેશને એમ પણ જણાવ્યું હતું કે, "પશુપાલકોને મળતા ખરીદ મૂલ્યમાં પણ 30 રૂપિયા પ્રતિકિલો ફેટનો વધારો કરવામાં આવ્યો છે, જે મે-2025 કરતાં 3.7 ટકા વધુ છે."

"અમૂલની નીતિ રહી છે કે દરેક રૂપિયામાંથી 80 પૈસા દૂધ ઉત્પાદન કરનારા લોકોને મળે. ભાવવધારાથી તેમને પણ ફાયદો થશે અને વધુ દૂધઉત્પાદન માટે તેઓ પ્રોત્સાહિત થશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા છે.

આજે બેઇજિંગના 'ગ્રેટ હૉલ ઑફ ધ પીપલ'માં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે તેમનો સ્વાગત સમારોહ યોજાયો હતો.

બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ યોજાશે.

ટ્રંપના પ્રતિનિધિમંડળમાં ટેસ્લાના ઇલોન મસ્ક અને એનવીડિયાના જેનસન હુઆંગ સહિત અનેક ટેક કંપનીઓના સીઇઓ સામેલ છે.

ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 2017ના ટ્રમ્પના ચીન પ્રવાસ વખતે નીચલા ક્રમના અધિકારીએ સ્વાગત કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન