'અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા...', અમદાવાદમાં છેલ્લા શ્વાસ લેતા પહેલાં બેગમ અખ્તરના કાર્યક્રમમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Shanti Hiranand
'ગઝલસામ્રાજ્ઞી પદ્મશ્રી બેગમ અખ્તરનો કાર્યક્રમ, નવી જ ગઝલોનો રસથાળ. શનિવારે, રાત્રે 9.30 વાગ્યે, શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં. ટિકિટના દર 4, 6, 8 અને 10 રૂ.'
બેગમ અખ્તરના જીવનનો છેલ્લો કાર્યક્રમ અમદાવાદના ટાઉન હૉલમાં જ્યારે 26 ઑક્ટોબર, 1974ના રોજ યોજાયો, ત્યારે આવી જાહેરખબરો અમદાવાદના ગુજરાતી સહિતના અન્ય ભાષાઓનાં અખબારોમાં પ્રકાશિત થઈ હતી.
તે જાહેરખબરોમાં એવું પણ લખ્યું હતું કે, 'અમેરિકા જતાં પહેલાં અમદાવાદમાં છેલ્લો શો'.
અમદાવાદ પછી ગુજરાતનાં અન્ય શહેરો વડોદરા અને સુરતમાં તેમના કાર્યક્રમો અનુક્રમે 29 અને 30 ઑક્ટોબરે હતા, જે ક્યારેય થયા જ નહીં.
અમદાવાદનો કાર્યક્રમ બેગમના જીવનનો છેલ્લો કાર્યક્રમ બની રહ્યો. કોઈ જૂના વડલા કે પીપળાના વૃક્ષ સાથે યાદો જોડાયેલી હોય તેમ બેગમના આ કાર્યક્રમની યાદો સંઘરીને અમદાવાદનો ટાઉન હૉલ આજે પણ કોઈ જૂના વડલા કે પીપળાની જેમ ઊભો છે.
...ને બેગમ લપસી પડ્યા... અમદાવાદમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Sunil Gamadiya
અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલો ટાઉન હૉલ સાબરમતી નદીના કાંઠે છે. ટાઉન હૉલના નાકેથી 1930માં ગાંધીજીની દાંડીકૂચ નીકળી હતી.
26 ઑક્ટોબર, 1974ના રોજ અમદાવાદના ટાઉન હૉલમાં બેગમ અખ્તરનો જે છેલ્લો કાર્યક્રમ યોજાયો હતો, તેનાં આયોજક નીલમબહેન ગામડિયા હતાં. તેઓ અમદાવાદમાં સંગીતના જલસા યોજવા માટે જાણીતાં હતાં.
નીલમબહેનના પુત્ર સુનિલભાઈ ગામડિયા જણાવે છે કે, "મારી મમ્મીએ બેગમ અખ્તર, તલત મહેમૂદ, જગજીત સિંહ સહિતનાં કલાકારોના કાર્યક્રમો અમદાવાદમાં યોજ્યા હતા. નીલમબહેને અગાઉ પણ બેગમના કાર્યક્રમો અમદાવાદમાં યોજ્યા હતા, તેથી બંને વચ્ચે સારો પરિચય કેળવાયેલો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનિલભાઈ ગામડિયાની ઑફિસ ટાઉન હૉલની પાસે જ છે. બેગમ અખ્તરના કાર્યક્રમોના કેટલાક દસ્તાવેજો, તસવીરો અને તે વખતે અખબારોમાં બેગમના અવસાનના જે સમાચાર તથા શ્રદ્ધાંજલિના લેખો પ્રકાશિત થયા હતા, તેનો સંગ્રહ તેમની પાસે છે.
બેગમ દિલ્હીમાં એક સંગીત સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુંબઈ થઈને 26 ઑક્ટોબરે એટલે કે કાર્યક્રમ હતો તે દિવસે જ સવારની ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યાં હતાં.
બેગમના કાર્યક્રમની વ્યવસ્થામાં સુનિલભાઈ પણ જોડાયેલા હતા. તે વખતે તેમની ઉંમર 19 વર્ષ હતી.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "બેગમ અખ્તરનો ઉતારો શહેરની હૉટેલ કેપ્રીમાં રાખવામાં આવ્યો હતો. હૉટેલના બાથરૂમમાં તેઓ લપસી પડ્યાં હતાં. તેમની તબિયત થોડી નાદુરસ્ત તો વર્તાતી જ હતી."

ઇમેજ સ્રોત, Tejas Vaidya / BBC
અમદાવાદમાં રહેતા મોનલ ફડિયા અને તેમના પિતા અનિલ ફડિયાએ બેગમ અખ્તરનો એ છેલ્લો કાર્યક્રમ શ્રોતા તરીકે સાંભળ્યો હતો.
અનિલ ફડિયા પણ અમદાવાદમાં સંગીતના જલસા યોજવા માટે જાણીતા હતા.
બેગમ તેમને પણ ઓળખતાં હતાં. અનિલ ફડિયા હવે હયાત નથી.
તેમના પુત્ર મોનલ ફડિયાએ તે પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે, "પ્રોગ્રામમાં આવ્યા ત્યારે બેગમના પગમાં દુખાવો હતો જ. તેમણે પપ્પાને કહ્યું કે 'અનિલજી, મેરે પૈરમેં બહોત દર્દ હૈ.'"
"ટાઉન હૉલની સામે નંદનવન બિલ્ડિંગ છે. ત્યાં અમારી ઑફિસ છે. ત્યાં ઑર્થોપેડિક ડૉ. સુમન શાહનું પણ દવાખાનું હતું."
"પપ્પાએ મને દોડાવ્યો કે તું સુમન શાહ પાસે જા. હું ત્યાં ગયો અને તેમણે પેઇનકિલર ગોળી આપી, જે બેગમે લીધી અને રાહત થઈ. ત્યારબાદ તેમણે કાર્યક્રમ શરૂ કર્યો હતો."
બેગમ અખ્તરે કાર્યક્રમમાં પ્રથમ કઈ રચના ગાઈ હતી?

ઇમેજ સ્રોત, Tejas Vaidya / BBC
તે દિવસે રાત્રે પોણા દસ વાગ્યે બેગમ અખ્તરે ગઝલ ગાવાનું શરૂ કર્યું હતું, જેમાં શ્રોતા તરીકે મોનલ ફડિયા પણ હતા. મોનલભાઈના પિતા અનિલભાઈ પણ શહેરમાં યોજાતા સંગીતના જલસાના આયોજનમાં કાર્યરત રહેતા હતા. બેગમ અખ્તર તેમનાથી પરિચિત હતાં.
મોનલ ફડિયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "તે વખતે મારી ઉંમર નાની હતી, પણ એટલું યાદ છે કે બેગમે તેમની પ્રસિદ્ધ ગઝલ 'અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા...' ગાઈ હતી."
બેગમ અખ્તરના અંતિમ કાર્યક્રમ વિશે સ્થાનિક અખબારમાં 10 નવેમ્બર, 1974ના રોજ લેખક શશિકાંત નાણાવટીનો લેખ છપાયો હતો, જેમાં લખ્યું હતું કે, "તાળીઓનું અભિવાદન ઝીલતાં-ઝીલતાં બેગમ અખ્તરે જે પ્રથમ રચના ગાઈ હતી તે 'પિયુ પિયુ કરત...' હતી. એક પછી એક ગઝલોનો દૌર ચાલ્યો અને બેગમની ગઝલો સાથે શ્રોતાઓની દાદથી વાતાવરણ તરબતર થઈ ગયું હતું."

ઇમેજ સ્રોત, Tejas Vaidya / BBC
તે દિવસોમાં અમદાવાદમાં ક્રિકેટ મૅચ રમાઈ રહી હતી, તેથી ક્રિકેટના કેટલાક જાણીતા ચહેરા અમદાવાદમાં હતા. તેમાંના મન્સૂરઅલી ખાન પટૌડી, બિશનસિંહ બેદી અને ચંદ્રશેખર જેવા ક્રિકેટરો પણ કાર્યક્રમમાં બેગમ અખ્તરને સાંભળવા પહોંચ્યા હતા. બેગમ અખ્તરે પટૌડી તરફ ઈશારો કરીને કહ્યું કે, "હુઝુર, આપ આગે તશરીફ લે આઇયે, તાકિ યે લોગ આપકો દેખ સકેં."
બેદીને તેમણે કહ્યું કે, "સરદારજી આપ ભી આ જાઇયે."
સુનિલ ગામડિયા જણાવે છે કે, "ઇન્ટરવલમાં ક્રિકેટરો બેગમને રૂબરૂ મળવા પણ ગયા હતા."
રાત્રિના સાડા બાર વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયો. તે વખતે બેગમે કહ્યું હતું કે, "તબિયત થોડી નરમ હોવાથી હું વધારે કાર્યક્રમ આપી શકું તેમ નથી, માટે માફી ચાહું છું." એટલું કહીને તેમણે કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.
ડૉક્ટરે જ્યારે બેગમ અંગે પૂછ્યું, 'આ બહેન કોણ છે?'

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાર્યક્રમ પૂરો થયા પછી બેગમ જ્યારે હૉટેલ પહોંચ્યાં, ત્યારે રાતે 2 વાગ્યે તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.
નીલમબહેનના ઘરની ફોનની ઘંટડી રણકી હતી અને તેમને જણાવવામાં આવ્યું હતું કે, તમે કોઈ સારા ડૉક્ટરને લઈને તરત હૉટેલ પહોંચો, બેગમને હૃદયરોગનો હુમલો થયો છે.
શશિકાંત નાણાવટીએ પોતાના લેખમાં બેગમની બીમારી અને સારવારની વધુ વિગતો આપતાં લખ્યું હતું કે, "બેગમની તબિયતના સમાચાર મળ્યા પછી નીલમબહેને બેગમની ગઝલોના પ્રશંસક ડૉ. મેનનને ફોન કર્યો. તેઓ તરત હૉટેલ પહોંચ્યા. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી, તેથી તેમણે તરત હૃદયરોગના નિષ્ણાત ડૉ. હસમુખ દેસાઈને બોલાવ્યા હતા. ડૉ. દેસાઈએ તરત જ બેગમને શહેરની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં અને ઑક્સિજન આપવાનું શરૂ કર્યું હતું."
બેગમની તબિયતને તત્પૂરતી રાહત મળી ગઈ હતી. ડૉક્ટરે તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. નીલમબહેન ત્યાં સતત ખડેપગે હતાં.
બેગમ અખ્તર સિગારેટના શોખીન હતાં. સુનિલભાઈ ગામડિયા બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવે છે કે, "બીજે દિવસે મમ્મીએ મને ચા ભરેલું થર્મોસ લઈને મોકલ્યો હતો. હૉસ્પિટલમાં બેગમના શરીર પર નળીઓ લાગેલી હતી. મેં થર્મોસ મૂક્યું. હૉસ્પિટલના બિછાને શરીર પર નળીઓ લાગેલી હતી, ત્યારે પણ બેગમ કૅપ્સ્ટન સિગારેટ પીતાં હતાં. ડૉક્ટરે મને કહ્યું કે, આ બહેન કોણ છે? સિગારેટ પીવે છે! મેં કહ્યું કે તમે મમ્મીને વાત કરજો."
માની કબર પાસે જ્યારે બેગમને દફનાવાયાં

ઇમેજ સ્રોત, Tejas Vaidya / BBC
જે દિવસે અવસાન થયું તે દિવસે સાંજે 7 વાગ્યે બેગમે નાળિયેરપાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં નીલમબહેને તરત નાળિયેરપાણી મંગાવીને તેમને પીવડાવ્યું હતું. ત્યારબાદ હૉસ્પિટલના દરવાજા પર ઘંટડીનો સતત અવાજ સાંભળતાં તેમણે કહ્યું હતું કે, "ઘંટી મત બજાઓ, મૈં અભી પ્રોગ્રામ શુરૂ નહીં કરુંગી." બસ, ત્યારથી બેગમે ભાન ગુમાવવાનું શરૂ કર્યું હતું. મૃત્યુના 2 કલાક અગાઉ તેઓ ખૂબ અસ્વસ્થ હતાં, એવી સ્થાનિક અખબારમાં નીલમબહેનની નોંધ છે.
30 ઑક્ટોબરે સાંજે 8.40 વાગ્યે તેમના પર હૃદયરોગનો ફરી હુમલો થયો હતો, જે જીવલેણ નીવડ્યો હતો. 9.00 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
બેગમ અખ્તરના મૃતદેહને રાતે નવોઢાની જેમ શણગારીને પ્રાથમિક ધાર્મિક વિધિ માટે અમદાવાદના સુલતાન અહેમદ ઝનાના યતીમખાનામાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં યતીમખાનાની બહેનોએ ગુસલવિધિ કરી હતી અને કુરાનનું વાંચન કર્યું હતું.
બેગમનો મૃતદેહ વિમાનમાર્ગે દિલ્હી થઈને કાનપુર લઈ જવાયો હતો અને ત્યાંથી રોડમાર્ગે કારમાં લખનૌ લાવવામાં આવ્યો હતો. લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં પસંદબાગ ખાતે તેમનાં માતા મુશ્તરી બેગમની કબર પાસે બેગમ અખ્તરના પાર્થિવ દેહને દફનાવવામાં આવ્યો હતો.
બેગમ અખ્તરને અમદાવાદે કેવી શ્રદ્ધાંજલિ આપી?

ઇમેજ સ્રોત, Sunil Gamadiya
રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ એ વખતે સરદાર પટેલની જન્મશતાબ્દી ઉજવણીના ઉપલક્ષ્યમાં 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા. તેમણે બેગમના નિધનનો શોકસંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, "સંગીતની આરાધનામાં સમગ્ર જીવન સમર્પિત કરનારાં બેગમ અખ્તરનું અણધાર્યું અવસાન આઘાતજનક છે. તેમણે ગાયકીની કલાને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો અને એ રીતે ગઝલસામ્રાજ્ઞીનું બિરુદ મેળવ્યું હતું. તેમના મધુર સ્વરની ખોટ સંગીતના ચાહકોને સાલશે. સદ્ગતના કુટુંબને હું મારી ઊંડી સહાનુભૂતિ પાઠવું છું."
30 ઑક્ટોબરે જ્યારે બેગમના અવસાનના સમાચાર અમદાવાદમાં પ્રસર્યા, ત્યારે શહેરના ટાઉન હૉલ અને ટાગોર હૉલ ખાતે ચાલુ કાર્યક્રમો બંધ રાખીને મૌન પાળવામાં આવ્યું હતું.
બેગમના અવસાન પછી નીલમબહેન ગામડિયાએ તેમની પુણ્યતિથિ નિમિત્તે ઘણાં વર્ષો સુધી શ્રદ્ધાંજલિકાર્યક્રમો યોજ્યા હતા. બેગમ અખ્તરની 7મી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદના એ જ ટાઉન હૉલમાં યોજાયો હતો, જ્યાં બેગમનો છેલ્લો શો થયો હતો. બેગમનાં શિષ્યા શાંતિ હીરાનંદે બેગમની પ્રિય તેમજ જાણીતી ગઝલો તે વખતે રજૂ કરી હતી.
અખ્તરીબાઈ બેગમ અખ્તર કઈ રીતે બન્યાં?

ઇમેજ સ્રોત, Saleem Kidwai
1930ના દાયકામાં બેગમ અખ્તરે કોલકાતા (તે વખતે કલકત્તા)માં મંચ પર પહેલી વખત ગાયન પ્રસ્તુત કર્યું હતું. તે કાર્યક્રમ બિહારમાં ભૂકંપપીડિતો માટે યોજવામાં આવ્યો હતો.
તે વખતે તેમના શ્રોતાઓમાં 'ભારત કોકિલા' સરોજિની નાયડુ પણ હતાં. તેમની ગાયકીથી તેઓ એટલાં પ્રભાવિત થયાં હતાં કે સ્ટેજ પાછળ જઈને તેમને વધામણી આપી અને પછી ખાદીની એક સાડી પણ ભેટ મોકલી હતી.
બેગમના અવસાન પછી 1 નવેમ્બરે 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'માં છપાયું હતું કે, 1934માં કલકત્તાથી તેમની સંગીતસફરની જાહેર શરૂઆત થઈ હતી. ક્વેટા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં આવેલા ભૂકંપનો ભોગ બનેલા લોકોના રાહત ભંડોળ માટે કલકત્તાના આલ્ફ્રેડ થિયેટરમાં સંગીત જલસો યોજાયો હતો. ત્યાંથી તેમના જાહેર કાર્યક્રમોની શરૂઆત થઈ હતી.
લખનૌથી થોડે દૂર ફૈઝાબાદમાં બેગમ અખ્તરનો જન્મ થયો હતો, તેથી તેઓ અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે પણ ઓળખાતાં હતાં.
વરિષ્ઠ પત્રકાર પ્રમોદ દ્વિવેદીએ નોંધ્યું છે કે, બૅરિસ્ટર ઇશ્તિયાક અહમદ અબ્બાસી સાથે બેગમનાં લગ્ન થયાં પછી વર્ષો સુધી તેમણે ગાયું નહોતું. લખનૌ રેડિયોના અધિકારી લવકુમાર મલ્હોત્રાના આગ્રહથી તેમણે 'બેગમ અબ્બાસી'ના નામે પણ ગાયું હતું. 'બેગમ અખ્તર' નામ પણ તેમને મલ્હોત્રાએ આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















